- કૈટલીન નોબ્સના માતા-પિતા, માસા-માસી અને નાની પણ આંતરરાષ્ટ્રીય હોકી રમી ચૂક્યા છે
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- કેન્સર સામે સંઘર્ષ કરી રહેેલા કૈટલીનના પિતા અને ભૂતપૂર્વ ઓલિમ્પિયન માઈકલ નોબ્સ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમના કોચ હતા
ર મતના મેદાનમાં શ્રેષ્ઠતાના શિખર સુધી પહોંચવું અત્યંત દુષ્કર હોય છે. ગમે તેવી સ્તર હોય કે પરિસ્થિત એકાદ મજબુત હરિફનો સામનો તો સ્વાભાવિકપણે જ કરવો જ પડે. સંઘર્ષ અને પરિશ્ચમ થકી સફળતાને હાંસલ કર્યા બાદ તેને ટકાવી રાખવી એ સૌથી મુશ્કેલ પડકાર છે. તેમાંય જ્યારે વ્યક્તિના સંઘર્ષને પરિવારનો સાથ અને માર્ગદર્શન મળે છે,ત્યારે ટોચ પર પહોંચવાની રાહ થોડી આસાન બની જાય છે. આમ છતાં કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. તેમાં ય સુપરસ્ટાર્સના સંતાનો પર તો અપેક્ષાનો એવો અસહ્ય બોજ હોય છે, જેને ઊંચકી શકવાની ક્ષમતા જૂજ પ્રતિભાઓ દર્શાવી શકે છે. આવી જ પ્રતિભાઓથી સંપન્ન નોબ્સ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી આંતરરાષ્ટ્રીય હોકીને સમર્પિત રહ્યો છે અને દરેક પેઢીએ વૈશ્વિક સ્તરે તેની પ્રતિભાનો ચમકારો દેેખાડીને આગવી નામના
મેળવી છે.
હાલમાં ભારતમાં ચાલી રહેલી હોકી ઈન્ડિયાની મહિલા લીગમાં ભાગ લઈ રહેલી ઓસ્ટ્રેલિયાની કૈટલીન નોબ્સ તેના પરિવારના ગૌરવમય હોકી ઈતિહાસને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટેની સફરમાં આગળ વધી રહી છે. ૨૮ વર્ષની કૈટલીનની આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી તરીકેની કારકિર્દી સવા સો મુકાબલાનો મુકામ પાર કરી ચૂકી છે. તેણે મહિલા હોકી વર્લ્ડ કપ થી લઈને પ્રો હોકી લીગ તેમજ કોમનવેલ્થ ગેમ્સ તેમજ ચેમ્પિયન્સ લીગ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ્સમાં ચંદ્રકો જીતવામાં સફળતા મેળવી છે. આ સાથે તેણે પોતાના દેશને તો ગૌરવ અપાવ્યું જ છે, તેની સાથે સાથે નોબ્સ પરિવારના હોકીના ગૌરવશાળી ઈતિહાસને વધુ સમૃધ્ધ બનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની મહિલા હોકી ટીમને 'હોકીરૂસ' ના નામથી ઓળખવામાં આવે છે. કાંગાંરુ નામનું અનોખુુ પ્રાણી ધરાવતા ઓસ્ટ્રેલિયાની મહિલા હોકી ટીમ માટે આ હુલામણા નામની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની પુરુષ હોકી ટીમના પર્યાયવાચી તરીકે 'કુકાબુરાસ' શબ્દનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં ચાલી રહેલી મહિલાઓ માટેની ભારતીય હોકી લીગમાં રમી રહેલી કૈટલીન તેની આગવી રમત થકી કેન્સર સામે સંઘર્ષ કરી રહેલા તેના પિતાના ચહેરા પર સ્મિત રેલાય તે માટે પ્રયત્ન કરી રહી છે.
કૈટલીન અને તેના પિતા માઈકલ નોબ્સનો સંબંધ જેટલો હોકી સાથે ગાઢ રહ્યો છે, તેટલો જ ભારત સાથે પણ અત્યંત નજીકનો રહ્યો છે. માઈકલ નોબ્સ પણ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય હોકી ટીમમાં સ્થાન મેળવી ચૂક્યા હતા. તેઓ ૧૯૮૪ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય હતા, જે થોડા માટે ઓલિમ્પિક મેડલ ચૂકી જતાં ચોથા ક્રમે રહી હતી. માઈકલ નોબ્સે ઓસ્ટ્રેલિયન હોકીમાં પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું હતુ અને તેઓને ૨૦૧૧માં ભારતની પુરુષ હોકી ટીમના કોચ તરીકે નિયુક્ત થયા હતા.
ભારતીય હોકી ટીમ ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં તો ક્વોલિફાય થવામાં જ પણ નિષ્ફળ રહી હતી. જોકે નોબ્સના માર્ગદર્શનમાં ભારતે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમા ક્વોલિફાય થવામાં સફળતા મેળવી હતી. અલબત્ત, ભારતીય હોકી ટીમ આગવો પ્રભાવ પાડી શકી નહતી અને આખરે તેમણે વિદાય લીધી હતી. નોબ્સ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની હોકી સાથે જોડાયેલા રહ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ લીવરના કેન્સરની સામે સંઘર્ષ કરી રહ્યા છે. કેન્સર હવે તેમના હાડકા સુધી ફેલાઈ ચૂક્યું છે, પણ નોબ્સ પરિવાર તેમની સારવાર માટે જરા પણ કસર છોડવા માંગતો નથી. કૈટલીન અને તેની બહેન જેમીએ તેમના પિતાની સારવાર માટે ક્રાઉડફંડિગ થકી આશરે ૭૫ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એકઠા કર્યા હતા અને હાલમાં તેમાંથી તેમની સારવાર ચાલી રહી છે.
કૈટલીનની માતા લી કૅપ્સ અને તેમનો પરિવાર પણ હોકીમાં ઓલિમ્પિક સુધીની સફર ખેડી ચૂક્યો છે. લી કૅપ્સ તેમની બહેન મિશેલ કૅપ્સ તેમજ તેમના પતિ માઈક હેજેર પણ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. કૈટલીનની નાની જુન હાર્ડિંગ પણ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય હોકી ટીમ તરફથી રમી ચૂક્યા છે અને હાલમાં તેઓ ઓસ્ટ્રેલિયન હોકીના હોલ ઓફ ફેમમાં સ્થાન ધરાવે છે. જુન હાડગ ૧૯૫૭ થી લઈને ૧૯૬૩ દરમિયાન કુલ મળીને ૧૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. આક્રમણ પંક્તિના અચ્છા ખેલાડી એવા જુને તેમની ટૂંકી કારકિર્દીમાં કુલ ૧૯ ગોલ ફટકાર્યા હતા, જેના કારણે તેમને ઓસ્ટ્રેેલિયન મહિલા હોકીમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે.
જુન હાર્ડિંગના હોકીના સંસ્કાર તેમની પુત્રીઓ લી અને મિશેલને હોકીમાં જ મળ્યા.આ જ કારણે બંનેએ ઘરઆંગણાના મુકાબલામાં શાનદાર દેખાવ કરતાં રાષ્ટ્રીય ટીમ સુધીની સફર ખેડી. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ૧૯૮૮ના સેઉલ ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી અને તે ટીમમાં લી અને મિશેલ બંને સામેલ હતા. લી ની કારકિર્દી સેઉલ બાદ આગળ વધી ન શકી. જ્યારે મિશેલે તો ૧૯૯૪ના ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન જ લી એ માઈકલ નોબ્સ સાથે લગ્ન કર્યા. જ્યારે મિશેલની મુલાકાત ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનારી ઓસ્ટ્રેલિયન હોકી ટીમના કેપ્ટન માર્ક હેજર સાથેે થઈ. હેજર ખેલાડી તરીકે સવા બસોથી વધુ મુકાબલા ખેલી ચૂક્યો છે અને ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમની સાથે ન્યુઝીલેન્ડ અને ગ્રેટ બ્રિટનની મહિલા ટીમના કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી
ચૂક્યા છે.
હોકી ઓલિમ્પિયનોના પરિવારમાં જન્મેલી કૈટલીને પણ પરિવારની પરંપરાને આગળ ધપાવતા હોકી પર જ પસદંગી ઉતારી અને ઝડપથી તેણે રાષ્ટ્રીય જુનિયર હોકી ટીમમાં સ્થાન પણ મેળવી લીધું હતુ. માત્ર ૧૯ વર્ષની વયે તેને ઓસ્ટ્રેલિયાની રિયો ઓલિમ્પિકની ટીમની સાથે પ્રેક્ટિસ કરવાની તક મળી હતી. જોકે તે થોડા માટે ટીમમાં સ્થાન મેળવી શકી નહતી. અલબત્ત તે વર્ષે તેણે ચિલીના સાન્ટીએગોમાં ઓસ્ટ્રેલિયાને જુનિયર હોકી વર્લ્ડ કપમાં કાંસ્ય જીતાડવામાં સફળતા મેળવી હતી.
કૈટલીન ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની સિનિયર હોકી ટીમમાં નિયમિત રીતે સ્થાન મેળવી રહી છે. તેણે ૨૦૨૧ના ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને નોબ્સ પરિવારની પાંચમી ઓલિમ્પિયન હોકી ખેલાડી બની હતી. તેણે ઓસેનિયા કપ, કોમનવેલ્થ ગેમ્સ, પ્રો હોકી લીગ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેનો કમાલ દેખાડયો હતો. હજુ પણ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમનો હિસ્સો છે અને તેનું સ્વપ્ન હવે ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં ભાગ લેવાનું છે.


