તૉર તૉરીલા તડકા એટલે... .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- તડકો એટલે શું? સૂર્યની પાંખોમાંથી ખરતું તેજ? કે આકાશના ગર્ભમાંથી પ્રસવતી ઊર્જા? ઉષ્ણતામાનના પારાની ઊંચાઈ સર કરવાનો યશ એકલો ઉનાળાને પ્રાપ્ત થયો છે
ઉનાળાની આંખોમાંથી ધોધમાર આંસુ નહિ, તડકો વરસે છે. હજુ તો વૈશાખના આંગણામાં પગ મૂકવો છે. ઉંબરોય ઠેક્યો નથી અને અગમઝાળ પ્રસ્વેદનાં પ્રવાહી તોરણ બનીને આવકારે છે. હજુ ઓસરી અને ઓરડામાં પહોંચવાનું બાકી છે. ઉનાળાના દિવસની ડાળીઓ તાપમાં તપેલા લોખંડ જેવી છે અને ઉનાળાની કાયા પણ તપેલા રણ જેવી છે. ઉનાળાની કૂખમાં તાપનું સર્જન થાય છે. તડકો એ તાપનું પ્રવાહી સ્વરૂપ છે. જળ પ્રલય કરતાં વધારે ભયાનક તડકાનો પ્રલય છે. તડકીલા પૂરમાં સૃષ્ટિના પદાર્થો તણાતા નથી શેકાય છે. આગનું કોઈ ઠેકાણું હોય તો એને હોલવી શકાય આ તો ઉનાળાની આગ ! આકાશમાં લાગે અને પૃથ્વી ઉપર તોબાહ તોબાહ ! તડકાના તાકેતાકા પૃથ્વીને વીંટળાય છે ત્હોય પૃથ્વી અનાવૃત !!
સમયના શ્વાસ હાંફી રહ્યા છે. વૃક્ષો તડકા સાથે બાથ ભીડીને અણનમ ઊભાં છે. વેલીઓ તડકાને સમર્પિત થઇ ગઇ છે. ખેતરોમાં ઊભેલ બાજરીના છોડ લીલાછમ હોવા છતાં તડકાની અસર તળે વિમુખ થઇને ઉભા છે. ખેડૂતોને પ્રભાતમાં પરસેવો છૂટે છે. પ્રાચીમાંથી પ્રગટેલાં પૂર ચારે દિશાઓને ડૂબાડી રહ્યાં છે. કૃષિકો, વટેમારગુ રસ્તે ચાલતાં ચાલતાં લીમડાની છાયાની છાસ ગટગટાવે છે. બપોરે મહોલ્લા વચ્ચે ઝાડ નીચે આડે પડખે થયેલા જીવને નિદ્રા ઘેરી વળે છે. તડકાના ત્રાસના પ્રભાવથી અવાજ ખોઈ બેઠેલો શ્વાન સમૂહ જિહ્વા નૃત્યથી તડકાનો મુજરો ભરે છે. ભેંસો તળાવને ઘર સમજે છે અને પંખી બખોલમાં ભરાઈ જાય છે. ટૌકા જંપી જાય છે અને સજીવ સૃષ્ટિ કંપી જાય છે. તડકાના વરસાદમાં બધી લીલીછમ્મ વનસ્પતિ આકરી કસોટીમાં મુકાય છે અને નાગરવેલ જેવી કુંમળી વેલ તો ઉનાળાનો જવાસો બની જાય છે ! અબોલ જીવને તડકાના ચાબખા વસમા લાગે છે. તોતિંગ દીવાલો ઉપર તડકો પડતો નથી, દદડે છે. રાજમારગની રેતમાં જુવારના કણ વેરાઈ જાય તો એની મેળે ધાણી ફૂટે છે જાણે ! આમ તડકાની તાવડીમાં સૃષ્ટિ શેકાય છે.
ઉનાળાની સવાર પણ આકરી અને સાંજ પણ આકરી. બપોર તો દુશ્મન જેવી. ઉનાળાના તડકાની પડખે ભરાઈ રહેવાનું કોઇને ગમતું નથી. તડકો મારે છે અને બાળે પણ છે. તડકો એટલે શું ? સૂર્યની પાંખોમાંથી ખરતું તેજ ? વ્હેતી આગ? નીકળતો લાવા ? કે આકાશના ગર્ભમાંથી પ્રસવતી ઊર્જા? ઉષ્ણતામાનના પારાની ઊંચાઈ સર કરવાનો યશ એકલો ઉનાળાને પ્રાપ્ત થયો છે. સમજણું બાળક યુવાન દેખાય એમ ઉનાળાની સવારમાં જ પુખ્ત બપોરનાં દર્શન થાય છે. તડકો એટલો પ્રભાવી છે કે એને હાજરીથી ઘણાં ડરે છે - કોઈ એની સામે જોતું નથી પછી સામે થવાની વાત જ ક્યાં ? એકચક્રી શાસન ચલાવનાર શાસક છે તડકો ! પૃથ્વી ઉપર ચિરંજીવ શાસનમાં શમણાં લઇને નીકળી પડયો છે - કોઇનેય ક્યાં ગાંઠે છે ? વૃક્ષોની કુમાશને પણ લૂંટે છે. લતાના સૌંદર્યને પણ છિન્નભિન્ન કરી નાખે છે. આખલાની જેમ એ ભૂરાંટો થઇને પૃથ્વીના અણુએ અણુને એ બીવડાવે છે. ઉનાળાની સવારમાં આગના અંકુર હોય છે, બપોરે આગની જ્વાળાઓ અને સાંજે ઠરવા જતાં અંગારા ! મોડી રાત્રે શબ બાળ્યા પછીની ટાઢી વળાતી હોય એવો અનુભવ થાય છે. વૈશાખના દિવસોમાં તડકાનો પનો ઘણો લાંબો હોય છે. તડકાને હું તપોદય કહું છું. જટાળો જોગી નિષ્ફિકર રઝળ્યા કરે એવું છે. આ તડકાદેવનું ! તડકાને ઉગારવા કરતાં મારવાની મજા પડે છે. ધૂળની ડમરીઓ તડકાને આંતરીને પોતીકો કરવા પ્રયત્ન કરે છે ત્યારે પણ તડકો વરણાગી વરરાજાનો રૉફ જ મારતો હોય છે. વૈશાખની ડાળ ઉપર લટકીને તડકો જે વિરાટ હિંચકા ખાય છે - એની પ્રભાવક વ્યાપકતાની અસરો દૂરદૂર સુધી વ્યાપી વળે છે. તડકીલા રંગની જાજમ જાણે સોનલવર્ણી !
તડકાના કોરડા વૃક્ષો કરતાં પર્વતો ઉપર વધારે વીંઝાતા હોય છે. પર્વતોની કાયા શ્યામ હોવાનું એ એક જ કારણ છે. તડકો વૃક્ષોની લીલાશને હટાવી ત્યાં પણ શ્યામલતા સ્થાપવાનું પ્રણ લઇને બેટો હોય એવું લાગે છે! વૃક્ષો તડકાના મિજાજને ટાઢો પાડનારાં સ્પીડબ્રેકરો છે. રાજમારગ અને કેડી સુમસામ થઇ જાય છે જાણે કરફ્યૂ પડયો! જીરું, વરિયાળી, રાજગરો, ધાણી, મેથી અને રાઈની રઢિયાળી ગંધ તડકાના સ્પર્શમાંથી જન્મે છે. મોગરાની માદકતા તડકાને આભારી છે. કેરી અને ચીકુમાં મીઠાસ તડકાને કારણે આવે છે. ઉનાળામાં તાપોદય થાય છે એ નિયતિના શુભાશિષ છે. લીલાછમ્મ લીમડાને પૂછવા જેવું છે કે કાળઝાળ તડકામાં તારી પાસે આટલી લીલીછમ્મ ઘટા આવી ક્યાંથી ? આંબાને પૂછવા જેવું છે કે કાળઝાળ તડકામાં તારી કાયા ઉપર મંજરીનો મલકાટ ક્યાંથી ? કાચી-લીલી કેરીને પૂછવા જેવું છે તારામાં પીળાશ અને મીઠાશ આવ્યાં ક્યાંથી? અરણી, કરમદી, રાયણને પણ પોતાની પ્રસવ પ્રાપ્તિનું રહસ્ય પૂછવા જેવું છે. ગુલમહોર અને કેસૂડાને પોતીકી પ્રસન્નતાનું રાજ પ્રગટ કરવા અંગે પૂછવા જેવું છે - આ બધા પ્રશ્નોના ઉત્તરમાં ઉનાળાના તડકાની કૃપા છે. સમગ્ર પૃથ્વીને ગર્ભવતી બનાવવાનું કામ જ ઉનાળાનું છે તડકાનું છે - ચોમાસુ એ ઉનાળાનું પરિણામ છે. આમ્રવૃક્ષની કુંજમાં છુપાઈને કોકિલ ટહુકા થાય છે તે તડકાનાં ગાણાં છે. ગરમાળાનાં પીળાં પુષ્પો એ તોરણમાળા છે. તડકાના સ્વાગતની! જાંબુને સારા દિવસો બેસે છે-એમાંય તડકાની સર્જકતા છે. તોર તુમાખીભર્યો તડકો ઋષિના શુભાશિષ જેવો છે. આપણે તડકાની આરતીના મંગલ કાર્યક્રમના સહભાગી થઇએ.