Get The App

અટેન્શન સ્પાન કી ઐસી કી તૈસી

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
અટેન્શન સ્પાન કી ઐસી કી તૈસી 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- ઓડિયન્સ કહે છે કે અમને એવું કશુંક આપો કે મજ્જા પડી જાય. અમને જકડી રાખો, અમને બાંધી રાખો. અમને એવું કશુંક ધમાકેદાર દેખાડો કે અમારું વાંદરાછાપ મન કૂદકા મારવાનું ભૂલી જઈને સ્ક્રીન સામે ચોંટી જાય!

'ધૂ રંધર' વન એન્ડ ટુ ફિલ્મોની સુપર સફળતાએ એક માન્યતાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. તે એ કે ઓડિયન્સનો 'એટેન્શન સ્પાન' સાવ ઘટી ગયો છે. લોકોમાં ધીરજ જ નથી! નાની નાની રીલ્સ અને શોર્ટ્સથી ટેવાઈ ગયેલા પ્રેક્ષકોને તમે લાંબો સમય થિયેટરમાં બેસાડી શકો તેમ છો જ નહીં, તમારે ફિલ્મનું બે-અઢી કલાકમાં ફિંડલું વાળી જ દેવું પડે. 'ધૂરંધરે' સાબિત કરી નાખ્યું કે, ખોટ્ટું, સાડીસત્તર વાર ખોટ્ટું. આ રહી ૩ કલાક ૩૪ મિનિટ અને ૩ કલાક ૪૯ મિનિટની બે ફિલ્મો. લેતા જાઓ! ફિલ્મ ન ચાલે તો વાંક ફિલ્મની સ્ક્રિપ્ટ, ગતિશીલતા અને ઓડિયન્સને જકડી રાખવાની ક્ષમતાનો છે, લોકોના અટેન્શન સ્પાનનો નહીં.

અટેન્શન સ્પાન એટલે, સાદી ભાષામાં, મનની એકાગ્ર થઈ શકવાની સમય મર્યાદા. અટેન્શન સ્પાન તરફ આંગળી ચીંધતા પહેલાં એ યાદ રાખવું જોઈએ કે આ એ જ લોકો છે, જે લાંબા લાંબા એપિસોડ્સવાળી આખેઆખી વેબ સિરીઝ આખી રાત જાગીને, બિન્જ વૉચ કરીને જોઈ કાઢે છે. આ જ લોકો લાંબા પોડકાસ્ટ જુએ છે, મ્યુઝિક કોન્સર્ટમાં કલાકો સુધી ઊભા ઊભા ઝુમતા રહે છે અને ક્રિકેટ મેચ એન્જોય કરવા સ્ટેડિયમમાં અડધો-પોણો દિવસ કાઢી નાખે છે. વાત લંબાઈની નહીં, તીવ્રતાની છે. જો મજા નહીં આવે તો લોકો દસ સેકન્ડની રીલ પણ પૂરી નહીં જુઓ, પણ જો જલસો પડતો હશે તો ત્રણ-સાડાત્રણ કલાકની ફિલ્મો પણ બે-ત્રણ વખત જોઈ કાઢશે.

ફિલ્મની ઉત્કૃષ્ટતાને, અસરકારકતાને તેની લંબાઈ સાથે કોઈ સંબંધ નથી. ઓરિજિનલ બ્લેક-એન્ડ-વ્હાઇટ 'મુગલ-એ-આઝમ' ૩ કલાક ૧૭ મિનિટ લાંબી હતી. રાજ કપૂરની 'સંગમ'ની લબાઈ કેટલી હતી? ૩ કલાક ૫૮ મિનિટ. 'મેરા નામ જોકર'? ૪ કલાક ૧૪ મિનિટ! 'શોલે' ૨કલાક ૪૨ મિનિટ લાંબી હતી. તેનો ઓરિજિનલ ડિરેક્ટર્સ કટ તો વળી ૩ કલાક ૨૪ મિનિટ લાંબો હતો. આશુતોષ ગોવારીકર તો લાંબી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. એમની 'લગાન' ૩ કલાક ૪૪ મિનિટ, 'સ્વદેસ' ૩ કલાક ૯ મિનિટ અને 'જોધા અકબર' ૩ કલાક ૩૩ મિનિટ લાંબી હતી. આ ત્રણેય સફળ ફિલ્મો છે. (એ વાત અલગ છે કે આશુતોષની પ્રિયકા ચોપડાવાળી 'વોટ્સ યોર રાશિ?' નામની ૩ કલાક ૧૨ મિનિટ લાંબી ફિલ્મ ઊંધા માથે પછડાઈ હતી.) 'હમ આપકે હૈં કૌન?' ૩ કલાક ૨૬ મિનિટ લાંબી હતી.  જો 'ચોકલેટ લાઇમ જ્યુસ' અને 'મુઝસે જુદા હો કર' ગીતો આખેઆખાં મૂકવામાં આવ્યાં હોત તો ફિલ્મ આના કરતાંય વધારે લાંબી થાત!

'ગેંગ્સ ઓફ વાસેપુર' અનુરાગ કશ્યપનું સંભવત: શ્રેષ્ઠતમ અને સૌથી પોપ્યુલર સર્જન છે, જેના પહેલા ભાગની લંબાઈ ૨ કલાક ૪૦ મિનિટ અને બીજા ભાગની લંબાઈ ૨ કલાક ૩૯ મિનિટ હતી. વિચાર કરો, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ બન્ને ભાગનું સળંગ સ્ક્રીનિંગ થયું હતું, અને કહે છે કે, ૫ કલાક ૧૯ મિનિટ લાંબા સ્ક્રીનિંગ બાદ ઇન્ટરનેશનલ ઓડિયન્સે દસ મિનિટ લાંબું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું! સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ' ફિલ્મે તીવ્ર તરંગો પેદા કર્યા હતા, જે ૩ કલાક ૨૩ મિનિટ લાંબી હતી. વિશ્વકક્ષાએ ગાજેલી 'આરઆરઆર' ૩ કલાક ૭ મિનિટ લાબી હતી અને 'ધૂરંધર' ટોટલ ઓલમોસ્ટ સાડાસાત કલાક લાંબી છે તે તો તમે જાણો જ છો.  

હોલિવુડમાં આવાં અસંખ્ય ઉદાહરણો છે - 'ધ ગોડફાધર પાર્ટ ટુ' (૩ કલાક ૨૨ મિનિટ), 'લોરેન્સ ઓફ એેરેબિયા' (૩ કલાક ૩૬ મિનિટ), 'શિંડલર્સ લિસ્ટ' (૩ કલાક ૧૫ મિનિટ), 'ટાઇટેનિક' (૩ કલાક ૧૪ મિનિટ), 'અવતાર: ધ વે ઓફ વોટર' (૩ કલાક ૧૨ મિનિટ), 'એવેન્જર્સ: એન્ડગેમ' (૩ કલાક ૧ મિનિટ), 'ઓપનહાઇમર' 

(૩ કલાક)... 

ટૂંકમાં, લાંબી અને ઉત્તમ ફિલ્મો હંમેશા બનતી આવી છે - જુદા જુદા કાળખંડમાં, જુદા જુદા દેશોમાં, અલગ અલગ ભાષાઓમાં. હા, 'અટેન્શન સ્પાન'ની સમસ્યા પહેલાં નહોતી. આ મોબાઇલ યુગની કથિત બીમારી છે! 

હવે જરા ઓટીટી તરફ વળીએ. ભારતમાં સૌથી વધારે જોવાયેલા 

ઇન્ટરનેશનલ શોઝ ક્યા એવું તમને પૂછવામાં આવે તો સૌથી પહેલાં તમને આ નામ જરૂર યાદ આવશે - 'ગેમ ઓફ થ્રોન્સ', 'સ્ક્વિડ ગેમ', 'મની હાઇસ્ટ', 'સ્ટ્રેન્જર થિંગ્સ', 'બ્રેકિંગ બેડ'. એમ તો 'નાર્કોઝ', 'ફૌદા' ઇત્યાદિ શોઝ પણ ચિક્કાર જોવાયા છે, પણ હાલ પૂરતા આપણે પહેલાં ચાર શોઝની જ વાત કરીએ. એના વ્યુઝના આંકડા ચક્કર આવી જાય તેવા છે. 

'ગેમ ઓફ થ્રોન્સ'ની કુલ ૮ સિઝન હતી. ટોટલ એપિસોડ ૭૩ અને પ્રત્યેક એપિસોડ ૫૦થી ૮૦ મિનિટનો. આ શોની ફાઇનલ સિઝનના પ્રત્યેક એપિસોડને વિશ્વભરના સરેરાશ ૪ કરોડ ૪૦ લાખ લોકો અધ્ધર શ્વાસે જોયો હતો. સોશિયલ મિડીયા પર જાતજાતની ફેન થિયરીઓ વાઇરલ થતી હતી.  કોરિયન શો 'સ્કિવડ ગેમ'ની ત્રણ સિઝનમાં કુલ ૨૨ એપિસોડ હતા, અને દરેક એપિસોડ ૫૦થી ૬૦ મિનિટ લાંબો હતો. પહેલી જ સિઝનને નેટફ્લિક્સના ઇતિહાસમાં ક્યારેય કોઈ વેબ શોને ન મળ્યા હોય એટલા વ્યુઝ મળ્યા હતા - ૨૮૫.૨ મિલિયન (૨૬ કરોડ બાવન લાખ). ભારતમાં નેટફ્લિક્સનો આ શો કેટલાય અઠવાડિયાં સુધી નંબર વન પોઝિશન પર રહ્યો હતો. સોશિયલ મિડીયા પર 'સ્ક્વિડ ગેમ' આધારિત મીમ્સ અને રીલ્સ વગેરેનો વરસાદ વરસી ગયો હતો.  

'સ્ટ્રેન્જર થિંગ્સ'ની પાંચ સિઝન થઈ. કુલ એપિસોડ ૪૨, ને પ્રત્યેક એપિસોડ પોણીથી દોઢ કલાક લાંબો. પાંચેય સિઝનના ટોટલ વ્યુઝ ૧ બિલિયનના આંકડાને વટાવી ગયો હતો. પાંચમી સિઝનને તો પહેલાં છ જ દિવસમાં લગભગ ૭૦ મિલિયન વ્યુઝ મળી ગયા હતા. યાદ રહે, ટચૂકડી રીલ કે પાંચ-પંદર મિનિટના વીડિયોને અધધધ વ્યુઝ મળે તે એક વાત છે, અને આટલા લાંબા લાંબા એપિસોડ ધરાવતા આખા શોને કરોડોના વ્યુઝ મળે તે તદ્દન જુદી વાત છે. તમે વિચાર કરો કે 'ગેમ ઓફ થ્રોન્સ' (કુલ ૭૦ પ્લસ કલાક), 'સ્ક્વિડ ગેમ' (કુલ અઢારેક કલાક) અને 'સ્ટ્રેન્જર થિંગ્સ' (કુલ ૩૫થી ૪૦ કલાક) શોઝને લોકોએ માત્ર જોયા નથી, બિન્જ વોચ કર્યા છે. અરે, આખેઆખી સિઝન એક કરતાં વધારે વખત જોઈ હોય તેવા ઘેલા ચાહકો પણ છે. તમે જ કહો કે આમાં 'અટેન્શનનો અભાવ' ક્યાં આવ્યો? આ બધા નવરાનાથાઓ છે, બાકી આવાં જોણાં પાછળ આટલો બધો સમય તે કંઈ વેડફાતો હશે એવી ટીકા કરનારા ઘણા છે, પણ આ અલગ વિષય થયો.   

ભારતીય ઓટીટી પ્લેટફોર્મ્સ મીંઢાં છે. તેઓ પારદર્શક રહેવામાં ખાસ માનતાં નથી અને નિયમિતપણે પાક્કા આંકડા જાહેર કરતાં નથી. અલબત્ત, ભારતીય વેબ સિરીઝ પુષ્કળ જોવાય છે તે આપણે જાણીએ જ છીએ. 'મિરઝાપુર' (૩ સિઝન, ૨૯ એપિસોડ), 'સેક્રેડ ગેમ્સ' (૨ સિઝન, ૧૬ એપિસોડ), 'ધ ફેમિલી મેન' (૨ સિઝન, ૧૯ એપિસોડ), 'સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી' (૧ સિઝન, ૧૦ એપિસોડ) વગેરે શોઝ જોવામાં ભારતીયોએ અધધધ કલાકો ખર્ચ્યા છે. 

એક શો, એક વાર્તા પાછળ આઠ-દસ-પંદર કલાક ખર્ચવામાં લોકોને કશો વાંધો નથી. એમની એક જ શરત છે: અમને એવું કશુંક આપો કે મજ્જા પડી જાય. અમને જકડી રાખો, અમને બાંધી રાખો. અમને એવું કશુંક ધમાકેદાર દેખાડો કે અમારું વાંદરાછાપ મન કૂદકા મારવાનું ભૂલી જઈને સ્ક્રીન સામે ચોંટી જાય!

આપણે ત્યાં હવે બિગ સ્ક્રીન પર ત્રણ કલાક કરતાં લાંબી હિન્દી ફિલ્મોની લંગાર લાગશે. જોઈએ, આપણું પૂરેપૂરું અટેન્શન મેળવી શકવામાં કઈ કઈ ફિલ્મો સફળ થાય છે.    

શો-સ્ટોપર 

હું પાછો આવી રહ્યો છું... 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ'ની બીજી સિઝન સાથે! 

- સમય રૈના (વિવાદાસ્પદ સ્ટેન્ડ-અપ કોમેડીઅન)