Get The App

મેઘધનુષ્યનો ખૂટતો રંગ .

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
મેઘધનુષ્યનો ખૂટતો રંગ                                 . 1 - image

- ભાવના પટેલ

- શચીએ મનોમન પોતે પહેરેલો કૃત્રિમ લિબાસ ઉતારી દીધો. એ મોંઘી કાંજીવરમની સાડી, એ મોંઘો ટેમ્પલ સેટ, મેકઅપ બધું જ. એની જગ્યાએ એણે સાદો સફેદ ડ્રેસ પહેરી લીધો

ખેતરમાં ઊભીને મેઘધનુષ્યને જોઈ રહેલી શચી અને અત્યારે પથ્થરની શીલા પર બેસીને મુગ્ધતાથી મેઘધનુષ્યને જોઈ રહેલી શચીમા હવે કોઈ જ ફરક નહોતો રહ્યો!

દે વવ્રત મહેતાએ પોતાની નવી ફેક્ટરીના ઉદ્ધાટન નિમિત્તે લોનાવાલાના ફાર્મહાઉસમાં રાખેલી પાર્ટી બરાબર જામી હતી.

મુંબઈના અનેક વી.આઈ.પી.ઓ, સિનેજગતની ટોચની હસ્તીઓ, અનેક હીરો-હિરોઈનો તથા બીજા અનેક પ્રભાવશાળી લોકો એ પાર્ટીમાં ઉપસ્થિત હતા. 

સામાન્ય કુટુંબમાં જન્મેલા દેવવ્રતના જીવનમાં શચીના આગમન પછી ભાગ્યની દેવી બરાબર રીઝયા હતા અને તેને બહુ ટૂંકા ગાળામાં સફળ બનાવી દીધો હતો. 

એક પછી એક ધંધામાં ઝંપલાવતા જતાં અને સફળ થતાં જતાં દેવવ્રત માટે એવું કહેવાતું હતું કે બહુ જલ્દી એનું નામ ભારતના ટોપ ટેન બિઝનેસમેનની યાદીમાં આવી જશે. 

શચીના પગલે સફળતા, સુખનો અનુભવ કરનાર દેવવ્રત શચીને પોતાની લકી ચાર્મ માનતો હતો. શચી હંમેશા ખુશ રહે તેવા તેના પ્રયત્નો રહેતા. શચીનું હસતું મોં એને અનહદ પસંદ હતું. શચીના હાસ્યને તે મિલિયન ડોલર્સ સ્માઈલ કહેતો. 

દેવવ્રત અને શચી એક પછી એક મહેમાનોને મળતા, તેમની શુભેચ્છાઓ સ્વીકારતા પાર્ટીમાં ફરી રહ્યા હતા.

શચીની સુંદરતા આગળ પાર્ટીમાં ઉપસ્થિત હિરોઈનો પણ ઝાંખી લાગતી હતી. શચી નામ પ્રમાણે સાક્ષાત ઇન્દ્રાણી જ લાગી રહી હતી. દેવવ્રત મહેતાનું ઐશ્વર્ય ચડે કે શચીની સુંદરતા ચડે એ કહેવું કઠિન હતું.

શચી સર્વાંગ સુંદર લાગતી હોવા છતાંયે દેવવ્રતને આજે શચીમાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. શચીની ચાલમાં, એના સ્મિતમાં, એના ઉત્સાહમાં કંઈક અધૂરપ લાગી. 

વાત કરવાનો મોકો મળતાં જ દેવવ્રતે શચીને કહ્યું 'દેવીજી કૃપા કરો, આજે જ હજુ ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યું છે અને આજે જ મને ખોટ કરાવશો?'

શચીએ ચોંકીને પૂછયું 'ખોટ? શેની ખોટ?'

દેવવ્રતે કહ્યું, 'તમારું મિલિયન ડોલર્સનું સ્માઈલ આજે ઘટીને હજારોમાં આવી ગયું છે! મારી કંપનીના શેરો ગગડી જશે ભાઈ. તમારા મિલિયન ડોલર્સના સ્માઈલ પર જ એ ટકેલા છે.'

'જો તમે સ્માઈલ નહીં કરો તો મારા મોં પર પણ સ્માઈલ નહીં આવે અને જો મારા મોં પર સ્માઈલ નહીં આવે તો બજારમાં અફવા ઉડશે કે, દેવવ્રત મહેતા માંદો પડયો છે. એ અફવાથી મારી કંપનીના શેરો ગગડતા જશે. મારી મહેનતની દયા ખાવ દેવી.' દેવવ્રતે નાટકીય અંદાજમાં જવાબ આપ્યો.

દેવવ્રતનો આવો જવાબ સાંભળીને શચી અછડતું હસી. દેવવ્રતને આજે શચીના હાસ્યમાં રોજ જેવી ખનક ના સંભળાઈ. સદાય હસતી, ચંચળ, નખરાળી શચીને દેવવ્રતે ક્યારેય આવી ગંભીર જોઈ નહોતી એટલે એને હવે વાત થોડી ગંભીર લાગી. 

દેવવ્રતે ચિંતાથી શચીને પૂછયું 'એનીથિંગ રોંગ ડિયર? તારી તબિયત તો ઓકે છે ને? કંઈ થાય છે તને?'

'ના દેવ, મને કંઈ થતું નથી, બસ શરીરમાં થાક ભરાઈ ગયો છે. આ બેક ટુ બેક ફંક્શનો, પાર્ટીઓ એ બધાને લીધે આરામ જ નથી મળતો.' શચી ઢીલા અવાજે બોલી.

'એક કામ કર, આ વી.આઈ.પી.ઓ ચાલી જાય પછી તું મુંબઈ જતી રહેજે, ઘરે જઈને આરામથી ઊંઘી જજે.' 

'ના-ના એવું નથી કરવું, આપણે જોડે જ જઈશું.' 

'પાક્કું?' 

જવાબમાં શચીએ ડોક નમાવીને હા પાડી. 

દેવવ્રતે શચીને પ્રશ્ન કર્યો એ પછીના કલાકમાં બીજા ત્રણ લોકોએ આવા મતલબનું જ કહ્યું. શચીની ફ્રેન્ડ જુહી, શચીને માથાથી લઈને પગ સુધી સ્કેન કરતા બોલેલી, 'તારામાં કંઈક મિસિંગ છે યાર! રોજ જેવી નથી લાગતી'.

શચીની પર્સનલ આસિસ્ટન્ટ કેથરીને પૃચ્છા ના લાગે એ રીતે હળવેથી શચીને પૂછયું 'મેમ, આર યુ ઓકે?'

ફોટોગ્રાફરે ફોટો પાડતી વખતે બે વાર શચીને કહેવું પડયું હતું, 'મેમ સ્માઈલ પ્લીઝ'. 

આ બધાના સવાલને તો શચીએ ઉડાવી દીધેલા પરંતુ જ્યારે ફોટોગ્રાફરે સ્માઈલ પ્લીઝ કહ્યું પછી શચીએ મોં પર પરાણે સ્માઈલ લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એની જાતે જ એને પ્રશ્ન કર્યો, 'આર યુ ઓકે?'

ત્યારે એ પ્રશ્નને શચી ના તો અવગણી શકી કે ના એનો જવાબ આપી શકી. બીજાએ કરેલા પ્રશ્નોના જવાબો સરળતાથી આપી શકાય છે. જો જવાબ ખબર ના હોય તો, નથી ખબર એવું કહી શકાય છે. જવાબ ખબર હોય અને છતાં એ ના આપવો હોય તો નથી ખબર એવો દંભ પણ કરી શકાય છે.

પરંતુ પોતાની જાતે કરેલા પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી હોતો. વળી તેમાં દંભ તો બિલકુલ કરી શકાતો નથી. કારણકે જાતને છેતરી શકાતી નથી. પોતાની જાતના આ પ્રશ્ને શચીને અહીંથી ચાલી જવા માટે મજબૂર કરી દીધી. એણે દેવવ્રતને આ મતલબનું કહી પણ દીધું.

બધા વી.આઈ.પી.ઓ ચાલી ગયા પછી દેવવ્રત શચીને ગાડી સુધી મૂકવા આવ્યો. ડ્રાઇવરને શાંતિથી ગાડી ચલાવવાનું કહીને શચીને માથે વ્હાલથી હાથ ફેરવીને બોલ્યો 'ઘરે જઈને શાંતિથી સૂઈ જજે.'

ગાડી ચાલુ થતાં જ શચીએ પોતાના શરીરને થોડું રિલેક્સ કર્યું અને બેકસીટ પર માથું ઢાળીને આંખો બંધ કરી દીધી. ડ્રાઇવરે શચીની મનપસંદ આબિદા પરવીનની ગઝલો ચાલુ કરી. શાંતિથી ચાલતી ગાડીમાં આંખો બંધ કરીને આબિદા પરવીનની ગઝલો સાંભળવી શચીને બહુ જ ગમતી.

દેવવ્રત અને શચી જ્યારે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હોય ત્યારે પણ શચી આંખો બંધ કરીને આબિદા પરવીનની ગઝલો સાંભળતી. દેવવ્રતને જગજીતસિંહની ગઝલો વધારે પસંદ હતી. એ જગજીતસિંહને બદલે આબિદાને ચલાવી લેવા તૈયાર હતો, પરંતુ શચી આંખો બંધ કરીને બેસે એ ચલાવી લેવા તૈયાર નહોતો.

એ કાયમ શચીને કહેતો, 'લોંગ ડ્રાઈવ પર આંખો બંધ કરીને થોડું સંભળાય? આંખો બંધ કરીને તો ઘરે પણ સાંભળી શકાય'. દેવવ્રત ગમે તેટલી વાર કહે છતાંયે શચી આંખો બંધ કરીને જ સાંભળતી અને કહેતી 'બંધ આંખોએ આબિદાની ગઝલો પણ, સાંભળવાથી મને નશો ચડે છે. એટલે હું તો એ જ રીતે સાંભળીશ'.

આજે આબિદા પણ, શચીનો મૂડ ના બદલી શકી. બંધ આંખોએ જ એણે ડ્રાઇવરને મ્યૂઝિક બંધ કરવાનું કહ્યું.

શચી બંધ આંખોએ જ આત્મમંથન કરવા લાગી. હમણાંથી મને કેમ આવું થાય છે? ક્યાંય ગમતું નથી, કશામાં મન લાગતું નથી.

અઢળક પૈસો છે. ભરપૂર પ્રેમ કરનાર પતિ છે. આંખો ઠારે એવા બાળકો છે. સમાજમાં પ્રતિષ્ઠા છે. કપડા દાગીનાના કબાટો ભરેલા છે. મેં દેવને કહ્યું કે મને થાક લાગ્યો છે. શું ખરેખર મને થાક લાગ્યો છે? એવું હું ક્યું કામ કરું છું કે મને થાક લાગે? ઘરે નોકરોની ફોજ છે. મારે પાણીનો ગ્લાસ પણ જાતે લેવાનો નથી.

કોઈ વસ્તુનો અભાવ હોય, કોઈ દુ:ખ હોય તો કદાચ સમજી શકાય. પરંતુ આટલું ભરપૂર સુખ હોવા છતાંયે કંઈક ખૂટતું હોય એવું કેમ લાગે છે?

કોઈ જ કારણ વગર આવું થવું એ ખોટું છે. મારે આવું થવા પાછળનું કારણ શોધવું જ પડશે અને એ પણ બહુ જલ્દી. હું મારી જાતને આવી જોવા નથી માંગતી.

આ વિચાર સાથે જ શચીએ પોતાની આંખો ખોલી નાખી, એણે શરીરને ટટ્ટાર કરીને બંને હાથને પોતાના ખોળામાં લઈને એક ઊંડો શ્વાસ ભર્યો.

શચીની હથેળીઓને મુલાયમ સિલ્કનો સ્પર્શ થયો. એ સ્પર્શે શચીની વિચારધારાને જુદી જ દિશામાં ફંટાવી દીધી.

શચી પોતાની સાડીને જોઈ રહી. રિયલ સિલ્કની કાંજીવરમ સાડી, બેંગ્લોરના વિવર્સ સાથે કેટલી બધી માથાફોડી કરીને બનાવડાવી હતી! આ ટેમ્પલ જ્વેલરીના સેટ માટે તો કેટલાં બધા લમણા લીધા હતા! શચીને એ બધી લમણાઝીંક યાદ આવી ગઈ. 

એ લમણાઝીંકની સાથે-સાથે શચીને વર્ષો પહેલાં બનેલી ઘટના પણ યાદ આવી ગઈ.

શચીએ ફરી પોતાના શરીરને રિલેક્સ કરીને બેકસીટ પર માથું ઢાળીને પોતાની આંખો મીંચી દીધી. શચીને એના મન:ચક્ષુ સમક્ષ એ ઘટના દેખાવા લાગી.

દેવવ્રતે શચીને ફોન ઉપર કોઈક વીવર્સ સાથે માથાફોડી કરતી સાંભળી ત્યારે એણે શચીને કહ્યું 'મુકને આ બધી માથાકૂટ. ડિઝાઇનરને કહી દે કે તારે શું જોઈએ છે? અને કેવું જોઈએ છે? એ માથા ફોડશે. તારે સ્ટ્રેસ લેવાની ક્યાં જરૂર છે?'

'જરૂર એટલે છે દેવ કે, એ ડિઝાઇનર બીજા સો જણા માટે પણ ડિઝાઇન બનાવતો હશે. મારી એકલી માટે એ ડિઝાઇન થોડી રહેવા દેશે? મારું બધું જ યુનિક હોવું જોઈએ. હું જે પહેરું એવું જ બીજા પહેરે એ મને ના ગમે'. 

'તને એ બધું કરવામાં ખુશી મળતી હોય તો ખુશીથી યુનિક પહેર'. દેવવ્રતે હસતા કહ્યું.

'યુનિક કંઈ એમનેમ ના પહેરાય, એના માટે ઢગલો રૂપિયા જોઈએ દેવ'. શચીએ કહ્યું.

આ સાંભળીને દેવવ્રત શચીની પાસે આવીને શચીના બંને ખભા પર હાથ રાખતા બોલ્યો 'તારા માટે હું ક્યારેય, કોઈ જ ગણતરી કરતો નથી. તું પણ તારા માટે ક્યારેય, કોઈ જ ગણતરી ના કરતી.

મારી સફળતા તારા પગલે જ છે. તું જેટલું વાપરીશ, ભગવાન મને એનું અનેકગણું કરીને આપશે. ઓકે?' દેવવ્રતના એ જવાબ પછી શચીએ ખરેખર એ વાતનું અક્ષરશ: પાલન કરીને ખર્ચો કરવામાં ક્યારેય કોઈ જ ગણતરી કરી નહોતી.

સાથે-સાથે ભગવાને પણ દેવવ્રતે જે કહેલું એનું અક્ષરશ: પાલન કરીને દેવવ્રતને અનેકગણું કરીને પાછું આપ્યું હતું!

દેવવ્રત ધંધામાં વ્યસ્ત રહેતો હતો, બાળકો વિદેશમાં ભણતાં હતા. શચીને માથે ના કોઈ જવાબદારી હતી કે ના કોઈ રોકનાર-ટોકનાર હતું.

આ બધા પરિબળોને લીધે શચીની જિંદગી કપડાં દાગીનાની આસપાસ જ ઘુમવા લાગી. એનો જીવનક્રમ પણ એ જ રીતે ગોઠવાઈ ગયો હતો.

નવા કપડા બનાવડાવવા, દાગીના બનાવડાવવા, એને પહેરીને પાર્ટીમાં જવું, ફોટો પડાવવા, એ ફોટો ન્યુઝ પેપર, મેગેઝીનમાં આવે એ માટેના પ્રયત્નો કરવા. પોતાના ફોટોને સોશિયલ મીડિયામાં અપલોડ કરવા. સોશિયલ મીડિયામાં શચીના લાખો ફોલોવર્સ હતા. એ બધાની કોમેન્ટોના જવાબ આપવા.

એક પાર્ટી પછી ત્રણ-ચાર દિવસ આ બધું ચાલે, ત્યાં બીજી કોઈ પાર્ટીનું આમંત્રણ આવી જ ગયું હોય. જો પાર્ટી કદાચ ના હોય, તો કોઈક તહેવાર આવતો હોય એની ઉજવણી કરતાં ફોટો પાડીને પણ આ ઘટનાક્રમને જાળવી રાખીને ચર્ચામાં રહેવું. આમ આ એક ચક્ર બની ગયું હતું. કપડા દાગીના બનાવવા, પાર્ટીમાં જવું, લાઈમલાઈટમાં રહેવું.

શચી કુદરતી જ સુંદર હતી, એમાં પાછો ઠાઠ-ઠઠારો ભળે એટલે કોઈ ખામી રહે ખરી? સોશિયલ મીડિયામાં બધા શચીને ઇન્દ્રાણી જ કહેતા હતા. જેમ-જેમ શચીના, એના કપડાના, એના દાગીનાના, એની સ્ટાઈલના વખાણ થતા ગયા, તેમ-તેમ શચીમાં દરેક વખતે અલગ દેખાવાનું ઝનૂન ઉમેરાતું ગયું. એની અંદર સતત નવું કરવાનું પ્રેશર આકાર લેવા માંડયું. ધીરે-ધીરે પણ સતત વધતા જતા આ પ્રેશરને લીધે શચી હવે થાકવા લાગી હતી. હવે તેને આ બધાનો થોડો કંટાળો પણ આવવા લાગ્યો હતો.

એનું મન મગજ તો હજુ એ સ્વીકારવા તૈયાર જ નહોતું થતું. પોતે બનાવેલી પોતાની ઇન્દ્રાણીની ઇમેજને પોતે જ કઈ રીતે તોડી શકે?

શચીના મન મગજ વચ્ચે થતું દ્વંદ્વ એના શરીરમાં થાકરૂપે દેખાવા લાગ્યું હતું. દેખીતા કોઈ જ કારણ વગર કે કામ કર્યા વગર એનું શરીર થાક અનુભવવા લાગ્યું હતું.

ગાડીમાં આંખો બંધ કરીને બેસેલી શચીના હાથ હજુયે પોતાની સાડી પર ફરી રહ્યા હતા અને મગજમાં કપડાં દાગીનાનો સ્લાઈડ શો ચાલતો હોય એમ, એક પછી એક એના મન:ચક્ષુ સમક્ષ દેખાતા હતા.

ત્યાં શચીના કાને વાદળોનો ગડગડાટ સંભળાયો. શચીની આંખો ખુલી ગઈ. વરસાદ વરસવો ચાલુ થઈ ગયો હતો. બારીના કાચ સાથે અથડાઈને કાચ પર ફેલાઈ જતી પાણીની બુંદોને શચી જોઈ રહી.

એણે બારીનો કાચ નીચે ઉતાર્યો અને પોતાની હથેળીમાં એ બુંદોને ઝીલવા લાગી. બુંદોના શીતળ સ્પર્શે એના આખાયે શરીરમાં રોમાંચની લહેર દોડી ગઈ. એને એકદમ જ વરસાદમાં ન્હાવાનું મન થઈ ગયું. એણે ડ્રાઇવરને ગાડી ઉભી રાખવાનું કહ્યું. તે સેન્ડલ કાઢીને ગાડીમાંથી બહાર આવી. રસ્તાની કોરે ચાલતી શચીના પગના તળિયે ભીની માટીનો સ્પર્શ, પહેલા વરસાદની ભીની માટીની મહેક, એના ભીના વાળની લટો સાથે અડપલું કરતો પવન એના હૃદયમાં અનેરુ સ્પંદન જગાડી ગયો. 

મોંઘી સાડી કે દાગીનાની પરવા કર્યા વગર એ રસ્તાની કોરે પડેલા એક મોટા પથ્થર પર બેસી ગઈ. વરસાદનું જોર વધી રહ્યું હતું. લોનાવાલાની એ ઘાટીમાં વરસતા વરસાદની ધારને પવનની સાથે નર્તન કરતી એ ક્યાંય સુધી જોઈ રહી.

વરસાદનું જોર હવે સાવ જ ઘટી ગયું હતું. ભરપુર વરસીને ખાલી થઈ ગયેલી વાદળીઓ આકાશમાં પકડદાવ રમી રહી હતી. વાદળીઓની દોડાદોડી સાથે ઘડીક દેખાતો અને ઘડીક છુપાતો સૂરજ જાણે કે હાઈડ એન્ડ સીક રમી રહ્યો હોય એવું એને લાગ્યું.

અચાનક શચીનુ ધ્યાન ગયું તો આકાશમાં ધીમે-ધીમે મેઘધનુષ્ય રચાઈ રહ્યું હતું. એક પછી એક રંગના એ અર્ધગોળાકાર કોઈ ચિત્રકાર બનાવી રહ્યો હોય એમ રચાઇ રહ્યા હતા. એ રચાતા દરેક અર્ધગોળાકારની સાથે શચીનું મન ભૂતકાળમાં જવા લાગ્યું.

ખેતરમાં ઊભીને મેઘધનુષ્યના રંગોને જોઈને ખુશ થતી એક કિશોરી, શચીની નજર સમક્ષ તાદ્રશ્ય થઈ. એ એટલી બધી ખુશ હતી કે એની ખુશી એના મોં પર સ્પષ્ટરૂપે દેખાતી હતી. શચીની નજર સમક્ષ એ આખુંયે દ્રશ્ય તરવરી રહ્યું. શચીને એકાએક એવું લાગ્યું કે શું એ પોતે જ હતી? એ વિચાર સાથે જ એને પોતાનો સવારે દર્પણમાં જોયેલો ચહેરો યાદ આવી ગયો.

સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવડાવેલી મોંઘી કાંજીવરમ સાડી, લાખો રૂપિયાનો સેટ, એ-ગ્રેડની બ્યુટિશિયન પાસે કરાવેલો મેકઅપ અને હેર સ્ટાઈલ છતાંયે મોં પર એવી ખુશી નહોતી ઝળકતી!

શચીએ મેઘધનુષ્યને જોઈને એ નાની શચીની જેમ ખુશ થવાનો પ્રયત્ન કર્યો, મોં પર એવું જ હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને અંદરથી એવું લાગ્યું કે એમાં કંઈક ખૂટે છે!

શચીનુ મન છટપટી ઉઠયું. એ નાની શચી પાસે કંઈ ના હોવા છતાંયે આટલી બધી ખુશ થઈ શકતી હોય તો, પોતાની પાસે તો બધું જ છે. તો એ શું કામ એવી ખુશી ના અનુભવી શકે? એનું કારણ જાણવા માટે એણે નાની શચીની ખુશીનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. એ નાની શચી કોઈ બીજી જ વ્યક્તિ હોય એમ એણે એ દ્રશ્યનું મનોમન નિરીક્ષણ શરૂ કર્યું.

ખેતરમાં લહેરાતા લવંડરના ફૂલોની પથરાયેલી ચાદરનો જાંબલી રંગ, માએ પહેરેલી સાડીનો નીલો રંગ, ઉપર અનંત સુધી વિસ્તરેલા આકાશનો વાદળી રંગ, લવંડરના પાંદડાઓનો લીલો રંગ, ખેતરની વાડની ધારે-ધારે ઉગાડેલા ગલગોટાનો પીળો રંગ, પિતાએ પહેરેલા ઝભ્ભાનો નારંગી રંગ, માએ ગૂંથીને શચીના માથામાં લગાવેલા ગુલાબના ગજરાનો લાલ રંગ.

ખેતરની વચ્ચોવચ ઉભેલી એ શચીની ચારેબાજુ રંગોનો મેળો જામેલો હતો. એ રંગોના મેળા વચ્ચે માએ જાતે સીવેલો સફેદ ડ્રેસ પહેરીને 

મુગ્ધતાથી મેઘધનુષ્યને જોઈ રહેલી શચી કંઈક અદ્ભુત જ લાગતી હતી.

એવું લાગતું હતું કે શચીની ચારેબાજુ વિખરાયેલા એ રંગો શચીના સફેદ ડ્રેસમાંથી જ પરાવર્તિત થઈને મેઘધનુષ્યના સાત રંગો જાનીવાલીપીનારામાં પરિવર્તિત થઈ રહ્યા હતા.

મેઘધનુષ્ય માત્ર આકાશમાં જ નહોતું, શચીની ચારે બાજુ પણ મેઘધનુષ્ય પથરાયેલું હતું!

શચીએ મનોમન પોતે પહેરેલો કૃત્રિમ લિબાસ ઉતારી દીધો. એ મોંઘી કાંજીવરમની સાડી, એ મોંઘો ટેમ્પલ સેટ, મેકઅપ બધું જ. એની જગ્યાએ એણે સાદો સફેદ ડ્રેસ પહેરી લીધો.

એ સાથે જ એના સફેદ ડ્રેસમાંથી પણ રંગોના ફુવારા છૂટયા અને શચીની ચારેબાજુએ જાનીવાલીપીનારાના ક્રમમાં પથરાઈ ગયા.

ખેતરમાં ઊભીને મેઘધનુષ્યને જોઈ રહેલી શચી અને અત્યારે પથ્થરની શીલા પર બેસીને મુગ્ધતાથી મેઘધનુષ્યને જોઈ રહેલી શચીમા હવે કોઈ જ ફરક નહોતો રહ્યો!

હવે આ શચીની આસપાસ પણ મેઘધનુષ્ય પથરાયેલું હતું અને આકાશમાં પણ મેઘધનુષ્ય હતું. એને લીધે શચીના મોં પર પણ એ નાની શચીના મોં પર હતું એવું જ મિલિયન ડોલર્સ સ્માઈલ આવી ગયું હતું! શચીને હવે મેઘધનુષ્યનો ખૂટતો રંગ મળી ગયો હતો.