Get The App

આ ઉંમરે તો મજા કરવાની હોય છે .

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
આ ઉંમરે તો મજા કરવાની હોય છે                                . 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'આવી સુંદર સેક્રેટરી અને છોકરીઓ મળે, જે સામેથી તમારી પાસે આવવા તૈયાર હોય તો બીજું જોઈએ શું?'

'નિલેશ, કેમ આજે નિરાશ દેખાય છે? ઘરે ભાભી સાથે ઝઘડો થયો કે પછી બોસ સાથે કંઈ બોલવાનું થયું?' લન્ચ બ્રેકમાં ઓફિસની કેન્ટિનમાં ટિફિન ખોલીને બેઠેલા નિલેશની સામેની ખુરશીમાં ગોઠવાતા કલ્પેશે કહ્યું.

'ના, યાર કશું જ નથી થયું. બસ હવે આ કામ અને કંપનીથી કંટાળો આવ્યો છે. અહીંયા જિંદગીના વીસ વર્ષ ખર્ચી નાખ્યાં, પણ પ્રમોશન અને ડેવલપમેન્ટના નામે ગાજર સિવાય કશું જ મળ્યું નથી. હેલીનો જન્મ થયો ત્યાર પછી આ કંપનીમાં જોબ મળી હતી. આજે શિખા ૧૯ વર્ષની થઈ, વીસ વર્ષમાં જૂના પગારની સરખામણીએ ડબલ પગાર પણ નથી થયો. આ તો સરકારી સ્કીમ કરતા પણ જાય એવી સ્કીમ છે,' નિલેશના અવાજમાં ભારોભાર અસંતોષ જણાતો હતો.

'પ્લાન્ટ ઈન્ચાર્જ મિશ્રાજીને જોઈને તારો અસંતોષ ફરીથી સપાટીએ આવ્યો છે. દોસ્ત, એક વાત નક્કી છે, કંપનીઓમાં લાંબા સમય સુધી પડયા રહો એનાથી તમારી ઉંમર વધે, તમારું માન વધે, પણ પગાર તો ક્યારેય ના વધે. તમે મજબૂર મજૂરમાં ખપાવા લાગો છે. આ ઉંમરે તો પૈસા, પોઝિશન, પાવર બધું જ હોવાં જોઈએ, ક્યારેક ક્યારેક સરસ મજાની સેક્રેટરી પણ હોવી જોઈએ તો જીવનમાં રોમાંચ અને રંગત બંને આવી જાય,' કલ્પેશે કહ્યું અને નિલેશ હસી પડયો.

'દોસ્ત, તારી વાત સાચી છે, નોકરી બદલ્યા વગર હવે ચાલે તેમ નથી. નવું ઘર અને નવી ગાડી લેવા હશે તો નોકરી બદલવી જ પડશે, બાકી અહીંયા રહીશ તો માત્ર દેવા વધશે. છોડ, અત્યારે તો ખાઈ લઈએ, બને કદાચ ફરી સાથે ખાવા મળે ન મળે,' નિલેશે કહ્યું અને બંને મિત્રોએ હસતા હસતા એકબીજાના ટિફિનની મિજબાની શરૂ કરી.

નિલેશે કહ્યું હતું તેવું થયું પણ ખરું. આ વાતને કદાચ પરાણે બે મહિના પસાર થયા હશે અને ત્યાં જ નિલેશને વલસાડ ખાતે એક સારી કંપનીમાં જનરલ મેનેજરની નોકરી મળી ગઈ. સારો પગાર, કંપનીની ગાડી, સરસ એસી કેબિન, કંપનીનો જ સરસ બંગલો, રસોઈયો, કેરટેકર અને તમામ સુવિધાઓ, જે અત્યાર સુધી તે માત્ર જોતો અથવા તો ઝંખતો આવ્યો હતો. 

નિલેશે તરત જ આ નોકરી સ્વીકારી લીધી અને પોતાના વર્તમાન કંપનીમાં રિઝાઈન કરી દીધું. ઘરમાં થોડી નારાજગી ચાલતી હતી. કવિતાને આ નિર્ણય પસંદ નહોતો. તેણે નિલેશને સમજાવ્યું કે બધું કેવી રીતે થશે. દીકરો લક્ષ આઠમા ધોરણમાં આવ્યો. હેલી કોલેજમાં ભણે છે. કવિતા પોતે નોકરી કરે છે. છોકરા સાચવવા, નોકરી કરવી, ઘર સાચવવું બધું કેવી રીતે ચાલશે. અત્યાર સુધી નિલેશ હતો તો બંને સમજીને અને આયોજન કરીને સાચવી લેતા હતા પણ પણ હવે બધું કેમનું થશે? 

નિલેશ કોઈ વાતે માનવા તૈયાર નહોતો. તેના મગજમાં માત્ર પ્રમોશન, પૈસા, પાવર અને લેવિશ લાઈફસ્ટાઈલ ઘુસેલાં હતાં. કવિતાએ કલ્પેશની મદદ લઈને પણ નિલેશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ નિલેશ માન્યો નહીં. અહીંથી ડબલ પગાર અને બાકીની તમામ સુવિધાઓની લાલચ આપીને તેણે કવિતાને મનાવી લીધી. 

નિલેશ તો મહિના પછી નવી નોકરી અને નવા સ્થળે પહોંચી ગયો. થોડો સમય તો તેને આનંદ આવ્યો, પણ તેની સાંજ સાવ ગમગીની અને કંટાળામાં પસાર થતી. નોકરીથી આવ્યા બાદ સરસ મજાના બંગલામાં રહેવા મળતું, પણ સાવ એકલવાયા રહેવાના કારણે ઘર ખાવા દોડતું હતું. વેકેશન દરમિયાન કવિતા અને બાળકો આવ્યાં ત્યારે તેને થોડું સારું લાગ્યું. તેના માટે રજાઓ અને વેકેશન જ આનંદનાં સાધન રહ્યાં હતાં. બાકી જિંદગી એકલા એકલા પસાર થતી હતી. આ દરમિયાન તેની પાસે બચત સારી એવી ભેગી થઈ ગઈ હતી.

આ રીતે લગભગ બે વર્ષ પસાર થઈ ગયાં. આ બે વર્ષમાં નિલેશમાં મોટો ફેરફાર આવ્યો હતો. તેના જીવનમાં એક છોકરીનો પ્રવેશ થયો હતો. તેની કંપનીમાં જોડાયેલી તેની જ સેક્રેટલી સલોનીનો. સલોની હવે ઓફિસમાં તેનું કામ કરતી અને રજાઓ દરમિયાન તેની સાથે એકલતા અને એકાંત બંને દૂર કરવા આવી જતી. 

નિલેશ હવે તો રજાઓમાં પણ કવિતા અને બાળકો પાસે જતો નહીં અથવા તો પેલા લોકો આવવાનું કહે તો બહારગામ જવાનું છે કહીને ટાળી દેતો. કવિતા અને બાળકો કંટાળ્યાં હતાં, પણ નિલેશ હવે જુદી જ દુનિયામાં હતો. કવિતાએ એક વખત કલ્પેશને આ વિશે વાત કરી. કલ્પેશે કહ્યું કે, આવતા મહિને તે કંપનીના કામથી વલસાડ જવાનો છે તો નિલેશને ત્યાં જ ઝડપી પાડશે અને વાત કરશે.

બીજા મહિને કલ્પેશ વલસાડ ગયો અને સીધો જ નિલેશના ઘરે રેડ પાડવા પહોંચી ગયો. તેનું ઘર બંધ હતું. સિક્યોરિટીએ કહ્યું કે, સાહેબ અને મેડમ તો દમણ ગયા છે. કલ્પેશને કંઈક અજુગતું લાગ્યું. તે નિલેશને શોધવા વલસાડ પહોંચ્યો. નિલેશનો મોબાઈલ બંધ આવતો હતો. તેણે એક હોટેલમાં ચેકઈન કર્યું અને સાંજે તે ચોપાટી ઉપર આરામથી બેઠો હતો ત્યાં સામેથી જ નિલેશ અને કોઈ યુવતી આવતા દેખાયા. કલ્પેશ દોડીને તેની પાસે પહોંચી ગયો.

'અલ્યા કલ્પેશ, તું અહીં? તને પણ કંપનીએ વલસાડ મોકલી દીધો કે શું? કે પછી કોઈને લઈને આવ્યો છે મજા કરવા?' નિલેશે મજાકીયા અવાજે કહ્યું.

'ના, ભાઈ, ના. તને શોધવા જ આવ્યો છું. કવિતા અને બાળકો મને કહેતા હતા કે, નિલેશ હવે આવતો નથી, અમને બોલાવતો નથી. ખબર નથી પડતી ત્યાં શું કરે છે. તું કંપનીના કામે અહીં મજા કરે છે. તને પણ ચેપ લાગી જ ગયો એમને!' કલ્પેશે પણ નફ્ફટાઈભર્યું સ્મિત કરીને કહ્યું.

'હા. તારી વાત સાચી છે. આ ઉંમરે મજા કરવાનો એક અલગ જ નશો છે. તેમાંય આવી સુંદર સેક્રેટરી અને છોકરીઓ મળે જે સામેથી તમારી પાસે આવવા તૈયાર હોય તો બીજું જોઈએ શું? આ સલોની છે, મારી સેક્રેટરી. દરરોજ વાપીથી વલસાડ આવે અને રજાઓમાં વાપીથી દમણ પણ આવે અને મુંબઈ પણ આવે,'  નિલેશે ખંધુ હસીને કહ્યું.

'હા ભઈ, પછી કામ વધી જ જાય છે. ઘરના લોકોની યાદ કેવી રીતે આવે. એની વે, એન્જોય કર. એકાદ વખત ઘરે આંટો મારી લેજે એટલે પેલા લોકો પણ શાંત થાય,' કલ્પેશે કહ્યું અને નિલેશ તેને ભેટીને સલોની સાથે આગળ ચાલવા લાગ્યો.

આ વાતને અઠવાડિયું વીતી ગયું. શનિવારની સાંજે કવિતાનો ફોન આવ્યો. નિલેશે પહેલાં તો ફોન ઉપાડયો નહીં. આજે તો તેણે સલોની સાથે ઘરે જ રજાઓ માણવાનો પ્લાન બનાવેલો હતો. રસોઈયા અને કેરટેકરને પણ બે દિવસની રજા આપી દીધી હતી. આ પોતાના અતરંગી વિચારોમાં હતો ત્યાં ફરીથી બે-ત્રણ વખત સતત રિંગ વાગી એટલે તેણે ફોન ઉપાડયો. 

'નિલેશ, તમે ક્યાં છો? લક્ષને એક્સિડેન્ટ થયો છે. પગમાં પાટો આવ્યો છે. તેને તાવ પણ આવે છે. તમે શક્ય હોય તો રજા લઈને ઘરે આવી જાઓ...' કવિતાએ થોડા અકળાયેલા અવાજે કહ્યું.

'કવિતા, હું કંપનીના કામથી મુંબઈ આવ્યો છું. સોમવારે આવી જઈશ. કંઈ અર્જન્ટ હોય તો કલ્પેશને બોલાવી લે. હું પણ વાત કરી લઉં છું. મારાથી અત્યારે અવાય એવું નથી,'  નિલેશે વાત ટાળી દીધી. તેણે કલ્પેશને મેસેજ પણ કરી દીધો.

બે દિવસ તેણે ભરપૂર મોજમજા કરી. સોમવારે પરોઢિયે કવિતાનો ફોન આવ્યો. વહેલી સવારે કવિતાનો ફોન આવ્યો, પહેલાં તો નિલેશે ઉપાડયો નહીં પણ સતત રિંગ વાગવા લાગી એટલે નિલેશે ફોન ઉપાડયો. સામે કવિતાએ જે કહ્યું તે સાંભળતા જ નિલેશના પગ તળેથી જમીન ખસી ગઈ.

કવિતાએ વીડિયો કોલ કર્યો હતો. તેણે પોતાના ઘરના બેડરૂમનું દ્રશ્ય બતાવ્યું જ્યાં હેલી અને કલ્પેશ એકબીજાને આલિંગન આપીને બેઠાં હતાં. કવિતાએ આગલી રાતની સમગ્ર વાત કરી અને નિલેશ સાવ અવાચક રહી ગયો.

'કલ્પેશ, તને શરમ નથી આવતી? તું મારા જ ઘરમાં અને મારી જ છોકરી સાથે... તને એક વખત પણ મિત્રતા યાદ ન આવી?' નિલેશે ગુસ્સા સાથે કહ્યું.

'પપ્પા, તમે કલ્પેશને કશું જ ન કહેશો. મને તેની કંપની ગમે છે. હવે અમે સાથે રહેવાનું નક્કી કર્યું છે. આઈ એમ નાઉ લિગલી એડલ્ટ એન્ડ આઈ કેન ટેક માય ડિસિઝન્સ...' કલ્પેશને બદલે હેલીએ જવાબ આપ્યો અને નિલેશ ડઘાઈ ગયો.

'યાર નિલેશ, સોરી, પણ તારી એક વાત બિલકુલ સાચી છે. આ ઉંમરે તો મજા કરવાની લાગણી જ અલગ છે...' કલ્પેશ એટલું બોલીને ખંધુ હસી પડયો. નિલેશે રડમસ ચહેરે ફોન મુકી દીધો અને પાછળ બિસ્તરમાં આરામથી ઉંઘતી સલોનીને તાકતો રહ્યો. 

Tags :