- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ગાડા, ગાડી, મેડી, ધાબુ, ઝાડ, મંદિર કે પુલ ઉપરથી નીચે આવવાની ઘટનાને ઊતરવું આપણે કહીએ છીએ. નદી ઓળંગવાની ક્રિયાને પણ 'નદી પાર ઊતર્યો' કહે છે
'મા પાવા તે ગઢથી ઊતર્યા, 'મા' કાળી રે.' જેવા ગરબામાં (મૂળ સંસ્કૃતના अवत् શબ્દમાંથી (उद+त्) થઈને) ઊંચેથી નીચે આવવાનો અર્થ 'ઊતરવું' આપે છે. ગાડા, ગાડી, મેડી, ધાબુ, ઝાડ, મંદિર કે પુલ ઉપરથી નીચે આવવાની ઘટનાને ઊતરવું આપણે કહીએ છીએ. નદી ઓળંગવાની ક્રિયાને પણ 'નદી પાર ઊતર્યો' કહે છે. બજાર ભાવ ઓછા થાય ત્યારે પણ 'ભાવ નીચે આવ્યા એટલે ઊતર્યા કહેવાય છે.' આવેશ અને ગુસ્સો પણ સમય ઉતારી દેતો હોય છે. કઢાઈમાંથી ગરમાગરમ જલેબી, ભજિયાં વગેરે ઊતરતાં કહેવાય છે. રોટલી- ભાખરી ઊતરતી ઊતરતી ખાનારા પણ છે. માટીમાંથી ઘડો કે શિલ્પ બનાવનાર પણ 'ઘાટ ઊતર્યો' એવો પ્રયોગ કરે છે. નાટકમાં ભાગ લેવાની ક્રિયાને પણ નાટકમાં ઊતર્યો કહે છે. ગ્રહદશા ઊતરી, પનોતી ઊતરી, બુધની દશા ઊતરી વગેરે પ્રયોગો પણ થાય છે. કેટલીક વાર ચહેરા ઉપરનો રંગ ફીકો પડી જાય ત્યારે પણ રંગ ઊતરી ગયો. ઝાંખી રંગોળી, ઝાંખાં ચિત્રો માટે પણ રંગ ઊતરી ગયો બોલાય છે. કપડાંનાં રંગ પણ ઊતરી જાય છે તેમ વ્યકિતનો, ગામનો, યૌવનનો વટ્ટ પણ ઊતરી જતો હોય છે. 'વાળ ઉતારવા' એ ચૌલક્રિયા માટે વપરાતો શબ્દ છે. 'ઊતરી' નામનું ગળાનું એક ઘરેણું પણ હોય છે. ઊતરી- નામે કોમળ સ્વર પણ ઓળખાય છે. 'આડા ઊતરવુ - અપશુકન કે અમંગળનો અર્થ આપે છે. દાવ ઉતારવો, દેવું ઉતારવુંમાં પણ મુક્ત થવાની વાત છે.
'ઊતર' ઉપરથી ઊતરેલ (વાસી) ઊતરેલ (ચહેરો, માણસ) અને ઊતર્યુથી તર્યું (ઊતરેલું, વપરાઈ રહેલું) જેવા શબ્દો પણ છે. ઊતરતી શ્રેણી એ ગાણિતક છે તેમ 'ઉતરડ' સબ્દ પણ ઉચ્ચાવચતાનાં ક્રમમાં ગોઠવેલાં વાસણો માટે વપરાય છે. ઊતરણ શબ્દ ઢાળ-ઉતાર માટે પણ વપરાય છે. ઉત્તરાયણ એ મહેનતાણા માટે વપરાતો શબ્દ છે! 'ઊતરાણ' મકરસંક્રાન્તિ' માટે વપરાતો શબ્દ છે. ઉતરડિયું એટલે ઊતારવાનું ઓજાર..... પ્રવાસી માટે 'ઉતારુ' શબ્દ વપરાય છે. 'ઉતારત' ક્ષુલ્લક સાધારણ વાત માટે વપરાય છે. સિલાઈ ઉકેલવાની ક્રિયાને 'ઉતરડવું' પણ કહે છે. નદીને પાર કરવાની જેમ, ઉત્પાદનનો ફાલ પણ 'ઉતાર'ને નામે જ ઓળખાય છે. ઉતારો આરતી કૃષ્ણ ઘેર આવ્યા'માં આરતી ઉતારવાની સત્કાર સન્માનની વાત છે. ગળાની નીચે ખાવા પીવાનું ઊતરતું હોય છે પરંતુ 'વીંછી ઉતાર્યો' - 'સાપ ઉતાર્યો' 'ઝેર ઉતાર્યું' આવા પ્રયોગોમાં પણ એની ઝેરીલી અસરો ઓછી કરવાની અથવા નિવારણ કરવાની વાત છે. 'પતંગ ઉતાર્યો' પ્રયોગમાં પણ આકાશમાં ચઢેલી- ચગેલી પતંગને ધીમે ધીમે નીચે લાવી ઉતારવાની વાત છે તેવી રીતે કોઈ ઝાડ ઉપર પડી ગઈ હોય ત્યારે પણ નીચે લવાય તો તેને ઉતારી જ કહેવામાં આવે છે. 'ઊતર્યો અમલદાર કોડીનો' જેવી કહેવતમાં છે જે અમલદાર સત્તા ઉપર હોય ત્યારે જ તેનું માન-સન્માન હોય પણ જ્યારે તેની નોકરી પુરી થાય ત્યારે 'ઊતર્યો' અમલદાર કહેવામાં આવે છે તેની કિંમત ઓછી થઈ જતી હોય છે. બટાટા, શક્કરિયાં બાફયા પછી તેની ખાલ ઉતારવાની ઘટનાને પણ 'છાલ ઉતારી' કહેવામાં આવે છે. 'ઊલ ઊતરી' 'નજર ઉતારી' બંને શબ્દોમાં ભેદ છે. એક ક્રિયા છે બીજી રૂઢિપ્રયોગ છે. બે માણસો સામસામે ચર્ચા કરતા હોય એમાં કોઈ મોટેથી બોલીને સામી વ્યકિતને ઉતારી પાડે, ચૂપ કરી દે એવો પ્રયોગ પણ થતો હોય છે. કેન્સરની અસરથી, દવાઓની આડ અસરથી માથાના વાળ ઉતારી જતા હોય છે. એટલે વાળ ખરી જવાનો અર્થ હોય છે. છાપરા ઉપરથી નળિયાં ઉતારી ફરી સંચવાનું કામ પણ ઉનાળામાં થતું હોય છે. 'થાક ઉતારી જવો' પ્રયોગ પણ જાણીતો છે. ઉત્તરનો અર્થ જવાબ ભલે થાય, પણ તેનાં મૂળ ઊતરમાં જ પડયાં છે. ઓફિસ-ઘર ખાલી કરવા માટે અસબાબ લારીમાં ઉતારવો પડતો હોય છે.
'પાણીમાં ઉતારવું' રૂઢિપ્રયોગમાં ક્ષમતા ચકાસવાનો અર્થ છે તો ખેતર, જંગલ, તળાવ, ઓળંગવાને પણ પાર ઊતરવું કહે છે.
વળી નદી, દરિયો કે પૂરનાં પાણી ઓસરે ત્યારે પણ 'ઊતરવું' કહે છે. પાનું ઊતરવું, - પગથિયાં ઉતરવાં - ભાત ઊતરી જવો , દાળશાક ઊતરવા જવાં - કપડાં ઊતારવાં - આ બધાંના અર્થો થોડાથોડા ભિન્ન છે. પાનું ઊતરવું એટલે પત્તાંની રમતમાં રમત રમવા પાન ઊતરવું - પગથિયાં ઊતરવાં એટલે નીચે જવું - ઉમંગોની ભાત ઊતરી જવી, એટલે નિરાશ થવું, રસોઈ બગડી જવી 'ઊતરી જવી' કહે છે. કપડાં ઊતારવાં - અને કપડાં કાઢી નાખવાં તે બેમાં 'કપડાં ઊતારવાં' રૂઢિ પ્રયોગ તરીકે વપરાય ત્યારે કોઈ વ્યકિતની આબરૃં લેવી, ઇજ્જત ઓછી કરવી એવો અર્થ થાય છે. વાગી જતાં 'હાથ ઊતરી ગયો' કહીએ ત્યારે હાડકું ખસવું અથવા હાડકું મૂળ જગ્યાએથી હાડકું ખસી જતાં વેદના થવી તે અર્થ છે. 'માથેથી ઉતારવું' રૂઢિપ્રયોગ છે. એટલે ભૂત-પ્રેતને માથે શ્રીફળ-દોરો ફેરવી મેલી વસ્તુ દૂર કરવી, કાઢી મૂકવી. 'ઉતાર-ચઢાવ' પ્રયોગમાં પણ જીવનનાં દુ:ખ સુખ, આનંદ-શોકની વાત કરવામાં આવે છે.
'ઉતારો' શબ્દ ઊતરવાની જગ્યા માટે જ વપરાય છે. તેમ ઊપજ માટે પણ છે. એવી રીતે જમીનના દસ્તાવેજોને ૭-૧૨, ૮-અના વગેરે 'ઉતારા' જ લોકો કહે છે. કોઈ મોટા સ્થાને હોય એને લાંછન લાગે અને ક્યારેક પદભ્રષ્ટ થાય ત્યારે 'ઊતારી મેલ્યો', ઉતારી દીધો કે 'ઊતરી ગયો' એવા પ્રયોગો પણ થાય છે.
'આરતી ઊતારવી' રૂઢિપ્રયોગનો અર્થ વળી થોડો અલગ છે તેમાં ખુશામત કરવાની વાત આવે છે. 'તાવ ઊતરી ગયો' એમાં પણ તાવનું તાપમાન ઓછું અથવા સામાન્ય થઈ જવું એવો અર્થ છે. 'ભગવાન હેઠે ઉતર્યો' એટલે જે કામમાં વધારે આનંદ આવે, વધારે કૃપા દેખાતી હોય ત્યાં આનંદની ઉક્તિ માટે આમ બોલાય છે. 'પાક ઊતરવો', આંબા ઉપરથી કેરી ઉતારવીની જેમ બધાં ફળો, ફૂલો ને ઉતારવાં જ કહેવામાં આવે છે. તેવો એક પ્રયોગ 'ગામનો ઉતાર' એટલે કુપાત્રનો અર્થ છે.


