આપણા વડવાઓ અને આપણે .
- આજમાં ગઈકાલ- ભગીરથ બ્રહ્મભટ્ટ
આ જે આપણે જે પરિસ્થિતિમાં છીએ તેની તુલનામાં આપણા વડવાઓને ભૌતિક સગવડો પ્રાપ્ત નહોતી. જ્યાં જશો ત્યાં વડવાઓ નવી પેઢીને કહેતા સાંભળવા મળશે, 'અમારે તમારી જેમ મોટર ગાડીઓ ન્હોતી. પાંચ- પચીસ ગાઉ ચાલતા જતા. અમારે પાણી ખેંચવા પડતા... અમારે તમારી જેમ ચટાકા ન્હોતા.. રોટલોને દાળ બહુ થઈ રહેતો.... રૂપિયો તો ગાલ્લાના પૈડાં જેવડો હતો.' આ અને આવાં અનેક વાક્યો નવી પેઢીને સાંભળવા પડે છે. ક્યારેક જૂનું સારું જ હતું અને નવું નક્કામું છે તેમ મનાવા લાગ્યું છે.
જો કે તે સમય એવો હતો ગરીબી વધારે દારૂણ હતી. સમાજનો એક મોટો વર્ગ મજૂરી કરતો - ગુલામી કક્ષાની મજૂરી. અસમાનતાની ખાઈ ઘણી મોટી હતી. સાધન- સુવિધાઓનું પ્રમાણ અલ્પ હતું. બે- ત્રણ ગામ વચ્ચે એકાદી ઘંટી હોય, પાંચ- દસ ગામ વચ્ચે એક દવાખાનું હોય.. પ્રત્યેક ગામમાં ના મળે દુકાન, ન મળે ઘંટી... ચપ્પલ લેવાય શહેરમાં જવું પડે અને દળણું દળાવવા પરગામ જવું પડે...સાજા માંદા થઈએ ત્યારે દાક્તરને ત્યાં ગાડામાં લઈ જવાતા... આમ તકલીફો તો હતી તેની ના નહિ. વડવાઓની પાસે ન્હોતા રૂપિયાના ઢગ, વડવાઓ હાથ પંખે ઉનાળાઓ કાઢતા અને બેચાર ગોદડીઓ ઓઢી શિયાળ કાઢતા. વરસાદથી બચવા શણનો કોથળો ઓઢી લેતા. રોટલો ને દાળ અને બહુબહુ તો ખીચડી અને દૂધ આ બપોર- સાંજનું ખાણું... ખેંચીને લાવેલું પાણી કરકસરથી વાપરતા. ઓછાં કપડાં, ઓછાં વાસણ, ઓછા પૈસાથી જીવવું પડતું હતું તેમને.
તેઓ સમાજમાં વટ્ટ વ્યવહાર રાખવા ઝઝૂમતા અનાજનાં સાટા થતા. ઘઉં લેવા બાજરી આપી દેવાતી સામાન્ય બીમારી આવે તો ઘરગથ્થુ ઉપાયો થતા ઉધરસ કે ઉંટાટિયો થયો હોય તો હળદર અને મીઠાનો ઉપયોગ થાય. દાતરડું આંગળીએ વાગી જાય ને લોહી આવે તો પેશાબની ધાર છોડી બંધ કરવાનો... ગવારના પાન મસળીને બાંધી દેવાતા. માથુ ચઢે તો એરંડાના પાનાં માથે મેલવાના... પેટમાં દુઃખે તો અજમો ફાકવાનો. સ્ત્રીઓ ન્હોતી ભણતી. બાળકો ય ના ભણે. મજૂરીએ વળગી જાય. મૃત્યુ અને અપમૃત્યુનું પ્રમાણ પણ ત્યારે વધારે જોવા મળતું. અંધશ્રદ્ધાનો રાફડો જામેલો રહેતો. બાધા અને માનતાથી જેટલી સમસ્યાઓ હળવી થતી એટલી દવાથી ન્હોતી થતી. વહેમીલો વર્ગ મોટો હતો. જીવન પરસેવે મઢેલું હતું. અભાવો જ વડવાઓની જિંદગીનો પર્યાય હતા. ચામડીના રોગો થતા, લીમડો વ્હારે આવતો... બળિયા બાપ, શીતળા નીકળતા લીમડો મટાડે. ગૂમડાં ય થતા અને માથામાં જૂ પણ પડતી... ખાટલે માંકણ પણ પડતા. આંગણે ગમાણ હોય તો જૂઆ પણ દેખાતા. માખીઓ તો તીડની જેમ પડતી ! સંતોષી માના શુક્રવાર, હનુમાનજીના શનિવાર, માતાજીના રવિવાર, મંગળવાર નિશ્ચિત હતા... તે દિવસે શ્રદ્ધાળુઓ જે તે દેવાલયે જતા - બાધા આખડી પૂરી કરતા. જ્યોતિષ ઉપર આધાર રખાતો અને ભક્તિ ભગવાનની આગળ ચોર- ડાકુ નમતું જોખતાં.
શ્રદ્ધાનો મોટો આધાર હતો એ બધાની તુલનામાં આજે આપણે કેટલા નિઃશંક રાહતભર્યું જીવન જીવીએ છીએ. ભૌતિક સગવડો આપણને મળી છે. પ્રાથમિક સગવડો તો ઘણી હાથવગી છે. ગામડે ગામડે નળ પહોંચ્યા છે, દુકાનો પહોંચી છે, દવાખાના પહોંચ્યા છે. રસ્તા પહોંચ્યા છે. આપણી પાસે પંખા અને એ.સી. હાથવગા છે હોટેલ અને ખાણાં પણ છે. મુઠ્ઠીમાં દુનિયા છે. મોબાઇલની માયા છે. અનેકગણું ઉત્પાદન કરીએ છીએ. શ્રમ ઓછો કરી વધારે મેળવીએ છીએ. યાંત્રિક સાધનોથી જીવન ટેવાઈ ગયું છે એટલે ખરેખર તો જે અભાવ વડવાઓએ જોયા... એમાંનું આપણે કશુંય વેઠયું નથી... એ અર્થમાં આપણે સદ્ભાગી છીએ... પહેલાં સાત વર્ષના છોકરાને સરખું બોલતાં ય ન્હોતું આવડતું આજે ત્રણ વર્ષનું છોકરું કેટલું બધું ચપળ છે ! મોબાઇલ ઉપર વાતો કરે છે, ઑનલાઇન ભણે પણ છે છતાં આપણે સુખી કેમ નથી ?
આમ વડવાઓની સરખામણીમાં આપણે ભાગ્યશાળી ગણાઈએ રાહત છે. કંઈ અગવડ તો ભોગવવી પડતી નથી. શરીર નમાવવા પડતા નથી. છતાં સાધન સમૃદ્ધિની છોળો વચ્ચે પણ આપણે સાચુકલા સુખ અને નરવા સંતોષથી કેમ અલિપ્ત છીએ ? કેમ સાચો ધરવ અનુભવી શકતા નથી ? કેમ આપણી જાતને સુખી કહી શકતા નથી ? કેમ આપણને સંતોષ થતો નથી ? હજું શું મેળવવું છે ? આવી સુખ સગવડમાં પણ માણસો કેમ તરફડે છે ? શાનો છે એ તરફડાટ ?
આપણે જે જીવન જીવીએ છીએ તે નર્યું કૃત્રિમ છે સવારથી સાંજ સુધીની આપણી યાત્રા શાની છે ? ક્યાં પહોંચવું છે ? છે જવાબ ? રેઢિયાળ અને ધ્યેય વગરના જીવનની આપણી દોટ ક્યાં લઈ જશે ? આપણે ક્યાંય નહિ પહોંચવા દોડી રહ્યા છીએ... નદીઓને પ્રદૂષિત કરી આપણે ઔદ્યોગિક એકમો દ્વારા કઈ સિદ્ધિ મેળવવી છે ? રસાયણોના ઉપયોગથી અઢળક ઉત્પાદનો કરી આપણે કયા આરોગ્યને ઉપકારક બનવું છે ? આપણે ચોક્ખી હવા ક્યાં રહેવા દીધી છે ? શ્વાસોચ્છવાસમાં પણ ઝેર ! અનાજમાં પણ... ખાતરમાં પણ... આપણા વડવાઓ પ્રકૃતિ પરાયણ જીવન જીવતા હતા. પ્રકૃતિનોખ્યાલ રાખીને જીવન જીવાતું હતું. ધરતીમાતાનો રસકસ ખેંચી લીધો છે. પાણી પાતાળમાંથી ખેંચાયા છે. વૃક્ષોનું નિકંદન નીકળ્યું છે અન્ય જીવોની ઉપેક્ષા થાય છે નિસર્ગ સાથેનો નાતો જ તૂટી ગયો છે... કુદરત સાથેનો કોઈ સંવાદ રહ્યો નથી. વસંત આપણને કેમ સ્પર્શતી જ નથી ? પગમાં કીડી આવે કે કોઈ ફૂલ, છોડ આવે કે વેલી આપણે તેને કચડી જ નાખીએ છીએ... સંવેદના જ બુઠ્ઠી થઈ ગઈ છે. કુદરત અને આપણી વચ્ચે હજારો માઇલના છેટા પડયાં છે એટલે આપણે સુખી નથી... વડવાઓ અભાવો વચ્ચે પ્રકૃતિના તાદાત્મ્યને કારણે ખુમારીથી જીવી શકતા હતા. હવે ભેદ સમજાયો ?