મોહંમદની રોમાંચક દુનિયા .
- આજકાલ-પ્રીતિ શાહ
- 'હું જ્યારે બાઈક ચલાવું છું, ત્યારે મુક્તિનો આનંદ માણું છું. મારા જીવનમાં જે કંઈ બને છે, તેનો હું રેકોર્ડ રાખું છું અને તાત્કાલિક મારી ચેનલ પર મૂકું છું.
પ શ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં જન્મેલા મોહંમદ સલીમ ખાનનું બાળપણ ધારાવીમાં અભાવગ્રસ્ત પરિસ્થિતિમાં વીત્યું. વિશ્વની સૌથી મોટી ગણાતી ઝૂંપડપટ્ટી ધારાવીમાં એક સાવ નાની એવી ભાડાની ઝૂંપડીમાં મોહંમદનો પરિવાર રહેતો હતો. પિતા ચોકીદાર તરીકે નોકરી કરતા હતા અને માતા લોકોનાં ઘરમાં કપડાં-વાસણ કરવાં જતી હતી. એણે જોયું કે ધારાવીમાં નાની નાની વાતમાં લોકો ઉશ્કેરાઈ જતા હતા, પાણી માટે ઝગડતા હતા. એક દિવસ એક વ્યક્તિ આવીને તેની માતાને ગમે તેમ બોલવા લાગ્યો અને ઝૂંપડી ખાલી કરવા માટે ધમકી આપી. મોહંમદ સલીમ ખાન કહે છે કે એ દુઃખદ દિવસ આજેય ભૂલ્યો નથી. આ આર્થિક મુશ્કેલીનો ઉપાય કેવી રીતે કરવો તે વિશે વિચારવા લાગ્યો. તેર વર્ષની ઉંમરે દરજીને ત્યાં તેના કામમાં મદદ કરવા જતો તેના તેને અઠવાડિયે દસ રૂપિયા મળતા હતા ! જ્યારે માતાના હાથમાં દસ રૂપિયા મૂક્યા, ત્યારે એ અત્યંત આશ્ચર્યથી તેને જોઈ રહી. દસમા ધોરણના અભ્યાસ સુધી નાનાં-મોટાં કામ કર્યાં. વેઇટર તરીકે કામ કર્યું.
સોળ વર્ષની ઉંમરે ઇ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યો. ફ્લીપ કાર્ટ અને અન્ય સાઈટ પરથી ફેશન એસેસરી, લેધર બેગ, વાલેટ, શૂઝ વગેરે ખરીદી કરીને બજારમાં અને ઑનલાઇન વેચાણ કરતો. એમાંથી અંતે સારી એવી આવક થઈ ૨૦૧૪માં ૨૧ વર્ષની ઉંમરે ઘર ખરીદ્યું અને બી.કોમ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. જ્યારે તેઓ નવા ઘરમાં રહેવા ગયા, ત્યારે તેની માતાની આંખના હર્ષાશ્રુને આજેય ભૂલ્યો નથી. એને એ વાતનો આનંદ હતો કે એની માતાને કોઈ હવે ઘર ખાલી કરવાનું નહીં કહે. તે આ ઘરમાં રાણીની જેમ રહી શકશે. મોહંમદ સ્કૂલમાં હતો, ત્યારે ક્રિકેટ ખેલતો હતો અને એને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જોડાવાની ઇચ્છા હતી, પરંતુ સ્કૂલની સ્પર્ધામાં પીઠમાં ઈજા થવાથી એ વિચાર છોડી દીધો. ક્રિકેટની સાથે સાથે અભિનયનો પણ એને એટલો જ શોખ હોવાથી એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. એને એક જાહેરખબરમાં કામ કરવાની તક મળી. ૨૦૧૬માં એણે 'ઈન્સાન' નામની એક શોર્ટ ફિલ્મ બનાવી, જેને નાસિક ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી ફિલ્મમેકરનો ઍવૉર્ડ પણ મળ્યો.
અભિનયમાં રસ અને ક્ષમતા હોવા છતાં એણે વિચાર્યું કે આમાં તમને નિયમિત રીતે કામ ન મળે તો ફરી પાછી આર્થિક સ્વતંત્રતાનો પ્રશ્ન ઊભો થાય, પરંતુ ફિલ્મો જોતા અને કામ કરતાં કરતાં તેનો પ્રવેશ વ્લોગિંગમાં થયો. વ્લોગ લખવાનું એને એટલું બધું ગમી ગયું કે તે તેની રોજેરોજની પ્રવૃત્તિઓ વિશે લખવા લાગ્યો. વ્લોગ માટે સ્ક્રીપ્ટ પણ લખવા લાગ્યો. ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં મોહંમદ સલીમ ખાને 'એમએસકે વ્લોગ્સ' નામની પોતાની ચેનલ શરૂ કરી. તેના દ્વારા તેની અભિનેતા તરીકેનું વ્યક્તિત્વ અને કોમ્યુનિકેશન સ્કીલમાં વધારો કર્યો. એક વખત આ વ્યવસાયમાં પ્રવેશ કર્યા પછી તેને એમાં ખૂબ આનંદ આવવા લાગ્યો. ઘણા લોકોએ તેના કન્ટેન્ટને સ્પોન્સર કર્યા. ૨૦૧૯થી એ માહિતીપ્રદ અને મનોરંજન આપે તેવાં લખાણો અને વીડિયો મૂકવા લાગ્યો. આમાં મોટેભાગે એણે તેના પ્રવાસને લગતા વીડિયો મૂક્યા.
મોહંમદ હવે તેના ટ્રાવેલ વ્લોગથી વિશેષ જાણીતો થયો. તે કહે છે કે આપણો દેશ ખૂબ સુંદર છે. મુંબઈથી બાઈક પર લડાખ ગયો. ત્યાંથી આસામ, નાગાલૅન્ડ, અરુણાચલ, મેઘાલય, રાજસ્થાન, કેરળ, હિમાચલ અને એવા ઘણા પ્રદેશોમાં ફરવાની ખૂબ મજા આવી. કચ્છનું સફેદ રણ જોયું. અરુણાચલમાં સ્નો રાઈડ કર્યું. આસામીઝ ફૂડનો આનંદ મેળવ્યો. ભારત-પાકિસ્તાન બૉર્ડર જોઈ. ન્યૂ દિલ્હીમાં જામા મસ્જિદમાં રમદાનનો ઉત્સવ ઉજવીને તેરસો કિમી. બાઈક ચલાવીને મથુરામાં હોળીના ઉત્સવમાં સામેલ થયો. એ કહે છે કે, 'હું જ્યારે બાઈક ચલાવું છું, ત્યારે મુક્તિનો આનંદ માણું છું. મારા જીવનમાં જે કંઈ બને છે, તેનો હું રેકોર્ડ રાખું છું અને તાત્કાલિક મારી ચેનલ પર મૂકું છું. તે પછી હૈદરાબાદની બિરયાની હોય કે પશ્ચિમ બંગાળમાં કરેલી માછીમારી હોય, ગુરુદ્વારામાં ગયો હોઉં કે બૌદ્ધ મંદિરોની મુલાકાત લીધી હોય - આ બધું જ મારા વ્લોગમાં લખું છું અને તસવીરો મૂકું છું.'
મોહંમદ સલીમ ખાનના આજે સત્તર લાખ ફોલોઅર છે. આજે તેની કમાણી મહિને પંદર લાખ રૂપિયાની છે. જોકે તેમાં વધઘટ થતી રહે છે. તે કહે છે કે, 'એણે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે તે યુ-ટયૂબ પર વ્લોગિંગ લખશે. આજે એને એ ગમે છે. મારો દરેક દિવસ નવો હોય છે. જ્યારે જીવન એકધારું બની જાય, ત્યારે હું કંટાળી જાઉં છું અને તેથી હું નિયમિત નોકરી કરી શકતો નથી. મારા આ કામની શ્રેષ્ઠ વાત છે એમાં મળતી સ્વતંત્રતા, કારણ કે તેમાં હું ઇચ્છું ત્યારે રજા લઈ શકું છું.' મોહંમદ સલીમ ખાનને તેના આ કામ માટે ફોર્બ્સ દ્વારા ભારતના એકસો ડિજિટલ સ્ટાર્સની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં 'વ્લોગર ઑફ ધ યર ૨૦૨૦ સ્ટ્રીમકોનએશિયા' નામના ઍવૉર્ડથી નવાજવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને ખાનગી સંસ્થાઓ દ્વારા અનેક ઍવૉર્ડ મળ્યા છે, પરંતુ સૌથી વિશેષ આનંદ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે પંચોતેર યંગ કલ્ચરલ બ્રાન્ડ એમ્બેસેડર્સમાં તેનો સમાવેશ કર્યો તેનો છે.
ગરીબીએ કરી નવી શોધ
આવા શૂઝ પહેરીને સ્કૂલે જઈશ તો કોઈ મશ્કરી તો નહીં કરે ને? કોઈ કદાચ મશ્કરી ન પણ કરે, પરંતુ શિક્ષક આવા શૂઝ જોઈને ગુસ્સે થશે તો શું કરીશ?
વિ જ્ઞાનના ક્ષેત્રે અને આપણા રોજિંદા જીવનમાં વપરાતી અનેક ચીજવસ્તુઓનું કે જેણે માનવજીવનમાં બહુ મોટું પરિવર્તન આણ્યું છે, તેનું અકસ્માતે સંશોધન થયું છે. જેમકે પેનિસિલન, પોસ્ટ-ઈટ-નોટ, આર્ટીફીશયલ સ્વીટનર, માઈક્રોવેવ વગેરે. આમ અકસ્માતે થયેલી શોધ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ અકસ્માતે કોઈ વ્યક્તિ ઉદ્યોગસાહસિક બને તે કેટલું આશ્ચર્યજનક કહેવાય ! મણિપુરની મોઈરાંગથેમ મુક્તામણિ દેવી અકસ્માતે જ ઉદ્યોગસાહસિક બની છે. તેણે ક્યારેય એવું વિચાર્યું નહોતું કે તે કોઈ વ્યવસાય કરશે, પરંતુ એક માતાના પુત્રી પ્રત્યેના પ્રેમે આ ચમત્કાર સર્જ્યો છે.
૧૯૫૮માં જન્મેલી મુક્તામણિ મણિપુરના કાકચિંદમાં વિધવા માતા સાથે રહેતી હતી. માત્ર સત્તર વર્ષની ઉંમરે તેના લગ્ન થયાં. તે દિવસે ખેતરમાં કામ કરતી અને સાંજે ઘરે બનાવેલા નાસ્તા વેચતી હતી. આર્થિક મુશ્કેલીને કારણે થોડી આવક થાય તેવા હેતુથી રાત્રે જ્યારે સમય મળે, ત્યારે હેર બેન્ડ, કેરી બેગ જેવી ચીજવસ્તુ ગૂંથતી. મુક્તામણિ દેવીને ચાર સંતાનો હતા, તેથી દિવસ અને રાત સખત મહેનત કર્યા પછી પણ પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ શકે એટલા પૈસાની પણ બચત થતી નહીં. બન્યું એવું કે ૧૯૮૯માં એક દિવસ તેની બીજા નંબરની દીકરીએ માતાને કહ્યું કે તેના શૂઝના તળિયા ફાટી ગયા છે તેથી પગમાં કાંકરા વાગે છે અને ગરમી લાગે છે, પરંતુ માતા પાસે એટલા પૈસા નહોતા કે તેને નવા શૂઝ લાવી દે. માતાને દીકરીની ચિંતા થઈ, પણ કરે શું? તેને વિચાર આવ્યો કે આ શૂઝના તળિયાને ઊનથી ગૂંથી નાખું તો કેવું?
મુક્તામણિ દેવીએ પોતાની એ આવડતથી શૂઝના તળિયાને ઊનથી ગૂંથ્યા અને પહેરવા લાયક બનાવી દીધા. માતાને સમસ્યાનો ઉકેલ મળતા હાશ થઈ, પરંતુ દીકરીની મનોવ્યથા જુદી જ હતી. એને ચિંતા થઈ કે આવા શૂઝ પહેરીને સ્કૂલે જઈશ તો કોઈ મશ્કરી તો નહીં કરે ને? કોઈ કદાચ મશ્કરી ન પણ કરે, પરંતુ શિક્ષક આવા શૂઝ જોઈને ગુસ્સે થશે તો શું કરીશ? મનમાં આવા અનેક પ્રકારના વિચારો અને ચિંતા સાથે એ શૂઝ પહેરીને સ્કૂલે ગઈ. એ તેના વર્ગમાં પહોંચી અને થોડી જ વારમાં શિક્ષિકાની નજર તેના શૂઝ પર ગઈ. શિક્ષિકાએ તેને પોતાની પાસે બોલાવી. તેના મનમાં ચિંતા અને ભય તો પહેલેથી જ હતા, તેમાં વળી શિક્ષિકાઓ શૂઝ જોઈને જ તેને બોલાવી એટલે ખૂબ ડરી ગઈ. ડરતાં ડરતાં એ શિક્ષિકા પાસે ગઈ. શિક્ષિકાએ એને પૂછયું કે આ શૂઝ ક્યાંથી લીધા અને કોણે બનાવ્યા છે? તેણે ડરતાં ડરતાં કહ્યું કે આ શૂઝ તો મારી માતાએ બનાવ્યા છે. શિક્ષિકાએ પ્રસન્ન થઈને કહ્યું કે, 'તારી માતાને કહેજે કે આવા એક જોડી શૂઝ મને પણ બનાવી આપે.'
પુત્રીના આનંદનો પાર ન રહ્યો. તેણે ઘરે આવીને સમગ્ર ઘટના ઉત્સાહપૂર્વક માતાને કહી સંભળાવી. મુક્તામણિ દેવીએ શિક્ષિકા માટે શૂઝ બનાવી આપ્યા. ધીમે ધીમે સહુને પસંદ પડવા લાગ્યા અને અંદરોઅંદર તેનું વેચાણ થવા લાગ્યું. ધીમે ધીમે ઑર્ડર મળવા લાગ્યા. તેને કારણે મુક્તામણિ દેવીને શૂઝનો વ્યવસાય કરવાનો વિચાર આવ્યો. તેમણે ૧૯૯૦-૯૧ 'મુક્તા શૂઝ ઇન્ડસ્ટ્રી'ની શરૂઆત કરી. તે પોતાના શૂઝને ટ્રેડ ફેર અને અન્ય સ્થાનિક પ્રદર્શનોમાં વેચવા લાગી. જોતજોતામાં આ શૂઝ એટલા લોકપ્રિય બની ગયા કે વિદેશોમાંથી પણ તેના ઑર્ડર મળવા લાગ્યા. આજે મુક્તા શૂઝ ઇન્ડસ્ટ્રીના શૂઝની ઑસ્ટ્રેલિયા, યુ.કે., મેક્સિકો અને આફ્રિકા જેવા દેશોમાં નિકાસ થાય છે.
મુક્તા શૂઝ ઇન્ડસ્ટ્રીની સફળતાએ તેને આર્થિક મુશ્કેલીમાંથી ઉગારી લીધી, પરંતુ તેની સફળતાની સાથોસાથ તેણે સમાજના અનેક લોકોની સુખાકારીનો વિચાર કર્યો. મુક્તામણિ દેવીએ આજ સુધીમાં આશરે એક હજારથી પણ વધુ લોકોને ઊનના શૂઝ ગૂંથતા શીખવાડયું છે. જેમને આ શૂઝ ગૂંથતા શીખવું હોય તેમને તે પોતાના ઘરે કોઈ પણ પ્રકારની ફી લીધા વિના ગૂંથતા શીખવે છે.
એમાંથી કેટલાકને તે પોતાની ફેક્ટરીમાં નોકરી પર રહેવાનો પ્રસ્તાવ પણ મૂકે છે, તો કેટલાક પોતાનું કામ પણ શરૂ કરે છે. એમની ફેક્ટરીમાં દરેક ઉંમરની વ્યક્તિ માટે શૂઝ બને છે. એક જોડી શૂઝ ગૂંથતા ઓછામાં ઓછા ત્રણ દિવસ થાય છે. એને જુદા જુદા ભાગમાં ગૂંથવામાં આવે છે. પુરુષો શૂઝના તળિયા બનાવે છે, તો સ્ત્રીઓ ગૂંથવાનું કામ કરે છે. એક વ્યક્તિ રોજના સો-દોઢસો તળિયા બનાવી શકે છે અને એક તળિયા બનાવવા માટે તેમને પચાસ રૂપિયા મળે છે. જ્યારે એક શૂઝ ગૂંથવા માટે ત્રીસ-પાંત્રીસ રૂપિયા આપવામાં આવે છે. એક મહિલાને એના કામ માટે રોજના આશરે પાંચસો રૂપિયા મળે છે. આ શૂઝની કિંમત આશરે બસો રૂપિયાથી માંડીને એક હજાર સુધીની હોય છે. દીકરી માટે શૂઝ ન ખરીદી શકનાર મુક્તામણિ દેવીએ મોટી શૂઝ ઇન્ડસ્ટ્રી ઊભી કરી અને તેના દ્વારા અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે. તે માટે ભારત સરકારે ૨૦૨૨માં પદ્મશ્રીથી તેનું સન્માન કર્યું.