- હોરાઈઝન-ભવેન કચ્છી
- મહાત્મા ગાંધીના સિદ્ધાંતો, તેમના પ્રદાનને સંસ્થાઓ, પ્રકાશનો અને અભ્યાસક્રમના માધ્યમથી જીવંત રાખવામાં આવ્યા છે તેવું ગાંધીજી ઉપરાંત સ્વામી વિવેકાનંદ માટે થયું હોત તો રાષ્ટ્રગૌરવ, યુવા ચારિત્ર્ય તેમજ દેશની સ્થિતિ ઘણાં ઊંચા સ્તરે હોત.
સ્વા મી વિવેકાનંદની ૨૦૧૩-૨૦૧૪માં ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઈ ત્યારે ભારતમાં આ મહાન આત્માના સનાતન ધર્મ અંગેના વિચારો, યુવા પેઢી માટેનો બોધ અને આપણો ધર્મ અને સંસ્કૃતિ કેવી મહાન હતી તેના પ્રચાર સાથે દેશમાં સ્વામી વિવેકાનંદના ભાવિ ભારત માટેના વિચારો અને સ્વપ્ન ફરી સજીવન થાય તે માટે ઠીક ઠીક વાતાવરણ જામ્યું હતું.પણ તે પછી સ્વામી વિવેકાનંદ બાળ અને યુવા પેઢીથી ફરી દૂર થઇ ગયા હોય તેવું લાગે છે.
કોલકાતાના રામકૃષ્ણ મિશન અને ભારતના મોટા શહેરો કે સ્વામી વિવેકાનંદે ગુજરાત સહીત ભારતમાં જ્યાં પણ પ્રવાસ કે મુકામ કર્યો ત્યાં વિવેકાનંદ કેન્દ્રો જરૂર ચાલે છે પણ વિવેકાનંદ જેવી વિરાટ વિશ્વ પ્રતિભાનો જે વારસો આપણને મળ્યો છે તેની આપણને ખાસ કદર ન હોય તેમ તેઓની અદ્વિતીય દ્રષ્ટિ અને સંદેશનો આપણે લાભ નથી લીધો. ખરેખર તો મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને પ્રદાનને સંસ્થાઓ, પ્રકાશનો તેમજ અભ્યાસક્રમના માધ્યમથી જીવંત રાખવામાં આવ્યા છે તેવું ગાંધીજી ઉપરાંત સ્વામી વિવેકાનંદ માટે થયું હોત તો રાષ્ટ્ર ગૌરવ અને યુવા ચારિત્ર્ય ઘણાં ઊંચા સ્તરે હોત.
છેલ્લા વર્ષોમાં મંદિરો અને સંપ્રદાયો પણ વિક્સ્યા અને વિસ્તર્યા છે પણ સ્વામી વિવેકાનંદ અને પૂજ્ય અરવિંદ પ્રત્યે આપણે ઓછા સજાગ છીએ.વિવેકાનંદ કેન્દ્રો ચોક્કસ છે પણ અહીં મુદ્દો તેમના કદ અને વૈચારિક દિશાનો જોઈએ તેવો પ્રસાર નથી થયો તે છે.
સ્વામી વિવેકાનંદ, સુભાષ ચંદ્ર બોઝ,
ટાગોરને જાણે બંગાળી કે પછી જેઓ કોલકાતામાં વસેલા હોય તેઓ તેમને આદર આપે અને બાકીના રાજ્યોમાં તે હદે તેમના કે રામકૃષ્ણ પરમહંસ પ્રત્યે શ્રદ્ધા અને ઓળખ ઓછી હોય તેવું લાગે.મહારાણા પ્રતાપ મેવાડ અને છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રમાં વિશેષ ચાહના ધરાવે. આમ આપણે ભારતના ઇતિહાસની રત્ન સમાન ગૌરવવંતી હસ્તીઓને પણ તેઓ જ્યાં જન્મ્યા ત્યાં સીમિત કરી દીધા હોય તેવું લાગે.આવું અન્ય રાજ્યના રાષ્ટ્ર પુરુષોને પણ લાગુ પડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ભારતના ઘડવૈયા સમાન નેતાની પણ ગુજરાત જેટલી ઓળખ કે આદર અન્ય રાજ્યોમાં નથી.
સ્વામી વિવેકાનંદની વિદેશીઓ ‘Hindu monk of India'' તરીકે ઓળખ આપે તે સમજી શકાય પણ આપણને એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે તેઓ કદાચ એકમાત્ર એવા યુગપુરુષ હતા જેમણે ભારતના નાગરિકો અને વિશેષ કરીને યુવા પેઢીને ૧૯મી સદીમાં ઢંઢોળ્યા હતાં કે 'તમે લઘુતાગં્રથી ત્યજો. પશ્ચિમમાંથી જે શીખવા જેવું છે તેની ચોક્કસ પ્રેરણા લો પણ આપણા ધર્મ, સંસ્કૃતિ, ઋષિ પુરુષો, તત્ત્વ જ્ઞાન, વેદ, ઉપનિષદો જેવો વારસો કોઈ દેશ કે સંસ્કૃતિ નથી ધરાવતા. તમે તેને આત્મવિશ્વાસ સાથે ઉજાગર કરો.ભારત અને પશ્ચિમની સંસ્કૃતિમા "how much" અને "what much"જેટલો ભેદ છે.
સ્વામી વિવેકાનંદે પાખંડી અને કર્મ ક્રિયા કાંડ પર જ પ્રજાને નિર્ભર રાખતા મંદિરો અને ધર્મગુરુઓને પણ દેશની ખરા અર્થમાં પ્રગતિ અને ચારિત્ર્ય ઘડતર માટે બાધારૂપ કહ્યા હતાં.
મંદિરમાં દર્શન કરવા ચોક્કસ જવું જ જોઈએ તેમ તેઓ કહેતા પણ સાથે ઉમેરતા કે 'મંદિર બાળ મંદિરનો મુકામ છે. જેવી રીતે બાળક પાયાનું ઘડતર પામે તે પછી પ્રાથમિક, હાઈ સ્કૂલ, કોલેજ અને ઉચ્ચ ડિગ્રીના એક પછી એક સ્તર કે પગથિયાં ચઢે છે તેમ મંદિરથી આગળ વધી તેના મૂળ સંસ્કાર પ્રાપ્ત કરી જીવન વધુ બહેતર બને તેમ એક પછી એક જ્ઞાન, વિજ્ઞાન, અભ્યાસ અને કેળવણી સાથે વ્યક્તિએ પોતાના અને દેશના ઘડતરમાં યોગદાન આપવાનુ છે. મંદિરમાં જ આજીવન જતા રહીએ અને જીવનમાં કે સ્વભાવ - પ્રકૃતિમા કોઈ ફર્ક જ ન પડવાનો હોય તો તે જન્મ વેડફી નાંખ્યા બરાબર છે. તમે વધુ સારા માનવી બનવાની પ્રક્રિયા તરફ આગળ વધતા જેમાં શ્રદ્ધા હોય તેના દર્શન જરૂર કરતા રહો.' તે રીતે તેઓ મૂર્તિ પૂજા કે ભગવાન કે સદ્દગુરુની તસ્વીર રાખવાના વિરોધી નહોતા. પણ મંદિરમાં દર્શન માત્ર યંત્રવત રોજનીશીની જેમ પૂર્ણ કર્યા પછી જેવા હતાં તેવા જ બનીને રહેવાનું હોય તો તે વ્યર્થ છે તેના પર ભાર મુકતા.ભગવાન શ્રીકૃષ્ણએ પણ ભક્તિ યોગ કરતા કર્મ યોગ પર ભાર મુક્યો છે તે રીતે પણ તેમણે સમજ આપી છે. તેઓ કહેતા કે 'તમે પ્રફુલ્લિત, આનંદિત અને સ્ફૂર્તિમય હો તે તમે ધાર્મિક કે આધ્યાત્મિક છો તેની પ્રથમ નિશાની છે.'
મંદિર કરતા શૈક્ષણિક અને વિજ્ઞાન સંસ્થાઓ તેમજ રોજી આપે અને દેશની આર્થિક વૃદ્ધિમાં પ્રદાન આપે તેવા ઉદ્યોગ સ્થાપવા માટે પણ સ્વામી વિવેકાનંદે અપીલ કરી હતી. જમશેદજી તાતા તેમની પાસેની મોટી રકમ કોઈ ધાર્મિક સખાવત તરીકે આપવાના હતાં ત્યારે વિવેકાનંદે એક સ્ટીમર પ્રવાસ દરમ્યાન તેમને લોખંડ ઉત્પાદનનો પ્લાન્ટ નાંખવા સમજાવ્યા હતાં.
સ્વામી વિવેકાનંદ જે કહેવાનું હોય કે પત્ર દ્વારા લખવાનું હતું તે દેશની યુવા પેઢીને નજરમાં રાખીને જ રજુ કરતા.તેમને મન યુવા પેઢી જ દેશની ભાગ્ય વિધાતા હતી. નિર્માલ્ય અને નમાલા નહીં પણ છાતી અને બાવડા ફુલાવીને નીકળો અને મંદિર તેમજ વ્યાયામ તે બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો વ્યાયામને પ્રાધાન્ય આપો તેમ ઉપદેશ આપતા. યુવા જગત તો રમતના મેદાનમાં શોભે તેમ તેઓ પ્રોત્સાહન આપતા.
સ્વામી વિવેકાનંદે સરસ વાત કહી છે કે 'આ દુનિયા જ અખાડો (જીમ્નેશીયમ) છે. તેમાંથી જ તમારે મજબૂત (શારીરિક અને માનસિક) બનતા શીખવાનું છે.
છેક ૧૯મી સદીમાં સ્વામી વિવેકાનંદે રૂઢિચુસ્તોને પડકારતા પ્રવચનમાં અને તેમની સાથેના સત્સંગ દરમિયાન ભાર મુક્યો હતો કે ભારતની મહિલાઓ પાસે પારાવાર કૌશલ્ય અને સંઘર્ષ સામે ટકવાનું શૌર્ય છે. મહિલાઓનું શોષણ અટકાવી તેઓને શિક્ષણ સાથે મુક્ત અભિવ્યક્તિની હિમાયત પણ કરવામાં આવી.
ભારતના નાગરિકો વાતવાતમાં પુણ્ય અને પાપ વાતચીતમાં લાવતા ત્યારે વિવેકાનંદે મૌલીક વિચાર આપ્યો કે 'જો કોઈ એક પાપ હોય તો તમે નબળા છો તેમ માનવું તે છે. તેવી જ રીતે બીજા નબળા છે તેમ માનવું પણ પાપ છે.'
ભારતના લોકો તે વખતે તેમનામાં પરિવર્તન લાવવા પૂજા, કર્મકાંડ, અંધશ્રદ્ધા અને ધુતારાઓની જાળમાં ફસાઈ જતા ત્યારે તેમણે કહ્યું કે 'તમને કોઈ ગુરુ, સાહિત્ય કે વિધિ સુધારી નહીં શકે. 'સ્વ' કે જાતે જ પરિવર્તન આવી શકે. તે બાહ્ય માધ્યમથી નહીં આત્મદર્શનથી જ શક્ય બનતું હોય છે.
સ્વામી વિવેકાનંદે એક અદભુત વાત કહી છે જે વાંચ્યાનું યાદ છે. તેમણે કહ્યું કે 'શબ્દોનો વૈભવ ગૌણ બાબત છે. આપણે વિચારોથી જીવીએ છીએ. શબ્દો નહીં વિચારો જીવન યાત્રા કરાવે છે. દુનિયાનું કોઈ જ્ઞાન બહારથી નથી આવતું તે આપણી અંદરથી જ પ્રગટી શકે છે.
.. અને છેલ્લે.. સ્વામી વિવેકાનંદે પણ મહર્ષિ અરવિંદની જેમ જ ભારત માટે ભવિષ્ય ભાખ્યું છે કે 'વિશ્વમાં જયારે પણ વૈમનસ્ય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કટોકટી તેમજ અરાજકાતા સર્જાશે ત્યારે ભારત દેશ જ વિશ્વને અધ:પતનથી ઉગારશે. ભારતની પ્રજા તેમની જીવન પધ્ધતિ, સમાજ વ્યવસ્થા, ધર્મ ગ્રંથો અને આધ્યાત્મના પ્રભાવથી વિશ્વને અનુસરવા પ્રેરશે. સાચા દિવ્ય સુખનો આધાર ભૌતિકતાથી પ્રાપ્ત નથી થતો પણ ધ્યાન, યોગ, આહાર વિહારની સાત્વિકતાથી થાય છે તેની પ્રતીતિ ભારત કરાવશે. આપણે કોઈ દેશ, ધર્મ કે પ્રાંતના નહીં પણ એક જ વૈશ્વિક પરિવારના સંતાનો છીએ તે પણ ભારત વિશ્વને જ્ઞાન આપશે.'
જ્ઞાન પોસ્ટ
તમે નાસ્તિક બનશો તો ખરા હૃદયનો આનંદ કે ઉમળકો નહીં જ અનુભવી શકો, કેમ કે આપણા સૌમાં રહેલું ધર્મ કે સંસ્કૃતિનું વંશીય લોહી કે વારસાની સામે તમે જ ઘર્ષણ અને સંઘર્ષ સર્જ્યો છે.


