સાચો અને લાગણીશીલ મિત્ર કોઈ ભાગ્યશાળીને જ મળતો હોય છે!
- ખુલ્લા બારણે ટકોરા- ખલીલ ધનતેજવી
- રાજકારણમાં એવી સાચી અને વફાદાર મિત્રતા નથી હોતી. ત્યાં તો મિત્રતા અને દુશ્મનીની સતત અદલા બદલી થતી રહે છે. બે પાડોશીઓ વચ્ચે મિત્રતા હોય છે
- દેશની વર્તમાન આર્થિક સ્થિતિમાંથી બહાર નીકળવા બધું સરકાર પર જ છોડી દેવું યોગ્ય નથી. એ માટે પ્રજામાંથી શક્તિશાળી લોકોએ આગળ આવવું જોઇએ
કો ઈને કોઈની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન હોય એવો માણસ તમે કલ્પી શકો ખરો? કેટલાક સંબંધો તો એના જન્મ સાથે જ વળગી જતા હોય છે. એને સંબંધો સ્થાપવાની જરૂર નથી હોતી. સંબંધો તૈયાર જ ઊભો હોય. જન્મ પછી એ સંબંધોનું નામકરણ પણ કરવું પડતું નથી. દરેક સંબંધ સાથે એક નામ જોડાઈ જતું હોય છે. જન્મ લેનાર વ્યક્તિ જન્મ લેતાની સાથે જ કોઈનો પુત્ર, કોઈનો ભાઈ, કોઈનો ભત્રીજો અને કોઈનો ભાણેજ બની જતો હોય છે. પતિ અને પિતા થતાં એને વરસો પ્રતીક્ષા કરવી પડે છે. એ બધા સંબંધોનો માન મનરતબો પણ જાળવવો પડતો હોય છે. જો કે એ માટે સજાગ રહેવાની જરૂર નથી. આપમેળે જ જળવાઈ જતા હોય છે.
આ બધા સંબંધોમાં આપણે ત્યાં મૈત્રી સંબંધનો મહિમા વધારે છે અને મૈત્રી સંબંધમાંથી જે લાગણી જન્મે છે એને પ્રેમ અને વિશ્વાસ કહેવાય છે. લોહીનાં સંબંધના વિશ્વાસ કેળવવાની જરૂર પડતી નથી. એ સંબંધોમાં વિશ્વાસનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. ત્યાં નિશ્ચિત રહી શકાય છે. મૈત્રી સંબંધમાં પ્રેમ અને વિશ્વાસને ખંત, ખાંખત અને ભરપૂર નિખાલસતાની આવશ્યકતા રહે છે. તમે માબાપ અથવા કાકા મામાને ઉલ્લુ બનાવી જાવ તો માત્ર ઠપકો કે શિકાયતથી વિશેષ સંબંધમાં કશો ફેર પડતો નથી. મૈત્રી સંબંધમાં આવી લૂચ્ચાઈ કે ચાલાકી સીધી સંબંધ ઉપર જ અસર કરે છે!
રાજકારણમાં એવી સાચી અને વફાદાર મિત્રતા નથી હોતી. ત્યાં તો મિત્રતા અને દુશ્મનીની સતત અદલા બદલી થતી રહે છે. બે પાડોશીઓ વચ્ચે મિત્રતા હોય છે. વેપાર ધંધામાં મિત્રતા હોય છે. નોકરી ક્ષેત્રે સ્હેજ પાછું વળીને જોઈ લીધું હોત તો એમને નહેરૂ અને ચાઉ એન લાઈની દોસ્તી અને દોસ્તીનું પરિણામ જોવા મળ્યું હોત. એટલું જ નહિ ઝિનપિંગને ઓળખવાનો પ્રયત્ન પણ કર્યો હોત.
ભારતનું આખું બજાર ચીને કબજે કરી લીધું છે. ભારતના બજારમાં વેચાતી અને ખરીદાતી વસ્તુઓમાં નેવું ટકા વસ્તુઓ ચીનનું પ્રોડકટ હોય છે. બધા જ ક્ષેત્રની બધી જ જરૂરિયાત માટેની વસ્તુઓ ચીનેે ભારતમાં ઠાલવી દીધી છે. જે વસ્તુ ભારતમાં બનતી હોય એ વસ્તુઓની આયાત બીજા દેશોમાંથી ન કરવી જોઈએ. પણ ચીને તો ભારતમાં બનતી વસ્તુઓ સામે પણ પોતાની વસ્તુઓ ઠાલવી. જ્યારે ચીની વસ્તુઓના બહિષ્કારની ચળવળ શરૂ નહોતી થઈ અને ચીને ભારત પર આક્રમણ નહોતું કર્યું ત્યારે પણ પતંગોત્સવમાં ચાઈનીઝ બનાવટના પતંગના દોરા પણ પ્રતિબંધ મૂકવાની કોશિશ થઈ હતી. ચાઈનાથી ઐંસી ટકા આયાત સામે ભારત ચીનમાં માત્ર પંદર ટકા નિકાસ કરે છે.
આ પંદર ટકા નિકાસમાં પણ જે વસ્તુની ચીનમાં અછત વર્તાય છે એ આપણી પાસે ઢગલા બંધ હોવા છતાં આપણે નિકાસ કરી નથી. અને એ વસ્તુનું નામ છે શરાફત! ચીનમાં સ્હેજ પણ શરાફત નથી અને આપણી પાસે ઢગલા બંધ છે. નહેરૂથી મોદી સુધી શરાફતની નિકાસ કરવાનું ચૂકી જવાયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મૈત્રીનો પણ મોદીજી ગર્વ અનુભવે છે. પરંતુ ટ્રમ્પ પર સ્હેજ પણ ભરોસો કરી શકાય નહિ. એ માણસ તો સાવ હુડબંગ છે!
ભારત અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. દેશની સરહદો પરની સ્થિતિ ચિંતાજનક છે. તો દેશની આંતરિક સ્થિતિ પણ એટલી જ ચિંતાજનક છે. આર્થિક મંદી તો હતી જ એમાં લોકડાઉન અને અનલોકના અખતરા નિષ્ફળ જતાં ભારે હતાશા વેઠવી પડે છે. હાલના તબક્કે ચીન ભલે શાંત હોય પણ એ ફરી હુમલો નહિ કરે એની કોઈ ખાતરી નથી. તો કોરોના ક્યારે પીછો છોડશે એ પણ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી.
લોકો અધ્ધર શ્વાસે જીવે છે ને કારોબારમાં પણ યોગ્ય જમાવટ કરી શકાતી નથી. હાલના તબક્કે સરકાર સરહદનું ધ્યાન રાખે, આંતરિક સ્થિતિનું ધ્યાન રાખે કે પૈસો ક્યાંથી મેળવો, એ વિચારવામાં ધ્યાન પરોવે? ક્યાં ક્યાં પણ મિત્રતા હોય છે. મહેફિલી મિત્રતા હોય છે, આ બધી મિત્રતા ખરી પણ એ તમામના ચહેરા અલગ અલગ હોય. બધાની સાથેનું વાણીવર્તન પણ અલગ હોય છે.
આ બધામાં અંગત મૈત્રી સંબંધ સાવ નોખી અને નાજુક પ્રકૃતિનો હોય છે. એમા આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તતી હોય છે. એની નજાકતને સ્હેજ પણ ઠેસ ન પહોંચે એ અંગે બંને પક્ષે સજાગતા હોય છે. જો કે મૈત્રી સંબંધમાં સજાગતાની પણ જરૂર નથી. જ્યાં ભય અને શંકા હોય ત્યાં જ સજાગ રહેવાની જરૂર પડે છે. અંગત મૈત્રી તો કોઇ પ્રકારનો સ્વાર્થ ન પ્રવેશે ત્યાં સુધી અનાયાસે જ જળવાતી હોય છે. આ રીતે જોઇએ તો સાચો અને લાગણીશીલ મિત્ર કોઇ ભાગ્યશાળીને જ મળતો હોય છે.
બે દેશો વચ્ચે પણ મૈત્રી સંબંધ હોય છે. ભારત અને પાકિસ્તાન એક જ વંશની ઓલાદ છે અને ખૂબ નિકટના પાડોશી પણ છે. છતાં એ બે દેશો વચ્ચે પહેલેથી જ સામસામે આંખો લડતી આવી છે ને આજે પણ બંને એક બીજા સામે આંખો કાઢે છે. ભારત અને પાકિસ્તાન એ બંને દેશોએ એકબીજાના મિત્ર હોવાનો દાવો કર્યો નથી! ભારતને ઘણા બધા દેશો સાથે મૈત્રીસંબંધ છે. પરંતુ ચીન સાથેની મિત્રતાને હંમેશા અતિશ્યોકિતની દ્રષ્ટિએ જોવામાં આવી છે. ચીન સાથે દોસ્તી એ નહેરૂથી લઇને મોદી સુધી ગર્વની બાબત ગણાઇ છે.
નહેરૂને ચીનના પ્રેસીડેન્ટ ચાઉ એન લાઇ સાથે ગાઢ મિત્રતા હતી ને નહેરૂને એ બાબતનો ગર્વ પણ હતો. એ પછી મોદીએ ચીનના વડા ઝિનપીંગ સાથે ગાઢ મૈત્રીનો દાવો કરીને ગર્વ અનુભવ્યો. એ બંનેને ચીન પ્રત્યે જેટલો ભારે ગર્વ હતો એટલો જ ભારે આઘાત વેઠવો પડયો. નહેરૂને જેના પ્રત્યે જબરદસ્ત પ્રેમ અને વિશ્વાસ હતો એ ચાઉ એન લાઇએ ૧૯૬૨માં ભારત પર કશા કારણ વગર ઓચિંતુ આક્રમણ કરીને નહેરૂને સ્તબ્ધ કરી દીધા. નહેરૂ સાથે જે ચાઉ એન લાઇએ દગો કર્યો એવો જ મોદી સાથે ઝિનપિંગે કર્યું.
કશાય કારણ વગર ગલવાન ખાતે ભારતીય સેનાના વીસ જવાનોને મારી નાખીને ઝિનપિંગે મોદી સાથે દગો કર્યો! ચાઉ એન લાઇને મળવા નહેરૂએ જે ઉમળકો દાખવ્યો હતો એનાથી બમણા ઉમળકા સાથે મોદી ઝિનપિંગને મળવા દોડી જતા હતા. મોદીના એ ઉમળકાને ઝિનપિંગે કચડીને લોહીલૂહાણ કરી નાખ્યો. મોદીને નહેરૂ જેટલો જ આઘાત પહોંચ્યો છે. એ અંગે મોદી ભલે કશું બોલતા ન હોય પરંતુ એમની બોડી લેંગવેજ દ્વારા એ આઘાત પ્રગટ થયા વગર રહેતો નથી! દોસ્તીમાં કોઇ દોસ્ત આપણને છેતરે તો એ દોસ્ત મૂર્ખ ગણાય. પણ એ જ દોસ્ત બીજી વાર આપણને છેતરી જાય તો આપણે મૂર્ખ ગણાઈએ.
દેશની વર્તમાન આર્થિક સ્થિતિમાંથી બહાર નીકળવા બધું સરકાર પર જ છોડી દેવું યોગ્ય નથી. એ માટે પ્રજામાંથી શક્તિશાળી લોકોએ આગળ આવવું જોઇએ. ઔદ્યોગિક સ્થાપના માટે સરકારે પરવાનગી આપી છે. ઉદ્યોગના વિકાસ માટે સરકારી બેન્કોમાંથી માતબર ધીરાણ મેળવી લેવાની જોગવાઇ પણ સરકારે જ કરી આપી છે.
સરકારે હંમેશા ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓનું હિત જોયુ છે. આજે સરકાર ખુદ આર્થિક મૂઝવણ અનુભવી રહી છે ત્યારે સરકારની પડખે ઊભા રહેવું એ ઉદ્યોગપતિઓની અને મોટા ગજાના વેપારીઓની ફરજ બને છે! એ ફરજ સરકાર માટે નહિ દેશ માટે તમે અદા કરો છો!
સામાજિક ક્ષેત્રે પણ કેટલીક બાબતે ધ્યાન દેવાની જરૂર છે. જે સ્થિતિ સરકારની અને દેશની છે એ જ સ્થિતિ સમાજમાં પણ પ્રવર્તી રહી છે. સમાજમાં પણ પ્રજાકીય ક્ષેત્રે રાજકારણ અને ધર્મ અંગેના મતભેદોને દૂર હડશેલી દઇને એકબીજાની પડખે ઊભા રહેવાની જરૂર છે. ગજા વગરના અને અણઘઢ લોકોમાં વ્યાપેલો ધર્મ અને રાજકારણનો ચસ્કો છોડાવવા જોઇએ. દરેક માણસ પોતાને ત્રીસમારખાં સમજે છે.
આવી અતિશ્યોકિત ભરી નાસમજ લાગણીમાંથી એમને બહાર કાઢવી પડશે ! સામાજિક શાંતિ માટે એ ખૂબ જ જરૂરી છે. જૂના પુરાના વર્ષોથી ચાલ્યા આવતા રેઢિયાળ વિચારો અને માન્યતાઓને નાબૂદ કરી એક નવી સામાજિક ક્રાંતિની જરૂર છે. સામાજિક ક્રાંતિમાં જબરદસ્ત શક્તિ હોય છે. એ સમગ્ર દેશની સ્થિતિને ઉથલાવી પલટાવી શકે છે.
સમાજની સ્થિરતા પણ સંબંધો પણ નિર્ભર છે. સંબંધો કાચના વાસણ જેવા થઈ ગયા છે. તડાતડ તૂટે છે. સંબંધોનો આધાર વિશ્વાસ છે. સંબંધોમાં હવે વિશ્વાસ જ રહ્યો નથી. સંબંધો પર વિશ્વાસ રાખી દેશ પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. સોસાયટીના સંબંધો અને સરહદના સંબંધોમાં અપ્રમાણિકતા વધી છે. વફાદારી સંબંધની મોંઘેરી જણસ છે. એ જણસને જ કાટ લાગી ગયો છે. કોની સાથે સંબંધ રાખવો. સંબંધોનાય અનેક પ્રકાર છે. અને દરેક પ્રકારના સંબંધો વફાદારી ગુમાવી ચૂક્યા છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતના પ્રસંગો રોજ સર્જાય છે.
ચીને પણ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એના આક્રમણ કરતાં એનો વિશ્વાસઘાત આપણા માટે વધુ આઘાતજનક પુરવાર થયો છે. સંબંધો વગર ચાલતું નથી. સરહદોને પણ સંબંધની જરૂર છે. સમાજ ને પણ સંબંધની જરૂર છે. આપણને સૌને સંબંધની જરૂર છે તે છતાં આપણાથી સંબંધો કેમ જળવાતા નથી. એ માટે આપણે જ જવાબદાર નથીને એ જોવાની હિંમત અને સદ્ભાવના કેળવવી જોઈએ. તકલાદી વિશ્વાસ પર ટકી રહેલા સંબંધનું આયુષ્ય લાંબુ નથી હોતું. થોડા જ સમયમાં તૂટી જાય છે ને ટૂટે છે તો ખૂબ આઘાતજનક રીતે તૂટે છે. તકલાદી વિશ્વાસોએ આપણા આત્મવિશ્વાસને ય ડગાવી દીધો છે !
મુઝે અપનોને મારા હૈ,
કહાં ગૈરોં મેં તો દમ થા
મેરી કશ્તી વહાં ડૂબી
જહાં પાની બહોત કમ થા!