યોગાસન એટલે શું? ધ્યાન એટલે શું?
- ફિટનેસ- મુકુંદ મહેતા
યોગની ક્રિયા નિયમિત કરનારાઓને થોડાક જ સમયમાં જ આજની અત્યંત વેગ વાળી જીવનશૈલીને લીધે થતો માનસિક તનાવ (સ્ટ્રેસ) ઓછો થાય છે
ધાર્મિક માન્યતા પ્રમાણે માનવીને જન્મ પહેલા 84 લાખ યોનિ એટલે એટલા જન્મમાંથી પસાર થવું પડે છે તે અનુસાર યોગના 84 લાખ આસનો ગણાય જેની વિગતોની કોઇને ખબર નથી
યોગ એટલે શું ?
યોગ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ 'યુજ' ઉપરથી થઇ છે. 'યુજ' એટલે જોડવું. અર્થાત્ 'યોગ એટલે શ્વાસો શ્વાસની ક્રિયાથી મન અને શરીરને જોડવાની ક્રિયા.' ભારતમાં ૫૦૦૦ વર્ષ પહેલા યોગની શરૂઆત થઇ હતી તેવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. પ્રાચીન કાળમાં ભારતમાં નદી કિનારે મનની શાંતિની ખોજમાં અને એ પ્રકારે પરમપદ પામવાની યોગની ક્રિયા ઋષિ મુનિઓ કરતાં હતા. ભારતમાં યોગની ક્રિયા સાથે સૂર્યનમસ્કાર અને પ્રાણાયામને જોડનાર 'મહર્ષિ પતંજલિ' ગણાય છે. યોગ વિદ્યાના ગુરુઓમાં ૧. સ્વામી શિવાનંદજી ૨. શ્રી ક્રિશ્નનામાચાર્યજી ૩. સ્વામી શ્રી કૈવલ્યાનંદજી ૪. શ્રી અરબીન્દો ૫. મહર્ષી મહેશ યોગી ૬. રામકૃષ્ણ પરમહંસના નામ ખૂબ જાણીતા છે.
અમેરિકામાં ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતના અત્યંત મેઘાવી અને પ્રખર વિદ્વાન સ્વામિ વિવેકાનંદે શિકાગોમાં ૧૮૯૩ના વર્ષમાં ભરાએલી 'વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજીયન્સ'માં આપેલા પ્રવચન પછી આસનો સિવાયની 'યોગ'ની આ ક્રિયાનો પ્રચાર થયો. ત્યાર પછી ભારતના જ બીજા વિદ્વાન સ્વામી પરમહંસ યોગાનંદે ૧૯૪૫માં પ્રસિદ્ધ કરેલ પુસ્તક 'ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી'ના આધારે વિસમી સદીના મધ્યભાગમાં અમેરિકા અને જગતના બીજા દેશોમાં 'યોગા'ની ક્રિયા ખૂબ પ્રચલિત થઇ છે.
યોગની ક્રિયા નિયમિત કરનારાઓને થોડાક જ સમયમાં જ આજની અત્યંત વેગ વાળી જીવનશૈલીને લીધે થતો માનસિક તનાવ (સ્ટ્રેસ) ઓછો થાય છે. તે ઉપરાંત જયારે તમે ૩૦ મિનિટની યોગની ક્રિયા (જમીન પર કે પથારીમાં બેસીને ઊંડા શ્વાસ લેવાની ક્રિયા) કરો છો ત્યારે આખા શરીરમાં ફેલાએલી અને અત્યંત વેગવંત જ્ઞાાનતંતુની ('નર્વ')ની સિસ્ટીમ ધીમી પડે છે જેને કારણે તમારા મનમાં અપાર શાંતિનો ભાવ ઉત્પન્ન થાય છે.
યોગને અનેક વસ્તુઓ સાથે જોડીને તેને ૧ પતંજલિ યોગ. ૨. ભક્તિ યોગ ૩. ધ્યાન યોગ ૪. કર્મ યોગ ૫. જ્ઞાાન યોગ ૬. કુંડલીની યોગ ૭. હઠ યોગ ૮. મંત્ર યોગ ૯. લય યોગ ૧૦. રાજ યોગ ૧૧. જૈન યોગ ૧૨. બુદ્ધ યોગ એવા અનેક નામથી છેલ્લા કેટલાય વર્ષોથી યોગની ક્રિયા ભારતમાં અનેક ઠેકાણે ચાલે છે જેમાં મુખ્યત્વે સ્વામી પતંજલિ દ્વારા બતાવવામાં આવેલી યોગની ક્રિયા કરાવવામાં આવે છે.
યોગાસન એટલે શું?
યોગા ગુરુઓના જણાવ્યા પ્રમાણે જગતમાં વધારેમાં વધારે ૧૫૦ આસનોની ક્રિયાનો વ્યાપ છે તેમાં પણ રોજની ટ્રેનિંગમાં સમયની અનુકૂળતા પ્રમાણે ૨૫ પ્રકારના આસનોનો સમાવેશ કરેલો છે. યોગાસન એટલે યોગ કરતી વખતે શરીરના અનેક સાંધાઓને અને તેને જોડતા અંગોને વાળવાની અને સીધા કરવાની ક્રિયા કહેવાય. તેને આધુનિક જિમમાં મશીનોની મદદથી કરાવવામાં આવતી સ્ટ્રેચિંગ અને ફલેકિસબિલિટી કસરત પણ કહી શકાય. યોગ ગુરુઓના જણાવ્યા પ્રમાણે યોગાસન એટલે શરીર ને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવતી શારીરિક કસરતનો એક પ્રકાર.
જેમાં ૧. શ્વાસને પદ્ધતિ સર રોકવાની અને છોડવાની ક્રિયા, (અનુલોમ વિલોમ) ૨. ધ્યાનની ક્રિયા સાથે તમારા મન અને શરીરને. હકારાત્મક વિચારો કરીને ને વાતાવરણ સાથે એકરૂપ થવાની ક્રિયા કહેવાય. આ ક્રિયાઓમાં ૧. પ્રમાણમાં ઓછું જોર પડે તેવી શારીરિક કસરત એટલે આસનો. ૨, શ્વાસોશ્વાસની ક્રિયા, (પ્રાણાયામ- અનુલોમ વિલોમ), ૩. રિલેક્ષેશન (શરીરને ઢીલું મૂકવાની ક્રિયા) અને ૪. ધ્યાન (મેડિટેશન) આવે. ભારતના કોઇ પણ શહેરમાં યોગાસનના ક્લાસિસ ચાલતા હોય છે જેમાં યોગ્ય ફી લઇને મોટા ભાગે ફકત જુદા જુદા આસનો શીખવાડવા ઉપર ભાર હોય છે. જયારે પ્રાણાયામની ક્રિયા પર અપવાદ બાદ કરતા પ્રમાણમાં ઓછું ધ્યાન આપવામાં આવે છે.
યોગાસનના ફાયદા :
પદ્ધતિસરની ટ્રેઇનીંગ લઇને નિયમિત યોગાસનની કસરત કરવામાં આવે ત્યારે નીચે જણાવેલા ફાયદા થાય છે.
૧. યોગાસનમાં જે આસનો કરાવવામાં આવે છે તેમાં શરીરના નાના મોટા બધાજ સાંધાઓને વાળવાની અને સીધા કરવાની ક્રિયા (ફલેક્ષનને એક્ષેટેન્શન) કરવામાં આવે છે તેને કારણે આર્થાઇટિસ (સાંધાનો વા) થવાની શકયતા પ્રમાણમાં ઘણી ઓછી થઇ જાય છે.
૨. દોડવાની, ચાલવાની તરવાની કે સાઇકલ ચલાવવાની કસરતો તમે મોટી ઉંમર સુધી કદાચ ના કરી શકો જયારે યોગાસનની બધી જ ક્રિયા પદ્ધતિસરની ટ્રેનીંગ પછી મોટી ઉંમર સુધી ઘરમાં કરી શકો છો.
૩. યોગા એટલે શ્વાસોશ્વાસની ક્રિયાથી તમારા મન અને શરીરને જોડવાની ક્રિયા એટલે આ ક્રિયા નિયમિત કરવાથી નકારાત્મક વિચારો ખૂબ ઓછા થઇ જાય છે અને તમારા ચિત્ત (મગજ)ની એકાગ્રતા વધે છે આને કારણે મનમાં અપાર શાંતિ મળે છે જેને લીધે ચિંતા અને માનસિક તનાવ (સ્ટ્રેસ) ઓછો થઇ જાય છે. ૪. પ્રયોગોથી નક્કી કરેલી વાત છે કે નિયમિત યોગાસન કરવાથી સાંધા અને સ્નાયુને કસરત મળવાથી વજન ઘટે છે ૫. નિયમિત યોગાસન કરનારાની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધવાથી તેમનું ચેપી રોગોથી રક્ષણ થાય છે અને તેઓ બિમાર પડતાં નથી.
મેડિટેશન અથવા ધ્યાન એટલે શું?
મેડિટેશન અથવા ધ્યાનનો અર્થ મનને વિચારશૂન્ય અને એકાગ્ર કરવાની ક્રિયા અથવા મનને નિર્વિકાર અને અચેતન અવસ્થામાં લાવવાની ક્રિયા. જો તમે નિયમિત યોગ અને યોગાસનની ક્રિયા કરતાં હો તો તેની સાથે ધ્યાનની ક્રિયા કરવી જોઈએ જેમાં પ્રયત્ન કરીને મનમાં કોઇ વિચાર ના આવે તે પ્રમાણે ૩૦ મિનિટ કરવાની ક્રિયા હોય છે. ધ્યાનસ્થ થવા માટે તમારે તમારા ઘરની રૂમમાં અજવાળું કે અવાજ ના આવે તે રીતે બેસી સામે સળગતી મીણબત્તી રાખીને મીણબત્તીની જ્યોત અથવા કોઇ કુદરતી દ્રશ્ય કે તમારા ઇષ્ટ દેવનો ફોટો મૂકી તેની સામે એકીટશે જોઇ રહેવાની ક્રિયા કરો. શરૂમાં મનને એકાગ્ર કરતાં વાર લાગશે ધીરે ધીરે ટેવ પાડીને ઓછામાં ઓછા ૩૦ મિનિટ ધ્યાનની આ ક્રિયા કરો એટલે યોગ, મેડિટેશન અને ધ્યાનની સંપૂર્ણ ક્રિયા કરી ગણાશે.