- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'હા, બટ બિફોર ધેટ આઈ એમ પ્રોફેસર ઓલસો. અંગ્રેજી ભણાવું છું અને ગુજરાતીમાં કવિતાઓ અને ગઝલો લખું છું. તમારા લંડનમાં બે-ત્રણ વખત મુશાયરા પણ કરી ગયો છું.'
હે લ્લો.... રીમા... તું અત્યારે ક્યાંથી નવરી પડી અને આટલા બધા દિવસે અચાનક ફોન કર્યો.' સુરજે ફોન ઉપાડતા જ ટોણો માર્યો.
'અરે મેં તને એટલે ફોન કર્યો કે મેં જોબ છોડી દીધી. હવે હું મુક્ત છું અને આ મુક્તિ ઉજવવા અમદાવાદ આવું છું. મમ્મીના ઘરે. એક આખો મહિનો રોકાવાની છું. તને અત્યારથી કહી દઉં છું કે, જ્યારે ફોન કરું ત્યારે ઘરે આવી જજે અથવા તો હું ત્યાં આવી જઈશ. મળવા માટે નાટક ના કરતો.' - રીમાએ ફોન ઉપર અઢળક ઉત્સાહ વેરી કાઢયો.
'સારું છે ચાલો, આખરે નવી પેઢીનું ભવિષ્ય બચી જશે. તારા જેવા શિક્ષકો હોય તો છોકરા ક્યાંથી આગળ વધે. હશે... કેમ અચાનક અમદાવાદ આવે છે. તારો વર અને છોકરો શું કરશે મહિના સુધી.' - સુરજ પણ હળવા મુડમાં હતો.
'મારા છોકરાને સ્કુલમાં રિડિંગ વેકેશન છે. આ વખતે એ બારમા ધોરણમાં છે. મારો વર કંપનીમાંથી મહિના માટે કેનેડા જાય છે. મને થયું કે, હું મમ્મીના ઘરે આવી જાઉં. ક્રિસમસ અને ઉત્તરાયણ બંને અહીંયા થઈ જાય.' - રીમાએ જવાબ આપ્યો.
'સારું... સારું. આવે ત્યારે જણાવજે. મારે પણ કોલેજમાં શાંતિ છે. હું લગભગ એક વાગ્યે તો ઘરે આવી જાઉં છું. આખો દિવસ ફ્રી જ હોઉં છું. હા એકાદો મુશાયરો હોય તો જઈ આવું.' - સુરજે જવાબ આપ્યો.
'ભલું કરજો તારી ગઝલો અને કવિતાઓનું. લોકોને આ બધું કેમનું ગમતું હશે. હું આવું સહન જ ન કરી શકું.' - રીમાએ કહ્યું.
'તેમાં જ તારા લગ્ન નિરસ અને લગભગ નિસ્પૃહી કહી શકાય તેવા માણસ સાથે થયા છે. તમારો તો પ્રેમ પણ બાઈનરી કોડ પ્રમાણે ચાલતો હશે.' - સુરજ બોલ્યો અને બંને હસી પડયા.
'હા, રસિકજન... મળીએ છીએ ટૂંક સમયમાં. બાય.' - રીમાએ કહ્યું અને બંને છેડે ફોન મુકાઈ ગયા.
બંને પોતાના નિત્યક્રમમાં જોડાયા હતા. રીમા તેની અનુકુળતાએ અમદાવાદ આવી ગઈ અને લગભગ ક્રિસમસની ભવ્ય ઉજવણી કર્યા બાદ રીમાએ સુરજને યાદ કર્યો. પહેલાં તો બધા કોલેજના મિત્રો ભેગા થયા અને એક સરસ મજાની સાંજ બધાએ એક કોમન ફ્રેન્ડના ફાર્મ હાઉસ ઉપર પસાર કરી. સરસ મજાની વાતો, યાદો અને દેશી ભોજન સાથે સ્મૃતિઓ વાગોળી અને નવી સ્મૃતિઓનું સર્જન કર્યું.
ઉત્તરાયણના દિવસે રીમાએ પોતાના ઘરે પાર્ટી રાખી હતી. જેને સવારથી આવવું હોય તે સવારથી અને બાકીનાએ ડિનરમાં આવવાનું તેવું નક્કી થઈ ગયું. સુરજે પણ કમને હામી ભરવી પડી.
'તું આવજે બકા, તારા માટે તો ખાસ સરપ્રાઈઝ છે.' રીમાએ સુરજની પીઠ ઉપર ધબ્બો મારતા કહ્યું.
'બીજો કોઈ વિકલ્પ છે...', સુરજ બોલ્યો. 'ના' - રીમાએ ટુંકાવી દીધું.
ઉત્તરાયણના દિવસે સુરજ અને કેટલાક મિત્રો સવારે રીમાના ઘરે પહોંચી ગયા. રીમાની મમ્મી અને પપ્પા બધાને જોઈને ખુશ થયા. ખાસ કરીને સુરજને મળીને વધારે આનંદ થયો.
'પ્રોફેસર સુરજ તો આ દિશામાં ઉગતા જ નથી. રીમાને પરણાવી શું દીધી સુરજે તો આ તરફનો રસ્તો જ છોડી દીધો છે.' - રીમાની મમ્મીએ કહ્યું અને બધા હસી પડયા.
'આન્ટી, તમે લોકો અમદાવાદ હોવ તો ક્યારેય મુંબઈ તો ક્યારેક શ્રૃતી દીદીને ત્યાં જર્મની ગયા હોવ મને ક્યાંથી ખબર પડે. તમે અહીંયા હોવ છો ત્યારે વાર-તહેવારે મંદિરમાં તો મળી જ જઈએ છીએ.' - સુરજે પાંગળો બચાવ કરતા કહ્યું.
બધા થોડીવાર વાતો કરીને, નાસ્તા-પાણી કરીને ધાબે પહોંચ્યા. રંગબેરંગી પતંગોનો મેળવડો જામ્યો હતો. બધા શેતરંજીઓ પાથરીને ગોઠવાયા. કેટલાક પતંગ ચગાવવા લાગ્યા તો કેટલાક સેલ્ફીઓ લેવા માંડયા. છોકરાઓ તો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા. સુરજ એક ખુણામાં જઈને ગોઠવાયો અને બધાને જોયા કરતો હતો.
'વિહાન પતંગને પહેલાં સ્થિર કરતા શીખ અને પછી ડાબી બાજુથી નીચે લઈ જઈને સીધો કરીને ઉપરની તરફ ખેંચજે પેલો ગુલાબી પતંગ કપાઈ જશે.' - સુરજે રીમાના દીકરાને કહ્યું.
વિહાને બિલકુલ સુચના પ્રમાણે કર્યું અને ગુલાબી પતંગ કપાઈ ગયો. વિહાન ખુશ થઈ ગયો.
'યાર અંકલ તમે તો માસ્ટર છો. પતંગ ચગાવતા નથી છતાં કેવી રીતે પેચ લેવો તમને ખબર છે. સેલ્યુટ મેન.' - વિહાન બોલ્યો.
'એ જેનઝી આ તારો યાર નથી. મારો યાર છે. તારે ખાલી અંકલ જ કહેવાનું હોય. બોલવામાં ભાન રાખ..' - રીમાએ છણકો કર્યો.
'હાય રીમા... કેમ છે.' - રીમા આગળ કંઈ બોલે ત્યાં જ ધાબાના પ્રવેશદ્વારેથી મોટો અવાજ આવ્યો અને રીમા અને સુરજ બંનેનું ધ્યાન ત્યાં ગયું. સામે દિશા ઊભી હતી. દિશા, તેનો હસબન્ડ સંદીપ, તેની બંને દીકરીઓ અને દિશાના મમ્મી-પપ્પા. સુરજના ચહેરા ઉપરનું સ્મિત એકાએક વિલાઈ ગયું. રીમા તો દોડીને દિશાને ભેટી પડી.
રીમા અને દિશા એકબીજાના કઝીન્સ હતા. બંને પારિવારક મામા-ફોઈની દીકરીઓ થતી હતી. રિમાના પપ્પા અને દિશાની મમ્મી કઝીન ભાઈ-બહેન હતા. બધા આવીને ગોઠવાયા અને રીમા દોડીને પાછી સુરજ પાસે આવી.
'એ, સુરજીયા... લે તારી સરપ્રાઈઝ આવી ગઈ. હવે મનભરીને તેની સાથે વાતો કરજે. દિશા કહેતી હતી કે, આ વખતે ઈન્ડિયા ટૂરમાં તને મળવું છે અને વાતો કરવી છે. જો એ અહીંયા જ આવે છે. ઊભો થઈને જતો નહીં.' - રીમાએ સુરજનો હાથ પકડીને ખેંચ્યો અને તેને બેસાડતા કહ્યું.
'હાય સુરજ, કેમ છે. ઘણા વખતે મળ્યા આપણે. હું લાસ્ટ ટાઈમ ઈન્ડિયા આવી ત્યારે પણ તને મળવું હતું. હું પપ્પાના ઘરે રોકાવા ગઈ ત્યારે મેં વિષ્ણુકાકાને કહ્યું હતું કે, સુરજને બોલાવજો પણ તું આવ્યો જ નહોતો.' - દિશા આવીને સુરજની લગોલગ બેસી ગઈ.
'હા, મને મામાનો ફોન આવ્યો હતો પણ તે વખતે હું થોડા કામમાં પ્રવાસે હતો. મારા બે-ત્રણ કાર્યક્રમ હતા. સોરી યાર.' - સુરજે સાવ નિસ્તેજ જવાબ આપ્યો.
'તું પતંગ કેમ નથી ચગાવતો. તારા જેવો માણસ ઉત્તરાયણે શાંત બેસી રહે તે પચતું નથી.' - દિશા બોલી.
'ઘણા કારણો છે જેના લીધે હું પતંગ નથી ચગાવતો. એક તો સુરજની દિશા બદલાઈ અને તે ઉત્તર તરફ ગતિ કરતો થયો ત્યારથી અંધારું વહેલું થવા માંડયું એટલે બધું છોડી દીધું છે.' - સુરજે જવાબ આપ્યો અને દિશાના ચહેરા ઉપર સહેજ અવસાદ આવી ગયો. તે હજી આગળ કંઈક બોલવા જાય ત્યાં જ સંદીપ પણ આવીને તેમની પાસે ગોઠવાઈ ગયો.
'હાય સુરજ, હું સંદીપ, દિશાનો હસબન્ડ. મેં ઘણી વખત તારા વિશે દિશા અને રીમાના મોઢે સાંભળ્યું છે. દિશાની મમ્મી પણ ઘણી વખત કહેતી હોય છે તારા વિશે. યુ આર એ પોએટ રાઈટ.' - સંદીપ બોલ્યો.
'હા, બટ બિફોર ધેટ આઈ એમ પ્રોફેસર ઓલસો. અંગ્રેજી ભણાવું છું અને ગુજરાતીમાં કવિતાઓ અને ગઝલો લખું છું. તમારા લંડનમાં બે-ત્રણ વખત મુશાયરા પણ કરી ગયો છું.' - સુરજે નિસ્તેજ જવાબ આપ્યો.
'તું લંડન આવીને ગયો અને અમને જાણ પણ કહ્યું નહોતું. આ રીમાડીએ પણ ન કહ્યું. મારા ઘરે તો આવવું તું.' - દિશાએ થોડી નારાજગી સાથે કહ્યું.
'મારે તો ઘર જ એક રાખવું હતું...' - સુરજ બોલતા બોલતા અટકી ગયો અને રીમાએ સુરજનો હાથ દબાવ્યો. દિશા પણ નીચું જોઈ ગઈ. સંદીપ તો પોતાની મસ્તીમાં હતો અને ઊભો થઈને પતંગ લઈને આવ્યો.
તેણે સુરજને ઈશારાથી ઓફર કર્યો પણ સુરજે ના પાડી.
સંદીપે આવડે તેવી રીતે પતંગને કિન્ના બાંધી અને પતંગ ચગાવવા લાગ્યો. પાંચ મિનિટમાં તો તેનો પતંગ કપાઈ ગયો તે પાછો આવીને દિશા, સુરજ અને રીમા સાથે ગોઠવાઈ ગયો. તેના હાથમાં સહેજ ચીરો પડયો હતો તેને જોઈ રહ્યો હતો.
'દોસ્ત હાથમાં એકાદ ચીરો પડયો એમાં તો તું ચિંતિત થઈ ગયો. હૃદયના ઉઝરડા કેવી રીતે સહન કરી શકીશ.' - સુરજે અનાયાસ જ સંદીપની સામે કટાક્ષ કર્યો.
'કવિરાજ મને આવું બધું નહીં સમજાય. હા હાથમાં થોડું વધારે વાગ્યું છે. જો લોહી આવ્યું છે.' - સંદીપે એમ કહીને તેની હાથ સુરજ તરફ ધર્યો. સુરજે પણ તેનો હાથ પકડીને ક્યાંય સુધી જોયા કર્યું.
'અલા શું જૂએ છે. પામિસ્ટ્રી પણ કરવા લાગ્યો છે કે શું હવે.' - રીમાએ કહ્યું અને બધા હસી પડયા.
'હું તો એ રેખા શોધતો હતો એના હાથમાં જે મારા હાથમાં નથી.' - સુરજે કહ્યું અને સંદીપ માત્ર હાથ છોડાવીને બીજો પતંગ લઈને ઊભો થઈ ગયો.
દિશા નિસ્તેજ ચહેરે સુરજ સામે જોઈ રહી અને રીમાએ સુરજના પીઠ ઉપર હળવો હાથ ફેરવ્યો અને એક અગોચર સ્મિત તેના ચહેરા ઉપર ઉપસી આવ્યું.


