Get The App

શું ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ આપણને પ્રલયને આરે લઈ જશે?

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
શું ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગ આપણને પ્રલયને આરે લઈ જશે? 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

- ક્યુબાથી પ્રાગ સુધીની 64 વર્ષની સફરનો છેલ્લો શ્વાસ ખતમ

તા રીખ ૫ ફેબુ્રઆરી, ૨૦૨૬. વિશ્વના ઈતિહાસમાં એક એવો દિવસ, જ્યારે માનવજાતિના અસ્તિત્વની સુરક્ષા માટે બાંધેલો છેલ્લો મોટો આણ્વિક કરાર સમાપ્ત થઈ ગયો. 'ન્યૂ સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી' (New START), જેને ગુજરાતીમાં 'નવી વ્યૂહાત્મક શસ્ત્ર ઘટાડા સંધિ' તરીકે ઓળખવામાં આવે છે, તેની મુદત પૂરી થઈ થઈ ગઈ છે. એટલું જ નહીં, હવે તેના વિસ્તરણ અંગે, અમેરિકા કે રશિયા વચ્ચે કોઈ સહમતી થઈ શકી નથી. આ સાથે જ, શીતયુદ્ધની ઊંચી તાપમાનવાળી દુનિયા પછી, પ્રથમ વખત એવો સમય આવ્યો છે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી આણ્વિક શક્તિઓ - અમેરિકા અને રશિયા - વચ્ચે તેમના પરમાણુ શસ્ત્રોની સંખ્યા પર કોઈ બંધનકારી કાનૂની મર્યાદા રહી નથી. આ સંધિની સમાપ્તિ માત્ર એક કાનૂની ઔપચારિકતા નથી; તે વૈશ્વિક સુરક્ષાના ગઢમાં પડેલી એક તિરાડ છે. નેચર જર્નલમાં ૨૦૨૨માં પ્રકાશિત અભ્યાસ મુજબ, અમેરિકા અને રશિયા વચ્ચેના મોટા પાયે ન્યુક્લિયર વૉરથી વાતાવરણમાં એટલી કાર્બન મેશ ફેલાશે કે વૈશ્વિક તાપમાન ઘટી જશે. ખાદ્ય ઉત્પાદન ધરાશાયી થશે. અંદાજે ૫ અબજથી વધુ લોકો ભૂખમરાથી મૃત્યુ પામશે. ઈરાન- અમેરિકા - ઇઝરાયેલની નવી યુદ્ધ સંભાવનાઓ વિશ્વને ક્યાં લઇ જશે?

 'ઓન-ઓફ' સ્વીચનો અંત 

જો આપણે આણ્વિક સંધિઓના ઈતિહાસને એક નદી તરીકે જોઈએ, તો તેનું ઉદ્ગમ સ્થાન ૧૯૬૨નો ક્યુબન મિસાઈલ કટોકટી છે. તે સમયે વિશ્વ માત્ર બે અઠવાડિયા માટે સંપૂર્ણ વિનાશને આરે ઊભું રહ્યું હતું. અમેરિકા અને તત્કાલીન સોવિયેત યુનિયન વચ્ચે પરમાણુ યુદ્ધની આટલી નજીક પહોંચી ગયેલા, તે અનુભવે બંને દેશોના નેતૃત્વને એક કડવું સત્ય સમજાવી દીધું : 'આંધળી શસ્ત્રોની હોડમાં કોઈ વિજેતા નથી હોતો, ફક્ત પરાજિતો જ હોય છે.' આ ભયાનકતાના પડછાયામાંથી જ આણ્વિક નિયંત્રણની પ્રથમ પહેલોનો જન્મ થયો. ૧૯૬૩માં બે રાષ્ટ્ર વચ્ચે લિમિટેડ ટેસ્ટ બાન ટ્રીટી થઈ હતી. જેણે વાતાવરણ, અવકાશ અને પાણીની અંદર પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂક્યો. આ પછી ૧૯૭૨માં આવ્યો : 'સોલ્ટ-૧' (SALT-I) કરાર. જે અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન અને સોવિયેત નેતા લિયોનીદ બ્રેજનેવ વચ્ચે થયો. તેમાં બે મહત્વપૂર્ણ ભાગ હતા : એક તો એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ (ABM) સંધિ, જેણે બંને દેશોની બેલિસ્ટિક મિસાઈલોને રોકવાની ક્ષમતા મર્યાદિત કરી; અને બીજો અસ્થાયી કરાર, જેણે આંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઈલો (ICBM) અને પાણીની અંદરથી છોડવામાં આવતી મિસાઈલો (SLBM)ની સંખ્યા પર અમુક અંશે અંકુશ મૂક્યો. 

આ પછી SALT-II, START અને ઐતિહાસિક INF (Intermediate-Range Nuclear Forces)  સંધિ આવી. ખાસ કરીને ૧૯૮૭ની INF સંધિમાં પ્રથમ વખત સંપૂર્ણ શ્રેણીની મિસાઈલો (૫૦૦થી ૫૫૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતી)નો સંપૂર્ણ વિનાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૨,૬૯૨ મિસાઈલોનો નાશ કરવામાં આવ્યો હતો. ફાસ્ટ ફોરવર્ડ વડે આપણે ૨૦૧૦માં પહોંચીએ છીએ, જ્યારે પ્રાગમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે 'ન્યૂ સ્ટાર્ટ' પર હસ્તાક્ષર કર્યા. આ સંધિ માત્ર સંખ્યાઓની મર્યાદા ન હતી, પરંતુ તે એક પારદર્શકતાનું ઉદાહરણ હતું. જ્યાં દર વર્ષે ૧૮ સ્થળ નિરીક્ષણ, ૨૫,૦૦૦થી વધુ સૂચનાઓ અને ઉપગ્રહો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવતી હતી.

ન્યૂ સ્ટાર્ટની વિરાસત અને વિનાશ

ન્યૂ સ્ટાર્ટ સંધિ માત્ર પરમાણુ શસ્ત્રો કે તેને લઈ જનારા વાહનોની સંખ્યાની સંખ્યાઓની મર્યાદા પૂરતી સીમિત ન હતી; તે એક જટિલ અને વિશ્વસનીય ચકાસણી પણ પ્રણાલી હતી. આ સંધિએ તૈનાત વ્યૂહાત્મક વોરહેડ્સની સંખ્યા ૧,૫૫૦ સુધી મર્યાદિત કરી દીધી હતી. જે તેના પુરોગામી સંધિ SORT (મોસ્કો ટ્રીટી)ના ૨,૨૦૦ના ઉપલા મર્યાદા કરતાં ૩૦ ટકા ઓછી હતી. સાથે જ, ડિલિવરી વ્હીકલ્સ (મિસાઈલો અને બોમ્બર્સ)ની મર્યાદા START-Iના ૧,૬૦૦ના આંકડાથી ઘટાડીને ૭૦૦ કરવામાં આવી હતી. ઓબામા અને મેદવેદેવની આ સમજૂતીમાં ઉભયપક્ષીય સલાહકાર આયોગ જેવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જે સંધિના અમલીકરણ અને અર્થઘટન માટે નિયમિત બેઠકો યોજતી હતી. આજે પરમાણુ શસ્ત્રોની સંખ્યા અને તેના ઉપયોગને સંબંધીત કોઈ જ પ્રકારની સંધિ કે કરાર જીવંત નથી.  ઇતિહાસનું એક પ્રકરણ બની ગયેલી સંધિની વિગતોમાં ખરેખર શું એવું હતું, જેણે છેલ્લા દાયકામાં વિશ્વને મોટા યુદ્ધથી દૂર રાખ્યું હતું?

સંધિ મુજબ, દર વર્ષે બંને દેશોને ૧૮ સ્થળ નિરીક્ષણની છૂટ હતી. આ નિરીક્ષણ બે પ્રકારના હતા : ટાઈપ વન નિરીક્ષણો, જે તૈનાત અને બિન-તૈનાત વ્યૂહાત્મક પ્રણાલીઓ ધરાવતા સ્થળો પર કેન્દ્રિત હતા (દર વર્ષ ૧૦ સુધી), અને ટાઈપ ટુ નિરીક્ષણો, જે ફક્ત બિન-તૈનાત વ્યૂહાત્મક પ્રણાલીઓ ધરાવતા સ્થળો પર હતા (દર વર્ષે ૮ સુધી) બંને દેશ કરી શકતા હતા. આ નિરીક્ષણ દરમિયાન નિરીક્ષક ટીમ એક તૈનાત ICBM અથવા SLBM પર કેટલા રિએન્ટ્રી વ્હીકલ્સ (warheads) છે? તેની ગણતરી કરી શકતી હતી, તૈનાત ભારે બોમ્બર્સ પર અથવા તેની સાથે જોડાયેલા આણ્વિક શસ્ત્રોની ગણતરી કરી શકતી હતી, શસ્ત્ર પ્રણાલીઓના રૂપાંતર અથવા સંપૂર્ણ નાશની પુષ્ટિ કરી શકતી હતી. હવે પારદર્શક પ્રણાલી સમાપ્ત થઈ ગઈ છે. શું મોટા રાષ્ટ્ર ફરીવાર આવી કોઈ સંધિ કરશે કે પછી વિશ્વ ફરીવાર અનિયંત્રિત શસ્ત્રોની હોડ તરફ આગળ વધતા રહેશે?

ઐતિહાસિક વારસો હવે ધરાશાયી

જ્યારે આપણે આણ્વિક સંધિઓની વાત કરીએ છીએ, ત્યારે આપણે માત્ર કાગળો અને કલમોની વાત નથી કરતા. આ પ્રકારની સંધિમાં એવી વ્યક્તિઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમણે રાજકીય સાહસ અને દૂરંદેશીથી માનવજાતિને વિનાશના ખાડામાંથી પાછી બહાર ખેંચી કાઢી હતી. આમાં અગ્રણી નામ છે : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી. ક્યુબન મિસાઈલ કટોકટીના તે ભયાનક ૧૩ દિવસો બાદ કેનેડીએ સમજી લીધું હતું કે 'આંધળી શસ્ત્રોની હોડમાં માનવતા હારશે! તેમના પ્રયત્નોથી જ ૧૯૬૩માં લિમિટેડ ટેસ્ટ બાન ટ્રીટી શક્ય બની અને વોશિંગ્ટન-મોસ્કો વચ્ચે હોટલાઈન (સીધો સંદેશાવ્યવહાર) સ્થાપિત થયો. તેમનું વિચારદર્શન હતું કે, 'શાંતિ માટે સૌથી મોટો ખતરો એ છે કે 'આપણે એકબીજાની માનસિકતાને સરળતાથી સમજી શકતા નથી.' તેમના અકાળે અવસાન પછી પણ, તેમણે નાખેલો પાયો આગામી દાયકાઓ સુધી ટક્યો.

પછીનું મહત્વપૂર્ણ નામ છે રોનાલ્ડ રીગન : અને મિખાઇલ ગોર્બાચેવ. શીતયુદ્ધના આ બે વિરોધીઓએ એક એવો ઐતિહાસિક કરાર કર્યો હતો. જે આજે પણ આણ્વિક નિ:શસ્ત્રીકરણનો આધારસ્તંભ માનવામાં આવે છે. ૧૯૮૭ની INF સંધિએ બંને નેતાઓની વ્યક્તિગત સમજૂતીનું પરિણામ હતું. રીગન, જેમણે એક સમયે સોવિયેત યુનિયનને 'ઈવિલ એમ્પાયર' કહ્યું હતું, તેમણે જ ગોર્બાચેવ સાથે હાથ મિલાવીને સમગ્ર શ્રેણીની મિસાઈલોનો નાશ કરવાનો નિર્ણય લીધો. ૧૯૮૭ની ૈંશખ સંધિ હેઠળ અમેરિકા અને સોવિયેત યુનિયને કુલ ૨,૬૯૨ મિસાઈલોનો વિનાશ કર્યો હતો. જે માનવ ઈતિહાસમાં શસ્ત્રોના સૌથી મોટા સાબિત થયેલા વિનાશમાંનો એક છે. ગોર્બાચેવની 'ગ્લાસનોસ્ટ' અને 'પેરેસ્ટ્રોઇકા'ની નીતિએ, આ વિશ્વાસનું વાતાવરણ શક્ય બનાવ્યું હતું. આ સંધિએ આગામી સંધિઓ માટે એક ઉત્તમ ઉદાહરણ અને માપદંડ પ્રસ્થાપિત કર્યો હતો. આધુનિક યુગમાં ન્યૂ સ્ટાર્ટ સંધિના શિલ્પકાર હતા : બરાક ઓબામા અને દિમિત્રી મેદવેદેવ. ૨૦૧૦માં પ્રાગ શહેરમાં આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેને ઓબામા પ્રશાસને 'ઐતિહાસિક' ગણાવ્યો હતો.

'કોલ્ડ વોર રી-લોન્ચિંગ'

ન્યૂ સ્ટાર્ટ સંધિની સમાપ્તિ એક નવા, અનિશ્ચિત યુગની શરૂઆત છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના અહેવાલ મુજબ, વિશ્વમાં કુલ ૧૨,૩૨૧ પરમાણુ વોરહેડ્સ છે. જેમાંથી અમેરિકા અને રશિયા પાસે ૮૬ ટકા છે. રશિયા પાસે ૪,૩૦૦થી વધુ અને અમેરિકા પાસે ૩,૭૦૦ વોરહેડ્સનો સૈન્ય ભંડાર છે. સંધિ સમાપ્ત થઈ ત્યારે બંને દેશોએ પહેલેથી જ ૧,૫૫૦ની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, રશિયા પાસે ૧,૭૧૮ અને અમેરિકા પાસે ૧,૬૭૦ તૈનાત વ્યૂહાત્મક વોરહેડ્સ છે.

સંધિના અભાવે બંને દેશો શસ્ત્રાગારોને કોઈ બંધન વિના વિસ્તારી શકે છે. શીતયુદ્ધની જે નીતિ હતી. તે પ્રમાણે અમેરિકામાં 'ટ્રમ્પ-ક્લાસ' ન્યુક્લિયર (આણ્વિક) યુદ્ધ જહાજોના પુનરુદ્ધારની ચર્ચા શરૂ કરી છે. ઉપરાંત, એક નવા પ્રકારની ક્રુઝ મિસાઈલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જે પાણીની અંદરથી સબમરીન દ્વારા છોડી શકાય. રશિયા, જેનું અર્થતંત્ર અમેરિકાના દસમા ભાગ જેટલું છે, તે આ અનિયંત્રિત હોડમાં ટકી શકશે? કે પછી આ અસમાનતા વધુ આક્રમકતાને જન્મ આપશે?

આ સમીકરણમાં હવે ત્રીજો મોટો ખેલાડી ઉમેરાઈ રહ્યો છે : ચીન. અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કરી દીધું હતું કે 'કોઈપણ નવી સંધિમાં ચીનનો સમાવેશ થવો જોઈએ. પેન્ટાગોનના અંદાજ મુજબ, ચીન પાસે આશરે ૬૦૦ વોરહેડ્સ છ. તે ઝડપથી પોતાની લાંબા-અંતરની ન્યુક્લિયર મિસાઈલોની સંખ્યા વધારી રહ્યું છે. પરંતુ ચીને ત્રિપક્ષીય સંધિમાં જોડાવાની ના પાડી દીધી છે. એક તરફ અમેરિકા-રશિયાની દ્વિ-ધુ્રવીય હરીફાઈ હતી, તે હવે ત્રિ-ધુ્રવીય સ્પર્ધામાં પરિવર્તિત થઈ રહી છે. નિષ્ણાતો ચેતવે છે, 'આ અનિયંત્રિત ત્રિ-ધુ્રવીય હરીફાઈ, ભૂલથી થતા 'ન્યુક્લિયર વૉર'ની સંભાવનાને વધારી શકે છે. બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સના ડેનિયલ હોલ્ઝના મતે, વિશ્વ 'ડૂમ્સડે' (પ્રલય દિવસ)થી પહેલા કરતાં પણ વધુ નજીક આવી ચુકી છે. જ્યારે વિશ્વની સૌથી મોટી આણ્વિક શક્તિઓ વચ્ચે કોઈ બંધન ન હોય, ત્યારે શું આપણે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં 'સંતુલન'ની જગ્યાએ 'અરાજકતા' સુરક્ષાનું સમીકરણ બની જશે?