Get The App

આજના 'નોવેલ કોરોના' વાઇરસની જેમ સવાસો વર્ષ પહેલાં 'મરકી' ચીનથી ફેલાયો હતો

- પ્રજાબંધુ અને પ્લેગ - મહામારી, 1896- 1905

- ડો. મકરન્દ મહેતા .

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
આજના 'નોવેલ કોરોના' વાઇરસની જેમ સવાસો વર્ષ પહેલાં 'મરકી' ચીનથી ફેલાયો હતો 1 - image


આજે તો કોરોના વાયરસ અંગે હિંદની પ્રજામાં ભારે જાગૃતિ આવી છે. સમગ્ર દેશમાં થયેલા જડબેસલાખ જનતા કરફ્યુને અનેક ફોટોગ્રાફથી મઢી લઈને ગુજરાત સમાચારે એના તા. ૨૩ માર્ચ, ૨૦૨૦ (સોમવાર)ના અંકમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' શીર્ષક હેઠળ માહિતી આપી તેવી જ માહિતી આજથી સવાસો વર્ષ પહેલાં પ્રજાબંધુએ આપી હતી.

માત્ર સમય અને સંજોગો જુદા હતા તે સામે દેશમાં બ્રિટીશ સામ્રાજ્યવાદ પ્રવર્તતો હતો તેમ છતાં લીબરલ- મોડરેટ રાજકીય શૈલીને વરેલા પ્રજાબંધુએ એના ૨૬ માર્ચ ૧૯૦૫ના અંકમાં અંગ્રેજી એડિટોરિયલ 'પ્લેગ ઇન અમદાવાદ'માં બ્રિટીશ રાજ્ય પ્રત્યે શ્રદ્ધા વધારી છે. એલોપથી ડોક્ટરોની પ્રેક્ટિસે વૈદ્યો અને હકીમોની વંશપરંપરાગત પદ્ધતિને પાછળ પાડી દીધી છે. 

મરકી- મહામારી (એપિડેમિક) કેવી રીતે શરૂ થઈ તેની જાણકારી રસપ્રદ છે

- અમદાવાદના કલેક્ટર મી. ડોડરેટ, સિવિલ સર્જન ડો. એન્ડરસન અને મ્યુનિ. પ્રમુખ રા. બા. મોતીલાલ લાલજીભાઈ દીવાનજી મરકીથી પટકાયેલા લત્તાઓની મુલાકાત લઈને દર્દીઓને સહાય કરી

ગુજરાતી એડીટોરીયલ 'શહેરોનું આરોગ્ય'માં પ્રજાબંધુએ લોકોને જણાવ્યું હતું : આ અઠવાડિયામાં (૧૯થી ૨૬ માર્ચ ૧૯૦૫) મરકીથી મરણ વધ્યા છે તેની સંખ્યા ૩૪૩ છે. ગયે અઠવાડિયે મરકીથી ૩૧૨ માણસોના મૃત્યુ થયા હતા. પોળો અને લતાઓમાં બૂરો પગપેસારો થતો જાય છે.

અમદાવાદના કલેક્ટર મી. ડોડરેટ, સિવિલ સર્જન ડો. એન્ડરસન અને મ્યુનિ. પ્રમુખ રા. બા. મોતીલાલ લાલજીભાઈ દીવાનજી મરકીથી પટકાયેલા લત્તાઓની મુલાકાત લઈને દર્દીઓને સહાય કરી રહ્યા છે. પ્રજાબંધુએ એના બીજા કેટલાક અંકોમાં ઇલાકાના પ્લેગ વિશે માહિતી આપીને જે આંકડાઓ રજૂ કર્યા તે આજે પણ ભયભીત કરી શકે તેવા છે. મુંબઈ ઇલાકામાં મરકીને લીધે ૧૮૯૭માં ૬૯,૪૨૨૨, ૧૮૯૯માં ૯૬,૫૯૬ ૧૯૦૦માં ૩૩૧૯૬, ૧૯૦૧માં ૧,૨૮,૨૫૯ ૧૯૦૨માં ૧,૮૪,૭૫૨ અને ૧૯૦૩માં ૨,૮૧,૨૬૯ માણસોના મોત થયા હતા !

ઉપરોક્ત મરકી- મહામારી (એપિડેમિક) કેવી રીતે શરૂ થઈ તેની જાણકારી રસપ્રદ છે આજના કોવીડ-૧૯ની જેમ તે સમયનો મરકી પણ ચીનથી ફેલાયો હતો તેનું મૂળ દક્ષિણ ચીન અને ત્યારબાદ કેન્ટો અને હોંગકોંગ બંદર હતું ચાંચડના કરડવાથી અને ઉંદરની લાળ અને ઇંડામાંથી પ્લેગ ચીનમાં ફેલાયો ત્યારબાદ દરિયા મારફત મુસાફરો, ઉંદરો અને ચાંચડોના આગમન સાથે તે સૌ પ્રથમ સપ્ટેમ્બર ૧૮૯૬માં મુંબઈ બંદરમાં 'ઇમ્પોર્ટ' થયો થોડા જ અઠવાડિયામાં તે પુના, અહમદનગર, સોલાપુર, નવસારી, સુરત, અમદાવાદ, રાજકોટ અને કચ્છ માંડવી, ઉપરાંત કરાંચી બંદરમાં ફેલાઇ ગયો તે બેક્ટેરીયલ હોવાથી 'બ્લ્બોવિક પ્લેગ' તરીકે ઓળખાય છે.

પ્લેેગની સાથે વત્તા ઓરી, અછબડા, કોલેરા, બળીયા, શીતળા અને મેલેરીયાએ દેખા દીધી. પ્રજાબંધુ ૧૮૯૮ના સપ્ટેમ્બરથી શરૂ કરીને ૧૯૦૬ સુધીના અંકો જોવાથી સાચો ખ્યાલ આવે છે કે એણે એના સમાચારો તથા એડિટોરિયલ્સ દ્વારા પ્રજાને કેવી ઉત્કટ રીતે જાગૃત કરી હતી.

એસ.વી. કોલેજના પ્રિન્સીપાલ ડો. જગદીશ ચૌધરીએ એમના પી.એચ.ડી. મહાનિબંધ 'બ્રિટનના સંસ્થાનવાદ અને ગુજરાતના દુકાળો'માં બતાવ્યું છે તે દુકાળો અને પ્લેગ સમાંતર ચાલ્યા હતા.

પ્લેગ પ્રત્યેની પ્રજાબંધુની પોલીસી એકદમ પ્રગતિશીલ અને વૈજ્ઞાાનિક હતી

પ્લેગ પ્રત્યેની પ્રજાબંધુની પોલીસી એકદમ પ્રગતિશીલ અને વૈજ્ઞાાનિક હતી. તેનું એક રસપ્રદ દ્રષ્ટાંત નીચે મુજબ છે. ક્વોરંટાઇન અને પ્લેગનાશક હતી ડ્રગ્સનો વિરોધ કરી રહેલા દામોદર ચાપેકર અને તેના ભાઈ બાલકૃષ્ણએ પ્લેગ કમિશ્નર વોલ્ટર રેન્ડનું પૂનામાં ખુન કર્યુંં તેમને ૩ એપ્રિલ ૧૮૯૮માં ફાંસીની સજા થઈ. આ પ્રસંગે પ્રજાબંધુએ તેના ૧૧ અને ૨૪ એપ્રિલ ૧૮૯૮ના અંકોમાં ધર્માંધ ચોપેકર ભાઈઓની ઝાટકણી કાઢી અને અંગ્રેજોની પ્લેગ પ્રત્યેની વૈજ્ઞાાનિક નીતિને બિરદાવી. આ રીતે પ્રજાબંધુએ ગુજરાતની પ્રજાને જાગૃત કરી હતી.

પ્રજાબંધુએ સ્વચ્છતા અને જંતુનાશક દ્રવ્યોની હિમાયત કરી. ૧૯૦૧માં અમદાવાદની વસ્તી ૧,૯૫,૪૯૪ હતી લોકોની ખીચોખીચ વસ્તી પોળો, શેરીઓ, ખડકીઓ અને ગલીઓમાં હતી.

હવા-પાણી પ્રદૂષિત હતા. આ સંબંધમાં પ્રજાબંધુનો તા. ૧૮-૧૦-૧૯૦૨નો અંક મહત્ત્વનો છે. તેનું શીર્ષક આંખે ઉડીને બાઝે તેવું છે : 'શહેરમાં મરકીનો ફરી પગપેસારો... અમદાવાદમાં મરકી અને બળીયાના ઉપદ્રવ'હવેે તે અંગેના સમાચાર જોઈએ.

''સાકડી શેરી, રાયપુર દરવાજા અને દરીયાપુરમાં મરકી અને બળીયાના કેસ વધ્યા છે. એક પોળમાંથી બીજી પોળમાં જવાતું હોવાથી મરકીના કીટાણુઓ લોકોની અવરજવર દ્વારા ફેલાયા છે. તેના તાત્કાલીક ઉપાયો વિચારવાની જરૂર છે. અમારી ખાસ ભલામણ છે કે પોળોમાં રહેતા લોકોએ એમની પોળો અને ઘરોમાં જંતુનાશક દવાઓ છાંટીને સુધરાઈ ખાતાની મદદ લઈને હવા-પાણી શુદ્ધ કરવા, મોરીઓ, જાજરૂ, ખાળકુવા , * ગટરો, સાફ રાખવા અને ફીનાઇલ, રસકપુર અને કાર્બોલીક એસીડથી ધોવા, પોળોમાં પાણી ઢોળવું નહીં અને કચરો થવા દેવો નહીં ઘરમાં માણસો અને મહેમાનોની ગરદી થવા દેવી નહીં.''

શહેરમાં મરકીનો વાવર જોરમાં ચાલતો હોવાથી હાફકીનની રસી મૂકવાની ખાસ જરૂર છે : પ્રજાબંધુ (19-03-1905)

- સિવિલ હોસ્પિટલના આસીસ્ટન્ટ સર્જન ડો. બહેરામજી હોરમસજી નાણાવટીએ ખાસ ભલામણ કરી છે કે દરેક નાગરિકે હોસ્પિટલમાં દરરોજ સવારે 8 થી 11 વાગે આવીને રસી મૂકાવી જવી

આજથી ૧૧૫ વર્ષ પહેલાની પ્રજાબંધુની આ સલાહ આજે પણ પાળવા જેવી છે. પ્રજાબંધુના તા. ૧૯-૦૩-૧૯૦૫ના અને તા. ૨૬-૩-૧૯૦૫ના લેખો ખાસ ધ્યાનાકર્ષક છે. ૧૯ માર્ચના સમાચારનું શીર્ષક 'રસી મુકાવવાની ગોઠવણ' છે. પ્રજાબંધુએ જનતાને જણાવ્યું : 'આ શહેરમાં મરકીનો વાવર જોરમાં ચાલતો હોવાથી ડો. હાફકીનની રસી મૂકવાની ખાસ જરૂર છે. સિવિલ હોસ્પિટલના આસીસ્ટન્ટ સર્જન ડો. બહેરામજી હોરમસજી નાણાવટીએ ખાસ ભલામણ કરી છે કે દરેક નાગરિકે હોસ્પિટલમાં દરરોજ સવારે ૮થી ૧૧ વાગે આવીને રસી મુકાવી જવી. અમારી ખાસ ભલામણ છે કે, ગરીબ, તવંગર, હિંદુ, મુસલમાન, પારસી, ઇસાઇ વગેરેએ હાફકીન રસી મુકાવીને પ્લેગ સામે રક્ષણ મેળવવું ૧૬ માર્ચ પુરો થતા સુધીમાં ગયે અઠવાડિયે અમદાવાદમાં મરકીના ૧૩૭ કેસ થયા હતા જેમાંથી ૭૫ માણસો મૃત્યુ પામ્યા હતા.'

પ્રજાબંધુએ લખ્યું 'હાફકીન રસી' શું છે ? 

ડો. વાલ્ડેમાર વોલ્ફ હાફકીન (૧૮૬૦- ૧૯૩૦) રશીય બેક્ટિરિયોલોજિસ્ટ હતા. રશિયાથી તે પેરિસ ગયો પ્રખ્યાત માઇક્રોબાયોલોજીસ્ટ લુઈ પાશ્ચરને મળ્યો, પોશ્ચર ઇન્સ્ટિટયૂટમાં સંશોધન કર્યું અને એન્ટી-કોલેરા અને એન્ટી-પ્લેગની રસી (વેકસીન) શોધી ૧૮૯૬માં મુંબઈ ઇલાકામાં પ્લેગ ફાટી નીકળવાથી આ માનવતાવાદી ડોક્ટર મુંબઈ આવ્યા પોતાની લેબ સ્થાપી અને મુંબઈની જે. જે. મેડીકલ સ્કૂલ તથા હોસ્પિટલ સાથે સંકળાયેલા અને લાખો લોકોના જીવ બચાવ્યા હિંદમાં જ્યારે મોટા ભાગના માણસો બળીયા દેવ અને શીતળા માતાની આરાધના કરતા હતા તે સમયે પ્રજાબંધુ ડો. હાફકીનની રસી લેવાની ભલામણ કરી હતી. આજે પણ મુંબઈમાં ડો. હાફકીન ઇન્સ્ટીયૂટ આજે પણ કાર્યરત છે. પ્રજાબંધુએ આજથી ૧૦૦ વર્ષ પહેલા ડો. હાફકીનને બિરદાવ્યા હતા. પ્રજાબંધુ અખબાર એ જમાનામાં બે ડગલા આગળ હતું.

Tags :