Get The App

કંપની મેનેજમેન્ટમાં ઉતાર-ચઢાવ અને પરિવર્તનો અગત્યનાં

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
કંપની મેનેજમેન્ટમાં ઉતાર-ચઢાવ અને પરિવર્તનો અગત્યનાં 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- રેડિકલ અથવા મૂળભૂત વિચારો આધારિત શોધો તો અમેરિકા કે યુરોપ જ કરે છે. આપણે તેનું અનુકરણ જ કરીએ છીએ. જોકે તેને આપણે ક્રિએટીવ ઈમિટેશન કહી શકીએ

દરેક નવી શોધ નવા આઈડિયા પર આધારિત હોય છે. કારની શોધ પાછળ એંજીનની શોધ મૂળભૂત ગણાય. પરંતુ કારની જુદી જુદી ડીઝાઈનના કારણે લોકપ્રિયતા મળી તેથી એ મુખ્ય ગણી શકાય. દરેક નવી શોધો પાછળ નવા વિચાર હોય છે જેને આગળ ધપાવવા કંપનીમાં કે કંપની સિવાયની અન્ય સંસ્થાઓમાં આઇડીયા સ્પોન્સર જરૂરી છે. નવા વિચારનું સર્મથન કરનાર કંપનીઓ કે સંસ્થામાં કોઈ વ્યક્તિ કે નાનકડું જૂથ અનિવાર્ય છે. આવા સમર્થન વિના કંપનીમાં સારામાં સારા નવા વિચારોનું બાળમરણ થાય છે. વળી, વિચાર ઘણો જ ઓરીજીનલ એટલે કે તદ્દન નવો હોય, તેનો કંપનીમાં સ્પોન્સર પણ હોય પણ આ વિચારને આગળ ધપાવવા તેને માટે 'ફન્ડીંગ' એટલે કે નાણાકીય સર્પોટર ના હોય તો નવો વિચાર આગળ વધતો નથી. નવું વિચારનાર વ્યક્તિના સ્પોર્ન્સસ હોય જેઓ સામાન્ય રીતે મિડલ મેનેજમેન્ટની કક્ષાએ કામ કરતા હોય છે - તેમને કંપની પ્રોત્સાહીત ના કરે અને ટોપ મેનેજમેન્ટ એમ કહે કે નવો વિચાર બ્રિલીઅન્ટ (ખૂબ સારો) છે પરંતુ તે માટે હજી જગત તૈયાર નથી તો નવા વિચારનું બાળમરણ થાય છે. જગત દરેક નવા વિચારને હસે છે કે તેની મશ્કરી કરે છે પરંતુ સંશોધકો જોખમ ખેડીને નવી શોધો કર્યા જ કરે છે. વિમાનની શોધ અમેરિકાના બે ભાઈઓ - (ઓલિવર રાઈટ અને વિલ્બર રાઈટે) કરી તે પહેલાં તેમની ટીકા કરનારા તેમને કહેતા હતા કે હવા કરતા ભારે પદાર્થ તો કાંઈ ઊડતો હશે ?

આ બન્ને ભાઈઓ ભેજાગેપ છે તેમ તેઓ માનતા તેમના વિચારોને આધારે હવે જેટ અને સુપરજેટની શોધો થઈ અને હવે કરોડો લોકો (હા, કરોડો) જેટ વિમાનોમાં મુસાફરી કરે છે. ભારતમાં તો રેલ્વેનો પણ વિરોધ થયો હતો અને શરૂઆતમાં રાંધણગેસનો પણ સખ્ત વિરોધ થયો હતો. ભારતની એક ખાસિયત 'રેઝીસ્ટન્સ ટુ ચેઈન્જ' છે. હવે આ પરિસ્થિતિ બદલાઈ છે અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં ૧૯૪૭ પછી શેઠિયાશાહી મેનેજમેન્ટનું પ્રોફેશનલ મેનેજમેન્ટમાં પરિવર્તન થયું છે, જેને આપણે 'ટ્રાન્સર્ફોમેશનલ' ચેન્જ કહી શકીએ. આપણી સરકારી સંસ્થાઓમાં વહીવટી કચેરીઓમાં કે સરકારી સાહસોમાં હજી ટ્રાન્સર્ફોમેશનલ ચેન્જ આવ્યો નથી. પણ અલબત્ત ઈન્ક્રીમેન્ટલ ચેન્જીઝ થયા છે. ભારતમાં હજી ઇન્ક્રીમેન્ટલ ચેન્જ કરતી કંપનીઓ કારના કે અન્ય પ્રોડ્ક્ટસનાં નવાં મોડેલ્સ, નવી ડિઝાઈન્સ, નવા પેકેજીંગ, નવાં બ્રાંડ નેઇમ્સ વગેરે કામ કરી રહી છે પરંતુ રેડિકલ અથવા મૂળભૂત વિચારો આધારિત શોધો તો અમેરિકા કે યુરોપ જ કરે છે. આપણે તેનું અનુકરણ જ કરીએ છીએ. જોકે તેને આપણે ક્રિએટીવ ઈમીટેશન કહી શકીએ. પશ્ચિમ જગતે છેલ્લાં ૫૦૦ વર્ષમાં નવી શોધોમાં કમાલ કરી છે. આ દેશો ધર્મપ્રધાન દેશોમાંથી વિજ્ઞાાનપ્રધાન બની ગયા છે અને તેમણે લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે તેમજ સરાસરી જીવન આયુષ્ય ૮૦ વર્ષની ઉપર પહોંચાડી દીધું છે. આની સામે આપણે તદ્દન ખોટો બચાવ એ છે કે પશ્ચિમ જગત ભોગવાદી છે અને આપણે ત્યાગવાદી એટલે કે આધ્યાત્મિક જીવન જીવીએ છીએ. છેવટે આખાય જગતને ભારતીય આધ્યાત્મિકતાને શરણે આવવું જ પડશે. 

આ માન્યતા તદ્દન હાસ્યાસ્પદ અને અહંકાર જનિત છે. યાદ રહે કે ટેલીફોન, ટેલીગ્રાફ, રેડીઓ, ટીવી, ઇલેક્ટ્રિસીટી, રેલવેઝ, ટાઈપરાઇટર કોમ્પ્યુટર્સ, વીજળીના ગોળા, પેનિસિલીન, કાર, એક્સ-રે, વીમાન, જેટ એન્જીનની શોધો પશ્ચિમ જગતમાં થઈ છે. તેની પાછળ તેમનું ક્રિએેટીવ થિંકિંગ છે. જ્યારે એશિયન-આફ્રિકન દેશોનું ઈમિટેટીવ થિંકિંગ છે. અલબત્ત, આ પણ એક કુશળતા છે અને ઉપર જોયું તેમ તેને આપણે ક્રીએટીવ ઇમિટેશન નામ આપી શકીએ. ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન ક્રિએટીવ ઈમિટેશનની કુશળતામાં શ્રેષ્ઠ ગણાતું હતું.

કંપની આર એન્ડ ડી પાછળ પુષ્કળ ખર્ચો કરે એટલે તે ઇનોવેટીવ થઈ જતી નથી. ઇનોવેટીવ કલ્ચર વિકસાવવા આર એન્ડ ડી ખાતાને પુષ્કળ સ્વાયત્તતા આપવી પડે. આ ખાતાના પ્રોમિસીંગ જણાતા લોકો (વૈજ્ઞાાનિકો અને ટેકનિશીયનો) ને વારંવાર વિદેશી રીસર્ચ સંસ્થામાં રીફેશર્સ કોર્સીઝ માટે મોકલવા પડે. તેઓ આખી રાત કોઈ લેબોરેટરીઝમાં નવા પ્રયોગો કરે અને બીજે દિવસે ઓફિસમાં મોડા આવે તો ભારતીય રીતરીવાજો મુજબ તેમને એમ ના કહેવાય કે તમે કેમ મોડા આવ્યા? તમે કાલે કેમ લેબોરેટરીમાં ઊંઘી ગયા? આ માટે પશ્ચિમ જગતનું માનસ બહુ જ ખુલ્લું છે. રાતના બે વાગે સંશોધકો કામ કરતા કરતાં લેબોરેટરીઝમાં જ પિત્ઝા ખાઈને ત્યાં જમીન પર જ સૂઈ જાય તેવું વારંવાર બને છે.  આપણી કંપનીઓ રીસર્ચ સ્ટાફને તે બદલ ઠપકો આપે. ભારતમાં જ્ઞાાતિપ્રથા અને હાયરાર્કીકલ છે અને મેનેજમેન્ટ પ્રથા પણ મોટે ભાગે હાયરાર્કીકેલ છે. હાયરાર્કીકલ સમાજો માંડ માંડ કદાચ ઇન્ક્રીમેન્ટલ શોધો કરી શકે, પરંતુ રેડિકલ શોધો તો ભારતીયો પશ્ચિમ જગતમાં જાય તે પછી જ કરે છે. તેજસ્વી ભારતીયો પશ્ચિમ જગતમાં ગયા તે પછી જ તેમને નોબેલ પ્રાઇઝ કે અન્ય પ્રાઇઝ મળ્યા છે. જેમકે વડોદરામાં ભણેલા શ્રી રામકૃષ્ણનને, ચંદ્રશેખરને, અર્મત્ય સેનને, પ્રો. ખુરાનાને વગેરે.  ટેકનોલોજીમાં કુશળતા કરતા નવી નવી વૈજ્ઞાાનિક શોધો (જેમકે અણુની નીચેની દુનિયાના ઘટકો અને તેમના વર્તન અંગેની અદ્ભુત શોધ જેને ક્વોન્ટમ ડાયનેમિક્સ કે ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે જે પશ્ચિમ જગતના લિબરલ વાતાવરણમાં જ શક્ય છે) કરવા માટે જે વૈજ્ઞાાનિકોને જે ઓટોનોમી અને ફ્રીડમ જોઈએ તે વડીલશાહી વલણ ધરાવતા ભારતમાં ઘણું ઓછું જોવા મળે છે.  

Tags :