- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'મારો જન્મારો એળે ગયો, હાથના કર્યા હૈયે વાગ્યા. તમે મને ઘણી ચેતવી હતી પણ હું સમજી નહીં. પુત્રીનું યોગ્ય રીતે ઘડતર ના કર્યું.. હું એક સારી છોકરી સમાજને ન આપી શકી.'
મ હિમાદેવીના પલંગની ચોમેર ડૉક્ટર્સ અને નર્સનો ઝમેલો છે. સમગ્ર વાતાવરણ એકદમ ગંભીર છે. હજી મહિમાદેવીએ સંપૂર્ણપણે ભાન ગુમાવ્યું નથી... ક્યારેક ક્યારેક આંખો ખોલે છે અને તૂટક તૂટક શબ્દોમાં બોલવા પ્રયત્ન કરે છે... 'હજી રિતિકા ના આવી?' 'હજી રિતિકા ના આવી?'
રિતિકાના નામની માળા જપતાં જપતાં મહિમાદેવી પાછા તંદ્રામાં સરી જાય છે. થોડીવાર પછી ફરી મહિમાદેવી આંખો ખોલે છે... અને રિતિકાને શોધતી એમની લાચાર આંખો... પોતાના જમાઈ નિશ્ચલ પર જાય છે. સતત માથું અને પગ દબાવતો નિશ્ચલ આખી રાત ઊંઘ્યો નથી. જ્યારથી મહિમાદેવીએ અનાજ લેવાનું બંધ કર્યું, ત્યારથી નિશ્ચલે પણ અન્નનો દાણો સુદ્ધાં લીધો નથી.
કોણ છે આ નિશ્ચલ? આવનાર અપરિચિત તરત જ બોલી ઊઠે છે :'દીકરો હોય તો નિશ્ચલ જેવો હોવો જોઈએ. કેવી તન્મયતાથી એ માતૃસેવા કરી રહ્યો છે?' પણ જ્યારે ખબર પડે છે કે નિશ્ચલ મહિમાદેવીનો પુત્ર નથી, પણ જમાઈ છે, ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. 'તો પછી તેમની પુત્રી રિતિકા કેમ દેખાતી નથી?' એક વણપૂછ્યો સવાલ સૌના મનમાં સળવળાટ કરીને મનમાં શમી જાય છે.
પણ મહિમાદેવીની આંખમાંથી અસ્ખલિત રીતે ઝરતાં મૂંગા-ઉનાં આંસુ નિશ્ચલની આંખને પણ ભીંજવી જાય છે. નિશ્ચલ પોતાની આંખના અશ્રુને છૂપાવવાની કોશિશ કરે છે. મહિમાદેવીની આંખમાંથી ઝરતાં આંસુ જ્યારે નિશ્ચલના હાથ પર પડે છે ત્યારે, નિશ્ચલ એ આંસુ લૂછતો નથી. જે હાથ સદાય પોતાનાં આંસુ લૂછતા રહ્યાં, એમની આંખમાંથી લાગણીના ઉદકમાં સ્નાન કરીને પ્રવાહિત થયેલા આંસુના પુનીત અભિષેક થઈ પાવન થવામાં નિશ્ચલને અપાર સુખ લાગતું હતું. વારંવાર તંદ્રામાં સરી જતા મહિમાદેવી ભૂતકાળમાં સરી જાય છે...
.... મહિમાદેવીનું ભર્યું-ભાદર્યું ઘર. તેમના પતિ અવિનાશકુમારનું સમાજમાં મોભાનું સ્થાન હતું. રિતિકા એમની એકની એક દીકરી. મહિમાદેવીના લગ્નજીવનમાં દસ વર્ષ બાદ રિતિકાનો જન્મ થયો હતો... એટલે મહિમાદેવી રિતિકાને ખૂબ જ લાડ લડાવતા હતાં. રિતિકાના પપ્પા અવિનાશકુમાર એમને ચેતવતા : 'મહિમા, લાડ જુદી વસ્તુ છે અને સ્વચ્છંદતાની પરવાનગી એ જુદી વસ્તુ છે. સોનાની કટારી કાંઈ પેટમાં ન ખોસાય. રૂપિયો એ જાદુગર છે, જેના હાથમાં એ જાય, એને નચાવે. રિતિકાને ભલે તમે લાડ કરો, બધી જ તેની ઇચ્છાઓ પૂરી કરો પણ લાડને પણ ઉચિત વાડમાં રાખવું જોઈએ. માતૃપ્રેમ સીમા ઓળંગે તો વરદાનને બદલે સંતાન અભિશાપ બની જાય છે, બસ આટલું સમજી જાઓ અને રિતિકા આપણી દીકરી છે, ગમે ત્યારે એણે પણ સાસરે જવાનું થશે, એનું ઘડતર કરો... એના શોખ પૂરા કરવાનો મને જરાપણ વાંધો નથી પણ રિતિકા પોતાને જ મહત્વ આપે અને બીજાને ગૌણ ગણે એ વિચારસરણી સામે મને વાંધો છે. મહિમા, તમે એની દરેક જીદ પૂરી કરી તેને બગાડી મૂકી છે. તે અભિમાની, આત્મકેન્દ્રી અને ઉદ્ધત બની ગઈ છે. મોટાને માન આપવું અને આવનારને પ્રેમથી આવકારો આપવો એ તો એ શીખી જ નથી. બધાં સાથે એનું તોછડું વર્તન મને ખૂંચે છે. તમે જોજો ભવિષ્યમાં આપણે પસ્તાવાનો વારો આવશે.'
ત્યારે મહિમાદેવી બોલકાં હતાં. પતિની એકપણ વાતને નિરૂત્તર ન જ જવા દેવી એવી એમની પ્રતિજ્ઞા. તેઓ અવિનાશકુમારને જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું : 'મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.' લખનાર કવિએ વિચારીને જ લખ્યું હશે? માતામાં મધુરતા છે, પિતામાં કઠોરતા છે. માતા વહાલની વર્ષા છે, પિતા નિયમો પળાવવા માટે ક્યારેક ચાબુકનું કામ કરે છે. પિતા પરીક્ષક પણ છે અને નિરીક્ષક પણ. સંતાન પર એ જાપ્તો રાખે છે. પણ માનું હૃદય કેવું હોય એ તમારા જેવા શિસ્તના આગ્રહીને ખબર ન પડે, સમજ્યા ? પિતા સોટી અને કસોટીમાં પાવરધા, માતા સદાય રક્ષક ઢાલ. એટલે હું મારી રિતિકાને મોજ કરાવવાની જ. તમારી પાસે હાથ લાંબો કરું તો ફટ કહેજો. મારા પિયરથી હું એટલું લઈને આવી છું કે રિતિકાને ગુલાબની સેજમાં સુવાડી શકું છું. મારી આંખની રતન સમી રિતિકાને લાડ કરું કે એના માટે ખર્ચ કરું તે તમને ખટકે છે? વાહ ભાઈ, વાહ, કેવા બાપ છો તમે?'
મમ્મીનો પ્રેમ જોઈને રિતિકા પણ કહેતી 'મા, તારા જેવી માતા કોઈક ભાગ્યશાળીને જ મળે. બાકી બધી ભારતીય નારીઓ તો પતિપરાયણા હોય છે. પતિને પક્ષે જ રહે છે. સંતાનને પતિ વઢે ત્યારે એ પતિના સૂરમાં સૂર પુરાવે. પણ મારી મા, તું નોખી છે, અનોખી છે. હું જન્મોજનમ તારી કુખે જ જનમ આપવાની ભગવાનને પ્રાર્થના કરું છું.' મહિમાદેવીની નજર ચૂકવી રિતિકા પોતાની સહેલી સામે આંખ મટકારતી. મહિમાદેવી ગોળગોળ થઈને દીકરી રિતિકાનું મસ્તક ચૂમી રસોડામાં જતાં. ત્યારે રિતિકા તેની સહેલીને કહેતી : 'ભારતની માતાઓને તો આમ જ ઉલ્લુ બનાવી શકાય. એમનામાં માત્ર વહાલ દ્રષ્ટિ જ હોય છે, પણ વિવેકદ્રષ્ટિ નહીં.' અને બન્ને જણા ખડખડાટ હસી એકબીજાને તાળી આપતા.
વર્ષો વીતતા ગયા, રિતિકાએ બારમામાં માંડ માંડ પાસ થઈને આર્ટ્સ કોલેજમાં પ્રવેશ લીધો. રિતિકાના સ્વભાવથી મહિમાદેવી સુપરિચિત હતાં. એટલે એમણે નમ્ર અને સહનશીલ સ્વભાવના યુવકની શોધ શરૂ કરી જે લગ્ન પછી પણ રિતિકાને સહન કરી શકે.
રિતિકાના પપ્પા અવિનાશકુમાર પણ સારી રીતે જાણતા હતા કે રિતિકાને લાયક યુવક મળશે કે નહીં તેઓ તેની ચિંતામાં હતા. દરમ્યાન અવિનાશકુમારના કોલેજકાળના એક જૂના મિત્ર અર્પણકુમાર મળવા આવ્યા. અર્પણકુમાર કોલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે અચાનક જ તેમના પિતાનું અવસાન થયું હતું. ભણીગણીને મોટા ઓફિસર થવાનાં મોંઘા સ્વપ્નો સેવતાં અર્પણકુમારે પોતાની વિષમ પરિસ્થિતિને કારણે પરીક્ષામાં ડ્રોપ લીધો હતો અને પરિવારનું ભરણપોષણ કરવા તેમણે આછી-પાતળી નોકરી સ્વીકારી લીધી હતી. તેમના પુત્ર નિશ્ચલે જેમ-તેમ કરીને કોલેજમાં આર્ટસમાં એડમિશન લીધું હતું. નિશ્ચલ અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં ગરીબીને કારણે સાયન્સ શાખામાં એડમીશન લેવાને બદલે તેણે આર્ટ્સમાં એડમિશન લઈને પાર્ટ-ટાઈમ જોબ કરી પોતાના પપ્પાને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. પોતાનાં પુત્રનું ભવિષ્ય સુધારવા માટે અર્પણકુમાર મિત્ર અવિનાશકુમારને મળવા આવ્યા ત્યારે અવિનાશકુમારે નિશ્ચલ માટે બનતી બધી મદદ કરવાનું તેમને વચન આપ્યું હતું.
નિશ્ચલનો નમ્ર, વિનયી અને સૌજન્યશીલ સ્વભાવ અવિનાશકુમારને પસંદ પડી ગયો હતો. રિતિકાને સહી શકવાની તાકાત નિશ્ચલમાં પૂરેપૂરી છે, એની પ્રતીતિ થતાં મહિમાદેવીની સમ્મતિથી રિતિકાના લગ્ન નિશ્ચલ સાથે ગોઠવી દીધાં હતાં. મહિમાદેવી પણ આવા જ ગરીબ યુવકની શોધમાં હતાં જે રિતિકાથી દબાયેલો રહે અને રિતિકાને કોઈ તકલીફ ના પડે. તેમણે રિતિકાને એક નવો બંગલો ભેટ આપ્યો હતો. અને પૈસા તો રિતિકાને જોઈએ તેટલા આપવા મહિમાદેવી તૈયાર હતાં. લગ્ન પહેલાં નિશ્ચલ રિતિકાને બંગલે અવારનવાર આવતો હતો... રિતિકાનો અહંવાદી સ્વભાવ તેને બિલકુલ પસંદ નહોતો. પણ નિશ્ચલના પિતા તેને સમજાવતાં હતાં કે 'રિતિકા મારકણી ગાય છે, તેની લાત સહી લેવામાં નાનમ કે નુકસાન નથી.'
ગરીબીથી થાકેલું હારેલું અર્પણકુમારનું મન એને સમજાવી રહ્યું હતું કે ઇજ્જત વેચીને જીવવા કરતાં સ્વમાન ત્યજીને જીવવું વધુ સારું.
શરૂઆતમાં રિતિકાનું વર્તન મધ્યમસરનું રહ્યું પણ તેની વાણી અને વર્તનમાં સદાય ગર્વ રણકતો જ રહેતો. તે નિશ્ચલના પરિવારને તુચ્છ ગણતી હતી. નિશ્ચલ આ બધું મૂંગા મોઢે સહન કરતો હતો.
નિશ્ચલ અને રિતિકાનો સંબંધ નક્કી થયો ત્યારથી નિશ્ચલ અવિનાશકુમારના વાત્સલ્યથી ભીંજાતો રહ્યો હતો. અવિનાશકુમારે ક્યારેય નિશ્ચલને એવું લાગવા દીધું નહોતું કે એક ગરીબ ઘરનો દીકરો છે...
લગ્ન બાદ રિતિકા કોઈને કોઈ બહાને નિશ્ચલ સાથે ઝઘડીને મહિમાદેવી પાસે આવી પહોંચતી, ત્યારે મહિમાદેવી રિતિકાના સંતોષ ખાતર કારણ જાણ્યા સિવાય નિશ્ચલને ધમકાવી નાખતા હતા.. પણ અવિનાશકુમારે કદીયે નિશ્ચલનો દોષ જોયો નહોતો. તેઓ નિશ્ચલને બરાબર પિછાણી ગયાં હતાં. નિશ્ચલમાં સ્નેહ અને સંસ્કાર છે, નમ્રતા છે અને વિવેક પણ છે. એને પૈસાની પણ કોઈ લાલચ નથી. એવી વ્યક્તિને જિદ્દી, અભિમાની, વિવાદપ્રિય અને ઉદ્ધત રિતિકા કોઈપણ રીતે દુભવે એ પાપ છે એવું તેઓ માનતા હતા...
પરિણામે અવિનાશકુમાર પોતાની પત્ની મહિમાદેવીની ઇચ્છાને વિરૂદ્ધ જઈને પણ જ્યારે જ્યારે પિયર દોડી આવતી ત્યારે તેને પ્રોત્સાહન આપતાં નહીં. ઊલટું કહેતાં, 'રિતિકા સંસાર ચલાવવાનું માર્ગદર્શન તારે અમારી પાસેથી મેળવવાનું ના હોય. પચ્ચીસી પૂરી કરનારમાં પોતાના પ્રશ્નો સમજવાનું અને સમસ્યાઓનું નિરાકરણ શોધવાનું બળ ન જન્મે, તો કેવળ એણે કાયા જ વધારી કહેવાય. લગ્ન એ કાંઈ કેવળ સુખોનો લાભ શોધવાનો અવસર નથી.'
પણ અવિનાશકુમારનો ઉપદેશ રિતિકાને નમ્ર બનાવવાને બદલે રણે ચઢવાનું નિમિત્ત બનતો હતો. રિતિકા દલીલ કરતી હતી કે 'નિશ્ચલ મીઠડો, સ્વમાન વગરનો, તેથી વાયડો, સ્ટફલેસ છે તેની પોતાના પપ્પા અને મમ્મીને બહુ મહત્વ આપે છે. હકીકતમાં એ મિલકતનો લાલચી છે. એટલે કશું બોલતો નથી. અને મમ્મી-પપ્પાને મસકા મારે છે.' રિતિકા અને નિશ્ચલના સંબંધો વણસવાની પરાકાષ્ઠાએ પહોંચ્યા, ત્યારે મહિમાદેવીને ખૂબ આઘાત લાગ્યો હતો, રિતિકાનું દામ્પત્યજીવન બરબાદ કરવા માટે પોતે જ જવાબદાર છે એવું એમને મહેસૂસ થઈ ગયું હતું...
રિતિકાની-ચિંતામાં જ તેઓ બીમાર પડી ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. રિતિકા ડગલે ને પગલે નિશ્ચલ અને તેના પરિવારનું અપમાન કરતી હતી... તોપણ અવિનાશકુમાર અને મહિમાદેવીના નિશ્ચલ સાથેના સંબંધમાં કશી જ ઓટ નહોતી આવી... મહિમાદેવીની વિચારયાત્રા ચાલુ હતી, ત્યાં ડૉક્ટરે એમને ઇન્જેક્શન આપવા જગાડયા... ત્યારે તેઓ સફાળા બેઠા થઈ ગયા... અને બોલ્યા, 'નિશ્ચલ, બેટા તું આવી ગયો, અહીં મારી પાસે બેસ. રિતિકા હવે નહીં જ આવે એવું લાગે છે. મારો અંતિમ સમય નજીક આવી ગયો હોય એવું લાગે છે. તું જરાપણ મારાથી દૂર ન જતો બેટા.'
ત્યારે અવિનાશકુમાર બોલ્યા : 'મહિમા, રિતિકા કોઈને પણ કીધા વગર દૂબઈ ગઈ છે. શોપિંગ કરવા માટે. એને મેં તારી માંદગીનો ફોન કર્યો તો એને કહ્યું કે 'મારી શી જરૂર છે? સેવા કરવા માટે તો નિશ્ચલ તમારી પાસે છે જ ને! પૈસાનો લાલચુ તમને બન્નેને ભોળવીને બધું પડાવી લેશે. ત્યારે ખબર પડશે તમને. અને પપ્પા તમે તો મને ઘમંડી, જીદ્દી અને ઉદ્ધત કહેતાં હતાં તો હવે આ બગડી ગયેલી દીકરીની કેમ જરૂર પડી? હું નથી આવવાની. મમ્મીને તો મારું નામ દેશો એટલે સાજી થઈ જશે.'
'બસ કરો, રિતિકાના પપ્પા, હવે મારાથી નથી સંભળાતું. હાથના કર્યા હૈયે વાગ્યા. તમે મને ઘણી ચેતવી હતી પણ પુત્રીના પ્રેમમાં અંધ મેં જ રિતિકાની જિંદગી બરબાદ કરી નાખી. એનું ઘડતર ના કર્યું.... મારો જન્મારો એળે ગયો. હું એક સારી છોકરી સમાજને ન આપી શકી એ મારું પાપ છે.' અને મહિમાદેવીની સદાને માટે આંખો બંધ થઈ ગઈ.


