- સરદાર @150-હસિત મહેતા
- વૃદ્ધ છતાં તંદુરસ્ત, પાતળાં છતાં કસાયેલા શરીરવાળા, ઉંમરલાયક છતાં ટટ્ટાર, સાદું છતાં સ્વચ્છ સફેદ ધોતિયું-પહેરણ-પાઘડી પહેરેલાં ઝવેરભાઈ જ્યારે બોરસદમાં વલ્લભભાઈના ઘરના પગથિયાં ચઢયાં, ત્યાર...
સા વ પ્રચલિત અર્થમાં ધાર્મિક માણસ ન કહેવાય તેવા, ટીલાં-ટપકાંમાં કે પૂજા- અર્ચનામાં સ્હેજે ય રસ ના હોય તેવા, સાધુસંતોના પાખંડ કે મર્યાદાને આંખ આડે કરીને અંધભક્ત ન બની શકે તેવા વલ્લભભાઈની બોરસદની નાનકડી ઓરડી(ઘર)માં અચાનક, અણધાર્યા ઝવેરભાઈ આવી પહોંચ્યા.
વૃદ્ધ છતાં તંદુરસ્ત, પાતળાં છતાં કસાયેલા શરીરવાળા, ઉંમરલાયક છતાં ટટ્ટાર, સાદું છતાં સ્વચ્છ સફેદ ધોતિયું-પહેરણ-પાઘડી પહેરેલાં ઝવેરભાઈ જ્યારે બોરસદમાં વલ્લભભાઈના ઘરના પગથિયાં ચઢયાં, ત્યારે ૩૦ વરસના દીકરાના મોમાંથી હુક્કાની નેહ(પાઈપ) પડી ગઈ, અને તેણે ઝડપભેર ઉભા થઈ, ચકિત અને આશંક થતાં થતાં પિતાજી સાથે જે સંવાદ કર્યો, એ કાન દઈને સાંભળીએ.
કારણ કે નરહરી પરીખે લખેલાં જીવનચરિત્ર 'સરદાર વલ્લભભાઈ'માં આ અનોખા પ્રસંગનો જે સંવાદ આલેખ્યો છે એ પહેલી નજરે તો નાટકીય લાગે તેવો છે, પરંતુ એ સાવ કાલ્પનિક નથી. તેને વાસ્તવનો પૂરો આધાર છે. અર્થાત્ આ ઘટના ઘટેલી છે, અને જાણીતી પણ. સાંભળીએ.....
વલ્લભભાઈ : 'મોટા કાકા(પિતાજી), તમે ક્યાંથી?'
ઝવેરભાઈ : 'ભાઈ તારું કામ પડયું છે, તેથી જ આવ્યો ને'
વલ્લભભાઈ : 'પણ મને કહેવડાવવું હતું ને? હું કરમસદ આવી જાત. લાડબાઈને પણ મળાત.'
ઝવેરભાઈ : 'પણ કામ બોરસદમાં છે, એટલે તને ત્યાં બોલાવીને શું કરું?'
વલ્લભભાઈ : 'એવું શું કામ છે?'
ઝવેરભાઈ : 'આખા જિલ્લામાં તારી હાક વાગે, અને આપણા મહારાજ ઉપર વારંટ નીકળે એ કાંઈ ઠીક કહેવાય? તું બેઠા છતાં મહારાજને પોલીસ પકડી શકે?'
વલ્લભભાઈ : 'મહારાજ ઉપર વળી વોરંટ કેવું? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા. એમને પકડનારા કોણ હોય?'
ઝવેરભાઈ : 'અત્યારે તારું આ ટીખળ જવા દે. મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણના મંદિરોમાં કબજા સંબંધી તકરાર થઈ છે, અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વારંટ નીકળ્યું છે. તારે એ વારંટ રદ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય.'
વલ્લભભાઈ : 'આબરૂ શું કામ આપણી જાય? એવા કરમ કરે તેની જાય. પણ હું તપાસ કરીશ. એમ વારંટ શેના નીકળે છે? મારાથી થઈ શકે તે બધુ કરીશ.'
ઝવેરભાઈ : 'તારે એટલું ધ્યાનમાં રાખવાનું કે મહારાજ ઉપર વારંટ નીકળ્યું હોય તો એ રદ થવું જ જોઈએ.'
વલ્લભભાઈ : 'તમે હવે છોડો આ સાધુઓને. જેઓ આવા પ્રપંચ કરે છે, કજિયા કરી કોર્ટે ચઢે છે, પોતાનું જેઓ આ ભવમાં રક્ષણ કરી શક્તા નથી, તે આપણને આવતા ભવમાં શું તારવાના હતા, અને આપણો શો ઉદ્ધાર કરવાના હતા?'
વલ્લભભાઈ અને ઝવેરભાઈ વચ્ચેનો આ સંવાદ વડતાલ સંપ્રદાયમાંથી તાજેતાજા છૂટા થયેલાં (વડતાલ તરફેની ભાષામાં કહીએ તો વિમુખ કરાયેલાં) શાસ્ત્રી યજ્ઞાપુરૂષદાસજી (શાસ્ત્રીજી મહારાજ) સામે બોરસદમાં થયેલાં કોર્ટ કેસ વિશે અને તેમને નામે નીકળેલાં વોરંટ વિશેનો છે. જેની હકીકત એવી છે કે શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં (આજે જે વિશ્વવ્યાપી BAPS સંપ્રદાય છે, તેનું પ્રથમ પગરણ) ગાદી સ્થાપેલી. ત્યાં એક મોટું શિખરબંધી મંદિર બંધાવેલું. વડતાલના અમુકતમુક સાંપ્રદાયિક નિયમો સામે રીતસરનો બળવો જ માંડેલો. આથી કરીને વડતાલ પક્ષના મૂળ પદાધિકારીઓએ કોઈ સુલેહભંગ ન થાય તે માટે શાસ્ત્રીજી મહારાજ સામે વોરંટ કઢાવેલું.
આ કેસ બોરસદની રેસિડેન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલો. જો કે એ પછીના વર્ષોમાં પણ વડતાલ અને બોચાસણ વચ્ચે સામાજિક, સાંપ્રદાયિક અને કાયદાકીય તનાવ તો રહેલો જ. એટલે જ છેક ૧૯૩૬માં થયેલા આવા જ એક વિવાદ માટે 'બોચાસણ બંડનો ઈતિહાસ' લખાયો છે, તેમાં ઈસણાવ ગામના મંદિરનો કબજો લેવા માટે આ બે ધર્મ સંસ્થાઓ કોરટમાં કેવા સામસામા આક્ષેપો કરતાં કરતાં લડતી હતી, તેનું ઝીણવટપૂર્વકનું વર્ણન છે.
એટલું જ નહીં, પરંતુ જે રીતે શાસ્ત્રીજી મહારાજને વડતાલે વિમુખ કરેલાં, એ પરંપરા પણ અહીં ઘણી જૂની હતી. શ્રીજી મહારાજે (ખુદ ભગવાન સ્વામિનારાયણે) પોતાની હયાતીમાં જ હરબાઈ વાલબાઈ અને ગુરુભાઈ રઘુનાથદાસને સંપ્રદાય થકી વિમુખ કરવા પડયા હતા. ત્યારપછી ચુડાવાળા હરિશંકર, કે જે પોતે હરિકૃષ્ણ ભગવાન હોવાનું કહેતા હતા, તેમને શ્રી રઘુવીરજી મહારાજના વખતમાં તગેડી મૂકાયા હતા. એ પછી લોટ ખાઈને રહેનારા એક લોટીયા નામનું સાધુમંડળ જૂનાગઢથી બહિષ્કૃત થયેલું. એ પછી ગુણાતીતાનંદસ્વામીને ભગવાન તરીકે સ્થાપવાનું આયોજન કરનાર પ્રકાશપુરીને ભગવતપ્રસાદ આચાર્યજીએ કાઢી મૂકેલાં. ભાદરણ ગામના પુરુષોત્તમજીને પોતે વિષ્ણુ અવતાર હોવાની વાત ચલાવવાને કારણે સંપ્રદાય ભ્રષ્ટ કરવા પડયા હતા.
બરાબર આ જ પરંપરામાં, સંવત ૧૯૬૨એ (એટલે કે ઈ.સ.૧૯૦૬માં), વડતાલના તત્કાલિન આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજના વખતમાં, શાસ્ત્રી યજ્ઞાપુરૂષદાસને 'ભક્તિ થકી જ્ઞાન ઐશ્વર્ય પામ્યાનો પાખંડ લઈને બેઠેલા હતા.' તેવા આરોપસર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સર્વાનુમતે બહિષ્કૃત કરેલા હતા. વડતાલ સંપ્રદાયના આવા વિવાદીત ઈતિહાસને પડખે ઉભા રહેવાનું વલ્લભભાઈ જેવા વિચક્ષણ અને તર્કબદ્ધ વ્યક્તિત્વને કેવી રીતે પાલવે? પછી પિતાજી પ્રત્યે પૂરો આદરભાવ હોવા છતાં એમના મોઢામાંથી નીકળે જ ને કે 'જેઓ આ ભવમાં પોતાનું રક્ષણ કરી શક્તા નથી, તે આપણને આવતો ભવ શું તારવાના?'


