- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'પરિશ્રમભાઈ, પ્રેરક તો ઓલિયો છે. વરસીને ખાલી થઈ જશે. પણ આદર્શના આકાશથી એ અળગો નહીં થાય. અને હું પણ તેના કાર્યમાં હૃદયપૂર્વક સાથ આપું છું.'
'મિ. પરિશ્રમ, આવો. લો આ તમારી ખુરશી સંભાળી લો.' જનરલ મેનેજરે તેમના નવા પી.આર.ઓ. ને આવકારતાં કહ્યું.
'ના સર, આ જગાએ હું નહીં બેસું.' પી.આર.ઓ તરીકે નવા નિયુક્ત થયેલા મિ. પરિશ્રમે કહ્યું.
'અરે મિ. પરિશ્રમ, આ વિજ્ઞાનના યુગમાં તમે શુકન-અપશુકનમાં, વહેમ-બહેમ વગેરેમાં માનો છો ખરા ? મિ. પ્રેરકના અવસાનને ત્રણ મહિના થઈ ગયા. આજ સુધી એવું કશું જ બન્યું નથી કે તમે તેમની ખુરશી પર બેસતાં ગભરાઓ.' જનરલ મેનેજર મિ. ગુપ્તાએ પરિશ્રમને સમજાવતાં કહ્યું.
'સર, આ બાબત શુકન-અપશુકન કે વહેમની નહીં પણ ભાવનાની છે. પ્રેરકનું આસન લેવાની મારી હેસિયત શી ? સવાલ ખુરશી બદલવાનો જ છે. મારે મારી કેબિનમાં નવેસરથી ગોઠવણ કરવી છે.' પરિશ્રમે વાત પકડી રાખી એટલે 'એઝ યુ પ્લીઝ' કરીને જનરલ મેનેજર પોતાની ચેમ્બરમાં ગયા.
પરિશ્રમે પોતાની ચેમ્બરમાં પ્રવેશ્યા બાદ પ્રેરકની ખુરશી આદરપૂર્વક ખસેડીને જમણી બાજુના ખૂણામાં ગોઠવી. બેગમાંથી ધૂપસળીનું પેકેટ કાઢી પાંચેય ધૂપસળી જલાવીને ધૂપદાનીમાં ગોઠવી અને મનોમન પ્રેરકને વંદન કર્યા. પરિશ્રમ અનિમેષ નયને ખુરશી તરફ
તાકી રહ્યો.
પરિશ્રમને લાગ્યું કે જાણે પ્રેરક પોતાની સાથે વાત કરી રહ્યો છે. 'પરિશ્રમ, મારા ભાઈ લોકો ખુરશી માટે પોતાનું ઇમાન વેચવામાં ય પાછી પાની કરતાં નથી, એવા યુગમાં તેં મારી ખુરશીમાં બેસવાનો ઇન્કાર કરી દીધો ?' ઇમોશન અને પ્રમોશન વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે માણસ ઇમોશનની પરવા થોડો જ કરતો હોય છે ? અને મરનાર કર્મચારી તો બિચારો ઔપચારિકતાનો વિષય બની જાય છે. રજા, શ્રદ્ધાંજલિ, હોઠેથી નીકળતા સદ્ભાવ-સ્મરણના શબ્દો, મસ્ટર રોલમાંથી નામ કમી અને અગ્નિદાહ પહેલાં જ ચાર્જ આપવાની ઉતાવળ ! બસ, પછી કર્મચારી નામ:શેષ શક્ય હોય તો સ્મૃતિશેષ પણ... પણ પરિશ્રમ, નથી હું તારો કોઈ સગો કે નથી તારો વહાલો. મારા મોતનો મલાજો જાળવવાની તારે શી જરૂર ?' પ્રેરકે રડમસ સ્વરે કહ્યું.
પરિશ્રમની આંખો પણ ભીની થઈ ગઈ. એણે કહ્યું : 'પ્રેરક, કોણ કહે છે કે તું કેવળ કર્મચારી હતો ? આ ઓફિસના એકેએક માણસને તેં લાગણીનાં નીરથી ભીંજવ્યા છે. કામને ભગવાન માનીને તેં તારી તબિયતની ચિંતા કર્યા વગર રાત-દિવસ આ ઓફિસની પ્રતિષ્ઠા ખાતર તનતોડ મહેનત કરી છે. મને એ રવિવાર બરાબર યાદ છે, જ્યારે હું તારે ઘેર પ્રેરણા ભાભીને મળવા આવ્યો હતો... જાણે હવામાં હજીયે આગંતુકોના શબ્દો પડઘાઈ રહ્યા હતા... 'બેટા પ્રેરક' જાડા કાચવાળા ચશ્માની ફ્રેમ નજીક કપાળ પર હાથની આંગળીઓનો 'શેડ' બનાવીને પડોશનાં જમનાબા કહેતાં : 'મારા દીકરાના દીકરાને અંગ્રેજી સ્કૂલમાં પહેલા ધોરણમાં દાખલ કરી દેવાનો છે. લે આ જનમનો દાખલો. એમાં બધું ય લખેલું છે. ફોરમ ભરીને ફી પણ ભરી દેજે. પછી હિસાબ સમજી લઈશું.'
'ભલે જમનાબા, ચાર દિવસ પછી પહોંચ લઈ જજો.' વૃદ્ધ જમનાબાને દરવાજા સુધી વળાવતાં અડધો અડધો થઈ જતાં પ્રેરક, તને મેં જોયો છે. હું રોકાયો ત્યાં સુધી કેટલાય લોકો જુદાં જુદાં કામ લઈને આવ્યાં અને ખુશ જોઈને ગયા.
રેશનકાર્ડથી માંડીને રજા મંજૂર કરાવવાના અને બેન્કમાંથી છૂટા લાવવાથી માંડીને છૂટાછેડાના કેસ જલદી ચલાવવાની મદદ સુધીનાં કામો માટે પ્રેરક, તારા ઘરનો ઉંબરો ઘસનારાં લોકોની લાઈન જોઈને પ્રેરણાભાભી પણ હરખાતાં હતાં. પોતાનો પતિ નિ:સ્વાર્થ ભાવે લોકોને મદદરૂપ થઈને સમાજસેવા કરી રહ્યો છે, એનું ભાભીને ગૌરવ હતું. તેમણે મને કહ્યું હતું : 'પરિશ્રમભાઈ, પ્રેરક તો ઓલિયો છે. વરસીને ખાલી થઈ જશે. પણ આદર્શના આકાશથી એ અળગો નહીં થાય. અને હું પણ તેના કાર્યમાં હૃદયપૂર્વક સાથ આપું છું.'
વિચારોમાં ઘેરાયેલા પરિશ્રમ આગળ પુન: પ્રેરકની મૂર્તિ ખડી થઈ જાય છે. 'અરે, પરિશ્રમ, મારા ભાઈ એ બધું જવા દે, મારા ખોટા વખાણ ના કર. મેં મારી ફરજ બજાવી છે. મને દુ:ખ એ વાતનું છે કે મારું કાર્ય અધૂરું છોડીને મારે વહેલા ઇશ્વર પાસે જવું પડયું. તું તો મને બરાબર ઓળખતો હતો.... મને પ્રમોશન કે મોટા હોદ્દાની પડી જ નહોતી. પણ જ્યારે મને પી.આર.ઓ. બનાવવામાં આવ્યો ત્યારે ઓફિસના લોકો મારા વિષે કેવી વાતો કરતા હતા ! 'બોસને મસ્કા મારીને મેં પ્રમોશન મેળવ્યું છે.' પણ મેં ક્યારેય નફરતનો જવાબ નફતરથી નથી આપ્યો. પરિશ્રમ, મારા સહકર્મચારીઓ પ્રત્યે પણ મારું વલણ સદાય પ્રેમપૂર્વક અને ક્ષમાભાવભર્યું જ રહ્યું હતું. મારા આદર્શોની રક્ષા મેં તલવારની ધારે કરી હતી.'
પરિશ્રમે પ્રેરકને ઘણીવાર ચેતવ્યો હતો : 'ભાઈ પ્રેરક, તું આ શહેરને બરાબર ઓળખતો નથી. અહીંનો એકેએક માણસ ગણતરીબાજ છે. કામ હશે ત્યારે તમારે ત્યાં પંદર ધક્કા ખાશે, પણ કામ પત્યા પછી થેન્ક્યુ કહેવાનો ય વિવેક નહીં દાખવે. તારે કામ પડશે ત્યારે કોઈ શોધ્યા ય નહીં જડે. પ્રેરકભાઈ, તેં નોકરીમાં શરીર ઘસી નાખ્યું અને બાકી હતું તે લોકસેવામાં ઘસાઈ ગયુ.ં પાઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં, એવો તારો ઘાટ થઈ ગયો હતો. આંગળી ચાટે પેટ ન ભરાય. પણ પ્રેરક તું તો નોકરીના પગારની આવક સિવાય કશું વિચારવા જ તૈયાર નહોતો...
પ્રેરક, તારા અચાનક ચાલ્યા જવાના દિવસ હું આજ સુધી ભૂલી શક્યો નથી. પ્રેરણાભાભીનો મારી પર ફોન આવ્યો હતો. : 'પરિશ્રમભાઈ, પ્રેરક આખો દિવસ કામોમાં ગળાડૂબ રહ્યો... બપોરે જમવા પણ ન આવ્યો. જ્યારથી કોરોનાને કારણે લોકડાઉન ચાલુ થયું છે, ત્યારથી બસ લોકોની સેવાના જ કામ કર્યા કરે છે... મોડી રાત્રે પ્રેરક પાછો આવ્યો અને તે પણ શરીરમાં ૧૦૩ ડિગ્રી તાવ લઈને. તમે જલ્દી આવો, તો હું પ્રેરકને હોસ્પિટલ લઈ જઈ શકું.' પણ ભાઈ હું તો બહારગામ હતો, મેં તરત જ તારી પાસે આવવા માટે બસ પકડી હતી.. પણ ભાઈ.. હું તારે ત્યાં પહોંચું તે પહેલાં તો તું પરલોક સિધાવી ગયો હતો. ત્યારે પ્રેરણાભાભીએ રડતાં રડતાં તેમની આપવીતી મને કહી સંભળાવી. તું બેહોશ થઈ ગયો એટલે પ્રેરણાભાભીએ પડોશમાં રહેતા ટીચર ઉમીયાશંકરને બોલાવ્યા. એમણે શાળામાં ઇન્સ્પેક્શનનું બહાનું કાઢ્યું. તમારા પાડોશી કિશોરને મદદ માટે બોલાવ્યો તેણે ઓફિસ જવાનું બહાનું કાઢ્યું. પ્રેરણાભાભીએ ઓછામાં ઓછા દસ વ્યક્તિઓને ફોન કર્યો, સહુએ કહ્યું : 'અત્યારે સમય બગાડયા સિવાય હોસ્પિટલ ખસેડી દો. અમે સાંજે ખબર જોવા આવી જઈશું.'
પ્રેરણાભાભીએ થાકીને પડોશમાં રહેતા જમનાબા પાસે ઉછીના એક હજાર રૂપિયા માંગ્યા તો જમનાબાએ હ્યું : 'મારી પાસે પૈસા નથી. થોડાં છે પણ લાઈટનું બીલ ભરવાનું છે.' પ્રેરણાભાભી પાસે માત્ર બસો રૂપિયા હતા. છતાં હિંમત કરીને ભાઈ તને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા... પણ રસ્તામાં જ તને આંચકીઓ શરૂ થઈ અને એ આંચકીઓએ પ્રેરણાભાભીનો અખંડ સૌભાગ્યનો અધિકાર સદા માટે આંચકી લીધો.. ભાઈ પ્રેરક તારૂં પ્રાણ-પંખેરું ઊડી ગયું. ત્યાં સુધી તો ઠીક પણ કોરોનાની
બીકને કારણે તારી અંતિમ ક્રિયામાં કોઈ ના આવ્યું. તારા મૃતદેહને સોસાયટીમાં લાવવાની પણ ના પાડી. પ્રેરણાભાભીએ એકલે હાથે તારી અંતિમક્રિયા પતાવી. લોકસેવા કરીને તું શું પામ્યો ? લોકસેવાના પ્રશસ્તિપત્રો, શ્રદ્ધાંજલિઓ... અને પ્રેરણાભાભીને શું મળ્યું ? વીજળી-ટેલિફોન બીલ, મકાન ભાડાની ઉઘરાણી, કરિયાણાના બીલ વગેરે... અનપેઈડ બિલોનો ઢગલો...
ભાઈ પ્રેરક તું વરસીને ખાલી થઈ ગયો પણ તું દુનિયાને લાયક પ્રેક્ટિકલ ના બન્યો.' પરિશ્રમ પ્રેરકના ફોટા આગળ ચોધાર આંસુએ રડતો હતો... તેણે ફોટાને ફરી પ્રણામ કર્યા. ત્યારે તેને લાગ્યું કે પ્રેરક પોતાની સામે સદેહે આવીને ઊભો છે : ગૌરવર્ણ, મરક-મરક હસતો ચહેરો, નિષ્પાપ આંખો, નમ્રતાથી મહેકતું વ્યક્તિત્વ ! પ્રકાશપૂંજ સમો પ્રેરક. પ્રેરકે જાણે પરિશ્રમના ખભા પર હાથ મૂકીને કહ્યું : 'પરિશ્રમ, તું નિરાશ ના થઈશ. મારા મૃત્યુથી દુ:ખી પણ ના થઈશ. હું તારામાં જીવવા માગું છું. ભૂત સ્વરૂપે નહિ, માનવતાની જ્યોત રૂપે ! મેં પ્રગટાવેલો દીપ તારે પ્રગટેલો રાખવાનો છે. દુનિયાએ મારી સાથે શું કર્યું તું ભૂલી જા, પણ મેં આદરેલી લોકસેવાની જ્યોતને તું જલતી રાખજે. ભાઈ મારું આટલું કામ કરીશ ને ?'
અને અકાળે અવસાન પામેલા પ્રેરકની ખુરશીને પરિશ્રમે ભાવપૂર્વક પ્રણામ કર્યા હતા. હવે તેને લાગતું હતું કે પ્રેરકની ખુરશી ખાલી રાખવાની જરૂર નથી, કારણ કે પ્રગટાવા મથતા હજારો દીવાઓ પરિશ્રમ પાસે તેલ માગી રહ્યા હતા. દુનિયામાં ઉલેચનારાઓ છે એટલે ભરનારાઓની પણ જરૂર પડવાની અને પરિશ્રમે પ્રેરકની ખુરશી પર બેસવાનો નિર્ણય કરી સેવાની જ્યોત જલતી રાખવાની તક ઝડપી લીધી. પ્રેરક મર્યો નથી, મરવાનો પણ નથી, કારણ કે સારપ નિર્વંશ રહેવા જન્મી જ નથી.


