- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- આ વર્ષના યૂથ ડેની થીમ 'સ્વયંને પ્રકાશિત કરો, દુનિયાને પ્રભાવિત કરો' એ જેન-ઝીને લાગુ પડે છે? જેન-ઝી થોડી જુદી રીતે ગ્લોબલ વર્કફોર્સને પ્રભાવિત કરવા સજ્જ છે!
'અપ્પ દીપો ભવ:'
આ પાલી-સંસ્કૃત વાક્યનો અર્થ થાય છે - પોતાનો પ્રકાશ સ્વયં બનો, જાતને સ્વયં પ્રકાશિત કરો. આ વાક્ય ભગવાન બુદ્ધના તમામ ઉપદેશોનો સાર છે. વ્યક્તિ પોતે પોતાનો જ્ઞાનનો પ્રકાશ બને, સ્વયં માર્ગદર્શક બને તો એને અન્ય કોઈની મદદની જરૂર નથી. આ વાક્યનો એક અર્થ એવોય થાય કે પોતાના પર ભરોસો કરીને જાતને સાબિત કરો. 'આત્મનિર્ભર ભારત'નું સૂત્ર અહીંથી પ્રગટયું છે. ઓશોથી લઈને આચાર્ય પ્રશાંત સુધીના કેટલાય વક્તાઓએ આ વાક્યનો પોત-પોતાની રીતે અર્થ કાઢ્યો છે ને વિગતે સમજાવ્યું છે.
અને આ વખતના રાષ્ટ્રીય યુવા દિવસની થીમમાં પણ 'અપ્પ દીપો ભવ:'નો પડઘો પડયો છે. સ્વામી વિવેકાનંદના જન્મદિવસે - ૧૨મી જાન્યુઆરીએ દેશમાં યુવા દિવસ સેલિબ્રેટ થાય છે અને આ વર્ષે તેના ૪૦ વર્ષ થશે. ૧૯૮૫થી ઉજવાઈ રહેલા નેશનલ યૂથ ડેની આ વર્ષની થીમ છે - સ્વયંને પ્રકાશિત કરો, દુનિયાને પ્રભાવિત કરો. થીમ માટે જે સૂત્ર અપાયું છે એ મીનિંગફુલ છે. ફ્લાઈટમાં જ્યારે ઈમરજન્સીની સ્થિતિ માટે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે ત્યારે સલાાહ મળે છે - 'પહેલાં તમારું રક્ષણ કરો, પછી બીજાને મદદ કરો.'
આપણે આપણી મદદ નહીં કરીએ તો બીજાની મદદ નહીં કરી શકીએ. આપણે સ્વયં પ્રકાશિત નહીં થઈએ તો બીજાને પ્રકાશ નહીં આપી શકીએ. ને એ જ વાત આ વર્ષના યૂથ ડેની થીમમાં સમાવાઈ છે. યુવાનોને ઉદ્ેશીને અપાયેલી આ સલાહ માત્ર ભારતની યંગ જનરેશનને જ લાગુ નથી પડતી, ગ્લોબલી નવી જનરેશનને આ બાબત લાગુ પડે છે - ઈગ્નાઈટ ધ સેલ્ફ, ઈમ્પેક્ટ ધ વર્લ્ડ - પોતાનું કૌશલ્ય વિકસાવીને દુનિયા પર પ્રભાવ પાથરો.
સ્વયં ઝળહળીને જગતને પ્રકાશ આપવાની આ વાતમાં કદાચ જેન-ઝી સહમત નહીં થાય. ગ્લોબલ પૉલિટિક્સ, સોસાયટીને, સોશિયલ મીડિયા, ઈકોનોમીને પ્રભાવિત કરતી જેન-ઝી ગ્લોબલ વર્કફોર્સમાં અત્યારે કેવી ભૂમિકા ભજવી રહી છે, ભવિષ્યમાં કેવી ભૂમિકા ભજવશે તે જાણીશું તો તેમના વલણનો અંદાજ આપોઆપ નીકળી જશે.
***
આજની તારીખે જેમની વય ૧૩થી ૨૮ વર્ષ સુધી છે એ તમામ જનરેશન ઝેડ યાને જેન-ઝી છે. ૧૯૯૭થી ૨૦૧૨ સુધી જન્મેલી જનરેશનને આ શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ વયજૂથની વસતિ દુનિયામાં ૧૯૦ કરોડ છે. ગ્લોબલ પોપ્યુલેશનનો ૨૩ ટકા હિસ્સો જેન-ઝીનો છે. હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વચ્ચે ઉછરેલી આ જનરેશન છેલ્લાં થોડાં વર્ષોથી ગ્લોબલ વર્કફોર્સમાં મોટી સંખ્યામાં એન્ટર થઈ રહી છે.
પણ આ જનરેશન પાસેથી જે અપેક્ષા દુનિયાને છે એ અત્યારે પૂરી થતી નથી. જેન-ઝીની કમ્પેર તેમની અગાઉની જનરેશન મિલેનિયલ્સ સાથે થાય છે. ૧૯૮૧થી ૧૯૯૬ દરમિયાન જન્મેલી જનરેશન મિલેનિયલ્સ અત્યારે ગ્લોબલ વર્કફોર્સમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ૨૯થી ૪૪ વર્ષની વયજૂથના લોકો મિલેનિયલ્સ કહેવાય છે અને ગ્લોબલ વર્કફોર્સની એ આજે કરોડરજ્જુ છે. લીડરશિપ પોઝિશન્સ સુધી પહોંચેલી આ જનરેશનનો ડિજિટલ ક્રાંતિમાં મોટો ફાળો છે. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના પ્રભાવમાં તેમની કિશોરાવસ્થા વીતી હતી અને આઈટીની ક્રાંતિ તેમને આભારી છે. આ એ જનરેશન હતી જેમણે કોડિંગની કુશળતા મેળવી હતી. એટલે જ મિલેનિયલ્સ જનરેશનને કોડિંગ જનરેશન કહેવાય છે.
એક જ નોકરીમાં કે એક જ ફીલ્ડમાં વર્ષો કાઢી નાખવા કે કરિઅર જ એમાં પૂરી કરવી એ ૧૯૬૫થી ૧૯૮૦ સુધીની જનરેશન એક્સની ઓળખ હતી. આજે ઉંમરના ૪૫થી ૬૦ના પડાવે પહોંચેલા આ લોકો ગ્લોબલ વર્કફોર્સમાં ટોપ મેનેજમેન્ટમાં છે. કંપનીમાં સીઈઓ, એમડી જેવા હોદ્દે કાર્યરત આ જનરેશનમાંથી મોટો વર્ગ ઓલમોસ્ટ નિવૃત્તિને આરે પહોંચી ગયો છે. મિલેનિયલ્સે તેમની અગાઉની જનરેશનનું એક ફીલ્ડનું, એક નોકરીનું વલણ જાળવી રાખવા સાથે નવા પ્રવાહમાં ભળીને પરિવર્તન સ્વીકાર્યું, પરંતુ સ્ટેબલ નોકરી-ધંધાનું વલણ મિલેનિયલ્સ સુધી જોવા મળ્યું. જેન-ઝીના વલણમાં અગાઉની જનરેશન્સની સરખામણીએ મોટો ફેરબદલ દેખાય છે.
નિવૃત્ત થઈ રહેલી જેન-એક્સને રિપ્લેસ કરવાનું કામ જેન-ઝીનું છે, પરંતુ બદલાતા પ્રવાહો વચ્ચે જેન-ઝીની કામ કરવાની પદ્ધતિ સમૂળગી બદલાઈ ગઈ હોવાથી ગ્લોબલ વર્કફોર્સમાં એની સીધી અસર થવા માંડી છે. જેન-ઝી હાડમારીને બદલે સુવિધાજનક જીવન, વર્ક-લાઈફ બેલેન્સમાં માને છે. પરિણામે ગ્લોબલ વર્કફોર્સમાં એક્સપર્ટ્સનો મોટો ગેપ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે. એક-દોઢ દશકા પછી વિશ્વની ટોચની ૨૦ ઈન્ડસ્ટ્રીઝમાં લીડરશિપ પોઝિશન માટે યોગ્ય ઉમેદવારોની મોટી અછત સર્જાવાની છે.
***
ગ્લોબલ પ્રોફેશ્નલ સર્વિસ નેટવર્ક ડીલોઈટીના એક લેટેસ્ટ સર્વેમાં માત્ર છ ટકા જેન-ઝી કર્મચારીઓએ કહ્યું કે તેમને લીડરશિપ સુધી પહોંચવું છે. આ વયજૂથના મોટાભાગના કર્મચારીઓએ સ્પષ્ટ ઓપિનિયન આપ્યો કે તેમને પૈસા કમાવવાની દોડમાં લાઈફ ખર્ચી નાખવી નથી. જરૂરિયાત પ્રમાણે પૈસા કમાઈને વર્ક-લાઈફ બેલેન્સ જાળવી રાખવું છે. પૈસા કમાવવા એ તેમના માટે મહત્ત્વના છે જ, પરંતુ કમાણી માટે જીવનભર કામની ચક્કીમાં પીસાવું નથી.
૧૦માંથી ૯ જેન-ઝી કર્મચારીઓ કહે છે કે તેમના માટે જોબ સેટિસ્ફેક્શન વળતર કરતાં વધારે અગત્યનું છે. મિલેનિયલ્સમાં ૧૦માંથી સાતે વળતર સારું મળતું હોય તો બાંધછોડ કરવાની તૈયારી બતાવી. ૭૭ ટકા જેન-ઝી કર્મચારીઓએ કહ્યું કે પહેલાં તેઓ પોતાનું વિચારશે પછી ફેમિલીનું કરશે. ૬૯ ટકાએ સ્વીકાર્યું કે તેમની નોકરી પર ફેમિલીનો સંપૂર્ણ આધાર નથી. ૮૨ ટકા જેન-ઝી કહે છે કે કામમાં મજા નહીં આવતી હોય તો એ મન મારીને નોકરી કરશે નહીં.
આ એજ ગુ્રપના ૫૮ ટકા વર્ક ફ્રોમ હોમ કે રિમોટ્લી વર્કને પ્રાયોરિટી આપે છે. તેની સામે ૨૦ ટકા જેવું ઓછું વળતર મળતું હશે તો પણ તેમને વાંધો નથી. ઓફિસમાં ચોક્કસ કલાકોના ઢાંચામાં કામ કરવાને બદલે પોતાને અનુકૂળ સમય પ્રમાણે કામ કરવાનું તેમને પસંદ છે.
સૌથી મહત્ત્વનું : જેન-ઝી કર્મચારીઓને એક જ કામ વર્ષો સુધી ફુલટાઈમ કરવાને બદલે પાર્ટટાઈમ નોકરી, અલગ અલગ ફીલ્ડમાં ફ્રીલાન્સ કરવાનું વધારે ગમે છે. જેન-ઝીની નોકરીની એવરેજ એક કંપનીમાં માત્ર ૧૩ મહિના છે. એકથી દોઢ વર્ષની વચ્ચે આ જનરેશન ઓછું વળતર, જોબ સેટિસ્ફેક્શનનો અભાવ, એક જ કામથી કંટાળો, નવા ફીલ્ડમાં નસીબ અજમાવવાનું સાહસ, ઉપરી અધિકારીઓ સાથે મતભેદો - જેવા કારણોથી નોકરી બદલી નાખે છે.
અગાઉની જનરેશન મિલેનિયલ્સમાં ૨૯થી ૩૬ વર્ષની વયજૂથની એવરેજ એક જ હોદ્દા પર કે એક જ કંપનીમાં ૩૬થી ૪૨ મહિના છે. ૩૭થી ૪૪ની વયજૂથમાં આ જનરેશનમાં નોકરીનો સરેરાશ સમયગાળો ૬૨થી ૬૮ મહિના છે. મતલબ આ જનરેશન એક સ્થળે સરેરાશ ચાર-સાડા વર્ષ નોકરી કરે છે. આ બંનેની અગાઉની જેન-એક્સની ધીરજ પ્રશંસનીય હતી. એક કંપનીમાં, ઓલમોસ્ટ એ જ વળતરમાં, એ જ પોસ્ટ પર જેન-એક્સની એવરેજ સાડા પાંચથી સાડા સાત વર્ષ હતી.
***
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલમાં કહેવાયું હતું કે ૨૦૩૪માં મિલેનિયલ્સ તેમની નોકરીના આખરી પડાવમાં હશે. મોટો આધાર જેન-ઝીના ખભે હશે અને એ પછીની જેન-આલ્ફાનો પહેલો ફાલ એક્ટિવ વર્કફોર્સમાં આવી ચૂક્યો હશે ત્યારે લીડરશિપમાં મોટો અવકાશ સર્જાશે. ફોરમના સર્વેમાં ૩૬ ટકાએ કહ્યું કે તેમને ૪૦ વર્ષથી વધારે નોકરી કરવાની ગણતરી નથી. એ પછી મનગમતી પ્રવૃત્તિનો બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ, કન્ટેન્ટ ક્રિએટ કરીને કમાણીનું મોડલ સેટ કરવાની તેમની ગણતરી છે.
વેલ, તેમના વલણ પરથી એટલું કહી શકાય કે જેન-ઝીને સ્વયં પ્રકાશિત થવું છે, પરંતુ દુનિયાને પ્રભાવિત કરવાના ચક્કરમાં પડવું નથી. નોકરીમાં જાત ઘસી નાખવાને બદલે સંઘર્ષ વગરની 'સોફ્ટ લાઈફ' જેન-ઝીને પ્રિય છે.
એકથી વધુ સ્કિલ વિકસાવતી જેન-ઝી
એઆઈના કારણે દુનિયામાં કરોડો નોકરીઓ જશે એવો ભય ફેલાયો છે. એક્સપર્ટ્સ સલાહ આપે છે કે તમારી કુશળતાઓ વિકસાવો. નવી નવી આવડતો કેળવી હશે તો એઆઈના આ તોફાન સામે ટકી જશો. એમાંય એઆઈના ઉપયોગ કરવાની આવડત કેળવવાથી નોકરીઓમાં ઘણો ફાયદો થશે એમ કહેવાય છે. કદાચ એ કારણ હોય કે પછી નવી જનરેશનમાં એકથી વધુ કૌશલ્ય વિકસાવવાનો શોખ હોય, પરંતુ હકીકત એ છે કે નવી જનરેશનને એકથી વધુ કામો આવડે છે. ગ્લોબલ વર્કફોર્સમાં આવી ગયેલી જેન-ઝીમાંથી ૩૦ ટકાએ કોઈને કોઈ એઆઈનો કોર્સ કરી લીધો છે. તે સિવાય તેમની પાસે એજ્યુકેશનના ભાગરૂપે જે ડિગ્રી છે એ તો ખરી જ. ઉપરાંત આ એજ ગુ્રપના ૬૦ કરોડ યૂથ પાસે પાર્ટટાઈમ કોર્સની ડિગ્રી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કહે છે કે આ ડિજિટલ જનરેશનને નવા નવા ડિવાઈસ ઓપરેટ કરવામાં કોઈ મુશ્કેલી નડતી ન હોવાથી એપ્સ કે વેબના માધ્યમથી પાર્ટટાઈમ નોકરી કરવાનું કે રિમોટ્લી વર્ક કરવાનું તેમના માટે આસાન બને છે. અગાઉની જનરેશન્સ કરતાં જેન-ઝી એ અર્થમાં વધારે સ્કિલ્ડ છે, વધારે કુશળ છે, વધારે સ્માર્ટ છે.


