'બૅઈદૂ નેવીગેશન સિસ્ટમ' : તાઇવાન ક્રાઈસીસમાંથી થયેલો નવો જન્મ!!
- ફયુચર સાયન્સ- કે.આર.ચૌધરી
જૂ ન મહિનાના મધ્ય ભાગથી ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર સ્થિતિ તનાવભરી બની ગઈ છે. ગલવાનમાં ધારદાર હથિયાર વડે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા, તેના કરતાં વધારે ચીની સૈનિકોને નુકસાન થયું હતું. પરિસ્થિતિની નાજુકતા જોઈને, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ લદાખની મુલાકાત લીધી.
ભારતીય લશ્કરના જવાનોને મળીને સીમા પરની વાસ્તવિક પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. અમેરિકા પણ ચીનને સબક શીખવાડવા તૈયારી કરવા લાગ્યું છે. અમેરિકા દ્વારા તેની દીશા-નિર્ધારણ / માર્ગદર્શન કરવાની સેટેલાઈટ પદ્ધતિ, જેને સામાન્ય માનવી જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે ઓળખે છે. તેવી એક ખાસ સિસ્ટમ માટે ચીન દ્વારા વિક્સાવવામાં આવી છે.
જૂન મહિનાના અંત ભાગમાં, સિસ્ટમનો છેલ્લો અને ૫૫મો ઉપગ્રહ અંતરિક્ષમાં ગોઠવવામાં આવ્યો છે. અમેરિકા પાસે લશ્કરી અને નાગરિક સુવિધા માટે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) નામની સિસ્ટમ છે, તેવી આગવી અને આધુનિક સિસ્ટમ ચીને પોતાના માટે વિકસાવી લીધી છે. ભૂતકાળમાં બનેલી ઘટના, ચીનને પોતાને નવી આધુનિક પ્રણાલી વિકસાવવા માટે મજબૂત બનાવ્યું હતું. આખરે દીશા-નિર્ધારણ / માર્ગદર્શન કરનાર, સેટેલાઇટ દ્વારા ચાલતી પ્રણાલી ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય શું છે? ભારત અને ચીન વચ્ચે તનાવભરી પરિસ્થિતિમાં તેની ભૂમિકા કેવી રહેશે? આવા કેટલાક સવાલો ઉપર ઉડતી નજર નાખીએ.
તાઇવાન ક્રાઈસીસ : 'બૅઈદૂ નેવીગેશન' સિસ્ટમનો જન્મ
ચીનનો દક્ષિણ પૂર્વ વિસ્તારમાં તાઇવાન નામનો ટાપુ આવેલો છે. જેની ચારે બાજુ સાગર આવેલો છે. ભારતના દક્ષિણ ભાગમાં જેમ શ્રીલંકા આવેલું છે. તેવી જ ભૌગોલિક સ્થિતિમાં તાઇવાન ટાપુ આવેલો છે. આ ટાપુઓ ઉપર ભૂતકાળમાં અનેક દેશોએ પોતાનું આધિપત્ય જમાવી, તાઇવાનને ગુલામીની સ્થિતિમાં રાખ્યું હતું. ૧૬ની સદીમાં આ ટાપુ પાસેથી પસાર થતા વહાણવટુ ખેર લોકો તેને ફોરમોસા તરીકે ઓળખતા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તાઇવાન ઉપર જાપાને કબજો જમાવી દીધો. જેવી જાપાની હાર થવું હે તરત જ રિપબ્લિક ઓફ ચાઇના તરીકે ઓળખાતા દેશ દ્વારા તાઇવાન ઉપર ફરીવાર કબજો જમાવી દેવામાં આવ્યો. આજે ચીનનો ટાપુ ગણાય છે. તાઇવાનની સ્વતંત્રતા મેળવવા માટે અહીંની સરકાર અને લોકો વારંવાર પ્રયત્ન કરે છે, કારણ કે ભૌગોલિક રીતે તાઇવાન ચીન સાથે જોડાયેલું નથી.
તેનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ અલગ છે. લોકોની વિચારસરણી અલગ છે. પરંતુ ચીન તાઇવાન ઉપર લોખંડી પંજો ભરાવીને બેઠું છે. તાઇવાન સ્વતંત્રતા માટે કોઈ પ્રયત્ન ન કરે, એટલા માટે ૧૯૯૬માં તેને ડરાવવા માટે ચીન દ્વારા ૩ મિસાઈલ તાઇવાન ઉપર છોડવામાં આવ્યા હતા. પ્રથમ મિસાઈલ તાઈવાનના કીલૂંગ લશ્કરી મથકથી ૧૮.૫૦ કિલોમીટર દૂર ખાબક્યુ હતું.
બાકીના બે મિસાઈલ કઈ દિશામાં ગયા?, તેની માહિતી ચીનના લશ્કરને મળી નહીં. આ સમયે ચીન, લશ્કરી નિશાનને તોડી પાડવા માટે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS વાપરવું પડતું હતું. અમેરિકા પણ ઇચ્છતું હતું કે તાઇવાન ચીનના સકંજામાંથી દૂર થાય તો, તેનો પોતાની લશ્કરી રણનીતિ માટે અમેરિકા ઉપયોગ કરી શકે. ચીન માને છે કે જ્યારે તેણે મિસાઈલ તાઇવાન તરફ છોડી ત્યારે અમેરિકાએ તાઇવાન વિસ્તાર ઉપર આવતા જીપીએસના સિગ્નલને બંધ કરી દીધા હતા. જેના કારણે ચીનાના મિસાઈલ તેના નક્કી કરેલા નિશાન ઉપર ત્રાટકી શક્યા નહતા.
ચીનનું લશ્કર, પિપલ્સ લિબરેશન આર્મી (PLA) તરીકે ઓળખાય છે. PLA ને લાગ્યું કે યુદ્ધના સમયે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ઉપર આધાર રાખી શકાય તેમ નથી. તાઇવાન ક્રાઈસીસની ઘટના બાદ પોતાની ખાસ પ્રણાલી વિકસાવવાની જરૂર છે. આ ઘટનાએ ચીનને પોતાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વિકસાવવા મજબુર બનાવ્યું. જેના કારણે ચીનની 'બૅઈદૂ નેવીગેશન' સીસ્ટમનો જન્મ થયો હતો. ૨૫ વર્ષના ગાળામાં ચીને પોતાની સ્વતંત્ર માર્ગદર્શન અને દીશા-નિર્ધારણ / માર્ગદર્શન માટેની અચૂક પ્રણાલી, જે અંતરિક્ષમાં ગોઠવેલ ઉપગ્રહ ઉપર આધારિત છે.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ
બૅઈદૂ નેવીગેશન સિસ્ટમ, ચીન માટે આથક અને લશ્કરી હેતુ માટે ખૂબ જ મહત્વની સાબિત થાય તેમ છે. ચીન પૂર્વ એશિયાના દેશોમાં અમેરિકાની જીપીએસ સિસ્ટમની મોનોપોલી કરવા માંગે છે. અમેરિકા કરતા સસ્તા દરે, વ્યાપારી ધોરણે પોતાની સિસ્ટમના સિગ્નલ વેચવા માગેછે. જેનો ઉપયોગ ચીન ઇન્ટરનેટ, મોબાઈલ સેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી, 5G સિસ્ટમ, ડ્રાઇવર વગરની કાર અને ડ્રોન વિમાનોને ઉડાડવા માટે, 'બૅઈદૂ નેવીગેશન સિસ્ટમ' વેચવા અને વાપરવા માંગે છે.
ચીનના દાવા પ્રમાણે. બૅઈદૂ નેવીગેશન સિસ્ટમ, GPS કરતા સો ગણી વધારે સચોટ છે. જેનો ઉપયોગ કરી એશિયા આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં તે વધારે સારી ઇન્ટરનેટ અને ટેકનોલોજી આધારિત સેવા વેચવા માગે છે. જેમાં તેનો પોતાનો લશ્કરી સ્વાર્થ પણ રહેલો છે. હવે ચીન અને તેના લશ્કરી અધિકારી ક્યારેય પસ્તાવાનો સમય આવશે નહી. તેને હવે ડર નહી રહે કે મિસાઈલ કે બોમ્બને ટાર્ગેટ ઉપર મોકલવાના હોય ત્યારે, અમેરિકા તેની જીપીએસ સિસ્ટમના સિગ્નલ બંધ કરી દેશે.
મોબાઈલ ટેકનોલોજી માટે પોતાની પ્રણાલી વાપરવાથી, તેને મોબાઈલ ટાવરના લોકેશન ઉપરથી લશ્કરી ટાર્ગેટને નક્કી કરવાનું વધારે આસાન બની જશે. પેસિફિક મહાસાગરમાં રહેલા અમેરિકન એરક્રાફ્ટ કેરિયરને શોધીને તેનો વિનાશ કરવાનું પણ સરળ બની રહેશે. ચીને બૅઈદૂ નેવીગેશન સિસ્ટમનો છેલ્લો ઉપગ્રહ અંતરીક્ષમાં ગોઠવીને, વિશ્વની મહાસત્તા ગણાતી અમેરિકાના પેટમાં પણ તેલ રેડયું છે. કોરોના વાયરસના કારણે અમેરિકા અને ચીનના સંબંધો પહેલેથી જ ખરાબ થઇ ચુક્યા છે. તેથી અમેરિકાને ડરાવવા માટે આ એક આડકતરો સંકેત પણ છે.
સામાન્ય રીતે ચીન, ઉપગ્રહને અંતરિક્ષમાં યોગ્ય જગ્યાએ ગોઠવ્યા બાદ જ ઉપગ્રહ છોડવાની જાહેરાત કરતું હોય છે. પરંતુ અમેરિકા અને ભારત સાથેના સંબંધોમાં તનાવ પેદા થવાથી તેણે ઉપગ્રહ અંતરિક્ષમાં છોડવાની સાથે જ તેની જાહેરાત કરી દીધી હતી.
અમેરિકન લશ્કરી નિષ્ણાતોને ચીન ઉપર આક્રમણ કરવાની રણનીતિ ઘડતા હોય તો, 'ચીન પાસે બૅઈદૂ નેવીગેશન નવી તાકાતછે' તેનો સંદેશો પહોંચાડવા માંગતી હતી. ઓક્ટોબર ૨૦૦૦માં ચીન દ્વારા બૅઈદૂ નેવીગેશન સિસ્ટમનો પ્રથમ ઉપગ્રહ અંતરીક્ષમાં તરતો મુકવામાં આવ્યો હતો. હવે તેની નવી પ્રણાલી, થર્ડ જનરેશનમાં પ્રવેશે છે. ચીન, તેને BDS-3 તરીકે ઓળખે છે. જેની શરૂઆત ૨૦૧૮ કરવામાં આવી હતી.
'ડોપ્લર ઈફેક્ટ' અને 'નેવલસ્ટાર' : ભૂતકાળ દર્શન
સાઈઠના દાયકામાં સોવિયેત યુનિયન દ્વારા 'સ્પુટનિક' ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો, અને પૃથ્વી પર અંતરીક્ષયુગની શરૂઆત થઈ. પહેલા જે ઉપકરણો માત્ર સાયન્સ ફિક્શન નવલકથાઓમાં વર્ણવવામાં આવ્યા હતા, તે ઉપકરણો હવે વાસ્તવિક બનવા લાગ્યા હતા.
'સ્પુટનિક' ઉપગ્રહ અંતરિક્ષમાં ફરતો હતો ત્યારે, તેના દ્વારા છોડવામાં આવતા રેડીયો સંકેતો ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર ઝીલવામાં આવતા હતા. 'સ્પુટનિક' ઉપગ્રહ ગ્રાઉન્ડ-સ્ટેશનથી જેમ જેમ દૂર જતો હતો તેમ તેમ તેના સંકેતો વીક/ નબળા થતા હતા. નબળા પડતા જતા સંકેતો, જેને વિજ્ઞાાનની ભાષામાં 'ડોપ્લર ઈફેક્ટ' કહે છે.
'ડોપ્લર ઈફેક્ટ'નો ઉપયોગ કરીને ઉપગ્રહનુ સ્થાન નક્કી કરવામાં આવતુ હતું, હવે ઉપગ્રહની મદદથી પૃથ્વી ઉપરના કોઈપણને ચોક્કસાઈથી નક્કી કરી શકાય છે. અંતરીક્ષ યુગની શરૂઆત થયા બાદ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે કોલ્ડ વોર / શીત યુધ્ધની શરૂઆત થઈ. સોવિયત યુનિયન લોખંડી પડદા પાછળ ટેકનોલોજી ક્ષેત્રે શું કરી રહ્યું હતું? એની જાણ અમેરિકાને થતી નહતી. સંભવિત યુદ્ધની તૈયારી માટે અમેરિકા પોતાની રીતે સોવિયત યુનિયનને મહાત આપવા માટે ટેકનોલોજી વિકસાવી રહ્યું હતું અમેરિકાએ પરમાણુ શસ્ત્રો લઈ જાય તેવી ન્યુક્લીયર સબમરીન વિકસાવી હતી. મહાસાગરમાં આ સબમરીન કયા સ્થાને છે? તે જાણવા માટે, અમેરિકાના અંતરિક્ષમાં છોડેલ ઉપગ્રહની મદદ લેવામાં આવતી હતી.
જેમાં ઉપગ્રહની ના માં થતો ફેરફાર 'ડોપ્લર ઈફેક્ટ' દ્વારા નક્કી કરવામાં આવતો હતો. તેના ઉપરથી સબમરીનનું સ્થાન પણ નક્કી કરવામાં આવતું હતું. અમેરિકાને લાગ્યું કે ચોક્કસ નિશાન ઉપર મિસાઈલ કે બોમ્બ મૂકવા માટે ખાસ પ્રકારની દિશા નક્કી કરે તેવી પ્રણાલીની જરૂર છે. જેના કારણે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા દિશા નક્કી કરવા માટે ૨૪ ઉપગ્રહવાળી ખાસ સિસ્ટમ ઊભી કરવામાં આવી. જે 'નેવલસ્ટાર' તરીકે જાણીતી હતી.
હાલમાં અમેરિકા પાસે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ છે જેનો ઉપયોગ સામાન્ય માણસથી માડી અમેરિકન લશ્કરી દળો પણ કરે છે. જોકે અમેરિકા જીપીએસ દ્વારા જો સ્થાન નક્કી કરી આપે છે, તે ઉપયોગ કરનારના હેતુ પ્રમાણે અલગ-અલગ ચોકસાઈવાળો હોય છે. અમેરિકા પોતાના લશ્કરી હેતુ માટે અત્યંત ચોકસાઈવાળા જીપીએસ ઉપકરર્ણો વાપરે છે અને તેના સિગ્નલની ચોકસાઈ પણ સચોટ હોય છે. સામાન્ય મોબાઈલ ટેકનોલોજી વાપરનાર લોકોને આટલી ચોકસાઈવાળા દિશા સંકેત આપવામાં આવતા નથી.
વિશ્વનાં અન્ય દેશોની ઉપગ્રહ સંચાલીત નેવિગેશન પ્રણાલી
યુદ્ધ સમયે અમેરિકા ગમે ત્યારે પોતાની જીપીએસ સિસ્ટમના સંકેતો આપવાના બંધ કરી શકે છે. અથવા આપવામાં આવતા સંકેતોની ચોકસાઈ ઘટાડી દેવામાં આવી શકે છે. દુનિયાના બધા જ દેશો આ વાત સારી રીતે જાણે છે. આ કારણે જ દરેક દેશ બીજા ઉપર આધારિત ના રહેવું પડે તે માટે પોતાની સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ વિકસાવવા માગે છે. પરંતુ દરેક દેશને તેમાં સફળતા મળતી નથી કારણ કે તેમની પાસે તેટલી આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયેલ નથી. ભારત દ્વારા પોતાની સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ વિકસાવવામાં આપવામાં આવી છે. ભારતની નેવિગેશન સિસ્ટમ, ઇન્ડિયન રિજિનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) તરીકે ઓળખાય છે.
જે ઈસરો દ્વારા સંચાલન કરવામાં આવે છે. ભારત અને તેની આસપાસ ૧૫૦૦ કિલોમીટરની રેન્જમાં આવેલ ભૌગોલિક સ્થાન ચોકસાઈથી નક્કી કરી શકે છે. જો કે આ સિસ્ટમના પ્રથમ ઉપગ્રહની એટમીક ક્લોકમાં ખામી સર્જાઇ હોવાના અહેવાલ ઈસરોએ આપ્યા હતા. ૨૦૧૭માં તેના સ્થાન માટે બીજો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ઉપગ્રહ પણ નિષ્ફળ ગયો હતો. હાલમાં ભારત પાસે જીયો-સ્ટેશનરી ઓરબીટમાં ૭ ઉપગ્રહ કાર્યરત છે. જેની સેવા હાલ ભારત મેળવી રહ્યું છે.
સામાન્ય માનવીને, અમેરિકાની જીપીએસ સિસ્ટમને લગતી થોડી ઘણી માહિતી છે. પરંતુ વિશ્વની અન્ય પ્રણાલી, વીશે તે અજાણ છે. જાપાન પાસે QZSSની સ્થાનિક સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ઉપલબ્ધ છે. રશિયાની ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ GLONASS તરીકે ઓળખાય છે. જે ૧૯૯૩થી કાર્યરત છે. શરૂઆતમાં પૃથ્વીથી ૧૯૧૩૦ કી.મી. ઊંચાઈ ઉપર બે અલગ અલગ ઉપગ્રહ પ્રદક્ષિણા માર્ગમાં બાર ઉપગ્રહ પ્રદક્ષિણા કરી રહ્યા હતા.
હાલમાં આ સિસ્ટમમાં ૨૭ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં કાર્યરત છે. યુરોપિયન યુનિયન પાસે સંપૂર્ણ વિકસીત ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ ઉપલબ્ધ નથી. પરંતુ યુરોપિયન યુનિયન દ્વારા ૩૦ ઉપગ્રહ અને છ વધારાના ઉપગ્રહ વડે ચાલતી નેવિગેશન સિસ્ટમ કાર્યરત કરવાનું આયોજન છે. હાલમાં ૩૦માંથી ૨૨ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં ફરી રહ્યા છે. જેની મદદથી આંશિક સેવાઓ યુરોપિયન યુનિયનને મળી રહી છે. ૨૦૨૦ના અંત ભાગમાં સેટેલાઈટ નેવિગેશનની સંપૂર્ણ સિસ્ટમ ચાલુ થઇ જશે.