- દુર્ગેશ ઉપાધ્યાય
- પતંગનું પારાયણ ઘણું લાંબુ છે, પણ આ ઉત્સવ માટે દરેક કોમ, દરેક વયના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ હોય છે, એ પણ એક આગવી વિશેષતા નોંધપાત્ર છે
મ કરસંક્રાંતિ પર્વ પ્રાચીન અને વ્યાપક છે. ભારતમાં કન્યાકુમારીથી હિમાલય સુધી સમગ્ર દેશમાં આ પર્વ ભારે ઉત્સાહ-આનંદપૂર્વક ઉજવાય છે. ભારત બહાર જાપાન, બર્મા, ફિજી, મોરેશિયસ અને નેપાળમાં પણ આ તહેવારની ઉજવણી કરાય છે.
હજારો વર્ષ અગાઉ જ્યારે કાગળ અને દોરીની શોધ થઈ ન હતી, ત્યારે ઝાડના રેષામાંથી દોરી અને પાંદડાંમાંથી પતંગ બનાવી ઉડાવતા હતા. જોકે સૌપ્રથમ પતંગ બનાવનાર ચીન ગણાય છે. કાગળના પતંગ પહેલાં લાકડાની છાલમાંથી પતંગ બનાવતા. ચીનમાં ૬૦૦થી ૯૦૦મા વર્ષની સદીમાં પતંગ બનાવ્યો અને તે ઉડાવીને રાષ્ટ્રીય રમત બનાવાઈ હતી. તો પાંચમી સદી પહેલાં ગ્રીક વૈજ્ઞાનિક ટોરેન્ટાના દ્વારા પતંગની શોધ કરાયાનો પણ દાવો છે. તો ચીનના બીજા એક દાવા મુજબ એમના એક સેનાપતિ હાનસિનએ ઈ.સ. પૂર્વે ૨૦૬માં પતંગની શોધ કરી છે.
પતંગની બીજી બાજુ જોઈએ તો, એક વૈજ્ઞાનિકે ઈ.સ. ૧૭૪૬માં પતંગ બનાવી આકાશમાં ઉડાડી હવામાન જાણવા પ્રયોગ કરેલો, તો સ્કોટલેન્ડના બે વૈજ્ઞાનિકો એલેકઝાંડર વિલ્સન, અને ટોમસ સેલ્વીએ પતંગ સાથે થર્મોમીટર બાંધી ઉડાવેલો અને આકાશનું તાપમાન માપેલું, ત્યારબાદ બેન્જામીન, ફ્રેન્કલીન નામના એક વૈજ્ઞાનિકે પતંગ સાથે ધાતુનો ટુકડો બાંધી આકાશી વીજળીની તીવ્રતા માપવામાં પ્રયોગ કરેલો. ત્યારબાદ ઈ.સ. ૧૮૨૨માં જ્યોર્જ પોકોક નામના વૈજ્ઞાનિકે બે મોટા પતંગોને એક બગી સાથે બાંધી ઉડાડેલા, જેથી બગી દોડવા લાગી હતી. તેના આધાર પર બીજા વૈજ્ઞાનિકે મોટર કારની શોધ કરી હતી.
આ પતંગ સાથે ધાર્મિક મહત્વ પણ જોડાયેલું જોવા મળે છે. ચીન, જાપાન, કોરિયામાં પતંગ સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. મોરમ જનજાતિના લોકો પતંગ ચગાવતા પહેલાં તેની પૂજા કરે છે. જ્યારે મધ્યયુગમાં પતંગ ચગાવતી વખતે ભજનો ગવાતાં હોવાની નોંધ મળે છે.
કહેવાય છે કે, પતંગબાજીની શરૂઆત ૧૭૫૦ ઈ.સ.ની આસપાસ શરૂ થઈ હતી. જે દરમિયાન શાહઅલી (પ્રથમ)નું શાસન હતું, તેણે પતંગબાજીને શાહી રમતનું સ્થાન આપ્યું હતું.
અગાઉ પાંદડાંમાંથી પતંગ બનાવવાની શરૂઆત બાદ લાકડાની છાલ, રેશમમાંથી અને તે પછી કાગળનું સ્થાન આવ્યું. જેમાં ચીનાઈ કાગળ પછી કલકત્તા અને પૂનાથી મળતો ત્રિવેણી કાગળ પતંગમાં વપરાવા લાગ્યો, અને હવે પાતળું પોલીથીન પણ પતંગ બનાવવામાં વપરાય છે.
પતંગનો આકાર સૌપ્રથમ પક્ષીમાંથી પ્રેરાઈને પક્ષી જેવો બનાવાયો હતો, પણ ત્યારબાદ જુદાજુદા લોકોએ તેને વિવિધ આકારમાં ઢાળી જુદાં જુદાં સ્વરૂપ આપ્યાં, તો વળી કોઈએ નાનામાં નાની અને મોટામાં મોટી પતંગ બનાવી. વિશ્વમાં સૌપ્રથમ મોટામાં મોટો પતંગ ફ્રાંસના માઇકલ ગ્રેસીયરે ગ્લાસ ફાઈબર અને લિનનનો બનાવ્યો હતો, જે ૩૨ ચોરસમીટરનો, ૯ મીટર પહોળાઈ ધરાવતો હતો તો ચીનમાં દિવાસળીની પેટીમાં સમાઈ જાય એવો પતંગ સૌ પ્રથમ બનાવાયો હતો. જોકે પતંગની બનાવટમાં ચીન અગ્રેસર છે. આ ઉપરાંત વર્ષોવર્ષ પતંગના માપ-આકારના નવા રેકોર્ડ થતા રહ્યા છે.
ગુજરાતમાં પતંગ બનાવવામાં મોખરે અમદાવાદ, સુરત અને વડોદરા છે. આ શહેરોમાં પતંગ બનાવવાનો ગૃહઉદ્યોગ વર્ષભર ચાલતો રહે છે, જે અનેક કુટુંબોને રોજી-રોટી આપે છે. વડોદરાનું ગેંડીગેટ રોડ પરનું પતંગ બજાર વર્ષોથી પોતાનું આગવું સ્થાન જાળવી રહ્યું છે. અમદાવાદમાં તો એક પતંગ મ્યુઝિયમ પાલડી વિસ્તારમાં બનાવેલું છે. વળી એક પતંગ હોટલ પણ છે.
આમ પતંગનું પારાયણ ઘણું લાંબુ છે, પણ આ ઉત્સવ માટે દરેક કોમ, દરેક વયના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ હોય છે, એ પણ એક આગવી વિશેષતા નોંધપાત્ર છે.


