- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- અમેરિકન બ્લેક અને ભારતની અસ્પૃશ્યતા વચ્ચે એક ભેદ પણ છે. બ્લેકનો કાળો રંગ એ રંગભેદને કારણે ઊભો થયેલો પ્રશ્ન છે, જ્યારે અસ્પૃશ્યતાનો પ્રશ્ન એ જાતિભેદને કારણે છે
વે દનાને ક્યાં કોઈ નામ-સરનામું હોય છે ! પારાવાર શોષણ સહેરી શોષિત પ્રજાને તો સદા શોષણનો ભોગ બનવું પડે છે અને એમનું શોષણ કરનારા પણ નવા નવા ઉપાયો, કાયદાઓ અને રસ્તાઓ શોધીને એમના હાડચામ ચૂસી લેતાં હોય છે. ભારતીય દલિત સાહિત્ય અને અમેરિકન નિગ્રો સાહિત્યની વેદના કથાઓમાંથી પસાર થતાં એ માનવજાતની શરમજનક કથાઓ લાગે છે. એમાં અપમાન, તિરસ્કાર અને યાતના સિવાય કશું જોવા મળતું નથી. એક એવું સામ્ય પણ છે કે ભારતમાં જેમ દલિતો શોષિત અલ્પસંખ્યક છે, તો અમેરિકામાં નિગ્રો(૧૯૭૦ પછી આ શબ્દ પ્રયોજાતો નથી. એને બદલે બ્લેક કે આફ્રિકન-અમેરિકન શબ્દ વપરાય છે) અલ્પસંખ્યક છે. બંને શોષિત અને અલ્પસંખ્યક હોવા છતાં એમના શોષણનો પ્રકાર સાવ ભિન્ન છે.
નવા વિશ્વને નામે ઓળખાતા અમેરિકાએ સત્તા અને સંપત્તિ મેળવવા માટે જબરજસ્તીથી આફ્રિકન મૂળનાં અશ્વેત લોકોને અમેરિકા લઈ આવ્યા. નવું વિશ્વ રચવા માટે એમની પાસે કાળી મજૂરી કરાવીને પ્રભુત્વ સ્થાપવું હતું. આથી આફ્રિકા ખંડમાંથી લાવેલા મજૂરોને ગુલામીના કાયદા હેઠળ મુશ્કેટાટ બાંધીને એમનું ભયાનક શોષણ કરવા લાગ્યા. ભારતીય દલિત સમાજ કરતા અમેરિકાના અશ્વેત સમાજને પોતાના મૂળ વતન આફ્રિકા સાથે સંબંધ સાવ તોડી નાખવામાં આવ્યો. માત્ર એમનું આફ્રિકન શરીર અને મન સિવાય એ આફ્રિકનોની ભાષા, ધાર્મિકતા, ઇતિહાસ, પ્રણાલિકા, સંસ્કૃતિ એ બધાને ભૂંસી નાખવામાં આવી અને ધીરે ધીરે સમય જતાં આ બ્લેક લોકોમાં 'વ્હાઇટ લોહી'નો સંચાર કરવા માટે એમના ધર્મ અને સંસ્કૃતિ એમના પર લાદવામાં આવ્યા, જેને પરિણામે એ એમના આફ્રિકન મૂળથી સાવ ઉખડી ગયા.
એક અર્થમાં એવું થાય કે એક ભૂમિ પર ઊગેલા સુંદર વૃક્ષને બળજબરીથી ખેંચી લઈને પ્રતિકૂળ પર્યાવરણવાળા અપરિચિત પ્રદેશમાં અને અજાણી ભોંય પર એને ઉગાડવામાં આવે તેવું બન્યું. ધીરે ધીરે આ બ્લેક નવા વિશ્વ અમેરિકામાં કાળી મજૂરી કરવા લાગ્યા અને એ પછી એ ત્યાં જ ઠરીઠામ થયા. એને પરિણામે તેઓ એમના માદરે વતન આફ્રિકાથી દૂર ચાલ્યા ગયા અને આથી જ આજે કેટલાક બ્લેક કવિઓને 'વોટ ઈઝ આફ્રિકા ટુ મી ?' એવો પ્રશ્ન સતત બેચેન કરતો રહ્યો. જે મિસિસિપીની નદીની આસપાસ અમેરિકાએ ગુલામીની પ્રથાને જાળવવા માટે એવી નિર્દયતા દાખવી કે એ મિસિસિપી નદીના પાણીમાં નિગ્રોનાં આંસુ સતત વહેતા રહ્યા.
ધીરે ધીરે બ્લેક પ્રજાના ભાષા, ધર્મ, સંસ્કૃતિ, વેશભૂષા એ બધામાં પરિવર્તન આવ્યું અને એથીયે વધુ એમણે ગોરી પ્રજાનાં નામ અને ઉપનામ પણ સ્વીકારી લીધા. આ બધું હોવા છતાં એમને કોઈ અધિકાર મળ્યો નહીં, એમના પર જુલામ વરસતો રહ્યો, શહેરના અમુક છેવાડાના વિસ્તારોમાં જ એમને રહેવું પડતું, હકીકતમાં તો શ્વેત લોકોનાં નગરના દ્વારની બહાર એમને વસવું પડતું. અમેરિકામાં ભારતના જેવી અસ્પૃશ્યતા નહોતી, પરંતુ એમના બ્લેકને આઉટકાસ્ટ એટલે કે બહિષ્કૃત તરીકે ઓળખવામાં આવતા હતા. એમને પોતાનો નિવાસ બદલવાની પણ અનુમતિ નહોતી અને આજે પણ અમેરિકાનું સઘળું સ્વીકારી લેનારા અશ્વેતોને શ્વેત પ્રજા ધિક્કારે છે.
અમેરિકન નિગ્રોનાં સંદર્ભમાં ભારતીય દલિત સમાજમાં ચામડીનો રંગ નિર્ણાયક ન બન્યો, પરંતુ વર્ણવ્યવસ્થાને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ. એક અર્થમાં અસ્પૃશ્યતા એ ધાર્મિક અને સામાજિક ગુલામી જ હતી. બ્લેકની જેમ એમના પર ભાષા, ધર્મ કે સંસ્કૃતિ લાદવામાં આવી નહીં, પરંતુ એમને આ સમાજમાં બહિષ્કૃત રૂપે જીવવું પડયું.
અમેરિકાના અશ્વેતોની માફક જ ભારતમાં અસ્પૃશ્યોને એક સમયે સંપત્તિ ૫૨ અધિકાર નહોતો. અમેરિકાના બ્લેકને રંગભેદનો ભોગ બનવું પડયું, તો ભારતમાં દલિતોને ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક બહિષ્કૃતતા સહન કરવી પડી. એક સમયે એમનાં શારીરિક સ્પર્શથી પણ લોકો દૂર રહેતા હતા. સમયની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં અસ્પૃશ્યો પર લાદવામાં આવેલી ગુલામી અમેરિકાના બ્લેક પર લાદવામાં આવેલી ગુલામીથી વધુ પ્રાચીન છે. એ નિગ્રો પોતાના માલિકને પોતાને સ્વતંત્રતા કરવા માટેની કીમત ચૂકવી મુક્ત થઈ શકતો, જ્યારે જન્મને આધારે ભારતમાં મનાતી અસ્પૃશ્યતાને કારણે આવી કોઈ મુક્તિ નહોતી. બલ્કે એ સાર્વત્રિક અને સર્વકાલીન હતી.
સાર્વત્રિક એ માટે કે એની પાછળ ધાર્મિક માન્યતા હતી. અસ્પૃશ્યતાની પાછળ શાસ્ત્રવચનો હતાં, જ્યારે અમેરિકાની ગુલામીને ધર્મનો કોઈ સબળ સધિયારો નહોતો. આ દ્રષ્ટિએ ભારતમાં દલિતોનું શોષણ થયું તે સર્વગ્રાહી સ્વરૂપનું બની રહ્યું. એ દેશના સપૂત હોવા છતાં દેશની સત્તા, સંપત્તિ કે સંસ્કૃતિનો કોઈ હિસ્સો એમને પ્રાપ્ત ન થયો. અમેરિકાના બ્લેક તો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસવા જઈ શકતા હતા, પરંતુ ભારતીય દલિત સમાજની આવી કોઈ પરિસ્થિતિ નહોતી. બે-અઢી સદીઓ પછી પણ અમેરિકન નિગ્રો આત્મવિશ્વાસથી અમેરિકાને માટે એમ કહી શકતો નથી કે, `The land is ours and we are the land's - આ ભૂમિ અમારી છે અને એ સમયે ૧૪મી એપ્રિલે જેમની જયંતિ છે એવા ડો. આંબેડકરે ગાંધીજી સમક્ષ પોતાની વ્યથા આ શબ્દોમાં રજૂ કરી હતી `Gandhiji, I have no homeland.' બ્લેક પાસે તો એક આફ્રિકાનો આધાર હતો, ક્યાંક મૂળ વતનની યાદ હતી અને પછી અમેરિકામાં 'માર્જીનલ' હોવા છતાં ધીરે ધીરે પોતાના મૂળ વતનની એ ઝાંખી પામતા રહ્યા. જ્યારે આ દેશમાં દલિતો માટે એવી પરિસ્થિતિ નહોતી અને એને કારણે જ દલિતસર્જક આ દેશ પ્રતિ એક જુદો જ ભાવ અનુભવે છે.
એમને પેઢી દરપેઢી માત્ર મજૂરી કરવી પડી, સવર્ણોની વસ્તીમાં રહેવાનો એમને અધિકાર નહોતો જેવી પરિસ્થિતિ બ્લેકની અમેરિકામાં હતી. ભારતમાં તો એમનો સ્પર્શ અપવિત્ર, અરે ! એમની છાયા પણ અપવિત્ર અને એમના પર લાદવામાં આવેલી આચારસંહિતા પણ એટલી જ અમાનુષી. એક સમયે તો એમને ઘરેણાં પહે૨વાં કે સારાં કપડાં ૫હે૨વાની કે સારું નામ રાખવાની પણ પાબંદી હતી. એમના લગ્નનો વરઘોડો નીકળી ન શકે - આજે એ ચિત્ર થોડું બદલાઈ રહ્યું છે.
અમેરિકન બ્લેક અને ભારતની અસ્પૃશ્યતા વચ્ચે એક ભેદ પણ છે. બ્લેકનો કાળો રંગ એ રંગભેદને કારણે ઊભો થયેલો પ્રશ્ન છે, જ્યારે અસ્પૃશ્યતાનો પ્રશ્ન એ જાતિભેદને કારણે છે, એકનો સંબંધ નૃવંશ સાથે છે, જ્યારે બીજાનો એટલે કે ભારતીય દલિતનો સંબંધ સમાજશાસ્ત્ર સાથે છે. બ્લેક જેમ પોતાનો રંગ બદલી શકતા નથી, એમ અસ્પૃશ્ય પોતાની જાત બદલી શકતા નથી. પણ તફાવત એટલો છે કે નિગ્રોની ત્વચાનો રંગ એ એને પ્રકૃતિથી પ્રાપ્ત થયો છે, જ્યારે અસ્પૃશ્યતા એ માનવનિર્મિત છે, પરંતુ બંનેની પરિસ્થિતિનું નિર્માણ મનુષ્યની સ્વાર્થવૃત્તિએ કરાવ્યું છે.
બંનેએ આત્મહીનતા અને આત્મતિરસ્કારનો અનુભવ કર્યો છે અને એથીયે વિશેષ તો બંનેને કર્મવાદની જેલમાં બંદી બનાવવામાં આવ્યા છે. આવી ગુલામી દાનવતાને જન્મ આપે છે. એ ગુલામો ૫૨ વિવશતા લાદી દે છે. એ અવસ્થામાં એ કરે પણ શું ? જેવા કર્મ કર્યા હશે, તે ભોગવવું પડે છે. પરિણામે જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરે છે અને અંતે એ ઈશ્વર પાસે મૃત્યુનું વરદાન માગે છે. 'અભંગગાથા'માં કહ્યું છે,
र्इश्वर, चहु चहु ओर से धिरा है दावानाल क्यों न आती है तुम्हें दया ।।
અમેરિકામાં ગુલામીની પ્રથા ભલે દૂર થઈ હોય, પરંતુ હજી અશ્વેતોની વિવશતા હજી એટલી જ છે. દમનનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ વેદના તો એટલી જ કાયમ છે. હજી રંગભેદ સઘળે જોવા મળે છે અને નિગ્રો પ્રજાના ગીતોમાં ગુલામો દ્વારા કહેવામાં આવેલી યાતના અને અનુભવો દ્રષ્ટિગોચર થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં તો શ્વેત પ્રજાના આધિપત્યનું છાશવારે રણશિંગુ ફૂંકવામાં આવે છે. એ જ રીતે ભારતમાં પણ અસ્પૃશ્યતા દ્વારા લાદવામાં આવેલી વેદના અને વિવશતાનું પ્રતિબિંબ દલિત સાહિત્યમાં મળે છે.
એક પરિસ્થિતિ એવી છે કે પોતાને ઉગા૨વા માટે નિગ્રો ગુલામોએ ઈસુ ખ્રિસ્તને પોકાર કર્યો હતો. તો દલિત સંતકવિઓએ 'વિઠ્ઠલ'ને પોતાની આ વેદનાની વાત કરી છે. હકીકતમાં તો કોઈ પણ દેશની સંસ્કૃતિના પાયામાં તો એ દેશનાં શોષિતો, વંચિતો અને શ્રમિકોનાં ખૂન- પસીના અને આંસુ હોય છે. આજે અમેરિકાની સમૃદ્ધિના મૂળમાં શું છે ? પરંતુ સ્થાપિત વર્ગ એના તરફ ધ્યાન આપતો નથી અને આને કારણે મનુષ્યતાનો નકાર કરવામાં આવે છે. આથી જ ઉમાકાંત રણધીરની પંક્તિઓનું સ્મરણ થાય છે.
लहू की जाति नहीं होती,
न होता है वर्ण और धर्म
वह नहीं होता महार,
ब्राह्माण या नीग्रो
लहू गूलाम नहीं होता...
लहू होता है मुक्त असीम
लहू होता है लहू के जैसा
लाल गर्म, लाल गर्म
माटी से उगता है और माटी में मिलता हैं ।
મનઝરૂખો
મેક્સિકોના દરિયા કિનારે ઘૂમી રહેલા એક પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. એક વૃદ્ધ મેક્સિકન દરિયાકિનારે વાંકો વળીને 'સ્ટાર-ફિશ' માછલીને લઈને પાણીમાં પાછી નાખતો હતો. બન્યું હતું એવું કે આ દરિયાકિનારે હજારો સ્ટાર- ફિશ ભરતી આવતાં તણાઈને કિનારે આવતી હતી અને પછી ઓટના સમયે એ દરિયાકિનારા પર ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. કેટલીક સ્ટાર-ફિશ જીવવા માટે તરફડિયાં મારતી હતી, ત્યારે કેટલીક તો નિષ્પ્રાણ બનીને કિનારે પડી હતી. પેલો વૃદ્ધ મેક્સિકન જીવતી કે જીવવા માટે તરફડિયાં મારતી સ્ટાર-ફિશને લઈને પાણીમાં ફેંકતો હતો. પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. આટલી બધી સ્ટાર- ફિશ દરિયાકિનારે પડી છે અને આ એકલો માનવી શું કરી શકશે ? પ્રવાસીએ જઈને વૃદ્ધ મેક્સિકનને પૂછયું તો એણે કહ્યું, 'હું ભરતીમાં કિનારે તણાઈને આવેલી સ્ટાર-ફિશને પાણીમાં નાખું છું, જેથી એ જીવતી રહે.' પ્રવાસીએ મજાક કરતાં કહ્યું, 'અરે, આટલી બધી સ્ટાર-ફિશ તણાઈને દરિયાકિનારે આવી છે, તમે એક એક સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખો છો, પણ મને લાગતું નથી કે તમે બધી જ સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખી શકો. મને લાગે છે કે તમને વાસ્તવિકતાનો ખ્યાલ નથી. દુનિયાભરમાં કેટલાય દરિયાકિનારે આવું બનતું હોય છે અને કોઈ બધી સ્ટાર-ફિશ પાછી પાણીમાં નાખી શકતું નથી, માટે આ મફતની મહેનત ૨હેવા દો.' વૃદ્ધ મેક્સિકને દરિયાની રેતીમાં પડેલી એક સ્ટાર-ફિશને ઉઠાવીને પાણીમાં નાખતાં કહ્યું, 'જુઓ, આ સ્ટાર-ફિશને તો ફરક પડી રહ્યો છે ને. હું એટલું વિચારું છું કે હું એકલો બધી સ્ટાર-ફિશને બચાવી શકતો નથી, પણ એકલો છું માટે આ કામ નહીં થઈ શકે એવી ઉપેક્ષા કરનારો હું નથી. એકલો માણસ પણ પરિસ્થિતિમાં અને વાસ્તવિકતામાં પરિવર્તન કરી શકે છે.'


