Get The App

ગાયત્રીમંત્ર : મંત્ર અને તંત્રશાસ્ત્રનો અર્ક

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
ગાયત્રીમંત્ર : મંત્ર અને તંત્રશાસ્ત્રનો અર્ક 1 - image


- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

સમગ્ર વિશ્વનો જો કોઈ સૌથી લઘુ ગ્રંથ હોય, તો એ ગાયત્રી મંત્ર છે! સનાતન ધર્મ અને અધ્યાત્મનો સાર આ મંત્રમાં સમાવિષ્ટ છે. પ્રચલિત કારણ તો સહુ જાણે જ છે કે ચાર વેદોનો મૂળ આધાર ગાયત્રી મંત્ર છે. ભગવાન બ્રહ્મા જ્યારે વેદોનું નિર્માણ કરી રહ્યા હતા, એ વેળા એમણે ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોનો આધાર લઈને વેદોની રચના કરી હતી, જે કર્ણોપકર્ણ પરંપરા થકી આગળ ગુરુ-શિષ્ય પરંપરામાં આગળ વધ્યા અને જનમાનસ માટે લોકભોગ્ય બન્યા; પરંતુ ઓછું પ્રચલિત કારણ એ છે કે ગાયત્રી મંત્ર ભારતીય ઉપાસના વિજ્ઞાાનનું મૂળ તત્ત્વ છે. સર્વોપરિ અને સર્વશ્રેષ્ઠ એવા આ મંત્ર સાથે સુબુદ્ધિનો સીધો સંબંધ છે.

જીવનમાં મોટાભાગનાં દુ:ખોનું કારણ દુર્બુદ્ધિને કારણે લેવાયેલા નિર્ણયો છે. માણસના જીવનમાં આવતાં કષ્ટનાં વાદળો અશુભ ચિંતનના ખારા સમુદ્રમાં જ ઊઠતાં હોય છે. એટલે જ, ગુજરાતીમાં તો કહેવત છે, 'વિનાશકાળે વિપરિત બુદ્ધિ!' યોગ્ય દિશામાં વિચારવાની ક્ષમતા જ્યારે કુંઠિત થઈ જાય, ત્યારે એ વિનાશ જ નોતરે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે રાજા પાસેથી એવી વસ્તુ જ માગવી જોઈએ, જે એમના ગૌરવને અનુકૂળ હોય. પરમાત્મા પાસેથી માગવાલાયક વસ્તુ સદ્બુદ્ધિ છે! પરમાત્મા જેના પર પ્રસન્ન થાય છે, એમને સર્વપ્રથમ સદ્બુદ્ધિનું વરદાન આપે છે. સદ્બુદ્ધિને કારણે સત્કર્મ કરવાની પ્રેરણા મળે છે અને સત્કર્મો થકી અપાર સુખ! ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિપ્રદ મંત્ર હોવાને કારણે તેને 'મુકુટમણિ'ની સંજ્ઞાા આપવામાં આવી છે, કારણ કે મંત્રનું ઉચ્ચારણ કરતી વેળા સાધક ઈશ્વર પાસે તેની પ્રજ્ઞાામાં સ્થિર થવાની પ્રાર્થના કરે છે. જો ઉપાસકના મસ્તિષ્કમાં ઈશ્વર નિવાસ કરે, તો પછી હૃદય અને મગજ વચ્ચે ઝાઝા દ્વંદ્વનો અવકાશ રહેતો નથી. શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક શ્રી ઓમ સ્વામીએ એક વખત એમના પ્રવચનમાં કહ્યું હતું કે માણસનું મોટાભાગનું જીવન હૃદય અને મગજ વચ્ચેનું અંતર કાપવામાં પસાર થઈ જાય છે. જો એ બંને વચ્ચે સમાધાન થઈ જાય, તો ભૌતિક અને આધ્યાત્મિક બંને ઉન્નતિ સંભવ છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસે ઉપદેશ આપતી વેળા કહ્યું હતું કે, 'હું લોકોને કહું છું કે બહુ સુદીર્ઘ સાધનાઓની આવશ્યકતા નથી. આ લઘુ ગાયત્રી સાધના કરી જુઓ. ગાયત્રીમંત્રનો જાપ કરવાથી ભલભલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. મંત્ર ભલે લઘુ હોય, પરંતુ તેનો પ્રભાવ તથા શક્તિ અત્યંત વધારે છે.'

નવેમ્બર, ૨૦૧૭માં હિમાચલપ્રદેશ ખાતે શ્રી બદ્રિકા આશ્રમમાં યોજાયેલી ગાયત્રી સાધના વખતે શ્રી ઓમ સ્વામીએ મંત્રના પ્રયોગ અંગે ગૂઢ તંત્રજ્ઞાાન આપતાં જણાવ્યું હતું કે, 'ગાયત્રી સાધનાના અનુષ્ઠાન દરમિયાન જો સાધક નિરંતર પોતાના મણિપુર ચક્ર (નાભિસ્થાન) પર મંત્રધ્યાન કરે અને સતત ગાયત્રી મંત્રના વારાફરતી અનુષ્ઠાન કર્યે રાખે તો ત્રિકાળર્ર્દ્શી  (ભૂત, ભવિષ્ય, વર્તમાનને જોઈ શકવાની ક્ષમતા) બની શકે!'

જગદ્ગુરુ શંકરાચાર્યજીનું કથન હતું કે ગાયત્રીમંત્રની મહિમાનું વર્ણન કરવાનું સામર્થ્ય મનુષ્યો પાસે નથી! ભગવાન રામને એમના કુળગુરુ મહર્ષિ વશિષ્ઠ અને ભગવાન શ્રીકૃષ્ણને એમના ગુરુ સાંદીપનિ મુનિ દ્વારા આ મંત્ર જ આપવામાં આવ્યો હતો. ભગવાન રામના અન્ય ગુરુ મહર્ષિ વિશ્વામિત્ર પાસેથી બલા અને અતિબલા નામની શક્તિઓ આ મંત્રના માધ્યમથી જ પ્રાપ્ત થઈ હતી. સ્વયં વિશ્વામિત્ર પણ માત્ર ને માત્ર ગાયત્રી મંત્રના પ્રભાવથી ક્ષત્રિય રાજા કૌશિકમાંથી બ્રહ્મર્ષિ બન્યા હતા.

ભગવાન મનુનું કથન છે કે પવિત્રતા પ્રાપ્ત કરવા માટે અને નિરંતર મન-ચિત્ત-હૃદયને શુદ્ધ કરવા માટે ગાયત્રી મંત્રથી વધુ શક્તિશાળી બીજો કોઈ મંત્ર નથી. જે મનુષ્ય ત્રણ વર્ષ સુધી નિત્યકર્મમાં ગાયત્રી મંત્રનો જાપ કરે, એને ઈશ્વરપ્રાપ્તિ અવશ્ય થાય છે. અન્ય કોઈ સાધના થાય કે ન થાય, પરંતુ ગાયત્રીમંત્રનો જાપ સર્વસિદ્ધિપ્રદ છે. એના માટે દુષ્કર તંત્રસાધના કરવાની અથવા હિમાલયના જંગલોમાં ભટકવાની આવશ્યકતા નથી. પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ ચોવીસ વર્ષ સુધી ગાયત્રીમંત્રના ચોવીસ મહાપુરુશ્ચરણ કરીને આ વાત સાબિત કરી આપી હતી. નિત્ય પ્રતિદિન ગાયત્રીમંત્રનો એક હજાર વખત (દસ માળા) જાપ કરનાર વ્યક્તિને પૂર્વજન્મોનાં અને વર્તમાન જન્મનાં સઘળાં પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

સમસ્ત વેદ અને પુરાણોના પ્રણેતા મહર્ષિ વેદવ્યાસ મહારાજે કહ્યું હતું કે જેવી રીતે પુષ્પોનો સાર (અર્ક) મધ છે, દૂધનો સાર ઘૃત એટલે કે ઘી છે; એવી જ રીતે સમસ્ત વેદોનો સાર ગાયત્રીમંત્ર છે. આથી જ, એમને 'વેદમાતા'ની સંજ્ઞાા આપવામાં આવી છે.

Tags :