સગાઈ ત્રણ પ્રકારની હોય છે : કહેવાની, સહેવાની અને પ્રાણના ભોગે નિભાવવાની
- કેમ છે, દોસ્ત- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે આપે મને પુત્ર તરીકે અપનાવ્યો હતો. આ ગુરુપૂર્ણિમાને દિવસે હું મારા નવા સ્વરૂપે આપને પિતા તરીકે અપનાવીશ.
'કથન, સોફા લૂછ્યા?'
'કપડાંને ઇસ્ત્રી કરી?'
'મેં શાક સમારવાનું કહ્યું હતું તે હજી કેમ સમાર્યું નથી?'
'અને કરિયાણાની દુકાને જવા માટે મેં તને વસ્તુઓની યાદી આપી હતી, તે તો હજી ટેબલ પર જ પડી છે.'
'આવી હરામખોરી કરીશ તો એક ટંકનું ખાવાનું જ બંધ કરી દઈશ.'
એક મિનિટમાં કાકીના ચાર ટોણા અને એક વૉર્નિંગ! કથન મૂંગે મોંઢે મોટી કાકી કર્તવ્યાની વઢ સાંભળી રહ્યો.
વર્ષો પહેલાંની વાત. ત્યારે કથનનાં માતા-પિતા હયાત હતાં. ક્ષેમુકાકાએ એક દિવસ આવીને કથનના પિતા કરુણેશ્વરને કહ્યું : 'ભાઈ, નિઃસંતાન હોવાની વેદના કાળજાને કોરી ખાય છે. ભગવાનને ઘેરેય અંધેર છે. મારી કામવાળી ગંગાને સાત બાળકો છે અને મારી પત્ની કર્તવ્યા ખોળાના ખૂંદનારનું મોં જોવા તડપે છે. એ તો મને ફરીથી લગ્ન કરી લેવા કહે છે. પણ શારીરિક ખામી હોય એમાં એ બાપડીનો શો વાંક ? મારી જિંદગીના અંધકારમાં કોઈ આશાકિરણ હોય તો તું જ છે. મોટાભાઈ તરીકે મને મદદરૂપ થવાની ફરજ છે.'
'તમારી વાત હું સમજ્યો નહીં ? દાદાજીએ આપણી મિલકત વહેંચી આપી, પણ દિલ વહેંચી આપ્યાં નથી. મોટાભાઈ, સગાઈ ત્રણ પ્રકારની હોય છે : કહેવાની, સહેવાની અને પ્રાણના ભોગે નિભાવવાની. મહેક વગરના સંબંધો જે ને લમણે લખાય તે અભિશપ્ત કહેવાય. આપ મોટાભાઈ છો, એટલે હું આપને પિતૃતુલ્ય ગણું છું. મને, વિનંતી કરવાની ન હોય, આદેશ આપો.' કરુણેશ્વરે કહ્યું.
'મારા પ્રત્યેના આદર અને પ્રેમ બદલ આભાર. બાકી આજના સ્વાર્થી જગતમાં સંબંધની શાન સાચવવાની કોને પડી છે ! હું તારી આગળ એક માગણી મૂકું છું : 'ના તો નહીં પાડું ને ?' ક્ષેમુભાઈ એ કહ્યું.
'મોટાભાઈ, જ્યાં શ્રધ્ધા કામ કરતી હોય ત્યાં શંકાને સ્થાન ન અપાય. તમે રામ છો અને હું લક્ષ્મણ. માગવામાં સંકોચ રાખો તો તમને મારા સોગંદ. આપ કહો તો ભર્યો, ભાદર્યો સંસાર છોડીને વનમાં ચાલ્યો જાઉં.' - બોલતાં બોલતાં કરુણેશ્વરની આંખો ભીની થઇ ગઈ.
ક્ષેમુભાઈએ તેને ભેટીને કહ્યું : 'આજનું લાગણીશૂન્ય જગત રણ સમાન છે પરંતુ તારા જેવા ઝિંદાદિલ માણસો રણદ્વીપ બની આ દુનિયાને લીલીછમ રાખી રહ્યા છે. હવે મૂળ વાત. તારે બે દીકરા છે. મોટો વેદાન્ત અને નાનો કથન. વેદાન્ત ત્રણ વર્ષ પછી ગ્રેજ્યુએટ થશે, નોકરી કરશે, કમાશે અને તારે માટે અડધી રાતનો હોંકારો બનશે. કથન હજી પંદર વર્ષનો જ છે. જો તું કથનને મને દત્તક પુત્ર તરીકે આપે, તો અમારું નસીબ ઉઘડી જાય !'
'અરે મોટાભાઈ, આટલી નાનકડી વાતમાં આટલા બધા ગંભીર બની જવાની જરૂર જ શી છે. કથન મારી સાથે રહે કે તમારી સાથે એમાં ફેર શો પડવાનો હતો ? આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોત તો કથન પર જેટલો મારો અધિકાર હોત તેટલો જ આપનો હોત. કોઈ લખાપટ્ટી કે કાનૂની કાર્યવાહીની જરૂર નથી. તમે કહો ત્યારે પુત્ર કથન તમને સોંપી દઈશ'- કરુણેશ્વરે સહજતાથી કહ્યું.
ક્ષેમુભાઈના હૃદયનો ભાર હળવો થઇ ગયો. એણે ખુશીના સમાચાર પત્ની કર્તવ્યાને આપ્યા. કર્તવ્યાએ કૃત્રિમ રીતે આનંદ વ્યક્ત કર્યો, પણ એક ટકોર પણ કરી : 'હજી મારી ઉમ્મર ૩૯ વર્ષની છે અને તમારી ઉમ્મર ૫૦ વર્ષની. ડૉક્ટરની સલાઈ લઇએ, કદાચ ભગવાન દયા કરે તો...'
'તો એકના બદલે બે સંતાનોની તું માતા કહેવાઈશ. કથનને અપનાવી લેવામાં વાંધો શો છે ? એમ પણ બને કે કથનનાં પગલાં આપણા ઘર માટે શુકનિયાળ નીવડે. એટલે ઝાઝો વિચાર કરવાને બદલે 'શુભસ્ય શીઘ્રમ્' ગુરૂપૂર્ણિમાને હજી થોડા દિવસ બાકી છે. એ દિવસે સત્યનારાયણનું વ્રત ઉજવીને કથનને આપણે ઘેર લઇ આવીશું. કશી જાહેરાત કરવાની જરૂર નથી. લોકોને તો એમ જ લાગશે કે કથન મોટાબાપાને ઘેર રહેવા આવ્યો છે. કથનની ઇચ્છા થાય ત્યારે આપણે તેના પિતા કરુણેશ્વર સાથે રહેવા મોકલીશું : 'માનો કે આપણે ઘેર ઇશ્વરકૃપાથી પારણું બંધાય, તો કરુણેશ્વરની થાપણ તેને પાછી આપીશું. મારો ભાઈ મને રામ માને છે અને પોતાને લક્ષ્મણ. મારો પડતો બોલ ઉપાડે છે ! આનાથી વધુ શું જોઇએ.'' - ક્ષેમુભાઈએ કહ્યું.
'હાશ, તમે આટલી ચોખવટ કરી એટલે મારા મનને શાન્તિ થઇ ગઇ. - કર્તવ્યાએ કહ્યું.
સુપ્રપાએ કથનને નવડાવ્યો. કપાળમાં તિલક કર્યું, નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ક્ષેમુભાઈએ સોનાની ચેઇન કથનના ગળામાં પહેરાવી તેનું મોં મીઠું કરાવ્યું. ત્યાં સુધી કથનને કશી વાતનો ફોડ પાડવામાં આવ્યો નહોતો. તેને આશ્ચર્ય થઇ રહ્યું હતું કે પોતાને આટલું બધું માન-સન્માન શા માટે અપાઈ રહ્યું છે. એના ચહેરા પરની મુંઝવણ જોઈ એના પપ્પા કરુણેશ્વરે કહ્યું : 'બેટા કથન, આમેય તું વેકેશનમાં મોટાબાપાના ઘેર રહેવા આવતો જ હતો ને ! મોટાબાપાની ઇચ્છા છે કે તું એમની સેવા કરે, એમની સાથે રહે અને આપણે ઘેર પણ આવતો જતો રહે. તને એકને બદલે બે પપ્પા અને બે મમ્મીનો લાભ મળશે. કથન, સાચે જ તું નશીબવંતો છે.'
કથનને પણ મોટા બાપા ક્ષેમુભાઈ વહાલાં હતાં. અને પોતાને ઘેર ઇચ્છે ત્યારે જવાની છૂટ હતી. એટલે એણે પપ્પાની વાત સ્વીકારી લીધી.
ક્ષેમુભાઈ ખુશખુશાલ હતા. કર્તવ્યા પણ કથનને ખૂબ જ વહાલ કરતી. રવિવારે તેને પિકનિક પર લઇ જવાનું આયોજન થતું. ક્ષેમુ અંકલ પણ કથન માટે જાતજાતની ભેટ-સોગાદો લાવતા. એના મિત્રોને બોલાવી પોતાને બંગલે પાર્ટી ગોઠવતા. કરુણેશ્વર ફોન કરીને કથનને પોતાને ઘેર બોલાવતા, ત્યારે કથન સ્પષ્ટ શબ્દોમાં કહેતો : 'હું મોટાબાપા અને મોટી બાને એકલાં મૂકી આવવા ઇચ્છતો નથી એટલે મારી સાથે રહેવું હોય તો તમે અને મમ્મી અહીં આવો.' કથનના શબ્દોથી કરુણેશ્વરને પારાવાર આનંદ થતો. દૂધમાં સાકર ભળે તેમ મોટાભાઈના પરિવાર સાથે કથન. એકાકાર થઇ ગયો છે, એટલે તેની બાબતમાં તેઓ નચિંત થઇ ગયા હતા.
એવામાં વેદાન્તને મુંબઇની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઑફિસ સુપ્રિન્ટેન્ડેટ તરીકે નોકરીનો ઓર્ડર મળ્યો. નાનાભાઈ કરુણેશ્વરે કથનને પોતાને સોંપીને મોટો ઉપકાર કર્યો હતો. તેઓ કરુણેશ્વરને ખુશ કરવાનો મોકો શોધતા હતા. વેદાન્તની નોકરીના સમાચાર જાણી એમણે કરુણેશ્વરે આશ્ચર્યમાં ગરકાવ કરવાનું આયોજન કર્યું. એમણે તાત્કાલિક એક મોંઘી કાર ખરીદી લીધી અને કાર જાતે હંકારીને કરુણેશ્વરને ઘેર પહોંચ્યા.
વેદાન્તના હાથમાં કારની ચાવી મૂકતાં એમણે કહ્યું : 'મારે બે દીકરા છે, એક વેદાન્ત અને બીજો કથન. કથન મારી પાસે છે અને તું મારા નાનાભાઈ કરુણેશ્વર સાથે. જે સુખ કથન ભોગવે તે જ સુખનો અધિકારી તું પણ છે. તારે મુંબઇ જવા માટે આ નવી કારનો ઉપયોગ કરવાનો છે, તારાં મમ્મી પણ તારી સાથે આવીને તને દેવદર્શન કરાવશે. બેટા વેદાન્ત, બેસ્ટ લક. હવે અમે પણ અનુકૂળતા મુજબ તારી સાથે મુંબઇ રહેવા આવીશું.'
મોટાભાઈની ઉદારતા અને કુટુંબ વાત્સલ્ય જોઈ કરુણેશ્વર ગદગદ થઇ ગયો. એણે કહ્યું : 'મોટાભાઈ, આપણું સંયુક્ત કુટુંબ હતું. મિલ્કતની વહેંચણી પછી એ વિભક્ત થઇ ગયું. મારી ઇચ્છા છે કે એક વિશાળ બંગલો લઇને આપણે બધાં ફરીથી સાથે રહીએ.'
'વેદાન્તને ધામધૂમથી પરણાવ્યા પછી આપણે વિખરાએલો માળો ફરીથી મજબૂત રીતે બાંધીશું. આવતા સોમવારે અમે આપની કૃપા પ્રસાદી રૂપ નવી કારમાં મુંબઇ જવા રવાના થઈશું. વેદાન્તને લોંગ ડ્રાઈવનો શોખ છે. એ શોખ પણ પૂરો થશે.' કરુણેશ્વરે કહ્યું.
અને વેદાન્તને આશીર્વાદ આપી ક્ષેમુભાઈ વિદાય થયા.
સોમવારે વેદાન્ત, તેના પપ્પા કરુણેશ્વર અને મમ્મી સુપ્રપા નવી કાર દ્વારા મુંબઇ જવા દેવદર્શન કરી પ્રયાણ કર્યું. વેદાન્તને ફાસ્ટ ડ્રાઈવિંગનો શોખ હતો. નવી નક્કોર કારનું સ્ટીઅરિંગ વ્હીલ પોતાના હાથમાં હતું. તેની મસ્તી હતી.
ડોઢશો કિલોમીટરની મુસાફરી બાદ હાઈવે પરની એક હૉટેલના ગાર્ડન રેસ્ટારન્ટમાં આખું કુટુંબ ચા-નાસ્તા માટે રોકાયું. એટલામાં એક માલ ભરેલી ટ્રકે પલટી ખાધી અને ગબડતી-ગબડતી કરુણેશ્વરના કુટુંબ પર ઝિંકાઈ. હાહાકાર વ્યાપી ગયો. ત્રણે જણ ટ્રક નીચે દટાએલાં હતાં... લોકોની મદદથી ટ્રકને ખસેડવામાં આવી. ગંભીર રીતે ઘવાએલું કરુણેશ્વર કુટુંબ સ્થળ પર જ મૃત્યુને ભેટયું હતું.
ક્ષેમુભાઈએ ભારે આઘાત અને શોક અનુભવ્યો. પોસ્ટ મોર્ટમ બાદ એ ત્રણેયને શબને પોલિસે તેમને હવાલે કર્યા. કથન નોંધારો બની ગયો હતો. તેનું કરુણ રુદન અટકતું નહોતું. ક્ષેમુભાઈએ સરવણીની મરણોત્તર વિધિ પતાવી. તેઓ સૂનમૂન થઇ ગયા હતા.
એ વાતને એક વર્ષ થઇ ગયું હશે. ત્યાં કર્તવ્યાની એક સહેલી વર્ધિતા પોતાનો પુત્ર ફર્ટીલીટી નર્સિંગ હોમ શરૂ કરી રહ્યો હોઈ તેનું આમંત્રણ આપવા આવી હતી. એણે કહ્યું : 'કર્તવ્યા, હજી તું ચાલીસની જ છે. તારે માતૃત્વ બનવાના કોડ પર પૂર્ણ વિરામ ન મૂકવું જોઇએ. મારો પુત્ર ગાઈનેકોલોજીની વિદેશની મોટી-મોટી ડિગ્રીઓ લઇને આવ્યો છે. એ તારું મેડિકલ ચેક અપ કરી માર્ગદર્શન આપશે.'
કર્તવ્યાને વર્ધિતાની વાતમાં આશાકિરણ દેખાયું. એ વર્ધિતાના પુત્રના નર્સિંગ હોમના ઉદ્ધાટનમાં હાજર રહી. મેડિકલ ચેપઅપ પણ કરાવતી રહી અને બે મહિના પછી ડૉક્ટરે ખુશખબરી આપી કે કર્તવ્યા માતા બનવાની છે.
કર્તવ્યા એ સમાચારથી નાચી ઉઠી. પણ તેના પતિ ક્ષેમુભાઈને તેનો હરખ નહોતો. કથનને અપનાવ્યા પછી તેમના મનમાં સંતાનપ્રાપ્તિની કોઈ એષણા નહોતી.
તેમ છતાં એમણે કર્તવ્યાને રિઝવવા માટે તેને જરૂરી સારવારમાં પૂરો સહકાર આપ્યો.
સમય વહેતો ગયો અને કર્તવ્યાએ પુત્રને જન્મ આપ્યો. કથન રાજીનો રેડ થઇ ગયો. પોતાને નાનો ભાઈ મળ્યાનો તેને આનંદ હતો.
પણ પુત્ર જન્મ પછી કર્તવ્યાનું મન સાવ બદલાઈ ગયું. તેનું સંપૂર્ણ ધ્યાન નવજાત શિશુમાં કેન્દ્રિત થયું. કથન તેને માટે ગૌણ બની ગયો.
નવજાત પુત્રનો નામકરણ વિધિ યોજાયો. ગોર મહારાજે તેનું નામ તીર્થેશ પાડયું. કર્તવ્યાએ ભવ્ય સમારંભ યોજી સગાં-વહાલાં અને સ્નેહીઓને ભોજન માટે આમંત્રિત કર્યાં. ભોજન બાદ સહુને ભેટ-સોગાદથી ખુશ કરી દીધો. હરખઘેલી બનેલી કર્તવ્યાએ સહુને આગ્રહપૂર્વક જમાડયાં પણ કથનને જમાડવાનું તેને યાદ જ ન રહ્યું. કથન જમ્યો નહોતો એટલે ક્ષેમુભાઈ પણ જમ્યા નહોતા. કર્તવ્યાએ વેરો-આંતરો શરૂ કરી દીધાનાં એંધાણ એમણે પારખી લીધાં હતાં. એ પછીનાં છ વર્ષમાં તો કર્તવ્યા સાવ બદલાઈ ગઈ. એને મન તીર્થેશ જ સર્વસ્વ હતો. કથનના ખાવા-પીવાની કે ચા-નાસ્તાની તે લેશમાત્ર દરકાર રાખતી નહોતી. તીર્થેશને તે જાતે ભોજન કરાવતી પણ કથનના ચા-નાસ્તા અને ભોજનની જવાબદારી આયા પર છોડી દીધી હતી. કથન ઉમળકાભેર તીર્થેશને રમાડવાની કોશિશ કરતો, પણ અંધશ્રધ્ધાળુ કર્તવ્યાને કથનની નજર લાગવાનો વહેમ હતો, તેથી તેને તીર્થેશથી અળગો રાખતી.
પહેલાં કથનની વર્ષગાંઠ ધામધૂમથી ઉજવાતી, કર્તવ્યા પાર્ટી યોજતી પણ હવે કથનનો જન્મદિવસ કર્તવ્યાને યાદ પણ નહોતો. કર્તવ્યા માટે કથન હવે પરાયો બની ગયો હતો. કથન પાસે ઘરનાં નાનાં-મોટાં કામો કરાવવાનું એણે શરૂ કરી દીધું હતું.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તીર્થેશને બપોરે લંચબોક્સ પહોંચાડવાનું કામ પણ કર્તવ્યાએ કથનને સોંપી દીધું હતું. રિસેસમાં તીર્થેશ નાસ્તો કરી લે પછી જ કથને ઘેર આવવાનું અને ત્યાર બાદ જ ભોજન કરવાનું...
તીર્થેશનું વધારે પડતું ધ્યાન અને કથનની ધરાર ઉપેક્ષાને કારણે ક્ષેમુભાઈ ક્યારેક કર્તવ્યાને ઠપકો આપતાં પણ પુત્રની માતા બન્યા પછી કર્તવ્યા માથાભારે થઇ ગઇ હતી. એ વાતનું વતેસર કરતી ઝઘડાને મોટું સ્વરૂપ આપતી. ક્યારેક એ પોતાનો રોષ કથન પર ઉતારતાં કહેતી : 'તારાં મા-બાપ જીવતાં હોત તો મેં તને ક્યારનોય પાછો ધકેલી દીધો હોત. પણ હું કમનશીબ કે તું મારે લમણે જીવનભર લખાયો. હજીયે તારામાં સ્વમાન હોય તો તારે અહીંથી ચાલ્યા જવું જોઇએ. તું મારી આંખમાં કણાની જેમ ખટકે છે.'
કર્તવ્યાના આવાં કઠોર વેંણ સાંભળી ક્ષેમુભાઈ ક્યારેક ઉશ્કેરાઈ જતા. એમણે ઘર છોડી ચાલ્યા જવાની ધમકી પણ આપી હતી. પરંતુ નફ્ફટ કર્તવ્યાએ કહ્યું કે મારે તમારી અને તમારા લાડકા કથનની જરૂર નથી. બંગલો અને બેંક એકાઉન્ટ મારે નામે છે. મને શંકા હતી કે તમે તમારી મિલકત કથનને નામે કરી દેશો એટલે તમને ભોળવીને મેં બધી જ સંપત્તિ મારે નામે ટ્રાન્સફર કરી દીધી છે. હું અને મારો તીર્થેશ તમારા બન્ને વગર આનંદથી જીવી શકીશું.
કથનને મોટીબા કર્તવ્યાના શબ્દોથી ખૂબ જ આઘાત લાગ્યો હતો.
મોટાબાપા ક્ષેમુભાઈએ તેની માફી માગતાં કહ્યું હતું કે તારા દુઃખનું કારણ હું જ છું. તારા પપ્પાને આપેલું વચન હું નિભાવી શક્યો નથી. હું મારી પત્ની કર્તવ્યાને ઓળખી ન શક્યો. હવે મને તેની સાથે રહેવામાં રસ નથી. હું હરિદ્વાર નિવાસી મારા એક મિત્રના આશ્રમમાં રહી બાકીનું જીવન પૂરું કરીશ.
કથને તેમનો હાથ પોતાના હાથમાં લઇ મીઠી ચૂમી ભરતાં કહ્યું હતું : 'પપ્પાજી, આપે મને ફરી નોંધારો બનાવવો છે. મારાં મમ્મી-પપ્પા અવસાન પામ્યાં ત્યારે મારા મનમાં એ વાતનું આશ્વાસન હતું કે આપની છત્રછાયા મારી માથે છે. જ્યાં સુધી આપનો પુત્ર કથન જીવિત છે ત્યાં સુધી આપે સંસાર ત્યાગવાની જરૂર નથી.'
'પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તારું શું થશે, એની ચિંતા મને રાતદિવસ કોરી ખાય છે' - ક્ષેમુભાઈએ રડતાં રડતાં કહ્યું.
'તો પછી મને એકલો મૂકી હરિદ્વાર જવાનું કેમ વિચારો છો ? આપણી સમસ્યાનો ઉકેલ મેં પહેલેથી વિચારી રાખ્યો છે' - કથને કહ્યું.
'એટલે મારી સેવા માટે તું પણ હરિદ્વાર સેટલ થવાનું વિચારે છે ?' - ક્ષેમુભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
'ના પપ્પાજી ના, મારે ગૃહસ્થાશ્રમી બની આપને ઠારવા જોઇએ, એ મારું કર્તવ્ય છે. આપની જાણ બહાર મેં નોકરી સ્વીકારી લીધી છે અને મકાન પણ ભાડે રાખી લીધું છે અને...' કથન આગળ વાત કરતાં અટકી ગયો.
ક્ષેમુભાઈએ પૂછ્યું : 'અને' બોલી તું કેમ અટકી ગયો ?'
''અને'નો અર્થ આપને પૂછયા વગર મેં આપને સસરા પણ બનાવી દીધા છે. મેં કોલેજની મારી એક મિત્ર તાત્વિકા સાથે સાદી વિધિથી લગ્ન કરી લીધાં છે. પપ્પા, મને ખુમારી વગરની જિંદગી પસંદ નથી. સહનશીલતાની પણ એક સીમા હોય છે. ચંદનકાષ્ટને પણ ઘસવામાં આવે તો આગ પ્રગટે છે પણ એવી આગનો ઉપયોગ સ્વજનોને બાળવા માટે ન કરાય. હું કર્તવ્યા મમ્મીને આપની અને મારી જવાબદારીમાંથી મુક્ત કરું છું... ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વે આપે મને પુત્ર તરીકે અપનાવ્યો હતો. આ ગુરૂપૂર્ણિમાને દિવસે હું મારા નવા સ્વરૂપે આપને પિતા તરીકે અપનાવીશ. હવે ચાલો, આપણા નવા નિવાસ સ્થાને. તાત્વિકા આપણી રાહ જોતી હશે.' - કથને કહ્યું.
અને ક્ષેમુભાઈ કથનની મોટર બાઈક પર બેસી કથનના નવા નિવાસ સ્થાને પહોંચ્યા. પુત્રવધૂ તાત્વિકાને આશીર્વાદ આપ્યા. આકાશમાં શબ્દો ગૂંજતા હતા : 'પિતૃદેવો ભવ'. ક્ષેમુભાઈનું નવું સરનામું કાયમી હવે કથનનું નિવાસ સ્થાન બની ગયું.