- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- મોટી વયે ટાઇમ ટ્રાવેલ કરીને આપણી યંગ સેલ્ફ (જુવાન જાત)ને મળો તો અનુભવે શું શિખામણ આપો? યુવાન જ હો તો લાઇફના પ્લાનિંગ માટે શું ધ્યાન રાખવા જેવું છે? વાંચો, આ અનુભવસિદ્ધ આર્ટિકલ!
ઇ ફ આઇ કુડ બિગિન અગેઇન... એક સમયે જાવેદ અખ્તર- નુસરત ફતેહઅલી ખાને જેના માટે 'આફરીન- આફરીન' લખેલું ગાયેલું એવી મૂળ કેનેડાની ભારતીય મોડેલ અભિનેત્રી લીઝા રે અપ્રતીમ સુંદર સ્ત્રી ! એની કાયાના મોહિનીસ્વરૂપ ગોળાર્ધો જીતવા પુરૂષો માટે પૃથ્વીના ગોળાર્ધો જીતવા કરતા અગત્યના લાગે એવું રૂપ નીતરતું આકર્ષણ હતું એનામાં. અને માત્ર ૩૭ વર્ષે એને કેન્સર થયું એ સર્વાઇવલ સ્ટોરી દાયકાઓ પહેલા કોલમમાં લખી છે એ પછી લિઝાએ ચાળીસમાં પ્રેમલગ્ન કર્યા, ને (સંભવત: સરોગસીથી) બે બાળકીઓની મા બની. અને અગાઉ જેનો દેહ જ બોલતો હતો, એનું હવે દિમાગ બોલે છે. બોલ્ડ ફોટોશૂટ કરાવતી, એવા જ બોલ્ડ વિચારો છે. એના જેવા જ બ્યુટીફૂલ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર એની ઇનસાઇટ્સ મળતી રહે છે. લિઝા હમણા ૫૪ વર્ષની થઈ ત્યારે એણે એક પોસ્ટ લખેલી. મોબાઇલની માફક મનમાં સેવ કરી રાખવા જેવી પોસ્ટ આ લેખના આરંભનું વાક્ય એ પોસ્ટની થીમ છે. જો હું ફરી શરૂઆત કરી શકું તો..
બેઝિકલી મુગ્ધાવસ્થાની ટીનએજ ઉંમરે ઘણાં બધા સપના ને ઘણી બધી અસલામતીઓ હોય છે. બધા જ પડતા આખડતા મોટા ને સાથે મેચ્યોર્ડ થાય પછી, ક્યાંક ને ક્યાંક એમને થાય છે કે આ વાત આપણે યુવાનીમાં ડગ માંડતા હતા એ તરૂણાઈમાં સમજાઈ હોત તો જિંદગી બેહતર હોત, અલગ હોત. પડયા આખડયા કે પછડાટ જખ્મો ખાધા વિના અમુક સમજદારી આવતી નથી. યૌવનમાં નાદાની હોય તો, ડહાપણની વાતો ત્યારે આગોતરી સમજાઈ ગઈ હોત તો ? ચાલો, પહેલા લિઝાએ શું લખ્યું એ જાણીએ.
'હું મારી વીસીમાં રહેલી યુવાન સેલ્ફ (જાત) સાથે બેસું તો એને કહું થોડો પથારો ઓછો કર. થોડી તૈયારી કર. ત્યારે મેનોપોઝ જેવું કશું આવશે એમ લાગતું જ નહોતું. એવું થતું કે એ (અને ઘડપણ) તો કોઈ બૂઢી- આન્ટીઓને જ આવશે, હું તો કાયમ કામણગારી યુવા જ રહીશ !
અને લાઇફના પ્લાન મારા માટે મેં ધારેલા નહોતા. અલગ હતા એમાં અણધાર્યું કેન્સર આવ્યું, કીમોથેરાપી આવી. હળવે હળવેને બદલે અચાનક જ સ્ત્રીત્વ પર કુઠરાઘાત કરતો મેનોપોઝ આવ્યો. ઠીક છે, આપણી શારીરિક તકલીફો અચાનક નથી આવતી, આપણી ભેગી જ આપણા શરીરમાં રહેતી હોય છે, દાયકાઓ સુધી ને પછી પ્રગટ થાય છે!
હું જો જવાન બનીને નવી શરૂઆત કરી શકતી, તો મારી જાતને નર્વસ સીસ્ટમની નાજુક સંભાળ લેવા માટે કહેત. એક ઉંમરે આપણે ગમે તેવા સ્ટ્રેસ હોવાને ગર્વનો મેડલ માનતા હોઈએ છીએ, પણ સતત સ્ટ્રેસમાં દોડધામ કરતા રહેવું કોઈ મજબૂતીની નિશાની નથી, ઇનફેક્ટ એ આમ જ રોજ ચાલે (ભાગાભાગી, ઉજાગરા, ઉતાવળ, એક સાથે સેંકડો કામ, ફટાફટ પરફોર્મન્સ, એકથી વધુ જવાબદારીઓ વગેરે) તો ધીરે ધીરે તમારા હોર્મોન્સનો કૂવો સૂકવી નાખે છે. કોઈ વાર સિચ્યુએશન મુજબ ઠીક છે. (બીજા સામે સુપર સ્ટ્રેન્થ બતાવવા) કાયમ ક્રોનિક સ્ટ્રેસમાં ન જીવાય.
હું મારી યંગસેલ્ફને કહેત કે કસરત કર, ખાવાપીવામાં કાળજી લે ખુદની અને મસલ્સ યાને સ્નાયુઓનું બિલ્ડઅપ કર. રૂડારૂપાળા દેખાવા માટે સ્નાયુબદ્ધ શરીર જોઈએ એમ નહિ, સારા પાચન, મેટાબોલિઝમ માટે અને હાડકાની ટટ્ટાર મજબુતાઈ માટે પણ જોઈએ ! પ્રોટીનયુક્ત આહાર, રેઝીસ્ટન્સ ટ્રેનિંગ બધું જુવાનીથી નિયમિત શરૂ કરવું જોઈએ.
નાની ઉંમરથી જ આપણી બાઉન્ડ્રીઝ, આપણી લિમિટ સેટ કરતા શીખવું જોઈએ. મહત્ત્વકાંક્ષાઓની પણ. આરામ અને આનંદ કોઈ અય્યાશી કે આળસ નથી એ પણ ઔષધ છે તમારી શાંતિને સુરક્ષિત રાખે. એમાં કોઈ ગાબડું ન પાડી જાય, એનું ધ્યાન રાખો. આપણે કોઈ કોન્સ્ટન્ટ આઉટપુટ યાને સતત ઉત્પાદન કર્યા કરતું મશીન નથી. આપણે માણસ છીએ. થોડા વિચિત્ર કે વાયડા લાગીશું. થોડા બેવકૂફ કે અક્કડ લાગીશું. ઇટ્સ ફાઇન આપણને મૂડ સ્વિંગ્સ હોય આપણે જેવી પરિસ્થિતિ હોય તેવા પ્રતિભાવ આપીએ, એમાં મૂંઝાવાની જરૂર નથી.
એક સ્ત્રી તરીકે મેન્સ્ટ્રુએશન સાયકલ ડેટા છે, ડ્રામા નથી. જીવનના અમુક તબક્કે નિષ્ફળતાઓ પણ તમારી જાતને નવેસરથી ઘડવાનો મોકો આપે છે. તમારા શરીરને કહો કે હું તને સંભાળીશ, તું મને સંભાળજે ! આયખાની વીસી યાને ટ્વેન્ટીઝમાં આ સમજવું ડર નથી, દીર્ઘદ્રષ્ટિ છે. તમારું શરીર તમારી સૌથી લાંબી, જૂની અને કાયમ ચાલતી રિલેશનશિપ છે. બધી વ્યક્તિઓ પછી, એ તમારું અસલી લાઇફ પાર્ટનર છે. કેર ફોર ઇટ !
***
લિઝા એવી બીમારીમાંથી પસાર થઈ કે જે તમને નેગેટીવ બનાવી દે, છતાં એ પૉઝિટિવ રહી તો નેચરલી આજે એ યુવાન લિઝાને મળે તો સૌથી વધુ વાત મેન્ટલ ને ફિઝિકલ હેલ્થની કરે પણ આ સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ખેડાયો પણ છે વારંવાર. ફિલોસોફિકલ જ નહિ, રિયલ છે : તમે તમારી જવાન જાતને, યંગર સેલ્ફને આજે મળો તો એને શી સલાહ આપો ?
તો અપુન સબ સે પહેલે ક્યા બોલેગા ખુદ કી જવાની કો ? આદર્શવાદી નહિ, વાસ્તવવાદી બનો. ઘેલા થઈને સુંવાળા સુવાક્યોથી દોરવાઈને પુસ્તકનો ભંડાર ભેગો કરી લેશો, પણ રૂપિયા નહિ કમાયા હો તો એને સરખી રીતે રાખવા જેવું એક ઘર મોટી ઉંમરે નહિ હોય. લોકો વખાણ કરશે, પણ લોનના હપ્તા નહિ ભરી દે. જુવાન ઉંમરે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ શીખો. જાત ઘસાતી જશે ને ચાલતી બંધ થવા લાગશે ત્યારે એ રોકાણ અનેકગણી મૂડી બનીને સહારો બનશે. રૂપિયાને ક્યારેય હળવાશમાં લેવો નહિ. ખોટું ન કરવું એ બરાબર પણ સાચું કરતા તો શીખવું પડે કમાણી માટે. મૂળ વાત એટલી જ કે જ્ઞાન કે વિદ્રોહ કે સચ્ચાઈ બધું ત્યારે જ સુરક્ષિત-સંવર્ધિત રહેશે જ્યારે આવક ચાલુ હોય. મુગ્ધ ઉંમરે દંભી અને ચાંપલા આદર્શવાદી, સામ્યવાદી, સેવાભાવી કે ધાર્મિક ઉપદેશો ખોટી અસર સાચુકલી કરતા હોય છે. ગુનાખોરીથી પૈસા કમાવા જરૂર પાપ છે, પણ સ્વામાનથી જીવવા માટે સંપત્તિ અનિવાર્ય છે.
કશું રોકાણ કર્યું હશે, જમીન, સોનુ, શેર કે કશું પણ થોડુંક બુદ્ધિપૂર્વક તો આપણે ઝડપભેર મોટા થઈ જશું ત્યારે એના ફળ મળશે. જવાન ઉંમરે બહુ દાર્શનિક, ધાર્મિક નહિ થઈ જવાનું ઉંધુ ઘાલીને કોઈને આઇકોન, આદર્શ, ગુરુ નહિ માની લેવાના. અને હા, યુવાનીમાં જે ખાધુંપીધું હશે એ ખભે આવશે મોટી ઉંમરે. નહિ ખાધુંપીધું હોય એ પણ. અર્થાત વ્યસનમુક્તિ. પ્રસંગોપાત રોમાંચ માટે ચાખવું એ ઠીક છે, પણ નાની વયે જ આખી જિંદગી ચાલતી આદતો પડી જાય છે. એવી કાયમી ગુલામી કોઈ ચીજની ન પોસાય. રિગ્રેટેબલ થઇ જશે પછી જો ત્યારે સ્પોર્ટસ નહિ રમ્યા હો તો. લગ્ન કરવા જ હોય તો વહેલા કરવા. બાકી ઉતાવળ ન કરવી. બ્રહ્મચર્યના ભ્રમમાં સેક્સનો આનંદ જતો ન કરવો.
અને નાચવું, ગાવું, તરવું કે ખાસ તો ડ્રાઈવિંગ ટુ વ્હીલર એન ફોર વ્હીલરનું બને એટલી યુવા ઉંમરે શીખવાનું ચાલુ કરવું. ત્યારે રિફ્લેક્સ એક્શન ઘડાય એ લાઇફટાઈમ કામ લાગે. પછી બહુ અઘરું પડે ! આમ સામાન્ય લાગે પણ પછી બહુ નડે એવી કેટલીક બાબતો : પેટ વધવા ન દેવું, વાળની સંભાળ લેવી એમાં ઓડધડ પ્રયોગો ન કરવા, વધુ પડતા કોસ્મેટિક્સથી જવાનીમાં જવાન જ લાગીશું પણ વૃદ્ધત્વ વહેલું આવી જશે. કરોડરજ્જૂ ટટ્ટાર રહે એવું જ પોશ્ચર રાખવું. વાંકા ખભા પછી સીધા નહિ થાય. અવાજને, ગળાને, આંખોને, કાનને બેશકીમતી રત્નોની જેમ સાચવવા. વોલ્યુમ ધીમું, નીંદર પૂરી, લાઉડ વોલ્યુમમાં ઇયર પ્લગ નહિ, મૌન એકાંતની ટેવ પાડવી. પગ સતત ફરતા રાખવા. અને મગજ તેજ રાખવું. વિચારમાં. સ્વભાવમાં નહિ. તોછડાઈથી દૂર રહેવું રિયલ લાઈફમાં. કોઈ ઉલ્લુ બનાવી જાય એટલા નરમ ન રહેવું. પણ મક્કમતા ને ઉધ્ધતાઈનો ફરક સમજવો. કારણ વગરના આવેશમાં સંબંધો બગાડવા નહિ કે વગર અંગત ઓળખાણે ને પૂરી વિગત વિના કોઇના પર જજમેન્ટ લેવું નહિ. ક્રોધ પર કાબૂ કરવો. ઉર્જા બચત કરી અગત્યના નિર્ણયો જોશને બદલે હોશમાં લેવા. અને હા, પ્રેમમાં નિખાલસતા નહિ, હોશિયારી કામ આવે છે.
આ સ્વની કેફિયત બાદ મન થયું કે કેટલાક મિત્રો, સેલિબ્રિટીઝ કે રીડરબિરાદરોને પણ આ સવાલ પૂછીએ. તાજેતરમાં આરજેની કરિઅરનો અધ્યાય જ્વલંત સિધ્ધિઓ સાથે પૂર્ણ કરનાર મલ્ટીટેલેન્ટેડ દેવકી શું કહે છે આ બાબતે ? 'યુવાવયે કંટાળો બહુ આવે. કથ્થક શીખવું હોય કે ચિત્રકામ, સાયકલ ચલાવવી હોય કે શાસ્ત્રીય સંગીત શિસ્ત રાખીને એ બાજુએ રાખી એમાં મહેનત કરવી. અખબારો, સમાચારો નિયમિત વાંચવાની ટેવ પાડવી. કવિતા, તર્કશાસ્ત્ર, ભારતીય ઇતિહાસ, વિશ્વની સંસ્કૃતિઓ, અંગ્રેજી, ભૂગોળ, અર્થશાસ્ત્ર, ફિલોસોફી બધું એકડેએકથી શીખવાનો વધતી ઉંમરે બિલકુલ સમય નહિ મળે ! આજે કોઈ મિત્ર ન બને તો કંઇ નહિ, આપણે કશુંક બનીશું તો મિત્રો પણ મળી રહેશે. પીપલ ને બદલે સ્કિલમાં ઇન્વેસ્ટ કરવું. બધાને રાજી રાખવા કરતા પોતાના ઘડતર પર ફોકસ કરવું. ફિટ રહીને હાર્ડવર્કિંગ થવું. બેઠા ન રહેવું. ઇનસિક્યોરિટીઝથી ગભરાતા નહિ બચ્ચા. નબળા આત્મવિશ્વાસને ખંખેરો, બીજા મદદે નહિ આવે. આપણું જ બેટર વર્ઝન આપણો ઉધ્ધાર કરશે ! ખુદની શાંતિના ભોગે કશું નહિ કરવાનું.
ફર્સ્ટ હાર્ટબ્રેક એન્ડ ઓફ ધ વર્લ્ડ નથી. એથી ય ખરાબ બીજી ઘટના બનશે. તમે ફરી ફરીને બેઠા થઇ શકશો. કોઈ વધુ સરસ સંબંધ જડશે જીવનમાં. ક્યારેક કારકિર્દી યુવાન ઉંમરે ન મળે મનગમતી તો ફિકર ન કરવી. આયખાની ત્રીસી પછી ઘડાતી સમજે બેટર કરિઅર બનતી હોય છે. આજે તમારા મમ્મી પપ્પા કરે છે, એ કાલે તમારો અવાજ બનશે. એમને વખોડવા નહિ. ઇફેક્ટ, ગ્રાન્ડપેરન્ટસ, પેરન્ટસ આ બધા સાથે જુવાનીમાં સૌથી વધુ સમય વીતાવી લેવો. એક તક્કે આપણે મોટા થઇશું ત્યારે એ હશે નહિ !'
યસ, આ કોમન એન્સર છે. યાને મોટા થયા પછી સૌથી મોટો અફસોસ આ હોય છે. આપણે જેને ચાહતા હોઈએ અને આપણને જે ચાહતા હોય એની જોડે કલ કિસને દેખા કહી સરસ પળો માણી લેવી. પછી ક્યારેક વડીલો જીવતા હશે તો પણ પૂરી સેેન્સીઝ. કામ નહિ કરતી હોય. જવાન મિત્રો તો આપણી જેવડા જ થયા કરશે ! પણ આ સિવાય ?
ફિટનેસ કોચ સપના વ્યાસ કહે છે જવાન સેલ્ફને કે બીજાનું વેલિડેશન મેળવવા માટે હવાતિયાં ન રાખવા. ને આપણા ગ્રોથ સાથે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું. અભિનેત્રી તુષારિકા રાજ્યગુરૂ એની યંગર સેલ્ફને સાહિત્ય સાથે સાયકોલોજી પણ બરાબર જાણવી એમ કહે છે. દોસ્ત ધવલ જીવરાજાની કહે છે : સામેથી આવતી સારા ભવિષ્યની તકોને ઇમોશનલ બનીને રિજેક્ટ ન કરવી. આજના મિત્રો ને ઘરના નામે બહાર ન નીકળવું એવું ન કરવું, શોખ કેળવવા પણ વ્યસન નહિ, એમાં પૈસા ગયા જ કરશે ! રિમેમ્બર, આ ઉપદેશ નથી. પોતે ન કરી શક્યા હોય કે પરિણામો ભોગવ્યા હોય એના એની સામે એક ઉંમરે થતું બોધિજ્ઞાન છે ! જાણીતા પ્લેમેનોલોજીસ્ટ ડૉ.પાર્થિવ મહેતા કહે છે : ગૂગલ નહિ, ગામની બજારો ફરી લેવી યુવાનીમાં, મોબાઈલને બદલે મિત્રો જોડે મસ્તી કરી લેવી ! મેરેથોન રનર ને દુનિયા જોઈ ચૂકેલા સિનિયર સિટીઝન બિઝનેસમેન રશ્મિ ભાલોડિયાના પોતાની યુવા જાતને કહે છે : ભાષા શીખવી સરખી. મદદ જરૂર લેવી. પણ જરૂર પડે કોઈના પર આધારિત ન થવું. બધા કામ કપડાંની ગડીથી રસોઈ સુધીના જાતે કરતા શીખવા !
દોસ્ત કેતન શેઠ પોતાની યુવા સેલ્ફને કહે છે : પ્લેટોનિક લવ ને સાત્વિક સંયમ એવા ખોટા વિચારોમાં ફસાયા વિના આકર્ષણને મહત્વ આપવું તે કોઈ સામે ચાલીને આવતું હોય તો તિરસ્કાર ન કરવો. તકલીફથી મૂંઝાવું નહિ. અસલી જ્ઞાન કોઈ છેતરી જાય કે દગો કરી પીઠમાં છરી મારવા જેવું કરે ત્યારે જ મળે છે, ચોપડીમાંથી નહિ. ઇન્શ્યોરન્સ નાની ઉંમરે લેવો. પ્રીમિયમ ઓછું ને પાછળથી ફાયદો વધુ દેખાશે. સમસ્યાથી ગભરાવું નહિ. એ ઉકેલવા પ્રયાસ નિષ્ફળ જાય તો પણ એ ભોગવવાથી અક્કલ આવશે. વારંવાર પાત્રો બદલતા રહે એને મિત્રતા નહિ, સગવડ કહેવાય. કોઇની આશા રાખી એની પાછળ ટાઈમ ને પૈસા ન બગાડવા. મિત્ર હિતેશ સરૈયા એની જવાન જાતને કહે છે : સમજણના નામે સ્વાર્થી ન બનતો. સેલ્ફ્લેસ પ્રેમ કરનારા સંબંધોને જવાનીના જોશમાં ગણકારવાનું ભૂલી ન જતો. પૈસાના ઝગડામાં મા-બાપ, કઝીન કે
પ્રિયજનનો પ્રેમ ન ખોવો. ભૂલો વખતે સાચી સલાહ આપનારનું માન જાળવવું. હંમેશા જુવાનીમાં ફરી લેવું મેક્સિમમ. પછી ગમે ત્યારે શરીર દગો દેશે. ૧૦ ટકા બચાવીને લીવરેજ મળે એમ રાખવાની આદત રાખવી. ફાઈનાન્શિયલ. કોઇને કોઈ ક્રિએટિવ સ્કિલ કે શોખ શીખવા જાતે. અંગ્રેજીની જેમ સંસ્કૃત, ગુજરાતી શીખવું, તે બાળકોના ઉછેરના સમયે કરિઅરને પ્રાયોરિટી ન આપવી ! આઈટી એન્જીનિયર એનઆરઆઈ નિરાલી કહે છે : ડોન્ટ ગેટ મેરિડ !
કળારસિક સજ્જન ને વિશ્વપ્રવાસી જયેશ વોરાના એની જુવાન જાતને ઝટ ભરોસો મુકવાની ટેવ બાબતે ચેતવે છે. બધા આપણી જેમ જ નહિ વિચારે. ધંધામાં પ્રોફિટ જ અગત્યનો નથી. મોટી લોન લઇ લોસ કરનારા પણ આગળ વધે છે જો માર્કેટને સમજી મીડિયોકર પણ પબ્લિક ચોઇસની બાબતોનું પેકેજીંગ શીખે તો એમાં અંગત પૂર્વગ્રહો મિક્સ ન કરવા. અને ખાસ તો ટેકસેવી બનવું ! નાની ઉંમરથી જ ટેકનોલોજીને ગજેટસ પર કમાન્ડ રાખવો ! દિવ્યાંગ બાળકોના ટીચર અને સ્પીકર નેહલ ગઢવી ખુદની યુવતીને સમજાવે છે : દરેક વખતે મૂવ ઓનના નામે પીડા ને ઇમોશન ધરબી ન દેવી. જગ્યા બદલવાથી જાત બદલતી નથી. બહુ ગતિમાં જીવન બરબાદ ન કરવું. ધીમું ચાલનારા પણ મંઝિર માટે મક્કમ હશે તો પહોંચી જશે, સ્પીડમાં ગોળગોળ ફરનારા કરતા !
***
૨૦૨૪માં ફૂટડી એક્ટ્રેસ ડાયરેક્ટર મેગન પાર્કે માત્ર દોઢ કલાકની અફલાતૂન ફિલ્મ બનાવેલી. 'માય ઓલ્ડ એસ' (પ્રાઈમ વિડિયો પર છે અત્યારે) જેમાં સત્તર વર્ષની ટીનએજ ગર્લ ઇલિયટ ઘર છોડી યુનિવર્સિટી હોસ્ટેલમાં જતા પહેલા સખીઓ સાથે પાર્ટી કરે છે. જેમાં નશાકારક ભેદી મશરૂમ ખાઈને અનુભૂતિઓ કરવાની હોડમાં એને એક ચાલીસેક વર્ષની સ્ત્રી મળે છે. સામ્યને લીધે કનેકશનને લીધે સખીપણુ થઇ જાય છે અને ખબર પડે છે કે એ એનું જ મોટું થયેલું વર્ઝન છે. મતલબ ભવિષ્યની ઇલિયટ અત્યારની યુવા ઇલિયટને મળે છે.
ફિલ્મ બહુ મસ્ત છે. સ્પોઇલર એલર્ટ. મોટી ઇલિયટ છોટી ઇલિયટને ઇન્સિક્યોરિટી સામે કોન્ફિડન્સ તો આપે છે. પણ એક છોકરાનું નામ દઇ પ્રેમમાં પડવાની ના પડે છે. છોટી ઇલિયટ એને જ દિલ દઇ બેસે છે ને કન્ફ્યુઝડ થાય છે. પછી જાણે છે કે આ છોકરો પ્રેમમાં દગો દેશે એટલે નહિ, પણ અકાળે મૃત્યુ પામીને કાયમનો દર્દભર્યો ખાલીપો છોડી જવાનો છે, એટલે એની પાકટ સેલ્ફે એને ના પાડેલી. મગર હોની કો કૌન ટાલ સક્તા હૈ !
ખેર, ફિલ્મમાં ખૂબસુરત ક્ષણો છે, હથોડા માર્યા વિના હળવાશથી સત્યો કહેવાય છે અને સાર એટલો છે કે બધું આપણે અગાઉથી જાણતા નથી હોતા. ભવિષ્યના ગર્ભમાં શું છે એ અનિશ્ચિત છે, એટલે પાછળથી ભલે ભૂલો લાગે જે તે વખતે એ નિર્ણય સાચો ને સારો જ લાગ્યો હોય છે. ફિલ્મમાં ઓલ્ડ સેલ્ફ યંગ સેલ્ફને કહે છે : જેમ ઉંમર વધે એમ સમય ઝડપથી પસાર થાય છે. ગયેલો ટાઈમ પાછો નથી મળતો, માટે સ્વજનો સાથે, ગમતું કરવામાં મોમેન્ટસ જીવી લેવાનું ભૂલતી નહિ. પછી બીજું બધું હશે પણ જોડે ખુશ થનાર નહિ હોય ત્યારે પસ્તાવો થશે. અને યંગ સેલ્ફ થકી ઓલ્ડ સેલ્ફને પણ સમજાય છે કે : જીવનમાં બહુ જ્ઞાની કે પરિપકવ થવા કરતા નાના હોઈએ ને ઓછી ખબર પડે એવા નાદાન, શિખાઉ, મૂરખ બધું હોવું સારું. એમાં જીવન જીવવાની મજા છે. કારણ કે પરફેક્ટ કોઈ હોતું નથી. મોટા થયા પછી રમતગમ્મતનો એ સમય બહુ યાદ આવે છે ! સપના જોવાની મજા છે. પછી તો પીડા આવવાની જ ! ઇન શોર્ટ, ભૂતકાળ કે ભવિષ્યમાં નહિ પણ વર્તમાનમાં જીવવું ! ન મૂંઝાવું, ન પસ્તાવું - જીવનમાં જે મોજની મોમેન્ટસ છે એનું મૂલ્ય કોઈ લાઇફ ચેન્જીંગ ડિસિશનથી પણ મોટું છે !
તો તમે તમારી યંગ સેલ્ફને (યુવા હો તો સ્વયંને) શું સલાહ આપો ?
ફાસ્ટ ફોરવર્ડ
''હે મારા યૌવન, નોકરિયાતને બદલે ધંધાદારી અભિગમ કેળવજે. થઇ ગયેલાની કથાને બદલે જાતે પોતાની કહાની બનાવજે. કન્ફ્યુઝન ને ફ્રસ્ટ્રેશન પણ ગ્રોથની નિશાની છે. સ્પેશ્યલ નહિ તો કન્ઝીસ્ટન્ટ બનજે. ટ્રેન્ડ કરતા એની પાછળની સ્કિલ સમજજે (રીલ ટ્રેન્ડ છે સ્ટોરીટેલિંગ સ્કિલ છે). આ ઉંમરે બનાવેલા દોસ્ત ને તબિયત આજીવન ટકશે. ફાઈનાન્સમાં ને રોમાન્સમાં બાઘો ન રહેતો !''
(મોઇનખાન પઠાણ, ફ્રાન્સ)


