Get The App

વલ્લભભાઈએ ખુમારી અને આત્મનિર્ભરતા વિદ્યાર્થીકાળે પોષી હતી

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
વલ્લભભાઈએ ખુમારી અને આત્મનિર્ભરતા વિદ્યાર્થીકાળે પોષી હતી 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- વડોદરાના ભણતર વખતે સરદાર જ્યાં રહ્યા હતા તે રામજી મંદિર 

- સરદારે પોતાના જ પરિવારમાં એક લગ્નસંબંધી વાતચીત દરમ્યાન કોરડો વિંઝેલો કે 'આ બધી ભાંજગડ છોડીને એ છોકરાને શુક્કરવારીમાં જ મૂકો ને!'

હવે એ વાત બહુ જાણીતી છે કે જેમ વલ્લભભાઈનાં જાહેર જીવનકાર્યના કેન્દ્રો અમદાવાદ, મુંબઈ અને દિલ્લી રહ્યાં હતા, જેમ વલ્લભભાઈના વકીલાતકાર્યનાં કેન્દ્રો ગોધરા, આણંદ અને બોરસદ રહ્યાં હતા, તેમ વલ્લભભાઈના શાળાજીવનનાં વર્ષો નડિયાદ, પેટલાદ અને વડોદરામાં વીત્યાં હતાં. 

શાળાજીવનનાં આ વર્ષોમાં વલ્લભભાઈની જીવનનેમ જાહેરજીવનમાં પડી લોકસેવા કરવાની હશે કે થશે, એવો અણસાર સુદ્ધાં આવ્યો નથી. તેમની વિચક્ષણ બુદ્ધિ, સામા માણસને તાગી લેવાની શક્તિ, પ્રશ્નોના નિકાલનો તાત્કાલિક નિર્ણય, સફળ થવા માટે કરવી પડતી મહેનત, આ બધા વિશેષો વિદ્યાર્થી વલ્લભભાઈના સમગ્ર વ્યક્તિત્વમાં ત્યારથી જ પડયા હતા. એટલું જ નહીં, એ વખત આવે ખીલ્યા પણ હતા.

મતલબ કે દેશ અને દુનિયાએ જે વલ્લભભાઈને પાકટવયે, સ્વાતંત્ર્યસંગ્રામ સેનાની કે સરકારના નાયબ વડાપ્રધાન કે રજવાડાના એકત્રિકરણનું ઐતિહાસિક કાર્ય કરતાં જોયા-જાણ્યાં છે, એ જ વલ્લભભાઈ બાળપણમાં પણ પોતાની વિચક્ષણતા અને વિશિષ્ટતાને પોષી રહ્યાં હતા, જેના અનેક દાખલાઓ-પ્રસંગો મોજૂદ છે. 

પારણામાં ઝૂલતું બાળક ભાવિ સમાજપુરુષના પિતા હોય છે, એ તો પાકટવયે સકલપુરુષની પ્રતિભા પામનારનું બાળપણ તપાસીએ તો તેના અણસાર મળી રહે છે. વલ્લભભાઈના પૂર્વજીવનની બાબતમાં પણ આ વાત એટલી જ ખરી છે. સ્વતંત્ર મિજાજ, કોઈના પણ તાબે ન થવાની અડગતા, પરવશતા તો જાણે પરભવનો વેરી હોય તેવી ખુમારી, જાત મહેનત અને સ્વઘડતરનો પુરુષાર્થ તથા દ્રઢ નિશ્ચય, એવા ગુણ આભૂષણો પાચમા-સાતમા ધોરણમાં કરમસદના ઝવેરબાના લાડકા દીકરાએ પોતાના મિત્રો અને પરિવારજનોને ક્યારનાય બતાવી દીધા હતા.

ખમીર, પુરુષાર્થ અને અનુભવી પ્રજ્ઞાાનું ફળ હતું એમના વિચારો અને કાર્યોમાં, એટલે જ તેઓ કોઈપણ અનિષ્ટ, કુરિવાજ કે પ્રસ્થાપિત પરંપરા સામે નિર્ભય બનીને માથું ઊંચકી શક્તા. મૂળે તો તેઓ ખેડૂતપુત્ર, તેમાંય પાટીદારી ખેડૂત. એટલે સમાજના કુધારાઓ માટે જરૂરી સુધારાઓ વિશે તેમને વારેવારે કડવા વેણ કાઢવા પડતાં. તે સમયે પોતાની જ્ઞાાતિમાં દહેજ-પહેરામણી-પૈઠણનો કુરિવાજ જડમૂળ કરી ગયેલો. તેની સામે રોષે ભરાયેલા આ કર્મવીર સમાજપુરુષે પોતાના જ પરિવારમાં એક લગ્નસંબંધી વાતચીતો દરમ્યાન કોરડો વિંઝેલો કે 'આ બધી ભાંજગડ છોડીને એ છોકરાને શુક્કરવારીમાં જ મૂકો ને!' તો બીજા એક પ્રસંગે તેમણે જ્ઞાાતિજનોને એટલે સુધી સંભળાવી દીધું હતું કે '(તમારા એ) આખલાના પાંચ હજાર ઉપજ્યાં કે સાત હજાર ?'

આવો સ્વતંત્ર મિજાજ એમણે ત્રીજી અંગ્રેજી ભણતા હતા ત્યારે, ઈ.સ.૧૮૯૩-૯૪ના વર્ષોમાં પણ દાખવ્યો હતો. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૪ વર્ષની. હઠ કરીને તેઓ કરમસદની નવીસવી શરૂ થયેલી અંગ્રેજી નિશાળમાં બેઠા અને પોતાના શિક્ષકો સુદ્ધાંની અવગણના કરીને જાતે જ અંગ્રેજી પુસ્તકો વાંચવા લાગ્યા. ત્યાંથી તેઓ પેટલાદની અંગ્રેજી નિશાળમાં પહોંચ્યા. આમ તો કરમસદ અને પેટલાદ વચ્ચે થોડાક માઈલનું જ અંતર હતું, તેથી ખડતલ બાળકો ચાલતાં જ બે ગામ વચ્ચે અવરજવર કરતાં. પરંતુ સ્વતંત્ર મિજાજી વલ્લભભાઈ પેટલાદમાં એક નાનકડા મકાનને ભાડે રાખીને રહ્યાં, પોતાની સાથે કરમસદના બીજા છ છોકરાઓને રાખ્યાં, સાફસફાઈ અને રાંધવાનાં દૈનિક કાર્યો બધા વચ્ચે સરખે ભાગે વહેંચ્યા. આટલી નાની ઉંમરે તેઓ નાનકડી ટોળકીના આગેવાન બન્યા.

પેટલાદનું ભણતર પૂરું થયું ત્યારે નડિયાદની ગર્વમેન્ટ હાઈસ્કૂલમાં આવવાનું થયું. અહીં ભાથીખત્રી- દેસાઈવગા વિસ્તારમાં એમનું મોસાળ હતું, અને મા પિરસનાર હોય તેવું ઉમળકાભર્યું વાતાવરણ પણ ખરું. પરંતુ સગામામા ડુંગરભાઈ જીજીભાઈના માથે પડીને ભણવું નથી, એવું તેમણે પાંચમા ધોરણે જ વિચારી લીધું હતું. નડિયાદના મોગલકોટ વિસ્તારમાં વળી એક મકાન ભાડે રાખીને બોડગ કે ક્લબ જેવું શરૂ કર્યું, જેમાં થોડા મિત્રોને સાથે રાખીને રહેવા-જમવાની વ્યવસ્થાઓ કરી.

નડિયાદમાં મેટ્રિકનો અભ્યાસ ચાલતો હતો તે વર્ષોમાં તેમને સારું અંગ્રેજી ભણી શકાય તેવા વિચારે,  વડોદરાની ઈંગ્લીશ સ્કૂલમાં ફેરબદલી કરવાનો વિચાર આવ્યો. તેને તરત જ અમલમાં મૂક્યો. વડોદરે પણ તેમણે કમાટીબાગ નજીકના રામજી મંદિરમાં છાત્રાલય ખોલ્યું. ત્યાં પણ બીજા વિદ્યાર્થીઓને માટેની રહેવા-જમવાની સગવડો ઊભી કરી.

આ રીતે, સ્વતંત્ર અને આત્મનિર્ભર થવાની હાડોહાડ પ્રકૃતિ વલ્લભભાઈએ પોતાના બાળપણમાં જ બતાવી દીધી હતી. પેટલાદ હોય, નડિયાદ હોય કે વડોદરા, તેઓ કદી બીજા કોઈની ઉપર નિર્ભર રહ્યા નથી. આ ખેડૂતપુત્ર કોઈને સાચુ કહેવાનું હોય કે પછી પોતાના માટેનો શિસ્તનક્શો આંકવાનો હોય, ખુમારી અને સ્વતંત્ર વિચારશક્તિના તેઓ હંમેશા માલદાર ધણી રહ્યા  છે.  

Tags :