- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- કોઈએ એને પાકિસ્તાની ગણાવ્યો, તો કોઈએ એને વેસ્ટઇન્ડિયન કહ્યો. જે ઓસ્ટ્રેલિયન ઓપનર પોતાની ટીમ માટે પૂરી તાકાત લગાવીને ખેલતો હતો...
ઓ સ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજાએ ૮૭ ટેસ્ટમેચમાં ૧૬ સદી અને ૨૮ અડધી સદીની મદદથી છ હજારથી વધુ રન કર્યા, વન ડેની ચાલીસ મેચમાં ૨ સદી અને ૧૨ અડધી સદી દ્વારા ૧,૫૫૪ રન કર્યાં. એ ટી-ટ્વેન્ટીમાં પણ રમ્યો અને આ લખાય છે, ત્યારે સિડનીમાં ખેલાઈ રહેલી ટેસ્ટમેચ એની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંતિમ મેચ બની રહી છે.
૩૯ વર્ષના ઉસ્માન ખ્વાજાએ આ નિવૃત્તિ વેળાએ આઘાતજનક વાત એ કરી કે એને ઇસ્લામાબાદમાં જન્મેલા પાકિસ્તાની મૂળના મુસ્લિમ ખેલાડી હોવાને કારણે ઓસ્ટ્રેલિયામાં આખીય કારકિર્દી દરમિયાન સાવ ખોટી અને બદનામીભરી ટીકાઓની ઝડી વરસતી રહી છે. કોઈએ એને પાકિસ્તાની ગણાવ્યો, તો કોઈએ એને વેસ્ટઇન્ડિયન કહ્યો. જે ઓસ્ટ્રેલિયન ઓપનર પોતાની ટીમ માટે પૂરી તાકાત લગાવીને ખેલતો હતો.
એ ગોલ્ફ ૨મે તો કહેવામાં આવે કે એને ક્રિકેટમાંથી રસ ઓછો થઈ ગયો છે, એને ઈજા થાય તો કહેવામાં આવે કે એ બેદરકાર બની ગયો છે, પ્રારંભે તો એને કહેવામાં આવતું હતું કે એ ક્યારેય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે ૨મી શકશે નહીં. જે ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાન પર વિરોધી ખેલાડીઓની મજાક, મશ્કરી અને ટીખળ ક૨વા માટે જાણીતી છે, એ જ ઓસ્ટ્રેલિયન ટીમમાં મજબૂત ઓપનર તરીકે કામ કરનાર ઉસ્માન ખ્વાજાને પણ એટલી જ રંગભેદી ટીકાઓ સાંભળવી પડી.
છેક ચાર વર્ષની ઉંમરે તારીક અને ફોઝિયાનો આ પુત્ર ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં વસવાટ માટે આવ્યા અને એણે સ્નાતકની ડિગ્રી મેળવ્યા પહેલાં યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાંથી કોમર્શિયલ પાઇલોટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મજાની વાત એ છે કે એણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું તે પહેલા પાઇલોટ તરીકેનું લાઇસન્સ મેળવ્યું હતું! આવા ઉસ્માન ખ્વાજાએ કહ્યું કે, 'ભવિષ્યમાં આવનારા ઉસ્માન ખ્વાજાને મારી માફક ટીકાઓ સહન ન કરવી પડે તો સારું.'
ક્રિકેટના ઇતિહાસની સાથે જ રંગભેદનો અભિશાપ જોડાયેલો છે. એનું કારણ એ છે કે પહેલાં ત્રણ દેશો ટેસ્ટ ક્રિકેટ ખેલતા હતા અને તે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા. એમાં આખી ટીમ ગોરા ખેલાડીઓની હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમમાં બેસીલ દ ઓલિવિયેરાને બાકાત રાખવામાં આવ્યો, ત્યારે વિશ્વભરમાં રંગભેદ સામે અવાજ ઊઠયો હતો.
એ પછી ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ટીમ ન્યૂઝીલેન્ડની આવી. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમે પ્રવેશ કર્યો, પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં અશ્વેત ખેલાડીઓ હતા, પરંતુ સુકાની તો શ્વેત જ હોય એવી પરંપરા ગેરી એલેકઝાન્ડર સુધી એટલે કે ૧૯૬૧ સુધી ચાલુ જ રહી. ફ્રેન્ક વોરેલ સુકાની બનતા એનો અંત આવ્યો. આ અર્થમાં જોઈએ તો ભારતીય ટીમ એ પહેલી સ્વદેશી ટીમ ગણાય.
અહીં મને વેસ્ટ ઇન્ડિઝના બેટર અને સુકાની એલ્વિન કાલીચરણનું પુસ્તક ઁર્ભર્નેિ મ્નૈહગ' યાદ આવે છે. એલ્વિન કાલીચરણ વેસ્ટ ઇન્ડિઝ તરફથી ખેલતો હતો. એના દાદા વર્ષો પૂર્વે ભારતમાંથી વેસ્ટ ઇન્ડિઝના શેરડીનાં ખેતરોમાં કામ કરવા માટે ગયા હતા. એલ્વિન કાલીચરણની માતા ચેન્નાઈની હતી. વેસ્ટ ઇન્ડિઝના મજબૂત ખેલાડીઓની ટીમમાં પાંચ ફૂટ અને ચાર ઈંચ ઊંચો કાલીચરણ ઘણો નીચો લાગતો હતો અને તેથી વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ એની છડેચોક મજાક કરતા કે તમે ભારતીય છોકરાઓ નબળા છો, તમારામાં પૂરી તાકાત નથી, તમે દાળ અને ચાવલ, ભાજી ખાઓ છો, એના બદલે તમારે માંસાહાર કરવો જોઈએ.
એ સમયે વેસ્ટ ઇન્ડિઝ પાસે અત્યંત ઊંચા, મજબૂત અને ઝડપી ગોલંદાજો હતા. એમની સરખામણીમાં એલ્વિન કાલીચરણ ઘણો ઠીંગણો લાગતો. એક વાર સુકાની કાલીચરણ અને ભારતીય સુકાની સુનિલ ગાવાસ્કર મેદાન પર ટોસ ઉછાળવા ગયા, ત્યારે એ બંને ઊંચાઈની બાબતમાં ભાઈઓ હોય તેવા લાગતા હતા. વળી નોંધપાત્ર બાબત એ હતી કે ૧૯૪૯માં જન્મેલા બંને સરખી ઉંમરના હતા.
ક્રિકેટ એ ઇંગ્લેન્ડની જેન્ટલમેન્સ ૨મત ગણાતી હતી, પણ જેન્ટલમેન્સ રમત ખેલનારાઓએ બીજા ખેલાડીઓને ઓછો અન્યાય કર્યો નથી. અન્યની તો વાત જવા દો, પણ ક્રિકેટમાં અમર નામના ધરાવનાર નવા નગરના મહારાજા જામ સાહેબ અર્થાત્ કે.એસ. રણજિતસિંહજીની જ વાત કરું. એમની બેટિંગે તો એ સમયે વિક્રમો તો સર્જ્યો, પણ એથીયે વિશેષ એમણે ક્રિકેટની રમતમાં બેટિંગની ટેકનિકમાં ઐતિહાસિક પરિવર્તન આણ્યું. ઝડપી ગોલંદાજો સામે એમણે પાછા જઈને ખેલવાને બદલે 'બ્રિજ-બિલ્ડિંગ' ફોરવર્ડ રમત ખેલીને આગવી સિદ્ધિ મેળવી. એમણે લેઇટ કટ અને લેઇટ ડિફ્લેક્શનમાં નવું સાહસ અને સમયસૂચકતા ધરાવતી નવી ટેકનિક આપી અને એથીયે વિશેષ તો વિકેટની આગળ વધીને ખૂબ નિર્દય રીતે સ્ટ્રોક લગાવવાની એમની આવડત પર એ સમયે ઇંગ્લેન્ડના ક્રિકેટના ભીષ્મપિતામહ એવા ડબલ્યુ. જી. ગ્રેસ અને ક્રિકેટ લેખનમાં શેક્સપિયર ગણાતા નેવિલ કાર્ડસ એમના પર આફરિન હતા. ક્રિકેટની કલાત્મકતા અને 'ઓરિએન્ટલ મેજિક' એમની ૨મતમાં જોવા મળ્યાં, પરંતુ આ રણજીને પણ રંગભેદનો સામનો કરવો પડયો હતો.
૧૮૯૦ના ગાળામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના સુકાની સ્ટેન્લી જેક્સને એમને ટીમમાં સામેલ કર્યા અને રણજીએ ઇંગ્લેન્ડના પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ એમની સાથે સસેક્સ કાઉન્ટી ટીમના ખેલાડીઓને ફિલ્ડિંગ કરવામાં અણગમો આવતો હતો અને એમને રણજીના બદલે 'સ્મિથ' નામથી બોલાવતા હતા. રણજીની ભવ્ય ૨મતે તો આ બધા વિઘ્નોને પાર કર્યા. એમના રાજવીના દરજ્જાએ પણ આમાં મદદ કરી અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરનારી ૧૮૯૫-૯૬ની ટીમમાં એમની પસંદગી કરવાની વિચારણા થઈ, પરંતુ રંગભેદી દક્ષિણ આફ્રિકાની સરકાર આ સ્વીકારશે જ નહીં એમ સહુને લાગ્યું અને એ સમયે સરકારો વચ્ચે સંદેશાની આપ-લે થઈ અને અંતે રણજીએ સ્વયં પ્રવાસે નહીં જવાનું જાહેર કર્યું.
૧૮૯૬માં લોર્ડ્ઝમાં ખેલાનારી એશિઝ ટેસ્ટ માટે રણજીની પસંદગી થઈ, પણ એ સમયે એ કમિટીનું પ્રમુખપદ સંભાળતા લોર્ડ હેરિસે આવા 'ઊડતા પંખી'ને એટલે કે બીજા દેશમાંથી આવેલા ખેલાડીને પસંદ કરવાનો વિરોધ કર્યો. મજાની વાત એ છે કે લોર્ડ હેરિસ પોતે વેસ્ટ ઇન્ડિઝના ટ્રિનિડાડ ટાપુમાં જન્મ્યા હતા. જોકે પછીની ઓલ્ડ ટ્રેફર્ડમાં ખેલાયેલી મેચમાં રણજીસિંહે પ્રવેશ કર્યો અને પછી એમણે પાછું વળીને જોયું નથી. એમણે કુલ ૭૨ સદી કરી અને ૨૪,૬૯૨ રન કર્યા. આમ જામ રણજીએ ઇંગ્લેન્ડમાં સિદ્ધિ મેળવી, એની સાથોસાથ એમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડના ક્રિકેટમાં કામિયાબી મેળવતા હતા.
૧૯૩૦-૩૧ની ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા જનારી ટીમની પસંદગી સમયે દુલિપસિંહજી ઇંગ્લેન્ડના એક અગ્રગણ્ય બેટ્સમેન ગણાતા હતા. કાઉન્ટી ક્રિકેટમાં એમણે ભવ્ય કામયાબી મેળવી હતી. નોર્ધમ્પટન સામેની મેચમાં ૩૩૩ રન કર્યા હતા અને એ પછીની મેચોમાં પણ બંને દાવમાં સદી ક૨વાની વારંવાર સિદ્ધિ મેળવી હતી. બીજા બેટર કરતા દુલિપસિંહ દડાને વધુ અગાઉથી પારખી શકતા હતા અને તેથી આગળ વધીને સ્ટ્રોક લગાવતા હતા. સસેક્સ કાઉન્ટી ટીમના એ સુકાની પણ હતા. ઇંગ્લેન્ડ તરફથી એ ૧૨ ટેસ્ટમેચ ખેલ્યા, પરંતુ રંગભેદી દક્ષિણ આફ્રિકા સામે એમની પસંદગી નક્કી હતી, પણ વિવાદ ન થાય, તે માટે સિલેક્ટરોએ એમને 'બીમાર' જાહેર કરીને પડતા મૂક્યા. જે 'બીમાર' દુલિપસિંહજીએ સસેક્સના સુકાની તરીકે આગળની જ સિઝનમાં ૫૬ રનની સરેરાશથી ૨,૫૬૨ રન કર્યા હતા.
ક્રિકેટના ઇતિહાસમાં મનસૂર અલી ખાન પટૌડીના પિતા ઈફ્તિખાર અલી ખાન પટૌડી ક્રિકેટ અને હોકી બંનેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. વિશેષ તો ઇંગ્લેન્ડ અને ભારત બંને તરફથી એ ટેસ્ટમેચ રમ્યા હતા. ૧૯૪૬માં ભારતીય ટીમના સુકાની તરીકે તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે આવ્યા હતા અને એ સમયે પ્રેક્ષકોમાંથી કોઈએ બૂમ પાડીને કહ્યું કે, 'એ ગાંધી, તારી બકરી ક્યાં છે ?'
ત્યારે ઈફ્તિખાર અલી ખાન પટૌડીએ સણસણતો જવાબ આપ્યો, 'આ બાજુથી દુર્ગંધ આવે છે એટલે બકરી ત્યાં બેઠેલી લાગે છે.'
ખેર ! હજી આજે ૨૦૨૬માં પણ ક્રિકેટની ૨મતમાં ઓસ્ટ્રેલિયા જેવી ટીમો જાતિવાદી ટીકા-ટિપ્પણી કરે છે. પહેલા ખેલાડીઓ સહન કરતા હતા, પણ હવે સામે થાય છે અને ખેલાડીને પણ એના અશિષ્ટ વર્તન માટે દંડ કે સજા કરવામાં આવે છે.
મનઝરૂખો
ટોમસ કૂપર અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન સંશોધક હતા. તેઓ અંગ્રેજીમાં શબ્દકોશ તૈયાર કરતા હતા અને લંડનમાં રહીને એમની આ સંશોધન-યાત્રા ચાલતી હતી. શબ્દકોશનું ભગીરથ કામ એકલે હાથે કરવું ઘણું મુશ્કેલ હતું, છતાં અપાર ખંત અને ચીવટથી આ કામ કરતા હતા.
આઠ આઠ વર્ષના કઠોર પરિશ્રમ પછી અંગ્રેજી ભાષાના શબ્દકોશનો લગભગ બે તૃતીયાંશ ભાગ તૈયાર કર્યો. રાત-દિવસ ટોમસ કૂપર પોતાના કામમાં ડૂબેલા રહેતા. બસ, એક જ ધૂન કે ક્યારે શબ્દકોશ પૂર્ણ કરું અને મારી માતૃભાષાને ચરણે ધરું. એક વાર ટોમસ કૂપરનાં પત્નીએ એમને બજારમાંથી જરૂરી ચીજ- વસ્તુઓ લાવવાની યાદી આપી. ખાસ તાકીદ કરી કે સાંજે ઘેર પાછા ફરો ત્યારે આ બધું સાથે અવશ્ય લેતા આવજો. આમાંની એકે ચીજવસ્તુ ભૂલશો નહીં. સંશોધક ટોમસ કૂપર તો એમના કામમાં ડૂબી ગયા. સાંજ પડી ગઈ, ઘેર પાછા ફરવાનો સમય થયો. પેલી યાદી જ યાદ નહોતી આવતી, ત્યારે ચીજ- વસ્તુઓ ખરીદવાની શી વાત ? આથી કશુંય લીધા વિના ટોમસ કૂપરે એમના ઘરમાં પ્રવેશ કર્યો. એમને સાવ ખાલી હાથે જોઈને એમની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો અને એણે ટેબલ પર પડેલી શબ્દકોશની બધી જ ફાઈલો લઈને સગડીમાં નાખી દીધી. ટોમસ કૂપર આ જોઈને હસવા લાગ્યા. એમણે કહ્યું, ''કંઈ વાંધો નહીં. સારું થયું કે તેં આ ફાઈલો સળગાવી દીધી. કારણ કે હું પોતે જ આ શબ્દકોશમાં હજી વધુ શુદ્ધિ-વૃદ્ધિ કરવા ચાહતો હતો. હા, હવે એટલું બનશે કે મારા કામને પૂર્ણ થતાં આઠ વર્ષથી વધુ સમય લાગશે.'' શબ્દકોશનું ધૈર્યભર્યું કાર્ય કરનાર ટોમસ કૂપરની અપાર સહિષ્ણુતાએ એમને કાર્યસિદ્ધિ અપાવી !


