- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- જો કોઈ પરિસ્થિતિ આવે, તેમાં આનંદિત રહેવું છે એવો દ્દઢ નિર્ણય કરો અને તેની જાગૃતિ રાખો. જાગૃતિ ન રહેતાં નિર્ણયનું જોર મંદ પડી જાય છે, પ્રસંગ પડયે ફે૨ફા૨ ક૨વાનો ઉદ્યમ થઈ જાય છે
- 'તમે કહેશો કે શું બદલાવાનું અમારે જ પક્ષે ? સામેવાળાને જે કરવું હોય તે બધું કરવાની છૂટ અને શાંત સ્વીકાર માત્ર અમારે જ કરવાનો!
સી ધીસાદી ભાષામાં આને 'જીવન જીવવાની જડીબુટ્ટી' કહેવાય છે. ઈશ્વર હોય કે તીર્થંકર, મહાત્મા હોય કે સંત, વિદ્વાન હોય કે વિચારક - આ સહુ કોઈનાં જીવનમાં એક એવો કેન્દ્રીય વિચાર હોય છે કે જેની ઈંટ પર એમના વિચારોની આખીય ઇમારત ઘડાયેલી હોય છે. એ શબ્દ પામીએ અને એ વિચારને જાણીએ તો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી હાથ લાગી જાય.
ભગવાન મહાવીર પાસેથી 'અપ્રમાદ' શબ્દ મળે છે. જીવનમાં એક પળનો પણ પ્રમાદ કરવો નહીં, એવો એમનો સંદેશ સાંપડે છે. શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ગીતામાં 'કર્મયોગ'ની વાત કરી છે અને ફળની આકાંક્ષા વિના કર્મ કરવું એ સિદ્ધાંત આપ્યો છે. એ જ રીતે ભગવાન બુદ્ધ પાસેથી સમ્યગ્ સ્મૃતિનો સિદ્ધાંત મળે છે અને ભગવાન શિવ પાસેથી કલ્યાણની ભાવના મળે છે.
વિચારક ગુર્જીયેફ 'અવેકનિંગ'(જાગરણ)ની વાત કરે છે. એ જ પ્રકારે જાગરણની વાત સ્વામી વિવેકાનંદ 'ઊઠો ! જાગો !' કહીને કરે છે. કોઈ સંત વળી પોતાના સિદ્ધાંતનું તત્ત્વ 'સ્વરૂપાનુસંધાન' સાથે જોડી આપે છે, તો વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જીવનને 'મોહમલ્લ સામેના યુદ્ધ' સાથે સરખાવે છે.
આ રીતે એક મુખ્ય વિચારના આધારે સમગ્ર જીવનદર્શન પ્રવર્તતું હોય છે. એ સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી પાસેથી શાંત સ્વીકારથી સાક્ષીભાવની યાત્રાનો વિચાર પ્રાપ્ત થાય છે અને તેઓનાં જ શબ્દોમાં આ શાંત સ્વીકાર એટલે શું ? એમ કહેતા તેઓશ્રી દર્શાવે છે કે,
ફરિયાદને બદલે સમાધાન, અસ્વીકારના સ્થાને સ્વીકારનું વલણ અપનાવતાં રાગ-દ્વેષની ઉગ્રતા ઘટવા લાગે છે, ઉત્પત્તિ અટકવા લાગે છે. એક જાપાની ઉક્તિ છે 'તમે વસ્તુને સ્વીકારો તો એ જેવી છે તેવી છે અને જો તમે વસ્તુને નહીં સ્વીકારો તોપણ એ જેવી છે તેવી છે.' એમાં ઊંડું જ્ઞાન છે અને મનની શાંતિનું રહસ્ય છે.
'દુનિયા જેવી છે તેવી છે. તમે ઊંચા-નીચા ન થાઓ. જે છે તે છે. તમને એ પસંદ હોય કે ન હોય, માન્ય હોય કે ન હોય, તે એવી જ છે. માટે સામે ન થાઓ. સામે થશો તો નાહક દુ:ખી થશો. ભીંત સામે છે. ભીંતની સામે માથું અફળાવવું હોય તો અફળાવો. ભીંત તો એમ જ રહેશે. માથાને જ વાગશે, એટલે કે નુકસાનનો ખેલ છે, તોય ઘણાખરા લોકોને એ ખેલ પ્રિય છે.
'સમાજ કંઈ આદર્શ થવાનો નથી. પૃથ્વી પર કોઈ સુવર્ણયુગ ઊતરવાનો નથી. વસ્તુઓ તો જેવી છે તેવી છે અને રહેશે. એના સંચાલનમાં આપણું કશું ચાલવાનું નથી. વસ્તુ એટલે પ્રસંગો, વ્યક્તિઓ, પતિ-પત્ની, છોકરાઓ, સગાંઓ અને મિત્રો - બધાં જેવાં છે તેવાં છે. સમજો તો એવાં છે અને ન સમજો તોપણ એવાં જ છે. તમારા સ્વીકાર-અસ્વીકારથી તેમનામાં કોઈ ફરક પડવાનો નથી. હવે માથું અફળાવવું હોય તો ખુશીથી અફળાવો. ભીંત તૈયાર છે.
'તમે કહેશો કે શું બદલાવાનું અમારે જ પક્ષે ? સામેવાળાને જે કરવું હોય તે બધું કરવાની છૂટ અને શાંત સ્વીકાર માત્ર અમારે જ કરવાનો !
'બિલકુલ નહીં. જો તમારે સુખી થવું હોય તો જ તમારા ભાગે સ્વીકા૨ ક૨વાની, વલણ પરિવર્તનની મહેનત આવશે. જે જેટલું બદલાશે, તે તેટલું સુખી થશે. પૂર્ણ સુખની આકાંક્ષા છે અને થોડું કે નહીંવત્ બદલાશો તો એ કઈ રીતે બને ? પ્રત્યેક પળે અને સ્થળે, કસોટીના દરેક પ્રસંગે તમારે ફરિયાદનો સૂર બંધ કરી સમાધાનનો સૂર કાઢવો પડશે, તકરારનું વલણ ભૂલી જઈ આવકા૨નું વલણ કેળવવાનું રહેશે, નારાજગીની ટેવ છોડી પ્રસન્નતાને અંગીકાર કરવી જોઈએ. તમારે જો દુ:ખી થવું હોય તો લાખો વિકલ્પો છે, પણ સુખી થવું હોય તો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વસ્તુનું પરિણમન જે રીતે થવાનું છે, તે રીતે જ થશે. તમે કાં ફરિયાદ કરીને દુ:ખી થાઓ, કાં શાંત સ્વીકાર કરીને સુખી થાઓ. તમે ભીંતને બદલી શકવાના નથી. તેથી ભીંતને બદલવી કે ન બદલવી એવી કોઈ પસંદગી નથી. માત્ર ભીંત સાથે તમારું માથું અફળાવવું છે કે નથી અફળાવવું એ જ તમારે પસંદ ક૨વાનું છે.
આ સંદર્ભમાં એક માર્મિક ઉદાહરણ આપતા તેઓ કહે છે કે,
'એક માણસના ઘરની આગળ બગીચો હતો. એનું જતન તે પોતે ધ્યાનથી અને મમતાથી કરતો હતો. પોતાને મનગમતાં ફૂલો એમાં ઊગે અને કોઈ જંગલી ઘાસ વચ્ચે ન ઊગે એ માટે તે જાતે મહેનત કરતો અને આદર્શ બગીચો રાખતો. તોય એક મોસમમાં કોઈ જંગલી ઘાસનાં બી પવનની પાંખે આવ્યાં અને આખા બગીચામાં એની લીલી શેતરંજી પથરાઈ ગઈ. એ ઉખેડવા માટે તેણે પ્રયત્નો કર્યા, પણ ફાવ્યો નહીં. ઘાસ ઊગે તે ઊગે. ખરું જોતાં એ ખરાબ દેખાતું ન હતું, પણ બગીચાના માલિકને પોતાનાં કેળવાયેલાં ફૂલ સાથે જંગલી ઘાસ ખપતું ન હતું એટલું જ. જાતજાતના પ્રયત્ન કર્યા પછી અને પૂરી નિષ્ફળતા સાંપડયા પછી તેણે એક ખેતીવાડીના નિષ્ણાતને પત્ર લખ્યો, પરિસ્થિતિ સમજાવી અને ઉપાય માંગ્યો. નિષ્ણાતે ઉપાય બતાવ્યો - 'ઘાસ જતું નથી તો મારી સૂચના છે કે જંગલી ઘાસ માટે પણ તમે મમતા કેળવો અને ઘાસ સાથેનો જ બગીચો બનાવો. ઘાસ પ્રત્યેના અસ્વીકારના વલણને કારણે આ માર્ગ કદાચ દીર્ઘ કે દુર્ગમ લાગે, પરંતુ આના સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ શોર્ટકટ (ટૂંકો રસ્તો) નથી.'
'નિષ્ણાતની સલાહ સાચી હતી. ઘાસ આવી ગયું છે, જતું નથી, તો વધાવી લો. ફૂલ સારાં તો ઘાસ પણ સારું. ગમતું નથી તો દ્રષ્ટિ બદલો. ઘાસ કોઈ તકલીફ આપતું નથી, એ પ્રત્યેની ફરિયાદ દુ:ખ આપે છે. બગીચો રાખવો હોય તો હાલ જે રાખી શકાય તે આવો જ છે ઘાસવાળો ! તે ઘાસવાળો જ રાખો ને છૂપી ફરિયાદ સાથે નહીં, પણ ખુલ્લી પ્રસન્નતા સાથે. ઘાસને પ્રેમ કરવા માંડો. એનો પણ સ્વીકાર કરો. વાત એવી જ છે. બગીચો એવો જ છે. સમજો તો એવો અને ન સમજો તોય એવો. હવે તમારો નિર્ણય તમે જાણો અને તમારી વાત તમે જાણો. કહેવતનું માર્ગદર્શન મળ્યું છે, સ્વીકારશો તો સુખી થશો.'
અને એના સાર રૂપે દર્શાવે છે કે જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર ક૨વામાં જ સુખ છે. અસ્વીકાર કરવામાં દુ:ખ છે અને એથી જ તેઓ કહે છે કે,
'જો સમજો-સ્વીકારો તો વસ્તુઓ એવી છે અને ન સમજો-સ્વીકારો તોય એવી છે, એટલે કે વસ્તુઓ તો એવી જ છે; પણ સુખ-દુ:ખ, સ્વીકાર- વિરોધ, સમાધાન-ફરિયાદ તો સમજવામાં, ન સમજવામાં છે. સમજો તો સુખી અને ન સમજો તો દુ:ખી. સુખ-દુ:ખનું આટલું વ્યાકરણ છે.
'અસ્વીકારની વૃત્તિ ઊઠે છે અને દુ:ખી થવાય છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ તો એનાં એ જ રહેશે, ફક્ત બદલાશે તમારી સગવડ-અગવડ. સ્વીકાર તો સગવડ અને અસ્વીકાર તો અગવડ. બહારની પરિસ્થિતિ તો એ જ અને અંદરની પરિસ્થિતિ તમે કહો તો આનંદની અને તમે કહો તો ઉદ્વેગની. આટલી પસંદગી છે, તોય ઘણા લોકો ઉદ્વેગ જ પસંદ કરે છે. કહે છે કે અમારાથી શાંત સ્વીકાર થતો નથી. સુખ-દુ:ખ પોતાને આધીન છે, છતાં તેઓ શા માટે દુ:ખ જ પસંદ કરે છે એ માત્ર તેઓ જ જાણે છે. મનુષ્ય વિજ્ઞાનમાં અને તત્ત્વજ્ઞાનમાં અદ્ભુત તર્કો ચલાવે છે, પણ સામાન્ય જીવનની વાતો સમજવાની ના પાડે છે. નથી સમજાતું, નથી સ્વીકારાતું, નથી ઉકેલાતું. ગણિત સમજાય છે, પણ જીવનનો સરવાળો નથી આવડતો. વિજ્ઞાન જે કહે છે તે સ્વીકારાય છે, પણ પોતે જ્યાં ઊભો છે તે પરિસ્થિતિનો સ્વીકાર થતો નથી. સંસ્કૃતનું વ્યાકરણ મોઢે છે, પણ જીવનનો કક્કો ઉકેલાતો નથી.
'જીવન સમજવાનું છે - શાંતિથી. અને આખો અભ્યાસક્રમ આટલી ઉક્તિમાં જ આવે - તમે વસ્તુઓને સ્વીકારો તો એ જેવી છે તેવી છે અને તમે વસ્તુઓને નહીં સ્વીકારો તો એ જેવી છે તેવી છે. તો સમજવાનો- સ્વીકારવાનો પ્રયત્ન કરો.
જો કોઈ પરિસ્થિતિ આવે, તેમાં આનંદિત રહેવું છે એવો દ્દઢ નિર્ણય કરો અને તેની જાગૃતિ રાખો. જાગૃતિ ન રહેતાં નિર્ણયનું જોર મંદ પડી જાય છે, પ્રસંગ પડયે ફે૨ફા૨ ક૨વાનો ઉદ્યમ થઈ જાય છે. આ ચૂક થઈ એટલે અવશ્ય રાગ-દ્વેષ તમારી નિયતિ જ બની ગઈ સમજો. સુખી થવા માટે વલણ બદલવું એ અનિવાર્ય છે. જો ન બદલો તો દુ:ખ અને અશાંતિ જ અનિવાર્ય બની જશે.
(ક્રમશ:)


