Get The App

હવે તને મિલ કામદારની બૈરી નહિ, શેઠાણી બનાવી દઇશ!

- ઝાકળઝંઝા - પરાજિત પટેલ

- સાંભળી લો, મહેનતની કમાણી માણસને સુવાસથી ભરી દે છે! જ્યારે હરામનો પૈસો એને ગંદકીથી ફદફદતું ખાબોચિયું બનાવી દે છે!

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
હવે તને મિલ કામદારની બૈરી નહિ, શેઠાણી બનાવી દઇશ! 1 - image


'આ શું પડયું છે?'

ઠાઠિયા સ્કૂટર પર જઈ રહેલા અનંગની નજર માર્ગની બાજુ પર પડી : 'વાહ, કોકનો મોટો થેલો પડયો છે. શું હશે થેલામાં?' પાછો એ સવાલોના ચકડોળે ચઢી ગયો. સ્કૂટર થોડુંક આગળ નીકળી ગયું હતું. એણે પાછું વાળ્યું. રસ્તાની બાજુમાં પાર્ક કર્યું. પછી થોડાંક ડગલાં ચાલીને એ પેલા થેલા પાસે આવ્યો : ઊંચક્યો થેલાને : 'વજનદાર છે આજ થઈ જઇશું માલામાલ!' આજે કિસ્મતની થાશે કમાલ! ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ! ઉપરવાળાનો ચમત્કાર, બીજું શું?

મિલમાં મજુરી કરીને તનડાં તોડતા ગરીબ અનંગની સમક્ષ વૈચારિક અમીરી ખડી થઈ ગઈ : હવે કંગાલિયત ટળી જાણો! હવે લાચારી થશે વેગળી જાણો ! પછી તો હું બની જઈશ માલદાર ! લોકો 'આવો શેઠ, આવો સાહેબ' કહેતા થઈ જશે. રૂપિયામાં એ તાકાત છે. એ મજુરને શેઠિયો બનાવી દે છે! શ્રમજીવીને ય 'સાહેબ' બનાવી દે છે! હવે તો થેલો ખોલું એટલી જ વાર...અને એણે થેલાની ચેઇન ખોલી નાખી.. ને એ સાથે જ એની આંખો (દોઢ ઇંચ જેટલી પહોળી થઇ ગઇ! ફાટી આંખે એણે જોયું.

થેલામાં નોટોનાં બંડલો હતાં. થોકે થોક. સોનાના દાગીના હતા. વાહ! માલ પચાસ-સાઠ લાખથી તો ઓછો નહિ જ હોય! હવે તો બસ, પતી ગયું. અનંગ બની જશે અનંગરાય લખેશરી. અને એણે થેલો ઉપાડી લીધો...ને સ્કૂટર પર લટકાવી દીધો. 

આ નથી કોઇ મજુરી પર નભતો રાંક લાલો! આતો છે લાલો લખપતિ! અનંગરાય શેઠ! એને યાદ આવી ગયું : એ નાનો હતો ત્યારે ઘરનાં અને ફળિયાવાળાં એને લાડમાં 'લાલો' કહેતાં : 'હવે લાલો લાચાર નથી! લાલો છે લખેશરી ! હવે કોઇ 'લાલો''કે 'લાલિયો' નહિ કહે, હવે તો હાથ જોડીને બધા કહેશે : 'પધારો લાલચંદ્ર શેઠ!'

રૂપિયો માણસને 'શેઠ' બનાવી દે છે! લાલિયાને 'લાલચંદ્ર' બનાવી દે છે! અનંગને 'અનંગરાય સાહેબ' બનાવી દે છે! રૂપિયા, તને સો સો સલામ!

સ્કૂટર દોડે છે.

ના, ચાલે છે.

ઠાઠિયું થઈ ગયું છે સ્કૂટર!

પણ હવે?

હવે આવશે મસ્તમજાની કાર! એમાં બેસશે શેઠ અનંગરાય! મુખ્ય માર્ગને બદલે ગલીઓના સાંકડા રસ્તે જઈ રહ્યું હતું સ્કૂટર! આખરે એક રૂમ-રસોડાના ભાડાના મકાન પાસે પહોંચ્યું ઠાઠિયું સ્કૂટર! આંગણામાં ઊભું રહ્યું સ્કૂટર! હેન્ડલ પરથી અનંગે થેલો ઊઠાવ્યો, ને ઘરમાં આવ્યો.

કસ્તુરી બોલી ઊઠી : 'ક્યાંથી લાવ્યા આ થેલો? કોનો છે? આપણો તો લાગતો નથી! શું છે આ થેલામાં?'

'થેલામાં છે આપણી ગરીબી દૂર કરવાની દવા!તું જોતો ખરી, મારી કોમળ કોમળ કસ્તુરી! તારા માટે મોંઘીદાટ સાડીઓ લાવીશ! તારા માટે સોનાના દાગીના ઘડાવીશ! તને મિલમજુરીની બૈરી મિટાવીને 'શેઠાણી' બનાવી દઈશ. મસ્ત મજાના ઘરના ઝુલે તને ઝુલાવીશ હું!'

'લાંબું લાંબું ફાડયા વગર એ કહો કે શું છે આ બધું?'

'ખુલી ગયેલા ભાગ્યના આ ચમત્કાર છે! કસ્તુરી, આપણા કિસ્મતના દરવાજા ઊઘડી ગયા!તું મારી શેઠાણી ને હું તારો શેઠ!'

'થેલો ખોલો.'

કસ્તુરીની ઉત્કંઠા વધી ગઈ હતી. વર આજે સાવ બદલાઈ ગયો હતો એની ભીતરમાં કોઈ 'કવિનું ભૂત' પ્રવેશી ગયું હોય એવું લાગતું હતું. બોલતો હતો એય કવિતા જેવું! તે આખે આખો બદલાઈ ગયેલો લાગતો હતો! અને આ બધાનું કારણ -

આ થેલો છે !

થેલામાં જાદૂ છે !

થેલામાં ચમત્કાર છે !

જે છે એ થેલામાં છે !

થેલામાં જ કંઈક એવું છે કે માણસ ગાંડો ગાંડો થઈ જાય! લવારા કરવા લાગી જાય! માણસનું દિમાગ જ ફરી જાય! જુઓને, આ અનંગ કેવો થઈ ગયો છે? કેટલો બધો બદલાઈ ગયો છે! અહીંથી મિલ તરફ જવા નીકળ્યો ત્યારે તો એ જુદો હતો! એક ગરીબ મજુર હતો! તનતોડીને રોટલો રળતો શ્રમજીવી હતો. પણ પાછો આવ્યો ત્યારે -

આ અનંગ જુદો છે

એની વાતો નોખી છે.

સાવ બદલાઈ ગયો છે!

વાતો કરે છે એય કોઈ માલદાર શેઠિયા જેવી!

ફરીથી કસ્તુરી બોલી ! 'ઝટપટ થેલો ખોલો.'

'લે ખોલ્યો. જોઈ લે અંદર. દર્શન કરી લે લખમીનાં. પ્રણામ કરી તે પૈસાને. સલામ કરી લે સંપત્તિને!'

કસ્તુરી એ જોયું. ને એનાથી રાડ પડાઈ ગઈ. 'અરે, આ તો રૂપિયાનાં મોટાં મોટાં બંડલ છે!'

'એકલાં બંડલ નથી! અંદર સોનાના દાગીના પણ છે!'

આમ તો રાજી થઈ જવાય એવું હતું! ખુશ-ખુશાલ બની જવાય! પણ કસ્તુરી જુદી જ માટીની હતી. જેવું અનંગે પૂછ્યું કે : 'રાજી તો થઈ ને?' તો એ બોલી :

'ના!'

'કેમ?'

'માલ આપણી કમાણીનો હોત તો જરૂર રાજી થાત! આ તો હરામનો માલ છે! હરામનો માલ જોઈને શી રીતે રાજી થવાય?'

- ને એ જ સમયે પાછળની સોસાયટીમાંથી આવતો કોઈનો રૂદન સ્વર સંભળાયો! દોડા દોડી થઈ રહી! ને થોડીવારમાં તો વાત પણ આવી ગઈ કે : પાછળની સોસાયટીમાં રહેતાં મનોરમા બા રડી રહ્યાં છે!

'એમના એંસી લાખ રૂપિયાને દાગીનાનો થેલો ક્યાંક પડી ગયો છે....એમનો દીકરો બાઈક પર થેલો લઈને ઝવેરીને ત્યાં થઈ આવતો હશે.. થેલો પાછળ મૂક્યો હશે ને થેલો ક્યાંક પડી ગયો છે કે પછી ગુમ થઈ ગયો છે...! અઠવાડિયા પછી તો એમની દીકરી તોરલનાં લગ્ન છે...ને આવું થયું ! મનોરમા બા એટલે તો રડી રહ્યાં છે. છાનાં જ રહેતાં નથી. આખું ઘર રડી રહ્યું છે..હવે? હવે લીધાં લગ્ન નહિ થઈ શકે!'

'મૂકી દે થેલો પાછલા ઓરડે! કોઈ જાણી ન જાય! રૂપિયા પેટીમાં મૂકી દે જે! ને થેલો સળગાવી દે જે!' બોલ્યો અનંગ.

'ના.' 'કેમ?'

'એ થેલો આપણો નથી, મનોરમાબાનો છે...એના પર આપણો કોઇ હક નથી! સાંભળી લો, મહેનતની કમાણી માણસની જિંદગીને સુવાસથી ભરી દે છે, જ્યારે હરામની કમાણી એને હડકાયો કુત્તો બનાવી દે છે. હરામની કમાણી એટલે ગંદકીનું ફદફદતું ખાબોચિયું!' માટે કહું છું મનમાંથી ખોટા વિચારો કાઢી નાંખો. જાણો છો આના કારણે એ કુંવારીકાના લગ્ન અટકશે ને એનાં સપનાં ચકનાચૂર થઈ જશે..? એ બધું પાપ આપણા ખાતે ચઢશે!

ને બીજી પળે તો ખુદ અનંગ જ બદલાઈ ગયો. કસ્તુરીના શબ્દો એ એને બદલી નાખ્યો હતો. એ બોલ્યો : 'તો પછી હાલ્ય, લઈલે થેલો. ને જેનો છે એને પહોંચાડી દઇએ!'

ને એ સાથે જ બેય જણાં થેલો લઈને પાછળની સોસાયટીમાં મનોરમાબાના ઘર તરફ ચાલ્યા! ત્યારે આકાશમાં તીવ્ર અજવાળાં પાથરતો સૂર્ય પણ લાગતું હતું કે હસી રહ્યો છે! ના, એ આ બેય જણાંને શાબાશી આપતો હતો! એ જ સમયે સોસાયટીની બહાર લીમડાના વૃક્ષ પર બેઠેલી કોયલે આવકારના અમર પિયાલા પીવડાવતી હોય, એમ ટહુકા પર ટહુકા કરી રહી : 'જય હો ઇમાનદારીનો! જય હો!'

Tags :