Get The App

મહાવતાર બાબાની બહેન નાગલક્ષ્મી દેવી પણ સદા યુવાન સિદ્ધ યોગિની છે!

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
મહાવતાર બાબાની બહેન નાગલક્ષ્મી દેવી પણ સદા યુવાન સિદ્ધ યોગિની છે! 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- અન્નઈ નાગલક્ષ્મી દેવી (દેવિયાર) એ મહાવતાર બાબા પાસે દીક્ષિત થયા બાદ ઘોર તપસ્યા અને સાધના કરી એ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી જે મહાવતાર બાબા પાસે છે

મ હાવતાર બાબા એક અમર યોગી અને આધ્યાત્મિક ગુરુ છે. જે હિમાલયમાં નિવાસ કરે છે. કેટલાક એમને ભગવાન શિવનો અવતાર કહે છે તો કેટલાક એમને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર કહે છે. એમને અમર ગુરુ, મહામુનિ બાબાજી, મહાયોગી, ત્ર્યંબક બાબા કે શિવ બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાવતાર બાબા ૨૦૦ કરતાં પણ વધારે વર્ષોથી વિદ્યમાન હોવાનું મનાય છે. એમનું અસલ નામ અને જન્મતિથિ કોઈને ખબર નથી, એટલે એમને સર્વ પ્રથમ લાહિડી મહાશય દ્વારા અપાયેલી 'મહાવતાર' પદવીના નામથી બોલાવતા હતા. મહાવતાર બાબાનો અર્થ છે- મહાન અવતાર અને બાબાજીનો અર્થ છે- શ્રદ્ધેય પિતા.

કેટલાક અભિલેખોના આધારે કેટલાક લોકો માને છે કે તેમનું નામ નાગરાજન કે નાગરાજ હતું. તે ભારતના તમિલનાડુના પરાન્ગીપેટ્ટે (પરન્ગી પેટ્ટઈ) નામના એક નાના ગામમાં જન્મ્યા હતા. તેમના પિતા એક મંદિરના પૂજારી હતા. તે એક અસાધારણ બાળક હતા જે પૂર્વજન્મના સંસ્કારથી કુંડલિની યોગમાં બાલ્યાવસ્થાથી અત્યંત નિપૂણ હતા. મહાવતાર બાબા અર્થાત્ નાગરાજની બહેનનું નામ અન્નઇ નાગલક્ષ્મી દેવી છે. તે પણ મહાયોગિની છે. તેમની જેમ જ સદા કાળ યુવાન અને સુંદર છે. અમર ગુરુ મહાવતાર બાબાની જેમ તે પણ અમર, પરમ સિદ્ધા, શક્તિ સ્વરૂપા અને આધ્યાત્મિક, યૌગિક અને તાંત્રિક સિદ્ધિઓ પ્રદાન કરવા સક્ષમ છે.

જ્યારે નાગારાજન પાંચ વર્ષના હતા ત્યારે તેમને ઉઠાવી ગયું હતું અને તેમને કલકત્તાના કોઈ દુકાનદારને આપી દીધા હતા. તે દુકાનદાર દયાળુ હતો અને નાગરાજનમાં પણ દૈવી પ્રભાવ હતો એટલે તેમને છોડી દીધા હતા. તે પછી નાગરાજન સાધુઓની ટોળીમાં ભળી ગયા હતા. તેમણે કઠોર તપશ્ચર્યા કરી તેમની સાથે પરિભ્રમણ કર્યું હતું. વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેનું અધ્યયન કર્યુ હતું. આ રીતે ૧૦ વર્ષ સુધી એ સાધુઓના સમુદાય સાથે ઉપમહાદ્વીપની યાત્રા કરતા રહ્યા હતા. કતારગામમાં તે તેમના ગુરુ યોગી ભોગરનાથને મળ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ ગહન સાધના કરી હતી. તે રીતે તેમણે મહર્ષિ અગત્સ્યને પણ તેમના ગુરુ બનાવ્યા હતા. ગુરુએ એમને અનેક શક્તિઓ પ્રદાન કરી હતી. જેમાં હજારો વર્ષો સુધી પોતાના શરીરને યુવાન અવસ્થામાં રાખવાનું રહસ્ય પણ સમાયેલું હતું. આ સિદ્ધ મહાતવતાર બાબાએ એમની બહેન અન્નઇ નાગલક્ષ્મી દેવીને પણ પ્રાપ્ત કરાવી હતી. એટલે એ બન્નેય ચિર યુવાન જ રહે છે. 

અન્નઈ નાગલક્ષ્મી દેવી (દેવિયાર) એ મહાવતાર બાબા પાસે દીક્ષિત થયા બાદ ઘોર તપસ્યા અને સાધના કરી એ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી જે મહાવતાર બાબા પાસે છે. જે રીતે મહાવતાર બાબાએ 'ક્રિયાયોગ'નો પ્રસાર અને પ્રચાર કર્યો એ રીતે એમની મહા સિદ્ધ યોગિની બહેને 'લયયોગ'નો પ્રસાર-પ્રચાર કર્યો. આ ગુપ્ત લય યોગ એવી યોગની ઉચ્ચ અવસ્થા છે. જેમાં કંઈપણ સર્જન કરી શકાય છે. મહાવતાર બાબા અને નાગલક્ષ્મી દેવી ઘણીવાર એક સાથે સાધના કરતા હોય એમ દેખાય છે તો કેટલીક વાર અલગ જગ્યાએ પણ સાધના કરતા દેખાય છે. મહાવતાર બાબા અત્યારે અને ભવિષ્યમાં પણ વિદ્યમાન રહેશે એનું કારણ એમની બહેન નાગલક્ષ્મી જ છે. આ સંબંધે પરમહંસ યોગાનંદના પુસ્તક ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગીમાં નિર્દેશ છે. એ પ્રમાણે મહાવતાર બાબાના શિષ્ય લાહિડી મહાશય કાશીમાં રહેતા હતા. એક દિવસ રાત્રિના સમયે જ્યારે તે લાહિડી મહાશયના અન્ય શિષ્યો સાથે ધ્યાન-સમાધિમાં લીન હતા ત્યારે તેમના ગુરુ લાહિડી મહાશયે તેમને ધ્યાનવસ્થામાં આદેશ કર્યો કે અત્યારે જ દશાશ્વમેઘ જાઓ- તે થોડા વિસ્મયમાં મૂકાઈ ગયા. પણ ગુરુના આદેશ પ્રમાણે તે દશાશ્વમેધ ઘાટ પહોંચી ગયા. ત્યાં થોડીવાર બેઠા પછી તેમનું ધ્યાન પથ્થરના પગથિયા પર પડયું. તેની ઉપર એક મોટો ઉભો લંબચોરસ પથ્થર હતો. ચાંદનીના પ્રકાશમાં તેમણે જોયું કે પેલો પથ્થર આપોઆપ ઉપર ખસવા લાગ્યો હતો. જાણે કે તે ગુફાનું દ્વાર હતો. તે પથ્થર થોડે ઉપર જઇને એ રીતે આપોઆપ અટકી ગયો કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ એને પકડી રાખ્યો ના હોય ! તે ગુફામાંથી એક યુવાન સિધ્ધ મહાયોગિની બહાર આવી તેની ચારે બાજુ દિવ્ય આભામંડળ ચમકતું હતું. તેણે રામગોપાલને કહ્યું- હું મહાવતાર બાબાની બહેન નાગલક્ષ્મી દેવિયાર છું. મેં મહાવતાર બાબા અને લાહિડી મહાશયને પણ અહીં આવવા કહ્યું છે. તે આવવાની તૈયારીમાં જ છે. થોડી સેંકડો બાદ ગંગાની ઉપર એક પ્રકાશપુંજ દેખાયો. તે ત્યાંથી નાગલક્ષ્મી (માતાજી)ની બાજુમાં આવીને સ્થિર થઈ ગયો. તેમાંથી લાહિડી મહાશય સાકાર રૂપે પ્રગટ થયા. તેમણે માતાજીને પ્રણામ કર્યા. તે જ વખતે આકાશમાંથી બીજો એક રહસ્યમય પ્રકાશ પુંજ તે તરફ આવવા લાગ્યો અને તેની આગળ અટકી ગયો. બીજી જ પળે તે મહાવતાર બાબાના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયો. રામગોપાલ, લાહિડી મહાશય અને માતાજીએ તેમનો ચરણસ્પર્શ કરી પ્રણામ કર્યા, રામગોપાલ કહે છે તેમણે જેવો બાબાજીનો ચરણ સ્પર્શ કર્યો તે સાથે તેમને દિવ્ય અનુભૂતિ થઈ. મહાવતાર બાબાએ ત્રણેયને આશિષ આપ્યા.

તે પછી મહાવતાર બાબા તેમની બહેનને કહેવા લાગ્યા- 'બહેન, હું મારા વર્તમાન શરીરનો ત્યાગ કરીને પર બ્રહ્મના નિરાકાર તત્વમાં લીન થઈ જવા માગું છું. મારું ક્રિયાયોગના જ્ઞાન પ્રદાનનું કામ પૂરું થઈ ગયું છે. મારા આ શિષ્ય હવે એના પ્રસારનું કામ કરશે.' માતાજીએ કહ્યું- મને તમારી આ ઇચ્છાની ખબર પડી ગઈ હતી. એટલે જ મેં તમને આ બાબતે ચર્ચા વિચારણા કરવા અહીં બોલાવ્યા છે. માતાજીએ બાબાજીને કહ્યું- 'ભાઈ, તમે તમારું શરીર કેમ છોડી દેવા માંગો છો ?' તેનો જવાબ આપતા મહાવતાર બાબાએ કહ્યું- હવે શરીર ધારણ કરી રાખવાનું કોઈ કારણ નથી. પરમ તત્વના મહાસાગર પર હું શરીર રૂપી દ્રશ્ય તરંગ રૂપે રહું કે આત્મા રૂપી અદ્રશ્ય તરંગ રૂપે એનાથી શો ફરક પડવાનો છે ? તે સમયે તેમની બહેન નાગલક્ષ્મી (માતાજી) એ તેમની તેજસ્વી મેધાનો ઉપયોગ કરીને કહ્યું- હે ગુરુદેવ, હે ભાઈ, જો એનાથી કોઈ ફરક ના પડતો હોય તો તમે તમારું આ વર્તમાન શરીર, સાકાર રૂપ છોડશો નહીં. આમ માનવતાના કલ્યાણ માટે માતાજીએ મહાવતાર બાબાને એમના ભૌતિક શરીરમાં રહેવાનો અનુરોધ કર્યો. બાબાજીએ એમની બહેનના વચનનો સ્વીકાર કર્યો. એટલે તે એ જ સ્વરૂપે સદા કાળ વિદ્યમાન રહ્યા છે. નાગલક્ષ્મી દેવી કુંડલિની અને શ્રીવિદ્યા પરંપરા સાથે જોડાયેલી દેવી છે. બાબાજી ચૈતન્ય રૂપ શિવ તત્વ છે અને નાગલક્ષ્મી દેવી ઊર્જા રૂપ શક્તિતત્વ છે. તે બન્ને પારિવારિક ભાઈ-બહેનતો છે જ, પરંતુ તે સાથે શિવ-શક્તિના સંતુલનનું દૈવી રૂપ પણ છે.