- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ગઝની સોમનાથ પર આક્રમણના ચાર વર્ષ બાદ ૧૦૩૦માં મૃત્યુ પામ્યો. ભારતમાંથી લૂંટાયેલા ભારે ધન છતાં એ સુયોગ્ય શાસક બની શક્યો નહીં
ક હેવાય છે કે દક્ષ પ્રજાપતિની ૨૭ દીકરીઓના લગ્ન સોહામણા અને તેજસ્વી સોમ યાને ચંદ્ર સાથે કરવામાં આવેલા. પણ ચંદ્રને ૨૭ પત્નીઓમાંથી એક રોહિણી જ બહુ ગમી ગયેલી અને એની જોડે જ એ રહેતો. (યાદ રહે, આકાશને ભારતીય ખગોળવેત્તાઓએ ચંદ્રની કળા મુજબ તારાઓના કુલ ૨૭ જૂથોમાં વહેંચી દીધેલું, એટલે ૨૭ નક્ષત્રો બને છે એક વર્ષમાં કૃતિકાથી આદ્યા જેવા નામો બનાવતા) દક્ષને બાકીની દીકરીઓએ ફરિયાદ કરતા એણે જમાઈ સોમ યાને ચંદ્રની તેજસ્વીતાનો ક્ષય થાય યાને એ ક્રમશ: ઘટે એવો શ્રાપ આપ્યો, અને ચંદ્રે દક્ષથી દુભાઈને તાંડવ કરેલા અન્ય જમાઈ શિવની એમાંથી બચવા સાગરતટે પૂજા કરી, શિવે પ્રસન્ન થઈ એને વરદાન આપ્યું કે એનું તેજ પંદર દિવસ ઘટશે (વદ) તો પંદર દિવસ વધશે (સુદ). એમ આકાશમાં પૂનમ અને અમાસ રચાઈ, ને ચંદ્રને શિવ મસ્તકે સ્થાન મળ્યું એની અધૂરપના સન્માન માટે પૂર્ણ ના હોય એવા રૂપે! અને એણે જ્યાં પૂજા કરેલી ત્યાં સોનાનું શિવમંદિર બનાવ્યું એ સોમનાથ.
આકાશ અને પ્રકૃતિની રહસ્યમય લગતી ઘટનાઓ માટે વાર્તાઓ જગતની બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં છે. એવી જ આ કથા હોઈ શકે પણ અહીંથી જન્મ થયો સૌરાષ્ટ્રમાં આવેલા સૌથી મહત્વના જ્યોતર્લિંગ એવા સોમનાથ મંદિરના વાસ્તવનો. દંતકથા કહે છે કે સોમનાથ મંદિરનું લિંગ સ્વયંભૂ હતું. સત્યયુગમાં તે ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં તે શ્રવણીકેશ્વર, દ્વાપરયુગમાં તે ગલવેશ્વર અને કલિયુગમાં તે સોમનાથ તરીકે ઓળખાતું રહ્યું છે. સૌરાષ્ટ્ર નદી, નારી, અશ્વ, સોમનાથ અને દ્વારકા એમ પાંચ બાબતો માટે પ્રખ્યાત હતું. અહીં જ પ્રભાસપાટણમાં કૃષ્ણનો દેહત્યાગ એટલે એનું મહત્વ સવિશેષ. અને ૨૦ ડિગ્રી પ૩ અંશ ઉત્તર અક્ષાંશ અને ૭૦ ડિગ્રી ૨૪ અંશ પૂર્વ રેખાંશના સ્થળે એક સમયના ધમધમતા અંતરરાષ્ટ્રીય બંદર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે એન્ટાર્કટિકા ખંડ વચ્ચે દરિયામાં બીજા કોઈ દેશની ભૂમિ ના આવે એવી સીધમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં સોમનાથ તીર્થ પ્રસિદ્ધ થયું, જેની પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ થાય છે.
આજના સ્થાને મૂળ મંદિર ઈ. સ.ના પ્રથમ સૈકામાં બંધાયું હોવાનું મનાય છે. આ મૂળ મંદિરના સ્થાને બીજી વાર ઈ. સ. ૬૪૯માં ફરીથી તેનું બાંધકામ થયેલું. ઈ. સ. ૮૦૦માં લાલ પથ્થરોથી તેને ફરી બાંધવામાં આવેલું. દાવો એવો છે કે સોમનાથ મંદિરમાં લાખો તીર્થયાત્રીઓ એકઠા રહેતા હતા અને હજારેક બ્રાહ્મણો મંદિરની સેવા ખજાનાની દેખરેખમાં રોકાયેલા હતા. સેંકડો નર્તકો અને ગાયકો મંદિરના દ્વાર પાસે પોતાની કલાનું પ્રદર્શન કરતા હતા. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત હતું જે શાનદાર રત્નો અને સુશોભિત ઝુમ્મરોમાં ચમકતું રહેતું હતું. તેમાં તારાના આકારમાં કિંમતી પથ્થરો સાથે ભરતકામ કરવામાં આવ્યું હતું.
એક સહસ્ત્રાબ્દી અગાઉ ભારતના મરીમસાલા અને હુન્નર-ઉદ્યોગની જગતભરમાં બોલબાલા હતી. ઝાંઝીબાર કે ચીન સાથેના ભારતીય વેપારનાં ૩ મુખ્ય બંદરમાંનું એક સોમનાથ પાસેનું વેરાવળ હતું. ધર્મધેલી ભારતીય પ્રજાને પહેલેથી જ સમાજને બદલે ધર્મસ્થાનકો સમૃદ્ધ કરવાની અવળી આદત છે. સોમનાથ મંદિરનું અઢળક ફંડ હતું. અને ઈતિહાસકારોના સંદર્ભો મુજબ એના દર્શનાર્થીઓ પાસેથી યાત્રાવેરો ઉપરાવવા પણ ગુજરાતનાં કેટલાંક રજવાડાઓ વચ્ચે હુંસાતુંસી ચાલતી. મુસલમાનોની એ વિસ્તારમાં કોઈ નવાઈ નહોતી, કારણ કે, આજે જવાં ઈરાન-ઈરાક છે. એ 'પર્શિયા'ના પ્રદેશમાંથી ઘોડા લઈને આરબ વેપારીઓ વેરાવળ બંદરે આવતા. અરબી ઘોડાની ભારતમાં ભારે માગ હતી. કોઈ કોઈ અરબી : વહાણવટીઓ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રહી પડતા અને લગ્ન પણ કરતા. અસંખ્ય નાની રિયાસતોમાં વહેંચાયેલા ભારતમાં કોઈ એકચક્રી શાસન નહોતુ.
***
આજથી હજારેક વર્ષ પહેલાં મોહમ્મદ 'ગઝનવી' ઉર્ફે ગઝની નામના ધર્માંધ યુદ્ધખોર લૂંટારાએ હિન્દુસ્તાનના ઈતિહાસની સમૂળી શિકલ જ બદલાવી નાખેલી! સોમનાથની વાત કરો એટલે આક્રમક સિપહસાલાર ગઝનીએ મચાવેલું તબાહીનું તાંડવ યાદ કરવું પડે!
આજના અફઘાનિસ્તાનમાં આવેલા ગઝનીનો હોઈ ગઝનવી કહેવતો મહમદ સુબુક-તગીનનો પુત્ર હતો જે ગઝનીના પ્રથમ સ્વતંત્ર શાસક તરીકે પ્રસિદ્ધ થયો. 'મહમદ ગઝનવી'ની ઉપાધિ તેના સિક્કાઓ પર જોવા મળતી નથી, જ્યાં તેને માત્ર 'અમીર મહમદ' તરીકે નોંધવામાં આવ્યો હતો. મહમૂદ ઉર્ફે મહમદ જેને ગુજરાતીઓ ગઝનવીને બદલે ગઝની સંબોધે છે એને બૂત શિકન યાને ઇસ્લામના આદેશ મુજબ મૂર્તિભંજક કહેવડાવવાનો પણ શોખ હતો ને ભારતમાં પડેલી અફાટ સંપત્તિ લૂંટવાની ભૂખ પણ હતી. એમાં એણે ઈ.સ. ૧૦૦૧માં વૈહિંદ (આજનું પેશાવર)ના જયપાલ વિરુદ્ધ ભીષણ યુદ્ધ કર્યું. ગઝની પાસે ઘોડેસવાર સેના અને કુશળ સૈન્ય રણનીતિ હતી, એ જીત્યો. ૧૦૧૫માં ગઝનીએ લાહોર પર કબજો કરીને જેલમ નદી સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. મુલ્તાન, જેના પર મુસ્લિમ સુલતાનનું શાસન હતું અને જેનું આનંદપાલ સાથે ગઠબંધન હતું, તેને જીતી લીધું. પંજાબ પછી તેણે ધન પ્રાપ્તિ માટે ગંગાના મેદાનોમાં હુમલાના ત્રણ અભિયાન કર્યા. બુલંદશહર જીત્યું. તેણે ઈરાનમાં પણ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને બગદાદના ખલીફા પાસેથી માન્યતા મેળવી. એના યુદ્ધખોર માનસે ગઝનીના નાનકડા રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું, જેમાં વર્તમાન અફઘાનિસ્તાનનો મોટાભાગનો ભૂભાગ, પૂર્વી ઈરાન અને ભારતીય ઉપખંડના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના મોટાભાગના વિસ્તારો સામેલ હતા
***
૧૮ ઓક્ટોબર ૧૦૨૫માં, અગાઉ ભારતમાં લૂંટફાટ માટે ૧૬ વખત સફળ ચડાઈ કરી ચૂકેલા તુર્ક સરદાર મોહમ્મદ ગઝનીએ ૩૦,૦૦૦ ઘોડેસવાર સૈનિકો અને ખોરાક-પાણીના સામાન સાથેનાં ૩૦,૦૦૦ ઊંટસવારો સાથે પોતાના મુલ્ક 'ગઝાના'માંથી ભારત ભણી ૧૭મી વખત કૂચકદમ કરી. મુલતાનમાં આરામ કરી, રણ પાર કરી એ પાટણ પહોંચેલો, પણ આશ્ચર્યજનક રીતે ગઝની ભારે ઐશ્વર્યવાન પાટણને સ્પર્શ્યો નહીં. એ પોતાના નક્કી કરેલા નિશાન સોમનાથ સુધી વાયા કંથકોટ થઈ પહોંચી ગયો. આપણા માટે કડવું અને કરુણ સત્ય છે કે એનો પ્રતિકાર કરવામાં ભીમદેવ જેવા ધર્મનિષ્ઠ, દેશભક્ત બહાદૂરોના પ્રયાસો પણ યુદ્ધકળાના કૌશલમાં પછાત નીવડયા. અચરજ એ વાતનું છે કે એ તુર્કીના નજીકના દક્ષિણ અફઘાનિસ્તાનમાંથી ભારત આવે ત્યારે સોમનાથ પહોંચતા કેટલા અન્ય રજવાડામાંથી પસાર થવું પડે, પણ જતા કે આવતા એકલ દોકલ પ્રયાસો સિવાય કોઈએ એને રોક્યો નહિ!
કોઈ કહે છે કે ત્યારે સોમનાથમાં શિવલિંગને બદલે શિવની વિરાટ લોખંડી પ્રતિમા હતી, જે ઘુમ્મટમાં રાખેલા ચુંબકને લીધે સતત હવામાં અધ્ધર લટકતી હોય એવું વિસ્મયકારી દ્રશ્ય ઊભું કરતી હતી. તો ઘણા ઇતિહાસકારોના મતે ત્યાં વિશાળ કદનું શિવલિંગ જ હતું. એ જે કંઈ મૂર્તિ કે લિંગ હતું, તેને તોડી તેમાંથી ઝવેરાત ગઝનીએ લૂંટયું એમ મનાય છે. સોમનાથમાંથી ગઝની ૨૦ મણ રત્નો, ૨૦૦ મણની સોનાની સાંકળો અને બેશકીમતી સુખડના દરવાજા લૂંટીને લઈ ગયો હોવાનું જાણવા મળે છે. આ જાણ્યા પછી ગઝની પર ફિટકાર વરસાવવાની સાથે એ પણ વિચારજો કે ધર્મસ્થાન કોઈ સુરક્ષાની વ્યવસ્થા વિચાર્યા આટલી સંપત્તિનું કેન્દ્રસ્થાન બને, પછી તો લૂંટારાઓનો ડોળો એના પર બગડે જ ને!
ગઝનીની સાથે એની ભાટાઈ કરવા માટે આવેલા ફારૂખ સિસ્તાની નામના કવિના હાસ્યાસ્પદ તુક્કા મુજબ તો 'સોમનાથ' એ ખરેખર 'સુ-મનાત' નામનું મંદિર હતું. ઈસ્લામની સ્થાપના પૂર્વે 'અરબમાં લાત', 'ઊઝા', 'મનાત' જેવી દેવીઓની પણ પૂજા થતી. મોહમ્મદ પયગંબરે એક અલ્લ્લાની બંદગી માટે અરાજકતા ટાળવા આવી 'બૂતપરસ્તી' (મૂર્તિપૂજા)નાં ચિહ્નો નષ્ટ કરવાનો હુકમ ફરમાવેલો. હવે સિસ્તાનીનો ગપગોળો વાંચો : ગઝનીને અભૂતપૂર્વ ઇસ્લામી બંદો સાબિત કરવા એણે ફેંક્યું કે, 'સોમનાથ'માં લિંગ આકારની 'મનાત' દેવીની કાળી પ્રતિમાનો નાશ કરી ગઝનીએ એક મહાન ધર્મકાર્યને અંજામ આપ્યો છે! ને આવું બધું પાછા ડાબેરી ઈતિહાસકાર રોમિલા થાપરે પણ એના પુસ્તકમાં નોંધ્યું!
જો કે ઐતિહાસિક રીતે ગઝનીએ એક પણ મોટું ધર્માંતર કરાવ્યાનો ઉલ્લેખ ગઝનીની બિરદાવલિઓ ગાતા એના સાથીઓના સાહિત્યમાં જોવા મળતો નથી! એણે ભારતમાં ઘણી લડાઈઓ જીતી, કેટલાય રાજાઓને હરાવ્યા. પણ ઇસ્લામી સામ્રાજયના વિસ્તાર માટે પાડોશી પંજાબ સિવાય ક્યાંય પરાજિત પ્રદેશોમાં મુસ્લિમ સૂબો મૂકી પોતાની હકૂમત સ્થાપી નહીં. આ કામ પછીથી અલાઉદીન ખિલજીએ શરુ કર્યું. ગઝનીને લોભ હતો હિન્દુસ્તાનની અફાટ દોલતમાં! એનું મિશન જયાં તગડી માલમિલકત એકઠી થઈ હોય તેવાં ભારતીય સ્થળો પર ત્રાટકી, તેનો ખજાનો ઉસેડી, પોતાના વતનભેગો કરવાનું હતું. એ લાલચુ અને ક્રૂર લૂંટારાને સોમનાથ આવ્યા બાદ ધર્મદૂત થવાનું ભૂત ચડયું અને ત્યારે એને મંદિર ના તોડવા માટે ખજાનો ઓફર થયો એ એણે ફગાવી દીધી! એને થયું હશે કે પાછા જવા માટે આટલું મળે તો બધું જ કેમ ના લઇ લેવું! એ નગરકોટના શાહી કિલ્લામાંથી ૭૦,૦૦૦ સુવર્ણમુદ્રાઓ, ૭૦૦ મણ વજનની સોના-ચાંદીની પાટો, ૨૦૦ મણ સોનાના ઢાળા, ૨૦૦૦ મણ રૂપું, ૨૦ મણ જેટલું મોતી, હીરા, માણેકનું ઝવેરાત લૂંટી એક વાર ચાલ્યો ગયેલો. ઈ.સ. ૧૦૧૪માં એણે થાણેશ્વર ભાંગેલું તથા ઈ.સ. ૧૦૧૭માં ૩.૫ પાઉન્ડ વજનનો શેફાયર (નીલમ) લૂંટેલો. ઈ.સ. ૧૦૧૮માં મથુરાનું મંદિર અને કનોજના પ્રતિહાર શાસકને એણે ઝબ્બે કર્યા, ત્યારે પણ એનો ઈરાદો લૂંટફાટનો હતો. ઈ.સ. ૧૦૨૨-૨૩માં ગ્વાલિયર અને કલિંજર ઉપર એણે કરેલી ચડાઈઓ વખતે પણ લૂંટ કરેલી. આ બધું વાંચતી વખતે દુ:ખ એ થાય કે એક મૂર્તિભંજક લૂંટારો બહારથી આવી આમ આપણે ત્યાં ત્રાસ વર્તાવે ને આપણે આટલી વીરગાથાઓના વારસા છતાં એને હરાવી ના શકીએ?
એવું પણ ઈતિહાસ નોંધે છે કે ગઝની હિન્દુસ્તાને અગાઉ કદી ન જોયો હોય એવો વિચક્ષણ સેનાપતિ હતો. ઠીંગણો, શીળીનાં ચાઠાંવાળો અને ઐયાઝ નામના તુર્કી અમલદાર સાથે સજાતીય સંબંધ રાખવા માટે બદનામ થયેલો આ ખંધો ખલનાયક રણનીતિ અને લશ્કરી સંચાલનમાં કાબેલ હતો. જરા વિચારો! સિકંદર જેવો વિશ્વવિજેતા જે ભારતને ઝુકાવી ન શક્યો, એ દેશને ગઝની વારંવાર મનફાવે તેમ લૂંટતો ગયો! ભારત ઉગ્ર વિદેશી આક્રમણ સામે પ્રતિકાર ન કરી શકે એવું પોલું અને અસંગઠીત છે, એ આપણા દુર્ભાગ્યે ગઝનીએ ડંકે કી ચોટ પર સાબિત કરી બતાવ્યું અને એણે કંડારેલો પંથ અનુસરી વિદેશી સત્તાઓએ ભારતને શતાબ્દીઓ લાંબી ગુલામીમાં સૂવડાવી દીધું!
ગઝની પાસે હંમેશાં સૈનિકોની સખ્યા ઓછી રહેતી, પણ એ તેમનો પાનો ચડાવવામાં ઉસ્તાદ હતો. પોતાની તાજપોશીના ત્રીજા જ વર્ષે એણે પેલા જયપાલને હરાવેલો. જયપાલ પાસે ૩૯,૦૦૦નું પાયદળ અને ૩૦૦ હાથી હતાં, પણ ગઝની પાસે ૧૨,૦૦૦ અલમસ્ત ઘોડેસવારો હતા. હિંદુસ્તાની હાથી કરતાં યુદ્ધોમાં અરબી અશ્વો વધુ ચપળ અને કાબેલ પુરવાર થયા એ સહેજે સમજી શકાય તેમ છે. આ જયપાલને પરાજયનો એવો આઘાત લાગ્યો કે એણે જીવતા અગ્નિસ્નાન કરેલું.. એના વારસદારો આનંદપાલ અને ત્રિલોચનપાલ પણ આગલી ભૂલોમાંથી કંઈ શીખ્યા નહીં, હા, એ વખતે ગઝનીને ભારતમાં પ્રવેશતો જ રોકવાનું સામર્થ્ય કાશ્મીરમાં રાજ કરતી ગુપ્તવંશની રાણી અને જયપાલની પિતરાઈ દીદ્દામાં હતું. પણ પોતાના જ પૌત્રોને જેણે સત્તા ટકાવવા મરાવી નાખેલા, એવી ખેપાની દીદ્દાને રાજકીય સાઠમારી સિવાય રાષ્ટ્રરક્ષામાં કોઈ રસ નહોતો.
ખુદનું રાજ્ય બચ્યું કે ભયો ભયો એ જ વાત ત્યારે હતી કારણ કે એક ભારત ત્યારે સંસ્કૃતિક હતું, રાજકીય નહિ!
ખૂંખાર ગઝનીએ મુલતાનના જાટ બહાદુરો સામે લડાઈ પાણીમાં જીતી બતાવી. મુસ્લિમ શાસક ધરાવતા મુલતાને ૪,૦૦૦ હોડીઓમાં લશ્કર ગઝની પર છૂટુ મૂકેલું. જવાબમાં ગઝનીએ તાબડતોબ ૧૫૦૦ એવી હોડીઓ તૈયાર કરાવી જેમાં ઠેક-ઠેકાણે ભાલા ખૂંટાડેલા હતા. દરેક હોડીમાં 'નેપ્થા'ના અગનગોળા જેનાં ફળો પર હોય એવા 'બૉમ્બ' પ્રકારનાં તીરો ધરાવતાં ૨૦-૨૦ તીરંદાજો સવાર હતા. શાહૂડી જેવી પોતાની 'કાંટાળી' નોકાઓ અથડાવી ગઝનીએ મુલતાનના નૌકાદળને ખેદાનમેદાન કરી દીધેલું! મથુરાના રાજા કલાચુરીને પણ એણે ચપટીમાં ચોળેલો!
હા, મૈથુનશિલ્પો માટે વિખ્યાત ખજૂરાહોના તત્કાલીન મહારાજા વિદ્યાધર ચંદેલાએ યુદ્ધકળામાં થોડાનું મહત્ત્વ સમજી ગઝનીના આગમન અગાઉ જ પૂર્વતૈયારીઓ કરેલી. એણે ૧,૪૫,૦૦૦ની સંખ્યા ધરાવતું પાયદળ, ૬૪૦ હાથી અને ૩૬,૦૦૦ ઘોડેસવાર સૈનિકોનું સૈન્ય ગઝનીના 'સ્વાગત' માટે સજજ રાખેલું. ગઝની એની સામે લડયો નહીં, પણ એને ભેટસોગાદ અને માનપત્ર આપી ચૂપચાપ ત્યાંથી પસાર થઈ ગયેલો. શૃંગાર સાથે પણ શૌર્ય વિકસી શકે એનું ઉદાહરણ ખજુરાહો ત્યારે ભારતને આપ્યું, જે બ્રહ્મચર્યમાં જ વીર્ય નિહાળતા ભારતીય માનસને હજુ સમજાતું નથી!
સુન્ની મુસ્લિમ ગઝની ૪૦ લડાઈઓ લડયો તેમાંની ૧૭ એની નજરે બિનમુસ્લિમ કાફિરો સામે અને બાકીની શિયા તથા ઇસ્માઈલી ખોજા સામે હતી. મોહમ્મદ ગઝની એ કાળના એશિયા તથા હિન્દુઓએ જોયેલો કુશળ મિલિટરી લીડર હતો. હા, સોમનાથનો ધ્વંસ કર્યા પછી જેમ નબળો માનવી સબળા દુશ્મનને વાસ્તવિકતામાં ન હરાવે, ત્યારે કાલ્પનિક સૃષ્ટિમાં હરાવીને હરખાય, તેમ એક લોકવાર્તા ચાલી હતી કે... 'જાવડી' નામનો એક વણિક વેપારી ગઝાના જઈ યવન સુલતાન ગઝનીને ભેટો આપી મૂળ શિવપ્રતિમા પરત લઈ આવેલો!
સોમનાથનો પુનરુદ્ધાર ભાવ બૃહસ્પતિ નામના પાશુપત શૈવપંથી બ્રાહ્મણે કરાવ્યો. પછી કુમારપાળ અને જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે એને જૂની ગરિમા પાછી અપાવી. અલબત્ત, માળવાના કવિ પનપાલે ૧૧મી સદીમાં એવી કોમેન્ટ કરેલી કે 'જેમ સાપ ગરુડને ન ગળી શકે તેમ ગઝની મહાવીર સ્વામીનાં મદિરોને કશું કરી શક્યો નહીં!' શૈવ અને જૈન સંપ્રદાયો વચ્ચે આ મુદ્દે વાહિયાત વિવાદ ફાટી નીકળેલો. માર ખાઈને પણ ભારતે સંકુચિત આંતરિક ઝઘડાખોર વૃત્તિ છોડી નહી! જોકે ઈ.સ. ૧૨૯૪માં તો સોમનાથના પુરોહિત વીરભદ્ર તથા સ્થાનિક સત્તાવાળાઓએ કાયદેસર દસ્તાવેજ બનાવી સોમનાથ નજીકની જમીન હોરમુઝથી આવેલા પોડાના મુસ્લિમ વેપારી નુરુદ્દીનને સર્વસંમતિથી મસ્જિદ બનાવવા આપેલી ૧૫મી સદીમાં તુર્કી આક્રમણખોરો સામે સોમનાથને બચાવવા રાજા બ્રહ્મદેવ સાથે ખભેખભા મિલાવી લડીને વહોરા વેપારી ફરીદ શહીદ થયેલો!
૧૦૨૬ની જાન્યુઆરીમાં કહે છે કે ગઝનીએ સોમનાથ તોડવા ૫૦,૦૦૦ હિંદુઓની હત્યા કરી નાખી. મહમદ લૂંટનો ભારે માલ લઈને ગઝની પરત ફર્યો તો એના આક્રમણખોર સૈનિકો-લૂંટારુઓને લાખોનું ઇનામ મળ્યું. તે પોતાની સાથે મંદિરનો આલીશાન દરવાજો પણ લઈ ગયો હતો જે ગઝનીમાં ઊભો કરવામાં આવ્યો. ૧૧૧૪માં સોલંકીયુગ દરમિયાન કુમારપાળના શાસન વખતે પાશુપતાચાર્ય ભાવબૃહસ્પતિએ તેનું મૂળ સ્થાને નિર્માણ કરાવેલું તથા મંદિરના શિખર પર સુવર્ણ કળશની સ્થાપના કરેલી. ૧૨૯૬માં અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરે (ખિલજી ગુજરાત આવ્યો નહોતો ત્યારે) હુમલો કરી શિવલિંગના ટુકડા કરેલા, આ ટુકડા દિલ્હી લઈ જવાયેલા. વીર હમીરજી ગોહિલ જે લાઠીના કવિ કલાપીના વડવા એમણે ખિલજી સૂબા સામે ૧૬ વર્ષની ઉંમરે વીરગતિ પ્રાપ્ત સોમનાથ ખાતર કરેલી. તે પછી જૂનાગઢના રાજા મહિપાલે તેનો પુનરુદ્ધાર કરેલો. તેના પુત્ર ખેંગારે ૧૩૨૫-૧૩૫૧ દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરેલી. ૧૪૬૯માં મહમ્મદ બેગડાએ લિંગની પૂજા થતી હોવાનું જાણી મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી. ૧૭૮૩માં ભારતના દરેક પ્રાચીન મંદિરોના નવનિર્માણમાં અગ્રેસર એવા ઇંદોરના હોલકરની રાણી અહલ્યાબાઈએ જૂના મંદિરથી થોડે દૂર નવું મંદિર બંધાવેલું. શિવલિંગની સ્થાપના ભોંયરામાં કરી અને ઉપરના ભાગે નવા મંદિરની સ્થાપના કરી.
આ બધામાં સોળમી સદીમાં, અબુલ ફઝલના દસ્તાવેજો મુજબ ફક્ત અકબરે સોમનાથ મંદિરમાં શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી હતી અને તેના વહીવટ માટે દેસાઈઓ/અધિકારીઓની નિમણૂક કરી હતી. પણ અકબરની ત્રણ પેઢીઓ પછી, કટ્ટરવાદી મુસ્લિમ ઔરંગઝેબે ૧૭૦૬માં તેના મૃત્યુના થોડા સમય પહેલા સોમનાથને મસ્જિદમાં પરિવર્તિત કરવા માટે આદેશ આપેલો, પણ પછી મુઘલોનો જ અંગ્રેજોએ નાશ કરી દીધો!
ગઝની સોમનાથ પર આક્રમણના ચાર વર્ષ બાદ ૧૦૩૦માં મૃત્યુ પામ્યો. ભારતમાંથી લૂંટાયેલા ભારે ધન છતાં એ સુયોગ્ય શાસક બની શક્યો નહીં. આસપાસ ઇસ્લામીકરણ કરવાના ઝનુનમાં એ લુંટારા રાક્ષસનું શાસન ક્રૂર અને અત્યાચારી રહ્યું. ગઝનવી સામ્રાજ્ય અને સલ્જૂક સામ્રાજ્યની વચ્ચે આવેલ 'ઘોર' નામના એક નાના અને અલગ-થલગ પ્રાંતમાં ઘોરીઓનો અણધાર્યો ઉદય થયો જેમણે ગઝની સામ્રાજ્યનું નામોનિશાન મિટાવ્યું ને આપણી પનોતી એ કે એ વંશના જ મોહમ્મદ ઘોરી પાછળથી પૃથ્વીરાજ ચૌહાણને હરાવનાર મોહમ્મદ ઘોરી ઍન્ડ કંપનીએ એની જ શૈલીમાં એના વારસદારો પાસેથી ગઝનીનું વતન પડાવી લીધું!
ધીરે ધીરે, મૂળ મંદિર બિનઉપયોગી અને જર્જરિત અવસ્થામાં આવી ગયું. બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ એલનબરો દ્વારા પ્રથમ વખત સોમનાથ મંદિરને હિંદુઓ પર ઇસ્લામના અત્યાચારના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. ૧૬ નવેમ્બર, ૧૮૪૨ના રોજ, તેમણે લોર્ડ એલનબરોએ 'ભારતના તમામ રાજકુમારો, વડાઓ અને લોકો'ને સંબોધીને એક ઉદઘોષણા બહાર પાડી, જેમાં લખ્યું હતું : 'આપણી વિજયી સેના અફઘાનિસ્તાનથી ગર્વભેર સોમનાથ મંદિરના દરવાજા લઈને આવી રહી છે... આઠસો વર્ષના એ અપમાનનો આખરે બદલો લેવામાં આવ્યો છે.'
આ મુદ્દે ૧૮૪૩માં બ્રિટનના હાઉસ ઑફ કામન્સ' (લોકસભા)માં સરકાર અને વિપક્ષો વચ્ચે હિન્દુ-મુસ્લિમ ભેદભાવના મુદ્દે ઉગ્ર તડાફડી પણ થઈ. અંતે ધામધૂમથી 'ચંદનદ્વાર' ભારત લઈ આવવામાં આવ્યા ત્યારે એ સુખડને બદલે દેવદારના તથા ભારતીયને બદલે ઈજિશિયન શૈલીના સાબિત થયા! અંગ્રેજ સરકારે ઝંખવાઈને એને આગ્રાના કિલ્લા ખાતે સ્ટોર રૂમમાં મૂકી દીધા, જ્યાં એને ઊધઈ ખાઈ ગઈ!
પણ આરઝી હકુમત દ્વારા લોકમત એકઠો કરીને જૂનાગઢના નવાબના પાકિસ્તાન ભાગ્યા બાદ જૂનાગઢ પર ભારતનો ધ્વજ લહેરાયો, ત્યારે સોમનાથની દિવાળી દરમિયાન મુલાકાત લઇ સરદારે ૧૨ નવેમ્બર, ૧૯૪૭ના જૂનાગઢમાં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે સોમનાથના પુન:નિર્માણના નિર્ણયની જાહેરાત કરી! ૧૯૫૧માં ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદજીએ નવનિર્માણ પામેલું સોમનાથ મંદિર સત્તાવાર રીતે લોકો માટે ખુલ્લું મુક્યું એ ક્ષણના સાક્ષી તો સરદાર બની ના શકયા, પણ એમની પ્રતિમા આજે સોમનાથના પ્રાંગણમાં ફરી પહેલાં જેવું ભવ્ય અને દિવ્ય મંદિર નિહાળી રહી છે. એ ભારતની આસ્થા અને અસ્મિતા પરના તલવારના જખમ પરનો મલમ છે!
ફાસ્ટ ફોરવર્ડ
છે શાંત તોય નયનો અતિ ઉગ્ર ભાસે,
શોભે વિશાલ ભ્રમરે કરડાઈ દૈવી,
ઉત્સાહમૂર્તિ રમણીય પ્રભાત કેરી,
એવો જ રમ્ય, દ્રઢ, આર્દ્ર યુવાન દીસે.
(સોમનાથ વીર હમીરજી ગોહિલનું વંશજ કલાપી દ્વારા વર્ણન)


