Get The App

આઈ.આર.જી.સી. : ઈરાનની સત્તા સંભાળી લેનારા ઈસ્લામિક ક્રાંતિના ખૂંખાર લડવૈયા

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
આઈ.આર.જી.સી. : ઈરાનની સત્તા સંભાળી લેનારા ઈસ્લામિક ક્રાંતિના ખૂંખાર લડવૈયા 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ઇરાનના રાજકારણમાં પણ આઈ.આર.જી.સી.નો ભારે દબદબો છે. આ સંગઠનના ઘણા પૂર્વ સભ્યો સંસદમાં અથવા સરકારના ઉચ્ચ પદો પર બિરાજમાન હોય છે

અ ત્યાર સુધી ઇરાનના સુપ્રીમ લીડર ગણાતા ખોમનેઇનો પડયો બોલ ઝીલી લેવા તત્પર અને જરુર પડે તો પ્રાણ ન્યોચ્છાવર કરવા અધીરા થઇ જતા ઇરાની યુવક-યુવતીઓ વિશ્વના ખુણે ખૂણે વસે છે. અલ્પ સંખ્યામાં હોવા છતાં સાહસિક અને સ્વાભિમાની હોવાથી ઘરેલું કામ પાર પાડવા ખાતર સંપી જવાની તેમની લાક્ષણિકતા ગણાય છે. એફ.બી.આઇ.ના ભુતપુર્વ એજન્ટ અને કાઉન્ટર ટેરરીઝમ કન્સલ્ટંટ કાર્ટર કોનિક તો કહે છે : વિવિધ દેશોમાં કામ કરતી ઈરાની એજન્ટોની ટુકડીઓ વચ્ચે એવું સુવ્યવસ્થિત તંત્ર છે કે ઇરાનમાં બેઠા બેઠા જ તેમના ધર્મગુરુ આદેશ કરે એ દેશમાં તેમનું ધાર્યું નિશાન પાર પડી જાય.

અખાતી દેશોમાં ચાર દાયકાથી ત્રાસવાદીઓનો ઉપદ્રવ ભયજનક ગતિએ વધી રહ્યો છે. ખુંખાર ત્રાસવાદીઓની અનેક નાની મોટી ટોળકીઓ ગલ્ફમાં કાર્યરત છે, તેમાં સૌથી ખતરનાક અને બળવાન ગણાય છે ઇરાનના શિયાપંથી મુસ્લિમોની સંસ્થા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇ.આર.જી.સી.)

સૈકાઓથી સત્તા અને ધનથી વંચિત રહેલા આ અસંતુષ્ટો તેમના શોષણથી ગળે આવી ગયા હતા. ૧૯૭૮-૭૯માં લોહિયાળ ક્રાંતિ થઇ અને ઇરાનના શહેનશાહે ગાદી ત્યાગ કર્યો ત્યાર બાદ ધર્મનું શાસન લાદનારા આયાતોલ્લાહ ખોમેનીએ યુવાનોના હૈયામાં ભભૂકતા રોષને વધુ ભડકાવ્યો. દક્ષિણ લેબેનોનમાંથી ઇઝરાયલે તગેડી મૂકેલા અસંખ્ય શિયા ખેડૂતો પણ વર્ષોથી અન્યાયનો બદલો લેવા ઊંચા-નીચા થતા હતા. એ લોકો ઇરાનના ક્રાંતિકારીઓમાં ભળી ગયા. તેમના મનમાં વેરનો નાનો તિખારો પણ મોટી આગ સર્જી શકે તેટ્લી હદે આ યુવકોના લોહી ઊકળી ઊઠે છે. તેમના સુપ્રીમ કમાન્ડર એવા ધર્મગુરુ ઇશારો કરે એ વ્યક્તિનું કાસળ કાઢી નાખવા કે આંગળી ચીંધે એ ઇમારત, એલચી કચેરી કે વાહનને ફૂંકી મારવા માટે ઇરાનના ક્રાંતિકારીઓ દુનિયાભરમાં પથરાઇ ગયા છે.

આજ ક્રાંતિકારીઓની સંસ્થા આઈ.આર.જી.સી. આજે ઈરાનમાં સર્વ સત્તાધીશ બની ગઈ છે. ઇરાન ઇન્ટરનેશનલના એક અહેવાલ મુજબ શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ  કોર્પ્સે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે સત્તાના સંઘર્ષમાં ઝંપલાવી દીધું છે. એટલું જ નહીં, ઇરાનના આ ક્રાંતિકારી કહેવાતા સંગઠને દેશની બાગડોર હવે પોતાના હાથમાં લઇ લીધી છે. સુપ્રીમ લીડર મોઝતબા ખામેનેઇ ક્યાં, કંઇ હાલતમાં છે એ સ્પષ્ટ ન હોવાથી અથવા આ વાત અત્યંત ખાનગી રખાતી હોવાથી શક્તિશાળી આઇઆરજીસીએ ઇરાન પર પોતાનો કન્ટ્રોલ મજબૂત કરી દીધો છે.

એપ્રિલ મહિનાના પ્રારંભથી જ પ્રમુખ પેઝેશ્કિયાનની ઉપરવટ જઇને દેશના સંચાલન અને સંરક્ષણને લગતા તમામ મહત્ત્વના નિર્ણય ઇરાન રિવોલ્યુશરી ગાર્ડ્સના પ્રમુખ અહમદ વાહિદી લઇ રહ્યા છે. ઇરાનના ખામનેઇ શાસનનો વિરોધ કરનારા કેટલાક લંડનમાં બેઠેલા  ઇરાની નેતાઓ કહે છે કે મધ્યપૂર્વના પાડોશી દેશો પર હુમલો કરવાની પ્રમુખ પેઝેશ્કિયાને ે નારાજગી દાખવી હોવા છતાં રિવોલ્યુશનરી ગાર્ડના સર્વેસવાએ વાત માની નહોતી અને દુબઇ,  શારજહા, સાઉદી આરબ, જોર્ડન, કતર વગેરે દેશો પર ડ્રોન અને મિસાઇલ હુમલા ચાલું રાખ્યા છે.

તેમના બંધારણ મુજબ આઈઆરજીસીનો મુખ્ય ઉદ્દેશ અને મિશન ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ અને તેની ઉપલબ્ધિઓને ટકાવી રાખવાનું છે. જે કોઈ વ્યક્તિ આ ક્રાંતિને અવરોધવાની કે કચડી નાંખવાની વાત કરે તેને આ ઈરાની સંગઠન પરમ શત્રુ ગણે છે. લગભગ ૮૫૦થી વધુ કંપનીઓ તેમના અંકુશ હેઠળ કારોબાર ચલાવે છે.

ઇરાનના અર્થતંત્રના મોટા ભાગ પર (લગભગ ૩૦% થી ૫૦%) ઇસ્લામિક રિપબ્લિક ગાર્ડનું નિયંત્રણ છે. તે બાંધકામ, તેલ અને ગેસ,  બેંકિંગ અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં લગભગ ૮૫૦થી વધુ મોટી  કંપનીઓનો કારભાર ચલાવે છે.

ઇરાનના રાજકારણમાં પણ તેમનો ભારે દબદબો છે. આ સંગઠનના ઘણા પૂર્વ સભ્યો સંસદમાં અથવા સરકારના ઉચ્ચ પદો પર બિરાજમાન હોય છે.

બીજી તરફ દરિયાપારની ઇરાની એલચી કચેરી એક પ્રકારના ભરતી મથક જેવી હોવાનું મનાય છે. ક્રાંતિકારીઓ અને ત્રાસવાદીઓને ઉપયોગમાં લેવા ઉપરાંત સપ્લાય ડેપો તેમ જ ત્રાસવાદી પ્રવૃત્તિ માટેના વડા મથક જેવી કામગીરી બજાવતા ઇરાનના સાંસ્કૃતિક કેન્દ્રો વિદેશમાં સ્થપાયેલાં છે. ઇરાની ક્રાંતિકારીઓના આઇ.આર.જી.સી.  ગઠબંધનનો ઊંડો અભ્યાસ કર્યા પછી અમેરિકાની ગુપ્તચર સંસ્થા સી.આઇ.એ. પણ એવા તારણ પર આવી છે કે તેમની ત્રાસવાદી પ્રવૃત્તિઓ માત્ર અખાતી દેશો તેમ જ યુરોપ પૂરતી મર્યાદિત રહી નથી. તેમને હથિયાર પૂરા પાડી શકે, નાણાકીય સહાય આપી શકે, બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવીને ઝડપી સ્થળાંતર કરવામાં મદદરુપ થાય તેવા એજન્ટ અમેરિકામાં પણ છે. અમેરિકામાં વસતા ૯૦,૦૦૦ ઇરાનીઓમાંથી ક્રાંતિકારીઓ સાથે ભળી ગયેલા કેટલા હશે તેનો અંદાજ પણ કેવી રીતે મળે ?

ગયા વર્ષે વિશ્વના જુદાં જુદાં સ્થળોએ ૩૩ ત્રાસવાદી હુમલાઓમાં ઇરાન સીધી રીતે સંડોવાયું હતું અને દરેક ઘટનાના અવલોકનમાંથી અનુમાન તારવવામાં આવ્યું છે કે ઇરાની ક્રાંતિકારીઓ દુનિયાના ધારે એ સ્થળે ખાનાખરાબી સર્જી શકે છે. તુર્કી, પાકિસ્તાન તથા થાઇલેન્ડમાં સાઉદી અરેબિયન રાજદ્વારીની હત્યા તેમ જ લાગોસ, નાઇજીરિયાસ્થિત સાઉદી એરલાઇન્સની કચેરી ઉડાડી મૂકવાના કાવતરામાં પણ ઇરાનનું પીઠબળ પામેલાં વિવિધ સંગઠનો સંડોવાયા હોવાનું મનાય છે. અલબત્ત, આ તમામ આતંકી ગતિવિધીઓ પાછળ ઇસ્લામિક રિવોલ્યુશરીગાર્ડનો દોરી સંચાર હોય છે. 

એમ તો પાનએમની ફ્લાઇટ નંબર ૧૦૩ને નડેલા અકસ્માતમાં ય ઇસ્લામિક રિવોલ્યુશનના સભ્યોનો જ હાથ હોવાનો આરોપ એફ.બી.આઇ. એજન્ટોએ મૂક્યો હતો. ઇરાકને મિસાઇલ્સ વેચનારા જર્મન વેપારીને પણ ફ્રેન્કફર્ટના હાઇવે ૫૨ આ ત્રાસવાદીઓએ કારબોંબ વાપરીને મારી નાખ્યો હતો. ખોમેનીના વિરોધીઓને ઇરાનમાંથી વીણી વીણીને સાફ કર્યા બાદ ઇસ્લામિક રિવોલ્યુશનનો સભ્યોએ વિદેશોમાં પણ આ કામગીરી સફાઈપૂર્વક આરંભી હતી, લેબેનોનના ઘાતકી હેઝબોલ્લાહ ત્રાસવાદીઓ સાથે ભળી જઈને તેમના ધર્મગુરુના વિરોધી ઇરાનીઓને ખતમ કરવાના પણ અનેક પ્રયાસ સફળ થયા હતા.

ઇઝરાયલમાં કાળો કેર વર્તાવનાર ટેરર ગુ્રપ હેઝબુલ્લાહને પણ ઇરાની ક્રાંતિકારી ગુ્રપે જ ઉછેરીને તગડું બનાવ્યું છે. આ શિયા મુસ્લિમોના ગુ્રપની રચના ૧૯૮૨માં થઇ હતી. પરંતુ બે વર્ષ પૂર્વે ઇઝરાયલ સાથે સંઘર્ષ શરૂ થતાં ઇરાને આ સંગઠનને પ્રોક્સી વૉર લડવા તગડી મદદ કરી હતી. આજેય તહેરાનતરફથી હેઝબુલ્લાહને શસ્ત્રો, પૈસા અને લશ્કરી માર્ગદર્શન મળે છે.

લેબનોનમાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ અને યમનમાં હુથી બળવાખોરોને આ સંગઠન દ્વારા સમર્થન અને તાલીમ મળતી હોવાના અહેવાલો છે.

અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોએ આઈ.આર.જી.સી.ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ દેશોએ ઇરાનના આ સંગઠનને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) તથા અલ-કાયેદા જેવા ખૂંખાર ત્રાસવાદી સંગઠનો સાથે સરખાવ્યું છે.

હજુ બે મહિના પૂર્વે જ યુરોપીયન યુનિયન(ઇયુ)એ ઇરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠન જાહેર કર્યુ છે. ઇરાનમાં સરકાર વિરોધી દેખાવો ઉગ્ર બનતા રિવોલ્યુશનરી ગાર્ડ આ દેખાવકારો પર જે ઉગ્રતાથી તૂટી પડયુ અને હિંસા આચરી તે બદલ તેની સામે આ પગલું લેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ૭૦૦૦થી પણ વધુ પ્રદર્શનકારીઓને મોતને ઘાટ ઊતારવામાં આવ્યા છે. અને બીજા ૧૨૦૦૦ યુવક-યુવતીઓને જેલમાં ઠાંસી દેવામાં આવ્યા છે.

જોવાનું એ છે કે ઈરાનની પોતાની મજબૂત સેના છે. પરંતુ આઈઆરજીસી ઈરાનની એક અલાયદી સેના છે. તેનું પોતાનું અલગ મિલીટરી-સિક્યુરીટી માળખું છે. આ 'ધાર્મિક' સેના ઈરાનના પ્રમુખને નહીં પરંતુ દેશના સુપ્રીમ લીડર ગણાતા આયાતોલ્લાહ અલી ખામેનેઈ અને તેમના પુરોગામી નીવડેલી વ્યક્તિને રિપોર્ટ કરે છે. આ સંસ્થા દેશની આંતરિક સલામતી વ્યવસ્થા અને વિદેશોમાં પણ પોતાના લક્ષ મુજબ હાથ ધરાયેલા મિશન પાર પાડે છે.

આઇઆરજીસીના પણ પાછા અલગ ફાંટા પડે છે. તેની કોડ્સ ફોર્સ તરીકે ઓળખાતી ટુકડી વિદેશોમાં પોતાની પ્રવૃત્તિ ચલાવે છે. તેમ જ અફઘાનિસ્તાન, ઈરાક લેબેનોન, યમન અને સિરિયામાં તેમના વતી લડનારા ત્રાસવાદી સંગઠનોનો દોરીસંચાર કરે છે. તેમને પૈસા, શસ્ત્રો સહિતની તમામ સહાય કરે છે. તેમ જ મિલિટરી ઇન્ટેલિજન્સ એકત્ર કરવાની કામગીરી બજાવે છે.

બસીજ નામે ઓળખાતી બીજી અર્ધલશ્કરી ટુકડીને ઈરાન દેશની અંદર ચાલતી શાસન વિરોધી ચળવળને સખત હાથે દબાવી દેવાની કામગીરી સોંપાઈ છે. આ જૂથના સિપાઈઓ સતત ઈરાનની ગલી-કૂચીમાં પહેરો ભરતા રહે છે. તથા સ્કુલ અને યુનિવર્સિટીઓમાં પણ તેઓ ચળવળકારોને ઓળખી કાઢી જેલ ભેગાં કરે છે.

આ સિવાય આઈઆરજીસીમાં અલગ અલગ ભૂમિદળ, નૌકાદળ તથા હવાઈ દળ પણ છે. ખાસ તો તેમની પાસે સાયબર યુધ્ધ ખેલવા 

નિષ્ણાત યુવાનોની મોટી ટીમ છે. આ કમ્પ્યુટર નિષ્ણાતો નાજી ટેકનોલોજી હુશમંદ ફત્તેર (કરજ ખાતે) તથા આફકાર સિસ્ટમ યઝદી કંપની (યઝદી) ખાતે)ના બેનર હેઠળ પોતાની પ્રવૃત્તિ આચરે છે.

ઇરાનનો બેલેસ્ટિક મિસાઇલ અને પરમાણું કાર્યક્રમ મુખ્યત્વે  ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના સંચાલન હેઠળ છે. તાજેતરમાં (ફેબુ્રઆરી ૨૦૨૬) તેમણે 'ખોર્રમશહર-૪' જેવી અત્યંત આધુનિક મિસાઇલોનું પરીક્ષણ પણ કર્યું છે.

આગળ જણાવ્યું તેમ ઈરાનની સામાન્ય સેનાથી વિપરીત રિવોલ્યુશનરી ગાર્ડ પાસે કુલ મળીને ૧,૯૦,૦૦૦ની સેના છે. ઉપરાંત દોઢ લાખ ભૂમિદળ, ૧ લાખ નૌસેના અને હવાઈદળનું સંખ્યાબળ ૧૫,૦૦૦ જેટલું છે. આ સિવાય બસીજ પારા મિલિટરી ફોર્સ ઇચ્છે ત્યારે છ લાખ સૈનિકોને ખડકી દઈ શકે છે. મઝાની વાત એ છે કે ઈરાનની સામાન્ય સેનાને બજેટમાં જે રકમ ફાળવાય છે તેનાથી બમણી (છ અબજ ડોલર) આઈ. આર. જી. સી.ને ફાળવવામાં આવે છે.

બસીજ નામની મિલિટરી વીંગ ૧૨ વર્ષના બાળકોને પણ વિશિષ્ટ લશ્કરી તાલીમ આપે છે. હમણાં જ અમેરિકા-ઇઝરાયલ સામેનું યુધ્ધ ૪૦મા દિવસમાં પ્રવેશ્યું ત્યારે સમસ્ત ઈરાનમાંથી ૧૨ વર્ષ કરતાં વધુ વય ધરાવતા છોકરાઓને ફરજિયાત મિલિટરી ટ્રેનિંગ આપવાની શરૂઆત થઈ ગઈ છે.

વર્ષો પહેલા સલમાન રશદીની માફક જ ખોમેનીએ ઇરાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શાહપુર બખ્તિયારને ખતમ કરી નાખવાનો ફતવો બહાર પાડયો હતો.

આજે પણ ઇરાનના સુપ્રીમ કમાન્ડરના સમર્થક હોય તેવા હજારો ઇરાની યુવકો જગતના તમામ આગળ પડતા દેશોમાં વિદ્યાર્થી વિસા પર વસવાટ કરે છે. અમેરિકામાં આવા ૬૦,૦૦૦ વિદ્યાર્થીઓ છે તેમાંથી અસંખ્ય મુસ્લિમ વિદ્યાર્થીસંઘના સભ્ય છે. છતાં સ્કૂલ કે કોલેજમાં તેઓ ક્યારેય હાજરી પુરાવતા નથી. આવા 'વિદ્યાર્થી'ઓમાં ઓછામાં ઓછા ૫૦૦૦ છોકરાઓ એવા છે જેમના નામ એક યા બીજી ત્રાસવાદી સંસ્થા સાથે સાંકળી શકાય. વર્ષો પૂર્વે ખોમેનીએ ફતવો બહાર પાડયા પછી સલમાન રશદીને મારી નાખવાના શપથ લઇને ન્યુયોર્કની શેરીઓમાં ફરતા કેટલાક ઇરાનીઓને જોઇને એફ.બી.આઇ. અજન્ટો પણ આભા બની ગયા હતા. લાંબી છરી અને ગુપ્તી જેવા તીક્ષ્ણ, ધારદાર હથિયારથી જાતે જ શરીરે ચીરા મૂકીને લોહીથી લથબથતા કપડાં સાથે તેમણે જાહેર સરઘસ કાઢેલું એ દ્રશ્ય જોઇને તેમના ઇરાદાની મક્કમતાનો ખ્યાલ આ જાસૂસી એજન્ટો પામી ગયા હતા. આ દ્રશ્ય નજરે જેનારા એક એજન્ટ તો એવી કેફિયત આપી કે, મેં જે જોયું તેના પરથી લાગે છે કે આ છોકરાઓને કોઇ માત્ર એટલું જ કહે કે પેલા ઘરમાં ઈઝરાયલી નેતા છે કે પેલા વિમાનમાં ઈઝરાયલનો સેનાપતિ મુસાફરી કરી રહ્યો છે તો એ મકાન કે પ્લેનને ફૂંકી મારવા તત્પર થઇ જાય....'

એકવાર ઇરાદો મક્કમ કરી લે પછી ક્રાંતિકારી ઇરાની યુવકોને લક્ષ સિદ્ધ કરવા માટે જરુરી શસ્ત્ર-સામગ્રી, નાણા ઉપરાંત માર્ગદર્શન પૂરું પાડનારા ધંધાદારી એજન્ટો પણ દરેક દેશમાં રિવોલ્યુશનરી ગાર્ડના ઇશારે ગોઠવાયેલા છે. જગતભરમાં આ રીતે ચાલતી ઇરાની યુવક-યુવતીઓની ત્રાસવાદી પ્રવૃત્તિને સાંકળી લેતી કેન્દ્રીય સંસ્થા ગાર્ડ્ઝ ઑફ ઇસ્લામિક રિવોલ્યુશનનું હેડ ક્વાર્ટર તહેરાનમાં છે. આ સંસ્થાની કેટલીક પ્રવૃત્તિ યુદ્ધ નોતરે તેવી હોય ત્યારે ઇરાનની સિક્રેટ સુપ્રીમ ડિફેન્સ કાઉન્સિલ તેનો દોરીસંચાર સંભાળી લે છે.

કોઇ અમુક કામગીરીમાં ઇસ્લામ રિવોલ્યુશન સંસ્થાના સભ્યોની બનેલી 'સુસાઇડ સ્ક્વોડ' કામે લગાડાય છે. આ ટુકડીના મેમ્બર પોતે જીવતા રહેવાના નથી અની તૈયારી સાથે હસતે મોઢે કામગીરી. સ્વીકારી લે છે. પછી તે દુશ્મન પ્રદેશ પર બોમ્બર વિમાન ઉડાડવાનું કામ હોય, જીપ અથવા ટ્રકમાં સ્ફોટક પદાર્થ ભરીને મોતના મુખમાં (સુસાઇડ એટેક) ધસી જવાનું હોય કે પછી એલચી કચેરીને તોડી પાડવાનું હોય. થોડા વર્ષ પહેલાં ઇરાકના યુ.એસ. મરીન બેરેકને તોડી નાખવાનો હુકમ મળ્યો પછી આવી જ એક સુસાઇડ સ્ક્વોડનો સભ્ય એક બોમ્બર વિમાન લઈને નીકળી પડયો અને જેવું લક્ષ દેખાયું કે તરત જ નાકની દાંડીએ વિમાન સહિત એ બેરેક પર ખાબક્યો હતો. આ મરણિયા પ્રયાસમાં ઇરાની પાઇલટ તો જીવતો ન જ રહે પરંતુ અમેરિકાના તમામ ૨૪૧ જવાનોની લાશ તેણે ઢાળી દીધી હતી.

ત્રાસવાદી તાલીમ માટે શરુઆતના વર્ષોમાં ક્રાંતિકારી યુવાનોને સિરિયાના તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવતા. હવે તો તહેરાનમાં જ સુઆયોજિત કેન્દ્ર ચાલે છે. અમેરિકાના લશ્કરી થાણાં કે યુરોપિયન જેલ તોડી નાખવા સુધીની તાલીમ સુદ્ધાં આ કેન્દ્રમાં અપાય છે. ઇસ્લામિક રિવોલ્યુશનના સભ્ય ધર્મઝનૂની છે. એટલું જ નહીં, ત્રાસવાદ ફેલાવવાની દરેક આધુનિક પદ્ધતિ તથા દાવપેચથી તેઓ વાકેફ છે.

એવું પણ નથી કે ઇસ્લામના ક્રાંતિકારી યોદ્ધા તરીકે ફક્ત ઇરાની નાગરિકની જ પસંદગી થાય. પશ્ચિમી દેશો અને તેમાંય ખાસ કરીને અમેરિકાને પાઠ ભણાવવા માટે જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોમાં ઇરાનની એલચી કચેરીઓ જેતે દેશમાંથી કેટલાક ધંધાદારી ભાંગફોડિયાઓને પણ પોતાના મકસદ માટે સાધે છે.

અત્યાર સુધી આચરેલા ત્રાસવાદી કૃત્યો પરથી ઇસ્લામિક રિવોલ્યુશન સંગઠનની કામગીરીની રુપરેખા આ રીતે આપી શકાય. ઇરાનના સુપ્રીમ કમાન્ડરનો આદેશ મળ્યા પછી કોઇ અમેરિકી નેતાને  ખતમ કરવા નીકળેલા ઇસ્લામિક ગાર્ડ્સ માટે પહેલાં તો વોશિંગ્ટન ઇરાની એલચી કચેરીએ કે બીજા કોઇ એવા મથકે વિસ્તૃત યોજના ઘડવી પડે. અમેરિકાના વિદેશ મંત્રાલયે તહેરાન સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા પછી હવે તો વોશિંગ્ટન સ્થિત ઇરાની રાજદૂતાલય નિષ્ક્રિય થઇ ગયું છે. પરંતુ પેલા નેતાની હત્યાની યોજના આ પહેલાં જ ત્યાં ઘડાઇ ચૂકી હશે.

વોશિંગ્ટનમાં પેલા નેતા અને તેમનાં પત્ની કયા સ્થળે રહે છે. ત્યાંની સલામતી વ્યવસ્થા. તેમની મોટરના નવા નંબર, તેમના બીજા બંગલા કે ઑફિસ, અન્ય મિત્રોના સરનામાં, ટેલિફોન નંબર, વગેરે તમામ વિગતો એકઠી કરવાનું કામ પણ ઇરાન એમ્બેસીએ તાળા લગાવતાં પહેલાં આટોપી લીધું હશે. પ્રથા એવી છે કે શત્રુને લગતી માહિતી એકઠી કરવાનું કામ અમુક કરે અને તેને નામશેષ કરવાનું કામ બીજા ચુનંદા માણસોને સોંપાય.

ઈરાનની ઇસ્લામી ક્રાન્તિના વિરોધીઓને ખતમ કરવામાં કોઇ જાતની રહેમ દાખવવામાં આવતી નથી તેનો ધ્રુજાવી દેતો દાખલો છે ડૉક્ટર અહમદ દાનેશ! તેમની વીતકકથાનો આરંભ ૧૯૮૩ના એપ્રિલની ૨૭મીએ રાત્રે થયો. એ રાત્રે આયાતોલ્લાહ ખોમેનીના 'ક્રાંતિકારી સિપાહીઓ' તહેરાનની ઉત્તરે આવેલા ડૉક્ટર અહમદના ઘરનો દરવાજો તોડીને ઘૂસી આવ્યા. અહમદની પત્ની અને બે પુત્રીઓને રસોડામાં પૂરી દીધી અને અહમદની આંખે પાટા બાંધીને ઘરની તલાશી લેવી શરુ કરી.

તેમના પર ક્રાન્તિના સિપાહીઓની ખફગી ઊતરવાનું કારણ એટલું જ કે ડૉક્ટર દાનેશ સામ્યવાદી પક્ષના સભ્ય હતા. અહમદના ઘરમાંથી સામ્યવાદી પક્ષના નેતાઓની વિગતો મેળવવા ઉપરાંત જરઝવેરાત અને રોકડ નાણાં પણ રિવોલ્યુશનરી ગાર્ડ્સના સિપાહીઓએ જપ્ત કર્યું અને ડૉક્ટર અહમદને જ ઉઠાવી ગયા. તહેરાનમાં સેંકડો રાજકીય કેદીઓથી ભરેલી વિશાળ જેલમાં લઇ જઇને ડૉક્ટર અહમદની ઊલટતપાસ શરુ કરી. ચાર ચાર મહિના સુધી આ ડૉક્ટર ક્યાં છે અને જીવે છે કે નહીં તેની અહમદનાં પત્ની-બાળકોને પણ ખબર નથી..

એ કારાવાસમાં અનેક લોકો પર ગુજારવામાં આવતા સિતમોના સાક્ષી મારે બનવું પડયું હતું. જેલમાંથી ગુપ્તપણે બહાર સરકાવી દીધેલા પત્રમાં ડૉક્ટરે લખ્યું છે. અટકાયતના શરુઆતના દિવસોમાં ચીસો પાડતા બાળકોની ટેપ સંભળાવીને સિપાઈઓ ડૉક્ટરને કહેતા : 'અમે તારી પુત્રીઓ પર કેવા અત્યાચારો ગુજાર્યા છે તે સાંભળ !' છતાં અહમદે સામ્યવાદી પક્ષની વિગતો આપવાની તૈયારી ન દેખાડી. ઇસ્લામી કાયદા મુજબ આરોપી કબુલાત કરે એટલું બસ નથી, તેણે 'સક્રિય' પશ્ચાતાપ કરવો પડે. પશ્ચાતાપ એટલે રાજકીય મિત્રો કે સાથીઓને પોતાના હાથે જ ખતમ કરવાના!

આ ઘટના દર્શાવે છે કે ઇરાનના સર્વોચ્ચ ધર્મગુરુ કરતાં જુદા વિચારો ધરાવનારને ઇરાનમાં સ્થાન નથી, પછી એ અહમદ દાનેશ હોય કે સલમાન રશદી... કે પછી નવા જાહેર કરાયેલા ઈઝરાયલી કે અમેરિકી શત્રુ...!