- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- શો-મેન હોઈએ કે પ્રેક્ષક, એક વાત સ્મરણમાં રાખવા જેવી છે કે તે સ્થળેથી પછી નીકળી જવાનું છે. જીવનભર ત્યાં બેસી રહેવાનું નથી. નવો ખેલ-નવા પ્રેક્ષક!
ક્યા લેકે આયા બંદે
ક્યાં લેકે જાયેગા
દો દિન કી જિંદગી હે
દો દિન કા મેલા...
ઈસ જગત સરાયે મેં, મુસાફિર રહના દો દિનકા.....
પાં ચ સદી પૂર્વે કાશીના ઘાટે ગવાયેલી આ કબીરીઅતનું સત્ય આજે પણ ઝળહળે છે. પછી તે કંઠ પં. કુમાર ગાંધર્વનો હોય કે, કબીર કાફેના નિરજ આર્યનો. આપણી માટે સવાલ કે પડકાર તો એક જ છે; ક્ષણભંગુર જીવનને સમગ્રતાથી જીવીને શાશ્વત બનાવી નાખવાનો. કદાચ ક્ષણભંગુરતાને આવકારવાની કે નકારવાની નથી પણ સો ટકા ઉત્સવ બનીને જીવવાની છે. નિરંતર જીવંત રહીને તેને પડકારવાની છે બાકી ધબકાર ઓસર્યો કે જીવન અસ્ત થયું. મૃત્યુ માટે તો પછી અસીમ સમય છે -અત્યારે જીવી લો...
વિશ્વવિખ્યાત વાર્તાકાર અને પ્રવાસી પોલો કોએલો એક પ્રસંગની વાત કરે છે. તે પોતે વિચક્ષણ જીવન યાત્રી છે. એક વખત એક ગામમાં સંત જોનની ઉજવણી ચાલી રહી હતી ત્યાં તેઓ જઈ ચઢયા. આનંદમેળા જેવું વાતાવરણ હતું; નાની મોટી રમકડાંની અને ખાણીપીણીની દુકાનો, બાળકોને આકર્ષે તેવી રમતો વગેરે. એક મોટું વર્તુળાકાર ટોળું ઊભું હતું ત્યાં પોલો ઉભા રહ્યા. બધાની વચ્ચે રંગલો-વિદુષક ખેલ કરી રહ્યો હતો. બધાને હસાવવા માટે. તેણે પોલોની નકલ કરવાની શરૂ કરી. બધા હસવા લાગ્યા અને પોલો પણ હસ્યો. આખરે ખેલ પૂરા થયો, સૌ વિખેરાયાં. પોલોએ પેલા રંગલાને સાથે કોફી પીવા માટે આમંત્રણ આપ્યું. બન્નેએ કોફી પીધી. છુટા પડતી વખતે રંગલાએ પોલોને ખભ્ભે હાથ મૂકી અને આમ કહ્યું, 'જો તમે જીવતા હો તો તમારા હાથ ઉપર નીચે વીંઝો-હલાવો, ઉપર-નીચે કૂદકા મારો, થોડોક દેકારો કરો, સૌને હળો-મળો, વાતો કરો. કારણકે જીવન તો મૃત્યુની બરાબર ઊલટું છે, મૃત્યુ એટલે કાયમ માટે સ્થિર અને શાંત થઈ જવું. જો તમે સ્થગીત થયા તો તમે સમગ્રતયા જીવંત નથી.'
ઈ.સ. ૧૯૭૧માં આનંદ બક્ષીએ એક ગીત લખેલું, 'દુનિયામાં રહેનાં હૈ તો કામ કરો પ્યારે... ખેલ કોઈ નયા સુબહ-શામ કરો પ્યારે...
જીવન તો નિરંતર રીઆઝ છે-પર્ફોર્મન્સ છે. તમારે ભજન ગાવા છે તો શેતરંજી પાથરવાની અને સંકેલવાની છે. સર્કસ ચલાવવું હોય તો તંબુ બાંધવાના અને વિખેરવાના છે. મદારીએ ટોપલી લઈને શેરી-શેરીએ નાગ દેખાડવાનો છે. બજાણીઆએ બે વાંસ ખોડીને દોરડું બાંધવાનું અને છોડવાનું છે. આખરે જીવન તો શો છે. આપણે ક્યાંક અને ક્યારેક કલાકાર છીએ કે પ્રેક્ષક છીએ. શો સંપન્ન થયા પછી ઘડીક જાત સાથે બેસવાનું છે. કદાચ, એકાંત અને મૌન આપણી માટે અંતિમ વિલાસ છે, અંતિમ વિશ્રામ છે.
શો-મેન હોઈએ કે પ્રેક્ષક, એક વાત સ્મરણમાં રાખવા જેવી છે કે તે સ્થળેથી પછી નીકળી જવાનું છે. જીવનભર ત્યાં બેસી રહેવાનું નથી. નવો ખેલ-નવા પ્રેક્ષક!


