- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
(ગતાંકથી ચાલુ)
મ હાસેન તો દંગ રહી ગયા. એમના આશ્ચર્યને શબ્દોમાં વ્યક્ત કરવું સંભવ નહોતું. અંદર પ્રવેશીને જોયું તો ત્યાં કોઈ પર્વત નહોતો. એ તો આખેઆખું બ્રહ્માંડ હતું ! અબજો ઝળહળતાં તારા, ચંદ્ર, નદી, પર્વત, વૃક્ષ, પંખી, માછલી, સસ્તન જીવો અને સરિસૃપો એમાં નિવાસ ધરાવતાં હતાં. એ વાસ્તવમાં એક વિશાળ સંરચના હતી... એક સંપૂર્ણ વિશ્વ !
એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ પ્રકાશની ગતિએ યાત્રા કરતાં રહ્યાં. રાત પછી દિવસ ઊગ્યો અને સૂર્યકિરણોને લીધે સાધુનાં આ નવરચિત બ્રહ્માંડનું સૌંદર્ય અનેકગણું વધી ગયું. આટલા મોટા વિસ્તારને જોઈ મહાસેન તો ગભરાઈ ગયા. અસંખ્ય સમુદ્રો અને અંતહીન જંગલોની યાત્રા કરતી વેળા એમણે સાધુનો હાથ પકડી રાખ્યો. એમને ડર હતો કે ક્યાંક તેઓ ખોવાઈ ન જાય ! આખો દિવસ વીતી ગયો, પરંતુ મહાસેનને ભૂખ અને થાકનો અનુભવ સુદ્ધાં ન થયો.
'હવે આપણે જવું જોઈએ.' ઋષિએ કહ્યું.
'આ બધું ખરેખર અદ્ભુત છે... અનન્ય-અફાટ-અનંત બ્રહ્માંડ ! શું આપણે અહીં વધુ એક દિવસ ન રોકાઈ શકીએ ?' મહાસેને આગ્રહપૂર્વક કહ્યું.
ઋષિ હસી પડયા અને કહ્યું, 'મહાસેન, મારી ઉપર ભરોસો રાખો. આપણે પરત ફરવું જ પડશે.'
એમની આજ્ઞાનું પાલન કરી, મહાસેન ઋષિની પાછળ ચાલ્યા અને જોતજોતામાં તેઓ પર્વતની બહાર પહોંચી ગયા.
બહારની દુનિયામાં તો બધું સાવ જૂદું દેખાઈ રહ્યું હતું. મહર્ષિ ગણને તેઓ જેમ મૂકીને ગયાં હતાં, એવી જ ધ્યાનમગ્ન અવસ્થામાં તેઓ વડ નીચે બેઠા હતા. એ સિવાય ત્યાં સરોવરનું તો નામોનિશાન નહોતું... એને બદલે ત્યાં એક નદી ધસમસતાં વેગે વહી રહી હતી. ઘોડાનો કોઈ અતોપતો નહોતો. વૃક્ષો પણ સાવ અલગ દેખાઈ રહ્યાં હતાં. એમાંના કેટલાંક તો અત્યંત વૃદ્ધ થઈ ચૂક્યાં હોય એવું લાગતું હતું. પશુ-પ્રાણી અને વાનરોનો દેખાવ પણ એક દિવસ પહેલાં જેવો નહોતો રહ્યો... તેઓ સંપૂર્ણપણે બદલી ચૂક્યાં હતાં.
મહાસેને પૂછ્યું, 'આપણે ક્યાં છીએ ? હું તેજસ્વી મહર્ષિ ગણને તો જોઈ રહ્યો છું, પરંતુ આ સ્થાન આટલું બધું અજાણ્યું કેમ લાગે છે ?'
'સ્થાન તો એ જ છે !' તપસ્વીએ જવાબ આપ્યો.
'તો પછી માત્ર એક દિવસમાં આટલું બધું કેવી રીતે બદલાઈ જાય ?' મહાસેનને હજુ પણ વિશ્વાસ નહોતો. એમને શંકા ગઈ કે નક્કી તપસ્વી પોતાની કોઈ લીલાનું પ્રદર્શન કરી રહ્યા હોવા જોઈએ.
મહર્ષિ ગણના પુત્ર ખડખડાટ હસી પડયા અને પછી ગંભીર સ્વરે કહ્યું, 'મહાસેન, સમયની ગતિ સાપેક્ષ હોય છે. મારા બ્રહ્માંડનું કાળચક્ર તારા સંસારના સમયચક્રની સરખામણીએ અલગ રીતે ચાલે છે.'
જેવી રીતે કોઈ બાળક મેળામાં ખોવાઈ ગયું હોય, એવી નજર સાથે મહાસેન તપસ્વી સામે જોઈ રહ્યા. તેઓ સ્તબ્ધ હતા. તપસ્વીની વાત ઉપર એમને ભરોસો નહોતો બેસી રહ્યો. તપસ્વીએ એમની દુવિધા જાણીને સ્પષ્ટતા કરી, 'મહાસેન, ધરતી ઉપર બાર હજાર વર્ષનો સમય વીતી ચૂક્યો છે.'
'બાર હજાર વર્ષ !?'
'હા... મારા બ્રહ્માંડનો એક દિવસ એટલે અહીં બાર હજાર વર્ષ !'
'મારા ભાઈ, મારી પત્ની, મારા બાળકો અને રાજ્યનું શું થયું ?' મહાસેને એવી રીતે પૂછ્યું જાણે હમણાં જ તેઓ કોઈક સ્વપ્ન જોઈને જાગી ગયાં હોય. અલબત્ત, આ લાગણી સાવ ખોટી પણ નહોતી.
'મહાસેન ! તેઓ ચાલ્યાં ગયાં.' ઋષિએ કહ્યું, 'સમયનું પૈડું કોઈ માટે ક્યારેય નથી રોકાતું !'
જાણે કોઈ વેલ પાસેથી વૃક્ષનો આધાર છીનવી લીધો હોય, એ રીતે મહાસેન તો ત્યાં જ જમીન પર ઢગલો થઈ ગયા. બે હાથ વચ્ચે એમણે પોતાનું માથું પકડી લીધું અને નાના બાળકની માફક રુદન કરવા લાગ્યા.
'સાંભળો, મહાસેન ! આપ કોના માટે અને કેમ રડી રહ્યાં છો ?' ઋષિએ કહ્યું, 'અહીં એકપણ વસ્તુ શાશ્વત નથી. મહાસેન... આ ધરતી, તારા, સૂર્ય, બ્રહ્માંડ, આપના ભાઈ, પરિવાર, આપનો દેહ અથવા જે કોઈપણ વસ્તુનો આપ સ્પર્શ કરી શકો છો, જોઈ શકો છો, સૂંઘી શકો છો, સાંભળી શકો છો અથવા મહેસૂસ કરી શકો છો... આમાંનું કંઈ ચિરકાલીન નથી, શાશ્વત નથી.' એમના શબ્દોએ મહાસેનનાં દુ:ખી હૃદય ઉપર મલમ લગાવવાનું કાર્ય કર્યું અને એમનું રુદન બંધ થઈ ગયું. રણમાં ભટકી રહેલાં તરસ્યા પથિકને પાણી પીવાથી જેવી શાંતિ મળે, એટલી નિરાંત એમણે અનુભવી.
ઋષિએ કહ્યું, 'જેવું મન સ્થિર થાય કે તરત એ ચિરકાલીન થઈ જાય છે, શાશ્વત થઈ જાય છે. પરિવર્તન લાવવા માટે ગતિવિધિ જરૂરી છે, સતત કશુંક બદલાતું રહેવું જોઈએ, પરંતુ સત્ય સ્થિર છે અને એટલે જ એ શાશ્વત પણ છે !'
'હે ઋષિવર ! એ સત્ય સુધી પહોંચાડવામાં આપ મને સહાય કરો એવી મારી પ્રાર્થના છે.' મહાસેને તપસ્વીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં.
મહાસેને ઋષિનાં ચરણો પાસે બેઠક જમાવી. તપસ્વીએ બ્રહ્માંડનાં સઘળાં રહસ્યોથી એમને વાકેફ કરાવ્યાં. મહાસેને વનમાં જઈને ઘોર તપસ્યા આદરી. જ્યાં સુધી એમને આત્મસાક્ષાત્કાર ન થયો, ત્યાં સુધી તેઓ નિરંતર ધ્યાનમાં બેસી રહ્યાં. કુંડલિની સહસ્રાર ચક્ર સુધી પહોંચે એ ઘટનાની એમને પ્રતીક્ષા હતી. અંતત: મહાસેને આત્મસાક્ષાત્કાર થકી અપાર બૌદ્ધિક ક્ષમતા અને પરમસત્યનો અનુભવ કર્યો. આ સમગ્ર કથાનું વિસ્તારપૂર્વક વર્ણન કુંડલિની વિદ્યાનાં સિદ્ધ ઉપાસક ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'કુંડલિની'માં જોવા મળે છે.


