- આજકાલ-પ્રીતિ શાહ
- ફોટોગ્રાફ્સ દ્વારા વન્યજીવનના સંરક્ષણનું અભિયાન ચલાવીને પર્યાવરણનું રક્ષણ કરવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો ઉપયોગ મર્યાદિત કરી શકાય
મો બાઈલ આવ્યા પછી તો દરેક વ્યક્તિ પોતાને ફોટોગ્રાફર માને છે, પરંતુ ફોટોગ્રાફીને કલા તરીકે જોનારો અને પારખનારો વર્ગ ઘટતો જોવા મળે છે. જોકે ફોટોગ્રાફર ધારે તો કલાત્મક તસવીરો દ્વારા ઘણું કહી શકે. આવા ફોટોગ્રાફર કેમેરાને એક કલાત્મક સાધન માને છે. ભારતના જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર બૈજુ પાટીલ કેમેરા લઈને નીકળી પડે છે. કલાકો નહીં, દિવસો સુધી એક ઉત્તમ 'ક્લિક' માટે રાહ જુએ છે. તેઓ માને છે કે કુદરત તમને કેમેરો ઉપાડવા ઉત્તેજિત કરે છે અને તેનું સૌંદર્ય તમને એટલું સંમોહિત કરે છે કે તેના ફોટોગ્રાફ તમે પાડો છો અને તેનાથી અન્ય લોકો સંમોહિત થાય છે, આવી પ્રેરણાદાયક વાત કરતા બૈજુ પાટીલ આર્જેન્ટિનાના સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર જેરાર્ડો સુટરનું વાક્ય ટાંકે છે કે, 'મેં ફોટોગ્રાફીને પસંદ નથી કરી, ફોટોગ્રાફીએ મને પસંદ કર્યો છે.' બાળપણથી જ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા બૈજુ પાટીલે ઔરંગાબાદ અર્થાત્ અત્યારના છત્રપતિ સંભાજીનગરની બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવીને બઁગાલુરુ સિમ્બોયસીસ સ્કૂલ ઑફ ફોટોગ્રાફીમાં પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ સિંગાપોરમાં તેની તાલીમ લીધી. દિલ્હીમાં કોડક ઇન્ડિયાની પ્રોફેશનલ ફોટોગ્રાફી વર્કશોપમાં ભાગ લીધો. બૈજુ પાટીલ હાલ છત્રપતિ સંભાજીનગરમાં મહાત્મા ગાંધી મિશન યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ ફોટોગ્રાફીના અધ્યક્ષ છે. તેમણે ફોટોગ્રાફીના જુદાં જુદાં પાસાઓ પર કામ કર્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી અને પોટ્રેટ ફોટોગ્રાફીમાં નિપુણતા ધરાવે છે, પરંતુ કુદરત અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવી એ તેમનું પેશન બની ગયું છે. તેઓ તેમને મળતો સમય અને શક્તિ જંગલનાં રહસ્યો શોધવામાં, તેના વાતાવરણને માણવામાં, જંગલના પ્રાણીઓ સાથે અને પક્ષીઓનો મધુર કલરવ સાંભળવામાં ગાળે છે. વાઇલ્ડલાઇફના ફોટોગ્રાફ ઘણીવાર અશક્ય લાગતી બાબતોને તાદ્રશ્ય કરે છે, પરંતુ એ તસવીર પાછળ દિવસોની મહેનત રહેલી હોય છે. બૈજુ પાટીલ એક વખત જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં આઠ દિવસ રહ્યા, પરંતુ તેમને સંતોષકારક ફોટોગ્રાફ પાડવાની કોઈ તક મળી નહીં. એક દિવસ હાથી 'ડસ્ટ બાથ' કરી રહ્યા હતા. હાથી પોતે નાહીને સૂંઢમાં ધૂળ ભરીને પોતાના ઉપર જ ઊડાડે છે જે તેને માટે સ્કીન કેર અને સનક્રીમનું કામ કરે છે. આ રીતે ગોલ્ડન અવરમાં અર્થાત્ સૂર્યોદય પછી અથવા સૂર્યાસ્ત પહેલાંના સમયે સોનેરી કિરણોમાં હાથી 'ડસ્ટ બાથ' કરી રહ્યો હતો અને આગળ બે વરુ હતા, જેમાં એકના મોઢામાં તેનો શિકાર હતો. આ ફોટોગ્રાફને નેશનલ જિયોગ્રાફી માટે પસંદ કરવામાં આવ્યો અને તેને ક્રોમેટિક ઍવૉર્ડ એનાયત થયો. બૈજુ પાટીલે રાજસ્થાનના તાલ છાપર અભયારણ્યમાં નેપાળી ગરુડ અને કાળિયારનો ફોટો પાડયો હતો, જેને ૨૦૧૮માં સેન્ચુરી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી ઍવૉર્ડ મળેલો. તેમના ફોટોગ્રાફનું લંડનના રોયલ આલ્બર્ટ હાલમાં પ્રદર્શન રખાયું હતું. ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફરનો ૨૦૧૫માં અવાર્ડ એમને મળ્યો. 'વર્લ્ડ બર્ડ ફોટોગ્રાફર ઑફ ધ યર'માં તેઓ બાર વર્ષથી ભાગ લેતા હતા. ૨૦૨૫માં સમગ્ર વિશ્વમાંથી તેત્રીસ હજાર ફોટોગ્રાફરના પચાસ લાખ ફોટા આવ્યા હતા, 'બર્ડ ઇન ફ્લાઇટ' શ્રેણીમાં તેમણે અહિલ્યાનગરના હિવરે બજારમાં ગલગોટાના ફૂલ પર પક્ષીઓ ઊડતા હોય તેવો ફોટો પાડેલો. તેઓ જ્યારે કેમેરામાં લેન્સ નાખતા હતા ત્યાં પક્ષીઓ ઊડી ગયા તે પછી બે કલાક સુધી રાહ જોઈ અને ફોટો પાડયો તેનું નામ આપ્યું 'હાર્મની બિટવિન બર્ડ ઍન્ડ નેચર'. આને માટે ૨૦૨૫ ઑક્ટોબરમાં તેમને સિલ્વર મેડલ એનાયત થયો. પ્રથમ ગોલ્ડન મેડલ કેનેડાને અને બ્રોંઝ મેડલ હંગેરીને એનાયત થયો હતો.
બૈજુ પાટીલને અત્યાર સુધીમાં ૧૬૫થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ઍવૉર્ડ મળ્યા છે, પરંતુ જીવનમાં આનંદની ક્ષણ આવી જ્યારે રીફોક્સ ઍવૉર્ડ ડિસેમ્બર ૨૦૨૫માં વર્લ્ડ નં.૧(વાઇલ્ડલાઇફ) ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે ! ૧૦૯ દેશોએ આમાં ભાગ લીધો હતો. પ્રથમ વાર કોઈ ભારતીયને આ સન્માન પ્રાપ્ત થયું છે. સાડા ત્રણ દાયકાની તેમની સફરમાં તેમણે જૈવ વિવિધતા, જંગલો અને વન્યજીવનની અનેક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે. આ પુરસ્કાર પ્રાપ્ત તસવીર રાજસ્થાનના પ્રસિદ્ધ ભરતપુર પક્ષી અભયારણ્યમાં લેવામાં આવી છે. તેમણે આ તસવીર દ્વારા પ્રકૃતિના સંતુલન, સંઘર્ષ અને સૌંદર્યને એક જ ફ્રેમમાં દર્શાવી છે. આ રોમાંચક દ્રશ્યમાં એક સ્નેકબર્ડ પાણીમાં બહાર આવે છે. માછલી તેની ચાંચમાં છે અને પાસે રહેલો એક ગ્રે હેરોન એકાગ્રતાથી પોતાના શિકાર પર નજર રાખીને ઊભો છે. પ્રકૃતિના વ્યવહારને સમજવાનું અને યોગ્ય સમયે યોગ્ય ક્ષણને કેમેરામાં કેદ કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બૈજુ પાટીલે પૂરું પાડયું છે. આ માત્ર ફોટોગ્રાફીની જ કમાલ નથી, પરંતુ તેમની ઊંડી સમજ, લાંબા સમયનો અનુભવ અને અસાધારણ ધૈર્યને દર્શાવે છે. તેઓ દૃઢપણે માને છે કે ફોટોગ્રાફ્સ દ્વારા વન્યજીવનના સંરક્ષણનું અભિયાન ચલાવીને પર્યાવરણનું રક્ષણ કરવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો ઉપયોગ મર્યાદિત કરી શકાય.
મન્નત કૌરની મથામણ
અમેરિકાની વૈશ્વિક જળ ટૅક્નૉલૉજી કંપની મન્નત કૌરને કલ્પના ન હતી કે એક દિવસ તેના ઘરના નળમાં પાણી ન આવવાથી તેની યાત્રા શરૂ થશે અને સ્વીડનના રાજા અને રાણીને ત્યાં આમંત્રિત અતિથિ બનશે
બે -ત્રણ દિવસ પાણી ન આવે ત્યારે લોકો ત્રસ્ત થઈ જાય છે. આવું જ બન્યું દિલ્હીની ડીપીએસ આર.કે. પુરમમાં અભ્યાસ કરતી મન્નત કૌર સાથે. ૨૦૧૬માં એક દિવસ તેમના ઘરના નળમાં પાણી ન આવ્યું. દિલ્હીની મુનક નહેર તૂટી જવાથી તે વિસ્તારમાં પાણી પહોંચ્યું નહીં. આસપાસ પડોશીઓને પણ એક ડોલ પાણી મેળવવું મુશ્કેલ થઈ પડયું. આ ઘટનાએ એને વિચારતી કરી મૂકી. તેણે જોયું કે પોતાના પરિવારમાં ઘણું પાણી વેડફાઈ રહ્યું છે, તો બીજી બાજુ દૂષિત પાણી ફ્લશમાં નાખવા માટે એકત્ર પણ થતું હતું. તેણે પૂછયું કે દૂષિત પાણી આવી રીતે વાપરવાની પદ્ધતિ બધાં ઘરોમાં કેમ નથી, ત્યારે તેણે જાણ્યું કે તેના માટે શૌચાલય અને પાઇપલાઇનમાં મોટું પરિવર્તન કરવું પડે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી મન્નત પાણી રીસાયકલ થઈને વપરાશમાં કેવી રીતે લઈ શકાય તેના વિશે સતત વિચારતી અને સંશોધન કરતી.
મન્નતે વિચાર્યું કે વોશિંગ મશીન, શાવર કે સિંકમાં વપરાતા પાણીને રીસાયકલ કરીને ઘરમાં સફાઈ કરવામાં, વાહનોની સફાઈ કરવામાં કે બગીચામાં તેનો ઉપયોગ કરી શકાય. મન્નતે પ્રોટોટાઇપ બનાવવાનં શરુ કર્યું અને એક ડિસેન્ટ્રલાઇઝ્ડ ગ્રેવોટર કલેક્શન અન્ડ રીસાઇક્લિંગ સિસ્ટમ તૈયાર કરી. આ એક સ્વદેશી, ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં મુખ્ય બે ટૅક્નિકલ ઉપકરણો છે. એક બિલ્જ વેસલ અને બીજું સ્કૂપર વાલ્વ. સ્કૂપર વાલ્વ એક નાનું સાધન છે, જેને ફ્લોર ડ્રેનમાં લગાવી શકાય છે જે બાથરૂમ અને રસોડામાંથી નીકળતા ગ્રેવોટરને ભેગું કરે છે અને ત્યારબાદ આ પાણીને બિલ્જ વસલમાં નાખવામાં આવે છે. જ્યાં તેની ફિલ્ટ્રેશનની પ્રક્રિયા થાય છે. બિલ્જ વૅસલમાં એકની ઉપર એક ત્રણ બકેટ હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ પદ્ધતિ ખંભા કમ્પોસ્ટીંગથી પ્રેરિત છે. આમાં પ્રાકૃતિક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી આ પાણી પીવાલાયક હોતું નથી.
આ પદ્ધતિમાં પાણી અને ઊર્જા બંનેની બચત થાય છે. આમાં પારંપરિક કેન્દ્રીકૃત ઉપચાર પ્રણાલી જેમકે પંપિગ અને સંચાલક માટે વપરાતી ઊર્જાની સરખામણીમાં એંશી ટકા જેટલું કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. પ્લમ્બિંગ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણથી થતું કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય છે. તેનું માનવું છે કે શહેરના વીસ ટકા લોકો પણ આ સિસ્ટમને અપનાવે તો લાખો લીટર સ્વચ્છ પાણી બચાવી શકાય.
મન્નત કૌરે આઈ.આઈ.ટી. મદ્રાસના વિશ્વ જળ પુરસ્કારમાં રાષ્ટ્રીય આયોજક તરીકે કામ કર્યું. તેણે ત્રેવીસ રાજ્યોના સાડા ત્રણસો સ્પર્ધકો સાથે ભાગ લીધો અને વિજેતા બની. પસંદ પામેલી બાર ટીમને આઈ.આઈ.ટી.ના કૅમ્પસમાં પોતાની વાત રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું, જ્યાં તેની ગ્રેવોટર રીસાઇકલિંગની યોજનાની પસંદગી થઈ. તે વર્ષે આઈ.આઈ.ટી. મદ્રાસના સસ્ટેનેબિલિટી વેંચર સ્ટુડિયો અંતર્ગત સ્ટોકહોમ જુનિયર વોટર પ્રાઇઝ ઇન્ડિયાની શરૂઆત થઈ હતી, જેનું આયોજન સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વૉટર ઇન્સ્ટિટયૂટના સહયોગથી કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષથી ગ્રેવોટર રીસાઇકલિંગ પર કામ કરતી મન્નત કૌર રાષ્ટ્રીય ચમ્પિયનશિપમાં પોતાની જીતને એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માને છે.
જવાહરલાલ યુનિવર્સિટીમાં યોજાયેલી 'રોલ ઑફ વિમેન ઇન સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી ફૉર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ'ની કોન્ફરન્સમાં મન્નત કૌરે વેસ્ટ વાટર ટ્રીટમેન્ટ વિશે સંશોધન રજૂ કર્યું. આ કોન્ફરન્સમાં તે સૌથી નાની વયની હતી. તેને શ્રેષ્ઠ રજૂઆત અને નવા વિચાર માટેનો ઍવૉર્ડ મળ્યો. ૨૦૨૪માં વિશ્વ જળ સપ્તાહ અંતર્ગત આયોજિત આંતરરાષ્ટ્રીય સ્ટોકહોમ જુનિયર જળ પુરસ્કાર સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તે સ્ટોકહોમ ગઈ હતી. તેના પિતા, આઈ.આઈ.ટી, મદ્રાસના પર્યાવરણ એન્જિનિયરીંગ વિભાગના રાષ્ટ્રીય આયોજક અને સ્કૂલ ઑફ સસ્ટેનેબિલિટીના પ્રોફેસર ઇંદુમતી નમ્બી સાથે મન્નત કૌર સ્ટૉકહોમ ગઈ હતી. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ત્રીસ દેશોના હરીફો સાથે એણે ભાગ લીધો. આ સ્પર્ધામાં યુ.કે.એ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો, પરંતુ સ્ટૉકહોમ યાત્રાએ તેને અવિસ્મરણીય યાદો અને આત્મવિશ્વાસ આપ્યા. ત્યાં એે વિશેષજ્ઞાો સાથે ચર્ચા કરવાની તક મળી. 'સ્ટોકહોમ જુનિયર વોટર પ્રાઇઝ સાથે પેઢીઓેને જોડવી' તે વિષય પર ચર્ચામાં ભાગ લેવા માટે તેની પસંદગી કરવામાં આવી હતી, જે અમેરિકાની વૈશ્વિક જળ ટૅક્નૉલૉજી કંપની મન્નત કૌરને કલ્પના ન હતી કે એક દિવસ તેના ઘરના નળમાં પાણી ન આવવાથી તેની યાત્રા શરૂ થશે અને સ્વીડનના રાજા અને રાણીને ત્યાં આમંત્રિત અતિથિ બનશે. તે કહે છે કે તેની પોતાની રચનાત્મકતા વાસ્તુકાર પિતા પાસેથી અને વિશ્લેષણાત્મક વિચારો પોતાની ગણિતજ્ઞા માતા પાસેથી મળ્યા છે. આ બંનેના મિશ્રણથી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને તે જીવન જીવવાની પદ્ધતિને બદલવા માગે છે.


