- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- ક્રિસ્ટોફર નોલનની ફિલ્મો ફરી ફરીને એક જ પ્રશ્ન પૂછતી હોય છે: ધારો કે તમારી સ્મૃતિ અને સમય નાશ પામે, તમારી વાસ્તવિકતા વેરવિખેર થઈ જાય તો આવી સ્થિતિમાં તમારી ઓળખ શું? નોલનની આગામી ફિલ્મ 'ધ ઓડિસી' પણ આ જ અસ્તિત્ત્વવાદી સવાલ ખડો કરે છે
ગ યા રવિવારે આપણે ૨૦૨૬માં જેની રાહ જોવાનું સૌથી વધારે મન થાય એવી બોલિવુડની ફિલ્મોની વાત કરી હતી. જો હોલિવુડની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોનો ઉલ્લેખ કરીએ તો એમાં સુપરહીરો ફિલ્મ્સની બહુમતી છે ('અવેન્જર્સ: ડૂમ્સડે', 'સ્પાઇડમેન: બ્રાન્ડ ન્યુ ડે', 'સુપરગર્લ: વુમન ઓફ ટુમારો', 'માસ્ટર્સ ઓફ યુનિવર્સ'), એકાદ એનિમેશન ફિલ્મ છે ('ટોય સ્ટોરી-ફાઇવ'), કાં તો પછી સિક્વલ કે રિમેક છે ('ડયુન-થ્રી', 'ધ હંગર ગેમ્સ: સરપ્રાઇઝ ઓન ધ રિપીંગ', 'ક્લિફહેન્ગર'). એ જે હોય તે, ખરું પૂછો તો ૨૦૨૬માં સૌથી વધારે પ્રતીક્ષા કરવાનું સાચે જ મન થાય તેવી અંગ્રેજી ફિલ્મ આ એક જ છે - ક્રિસ્ટોફર નોલનની 'ધ ઓડિસી'!
નોલને છેલ્લે 'ઓપનહાઇમર' (૨૦૨૩) બનાવીને તરખાટ મચાવ્યો હતો. એટમ બોમ્બના જનક એવા વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપનહાઇમરની આ બાયોપિક બનાવવા બદલ નોલનને પહેલી વાર ઓસ્કર અવોર્ડ મળ્યો, તે પણ એક નહીં બલ્કે બબ્બે ઓસ્કર - બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ફિલ્મ (તેઓ 'ઓપનહાઇમર'ના સહનિર્માતા પણ હતા). ૨૦૨૪માં ક્રિસ્ટોફર નોલને ઘોષણા કરી દીધેલી: મારી હવે પછીની ફિલ્મ ગ્રીક મહાકાવ્ય 'ઓડિસી' પર આધારિત હશે.
આ જાહેરાતને કારણે નોલનના ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. એકવીસમી સદીના મહાનતમ ફિલ્મમેકરોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા ક્રિસ્ટોફર નોલને આમ તો કેટલાય જૉનરની ફિલ્મો બનાવી છે. દિમાગ સખળડખળ કરી નાખે એવી 'ઇન્સેપ્શન' અને ટાઇમ-સ્પેસનાં પરિમાણો સુધ્ધાંને ભેદી શકતા પ્રેમની વાત કરતી 'ઇન્ટરસ્ટેલર' ઉત્તમ સાયન્સ ફિક્શન છે, તો 'ધ ડાર્ક નાઇટ' અને બેટમેનની અન્ય બે ફિલ્મો બનાવીને નોલને પૂરવાર કર્યું કે કોમિક બુક સુપરહીરો પર આધારિત ફિલ્મોમાં પણ ઊંડાણ હોઈ શકે છે. શોર્ટ ટર્મ મેમરી લોસ વિશે વાત કરતી સાઇકોલોજિકલ થ્રિલર 'મેમેન્ટો' પરથી બનેલી આમિર ખાનની 'ગજિની' બની, જે સુપરહિટ સાબિત થઈ. નોલનની ફિલ્મોગ્રાફીમાં આ સિવાય 'ઇન્સોમ્નિયા', 'ધ પ્રેસ્ટિજ', 'ડનકર્ક' અને 'ટેનેટ' જેવી ફિલ્મો પણ બોલે છે. નોલનની ફિલ્મોમાં વૈવિધ્ય ભરપૂર છે, પણ તોય કોણ જાણે કેમ, તેઓ પ્રાચીન ગ્રીક કથાનક પરથી ફિલ્મ બનાવશે તેવું એમના ચાહકોએ કલ્પ્યું નહોતું. સુપરહિટ 'ઓપનહાઇમર' ૧૦૦ મિલિયન ડોલરના બજેટમાં બની હતી, જ્યારે 'ધ ઓડિસી'ના બજેટ માટે ૨૫૦ મિલિયન ડોલર (બે હજાર કરોડ રૂપિયાથી પણ વધારે) આંકડો મંડાયો એટલે લોકોનું કુતૂહલ ઔર વધ્યું.
'ઓડિસી'માં શું છે? આ ઇસવી સન પૂર્વેની આઠમી સદીમાં હોમરે લખેલું ગ્રીક મહાકાવ્ય છે, જે ૨૪ ખંડોમાં ફેલાયેલું છે. એના નાયકનું નામ છે ઓડિસ્યુસ. (આપણી ભાષાના પ્રથમકક્ષ કવિ સિતાંશુ યશશ્ચંદ્રે લખેલો 'ઓડિસ્યુસનું હલેસું' કાવ્યસંગ્રહ મનમાં ઝબક્યોને?) ઓડિસ્યુસ એક અત્યંત બુદ્ધિમાન અને બાહોશ યોદ્ધા છે. ટ્રોજન વોર સમાપ્ત થયું તે વાતને દસ વર્ષ વીતી ચૂક્યાં છે. ઓડિસ્યુસ અને એના સૈનિકોના મનમાં હવે એક જ લક્ષ્ય છે - હવે કોઈ પણ ભોગે વતન પાછા ફરવું છે! પણ એમ ઘરવાપસી પણ ક્યાં સરળતાથી થઈ શકે છે? રસ્તામાં એક પછી એક વિઘ્નો આવતાં જાય છે. ઓડિસ્યુસ સમુદ્રના દેવ પોસાયડનના દીકરાની આંખો ફોડી નાખે છે અને સમુદ્રદેવ કોપાયમાન થઈ ગયા છે. માત્ર દેવ નહીં, દાનવો અને પ્રકૃતિએ પણ જાણે કે નક્કી કરી લીધું છે કે ઓડિસ્યુસને કોઈ પણ ભોગે રોકવો. આમ ને આમ બીજાં દસ વર્ષ વીતી જાય છે.
આ બાજુ ઓડિસ્યુસની વફાદાર પત્ની પેનેલોપી અખંડ પ્રતીક્ષા કરી રહી છે. પેનેલોપી પર કેટલાય પુરૂષોની નજર છે. એને કહેવામાં આવે છે કે અરે નાદાન સ્ત્રી, તારો વર તો ક્યારનો યુદ્ધમાં ખપી ગયો હશે, તું શા માટે હજુ એની રાહ જોતી બેઠી છો? ઓડિસ્યુસ યુદ્ધ કરવા નીકળ્યો ત્યાર એનો પુત્ર ટેલીમેચસ હજુ તો ઘોડિયામાં હિંચકા ખાતો હતો. એ હવે વીસ વર્ષનો ભડભાદર જુવાન થઈ ગયો છે, ને એ પોતાના પિતાને શોધવા નીકળી પડયો છે. ઇન ફેક્ટ, 'ધ ઓડિસી' ફિલ્મની શરૂઆત જ આ બિંદુથી થાય છે. આખરે એથેના નામની ગ્રીક દેવીની મદદથી
ઓડિસ્યુસ માંડ પોતાને વતન પહોંચે છે. શરૂઆતમાં ઓડિસ્યુસ પોતાની ઓળખ છુપાવી રાખે છે. ગરીબ ભીખારીનો સ્વાંગ સજીને સૌથી પહેલાં તો એ પોતાના પરિવારની, પોતાના રાજ્યની વર્તમાન વાસ્તવિકતા શી છે તેનો તાગ મેળવે છે. પત્ની પર નજર બગાડીને બેઠેલા પુરૂષોનો વધ કરે છે અને પછી જ એ પોતાના પરિવાર સામે ઓડિસ્યુસ તરીકે પેશ થાય છે.
આ થઈ 'ધ ઓડિસી'ની સ્ટોરી. ઓડિસ્યુસનો રોલ મેટ ડેમને કર્યો છે, પેનેલોપીની ભૂમિકા ઍન હેથવેએ નિભાવી છે, જ્યારે એમના પુત્રના કિરદારમાં ટોમ હોલેન્ડે અભિનય કર્યો છે. ફિલ્મમાં ઝેન્ડયા, રોબર્ટ પેટીસન અને ચાર્લીઝ થેરોન જેવાં કલાકારો પણ છે. પહેલી નજરે ક્રિસ્ટોફર નોલનની આગલી ફિલ્મો કરતાં 'ધ ઓડિસી' ખાસ્સી અલગ લાગે. આ કંઈ કમ્પ્યુટર ગ્રાફિક્સ ઇમેજરીની છાકમછોળ ધરાવતી ફેન્ટસી ફિલ્મ નથી. નોલને આ ગાથાને એક હ્યુમન સર્વાઇવલ ડ્રામા તરીકે ટ્રીટ કરી છે. ફિલ્મમાં, અલબત્ત, વીએફએક્સનો ઉપયોગ થવાનો જ, પણ નોલને ગ્રીસ, મોરોક્કો, ઇટલી, સ્કોટલેન્ડ, આઇસલેન્ડ, વેસ્ટર્ન સહરા જેવાં અસલી લોકેશન્સ પર સાચકલી એક્શન સિક્વન્સીસ શૂટ કરી છે. ફિલ્મનો હીરો મેટ ડેમને વચ્ચે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે, 'તમે ફિલ્મમાં ઓડિસ્યુસનું જે જહાજ જોશો તે તે અસલી છે, જે દરિયાનાં મોજાં છે તે અસલી છે, લોકેશન્સ પણ અસલી છે. ઓડિસ્યુસ અને એના સાથીઓને જહાજમાં ખરેખર કેવો અનુભવ થયો હશે તે સવાલનો જવાબ અમે કેમેરા વડે કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો છે.'
ક્રિસ્ટોફર નોલન કહે છે, 'એક ફિલ્મમેકર તરીકે તમે શોધતા હો છો કે સિનેમેટિક કલ્ચરમાં શું ખૂટે છે, ક્યાં ગાબડાં રહી ગયાં છે. હું માઇથોલોજિકલ ફિલ્મો જોઈને હું મોટો થયો છું, પણ મેં જોયું કે આવા વિષયોને ક્યારેય સારામાં સારું બજેટ મળ્યું જ નથી. મારે હોલિવુડની આઇમેક્સ ટેકનોલોજીને માઇથોલોજિકલ ફિલ્મ માટે વાપરવી હતી. 'ધ ઓડિસી' બનાવવા પાછળનો મારો એક મુખ્ય આશય આ હતો.'
આ આખેઆખી ફિલ્મ નોલને આઇમેક્સ ૭૦એમએમ ફિલ્મ કેમેરાથી શૂટ કરી છે, પણ મજા જુઓ - આજની તારીખે આખા ભારતમાં આ ફોર્મેટમાં ફિલ્મ પ્રદર્શિત કરી શકે એવું એક જ થિયેટર મોજુદ છે - અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલું આઇમેક્સ થિયેટર! દેખીતું છે કે 'ધ ઓડિસી' દુનિયાભરના પ્રેક્ષકો સુધી પહોંચી શકે તે માટે એને જુદાં જુદાં ફોર્મેટ્સમાં કન્વર્ટ કરવામાં આવશે.
તમે સહેજ વિચારશો તો સમજાશે કે ઓડિસ્યુસ એ નોલનના અગાઉના નાયકો કરતાં ભલે સાવ જુદો પડતો હોય, પણ આ સૌ પુરુષોની તાસીર એકબીજા કરતાં કંઈ સાવ જુદી નથી. માત્ર નાયક નહીં, 'ધ ઓડિસી' ફિલ્મ ખુદ અમુક સ્તરે નોલનની આગલી ફિલ્મો સાથે સામ્ય ધરાવે છે. જેમ કે, નોલનની ફિલ્મોમાં સમય સીધેસીધો વહેતો નથી. 'મેમેન્ટો' અને 'ડનકર્ક'માં નોન-લિનીઅર ટાઇમલાઇન છે, 'ઇન્સેપ્શન'માં સમયના ટુકડેટુકડા થઈ ગયા છે, તો 'ઇન્ટરસ્ટેલર'માં સમયરેખા ખૂબ ખેંચાઈ ગઈ છે. 'ઇન્ટરસ્ટેલર'માં અંતરિક્ષયાત્રી નાયકની ઉંમર થીજી ગઈ છે, અને એ દાયકાઓ પછી પૃથ્વી પર પાછો ફરે છે ત્યાં સુધીમાં એની દીકરી બુઢી થઈ ચૂકી છે. 'ધ ઓડિસી'ની કથા વીસ વર્ષના અંતરાલમાં ફેલાયેલી છે.
નોલનની ફિલ્મો આ એક સવાલ પૂછતી હોય છે: ધારો કે તમારી સ્મૃતિ અને સમય નાશ પામે, તમારી વાસ્તવિકતા વેરવિખેર થઈ જાય તો આવી સ્થિતિમાં તમારી ઓળખ શું? 'મેમેન્ટો'ના નાયકે સ્મૃતિ ગુમાવી દીધી છે, તો 'ઇન્સેપ્શન'નો નાયક નિશ્ચિતતા ખોઈ બેઠો છે. 'ધ ઓડિસી'નો નાયક પરિવાર, રાજ્ય, માનમોભો, નિશ્ચિતતા બધું જ ખોઈ ચૂક્યો છે. નોલનની ફિલ્મોમાં એકલતા પણ વારે વારે પુનરાવર્તન પામતી રહી છે. બેટમેન ગુનાખોરી સામે એકલો ઊભો છે, 'ડનકર્ક'ના સૈનિકો ટોળામાંય એકલા છે, 'ઇન્ટરસ્ટેલર'નો કૂપર અંતરિક્ષમાં એકલોઅટૂલો છે, તો દરિયામાં અથડાઈ કૂટાઈ રહેલો 'ધ ઓડિસી'નો ઓડિસ્યુસ પણ તીવ્ર એકલતાથી પીડાઈ રહ્યો છે. નોલન પોતાની ફિલ્મોમાં ફરી ફરીને આ પ્રશ્નો પૂછતા રહે છે: માણસ એટલે આખરે કોણ? માણસના કંટ્રોલમાં ખરેખર કેટલું હોય છે? શું હોય છે? એવું શું છે જે સમયની છાતી પર ટકી શકે છે? માણસને સત્તા, સ્મૃતિ કે જીત-હારથી નહીં, પણ તેને ટકાવી રાખતા બળના આધારે ડિફાઇન કરી શકાય. એવું શું છે જે માણસ ગમે તેવી ભયાનક પરિસ્થિતિમાં પણ છોડતો નથી? 'ધ ઓડિસી'માં નાયક આ એક આશાને છોડતો નથી: એક દિવસ હું ઘરે ચોક્કસ પાછો ફરીશ... એક દિવસ તો હું મારે વતન જઈને જ રહીશ!
'ધ ઓડિસી' છેક ૧૭ જુલાઈએ રિલીઝ થવાની છે. આપણે છ મહિના કરતાંય વધારે સમય પહેલાં આ ફિલ્મ વિશે ચર્ચા કરવા લાગ્યા છીએ તે ક્રિસ્ટોફર નોલનનો એક ફિલ્મમેકર તરીકેનો પાવર જ છે કે બીજું કંઈ?
શો-સ્ટોપર
'ધુરંધર' જોઈને હું તો ચકિત થઈ ગયો હતો. આ ફિલ્મ જોઈને મને મારી ફિલ્મમેકર તરીકેની ક્ષમતા પર સવાલો થવા લાગ્યા છે...
- કરણ જોહર


