- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- એકલે દંપતીની મોટી પુત્રી સિંધિયા સાથે એ પિતૃ પ્રેતાત્માને વિશેષ લગાવ થઈ ગયો હતો. તેઓ તેનું ખૂબ ધ્યાન રાખતા અને તેને માર્ગદર્શન પણ આપતા...
'T here are more things in heaven and earth, Horatio, than are dreamt of in your philosophy'
હે હોરેશિયો, સ્વર્ગ અને પૃથ્વીમાં એવી ઘણી વસ્તુઓ છે જેની કલ્પના તારા તત્ત્વદર્શનમાં પણ કરવામાં આવી નથી.
- William shakespeare, Act-1, Scene-5
- 'Bad places are where things happen that can't be explained
ખરાબ જગ્યાઓ તે હોય છે જ્યાં એવી ઘટનાઓ બને છે જેને સમજાવી શકાતી નથી.
- Peter straub
- There are places where the veil between worlds is thin
કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં દુનિયાઓ વચ્ચેની પરત બહુ પાતળી હોય છે.
- 'any place can be haunted if the right memory walks through it
જો સાચી સ્મૃતિઓ એમાં ચાલતી રહે તો કોઈપણ જગ્યા ભૂતિયા બની શકે છે.
અમેરિકાની હડસન નદીના કિનારે આવેલા એક મકાનમાં શ્રીમાન-શ્રીમતી એકલે ભાડેથી રહેતા હતા. એમના મકાનની બાલ્કનીમાંથી એમને એક વિક્ટોરિયન યુગના બાંધકામની શૈલીથી બનાવાયેલું એક મકાન દેખાતું હતું. તે વર્ષોથી ખાલી પડયું હતું. તેમણે તેના વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે ઘર ભૂતિયું (haunted) છે. એક દિવસે ખેતરે જતી વખતે મિસ્ટર એકલેની એના પર નજર પડી. કોણ જાણે કેમ એ મકાને એમનામાં અત્યંત આકર્ષણ ઉત્પન્ન કર્યું. આમ, તો તેમણે એ સાંભળેલું જ હતું કે તે મકાન ભૂતિયું છે તેમ છતાં તે તેમના દિલોદિમાગ પર એવું છવાઈ ગયું કે તેને ખરીદી લેવાની તેમના મનમાં અદમ્ય ઈચ્છા ઉત્પન્ન થઈ.
તેમણે તે મકાનના માલિક કોણ છે તે પૂછપરછ કરીને જાણી લીધું. તેમને તે મળ્યા અને પોતે તે મકાન ખરીદવા માંગે છે તે રીતની વાત કરી. તેના વર્તમાન માલિકે વિચાર્યું - આ મકાન ભૂતિયું છે એવો લોકોને અનુભવ થયો છે એટલે એ કોઈ ખરીદવાની હિંમત કરતું નથી. તેમાં આ વ્યક્તિ એ ખરીદવાની તત્ત્પરતા બનાવે છે તે સારી વાત છે. એટલે તેણે તેની થોડી સસ્તી કિંમત બતાવી. મિસ્ટર એકલેએએ જરાય ભાવતાલ કર્યા વિના તે મકાન ખરીદી લીધું. પોતે તે મકાન ખરીદી શક્યા તે માટે તેમને રાજીપો થયો.
તે મકાન ખરીદ્યા બાદ તેમાં તે તરત રહેવા પણ જતા રહ્યા. એ મકાનમાં રહેવા ગયા એ જ રાતે મિસ્ટર એકેલેની પત્નીને પ્રેતાત્માના પરચા થવાના ચાલુ થઈ ગયા. તેને એવો અનુભવ થયો કે કોઈ તેમની નજીક ઊભું છે. ધીમેધીમે એવું પ્રતીત થવા માંડયું કે એક નહીં પણ વધારે વ્યક્તિઓ છે. તે અહેસાસ વધારે તીવ્ર થવા લાગ્યો. એવું પ્રતીત થવા લાગ્યું કે એએ વ્યક્તિઓ એટલી બધી નજીક આવી ગઈ છે કે તેમના શ્વાસ પણ તેની ગરદનને સ્પર્શી રહ્યા છે. તેને આ વિચિત્ર અનુભવથી થોડો ડર લાગ્યો. તે ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં એક પ્રેતાત્મા પ્રગટ થયો અને તેને કહેવા લાગ્યો તું મારાથી ડરીને ભાગીશ નહીં. હું તારો હિતેચ્છુ છું. તને મદદ કરવા આવ્યો છું. મારી સાથે બીજા બે આત્માઓ પણ અહીં છે. અત્યાર સુધી જે લોકો અહીં રહેવા આવ્યા હતા તે બધા અમને જોઈને ભાગી જતા હતા. થોડા સમયમાં તો એ આ ઘર પણ છોડી દેતા હતા. થોડા સમયમાં તો એ આ ઘર પણ છોડી દેતા હતા. અમે ત્રણ આત્માઓ તારા પતિના પૂર્વજો છીએ. તને અને તારા પતિને સહાય કરવા જ અહીં આવ્યા છીએ. અમે પહેલાં આ મકાનમાં જ રહેતા હતા.
તારું અને તારા પતિનું આ મકાનનું ખરીદવું અને અહીં રહેવા આવવું એ કોઈ સંયોગ નથી. અમે જ તારા પતિને આ પ્રમાણે કરવા પ્રેરિત કર્યો છે. એકલેની પત્નીને હવે આ પ્રેતાત્માઓનો કોઈ ડર ના લાગ્યો. તે તેમની સાથે હળીમળીને કુટુંબની જુની વાતો સાંભળવા લાગી. મિસ્ટર એકલે પણ પોતાના પિતૃઓના જીવનની વાતો જાણી રોમાંચિત થઈ જતા. પછી તો એ ઘરમાં શ્રીમાન-શ્રીમતી એકલેનું કુટુંબ જ નહીં, ત્રણ પિતૃઓના આત્માઓ પણ એમની સાથે જ કુંટબીજનની જેમ રહેવા લાગ્યા. મોટું, સંયુક્ત કુટુંબ હોય તેમ તે મોજ-મજા-મસ્તીથી સાથે રહેતા.
પિતૃઓના આત્મા એકલે પરિવાર સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આમેય તે આ પરિવારના જ પૂર્વજો હતા. એકલેને પોતાના પિતા પાસેથી એમના પિતામહ, પ્રપિતામહ વગેરેના જીવનની જે વાતોની ખબર હતી તે જ વાતો આ પ્રેતાત્માઓ કરતા એટલે એ બધા એ જ પિતૃઓ હશે એમાં શંકા કરવાને કોઈ સ્થાન નહોતું. જો એમ ના હોય તો પોતાના કુટુંબની બધી બાબતોની એમને ક્યાંથી ખબર હોય ?
તે પિતૃઓના પ્રેતાત્મા એકલે પરિવારને નાની-મોટી ઘણી બાબતોમાં મદદ કરતા. તેમને તે ભોજન કરાવતા તો કોઈવાર એમનું ભોજન આરોગી પણ જતા. તેમના ખેતીના વ્યવસાયના કાર્યમાં પણ વૃદ્ધિ થાય તેવું કરતા. થોડા સમયમાં તો મિસ્ટર એકલે ધનવાન અને સમૃદ્ધ થઈ ગયા. એકલે દંપતીની મોટી પુત્રી સિંધિયા સાથે એ પિતૃ પ્રેતાત્માને વિશેષ લગાવ થઈ ગયો હતો. તેઓ તેનું ખૂબ ધ્યાન રાખતા અને તેને માર્ગદર્શન પણ આપતા. જો તે અભ્યાસ માટે તેણે નિયત કરેલા સમયે સવારે વહેલાં ના ઉઠે તો તે તેની પથારીને જોરજોરથી હલાવતા. એ પછી પણ ના ઉઠે તો તેને હચમચાવીને જગાડી દેતા. જો કે રજાના દિવસોમાં સિંધિયા સૂતી વખતે તેમને પ્રાર્થના કરતી કે મને વહેલા ના ઉઠાડશો તો તેની વાત માનીને તે તેને ઉઠાડતા નહોતા.
૧૯૭૬માં સિધિયાના લગ્ન થયા એના બીજા દિવસે મિસ્ટર એકલેની પત્ની સિંધિયાના ઓરડામાં પ્રવેશી તે સાથે એ પ્રેતાત્માઓનો અવાજ સંભળાયો - અમારા તરફથી સિંધિયા માટે લગ્નની ભેટ અને એના કબાટમાં મૂકી છે તે અમારા આશીર્વાદ રૂપે તેને આપજો. તેણે કબાટ ખોલીને જોયું તો કબાટમાં સુંદર નકશી કામ કરેલી ચાંદીની થાળી, વાડકી અને બે ચમચીઓ એમાં મુકાયેલી મળી આવી. તેણે તે સિધિયાને તે મોકલી આપી હતી. સિંધિયાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે એ પિતૃઓના પ્રેતાત્માઓએ હીરાજડિત સોનાની વીંટી આપી હતી. એ પિતૃ પ્રેતાત્માઓમાં એમને રાજવંશી વસ્ત્રો અને અલંકારો પહેરેલી એક મહિલા વિશેષ દેખાતી. આ ત્રણેય પિતૃ પ્રેતાત્માઓ એકલે પરિવારને સફળ, ધનિક અને સમૃદ્ધ કરી દીધો હતો.


