- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- વસતિની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કલકત્તા છે પરંતુ મહાનગરની ઇમેજ તો મુંબઇ નગરી ધરાવે છે. દેશમાં સૌથી જૂની સ્થાનિક સેલ્ફ ગવર્મેન્ટ હોવાનું બહુમાન પણ મુંબઇને ફાળે જાય છે
દર વરસે બસ વ્યવહાર પાછળ, નાગરિકોના આરોગ્ય માટે, સુધરાઇની શાળાઓ પાછળ, શહેરને સાફ રાખવા માટે, પાણી વગેરે માટે ખર્ચ કરતી મુંબઇ મહાનગરપાલિકા શહેરની વધતી જતી વસતી અને ઘેરી બનતી સમસ્યા ક્યારેય ઉકેલી શકશે ખરી? અને નવા ચૂંટાતા નગરસેવકો મહાનગરપાલિકા પર ખર્ચનો બોજ વધારવા સિવાય કોઇ રીતે ઉપયોગી નીવડે છે ખરા !
મું બઈ મહાનગરની મ્યુનિસિપાલિટીનું ૧૫ જાન્યુઆરીએ નવઘડતર થવાનું છે. શહેરના ૧.૦૩ કરોડ મતદારોએ ચૂંટણી લડી રહેલા આશરે ૨૫૦૦થી વધુ ઉમેદવારોમાંથી ૨૨૭ ને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલવાના છે. કોર્પોરેટર, સુધરાઇસભ્ય કે નગરસેવક કહેવાતા પ્રજાના આ પ્રતિનિધિ ત્યાર બાદ પાંચ વર્ષના ગાળામાં આ વિરાટ મહાનગરની તોતિંગ સમસ્યા ઉકેલવાના બહાને શું ઉકાળશે, કેટલો ભ્રષ્ટાચાર આચરશે એ તો આવનારો સમય કહી આપશે. અત્યાર સુધીનો ઇતિહાસ તો જરાય ઊજળો નથી.
૭૫૦૦૦ કરોડ રૂપિયાનું જંગી બજેટ ધરાવતી મુંબઇ સુધરાઇ દેશમાં નગર સુવિધા માટેનું સૌથી વિરાટ અર્ધ સરકારી સ્વાયત્ત વહીવટીતંત્ર છે. ભારતનાં અનેક નાનાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો કરતાં પણ મુંબઇનું બજેટ મોટું છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર સ્થાનિક સરકારી સંસ્થા નથી, તે એશિયાની સૌથી મોટી અને ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશ, ગોવા અને ત્રિપુરા, મણિપુર, લડાખ જેવા રાજ્યોના સમગ્ર વાષક બજેટને જોડવામાં આવે તો પણ, તે મુંબઇ મહાનગર પાલિકાના બજેટની નજીક આવી શકતા નથી. આ સિવાય બીએમસી પાસે રૃા. ૮૨,૦૦૦ કરોડથી વધુ રકમ ફિક્સ્ડ ડિપોઝીટ તરીકે જમા છે. બી.એમ.સી.ની ચૂંટણીઓ કેમ મહત્વપૂર્ણ છે તે સમજવા માટે, તેની નાણાકીય શક્તિ પર નજર નાખવી જરૂરી છે.
૨૦૨૫-૨૬ માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાષક બજેટ ૭૪,૪૨૭ કરોડ રૂપિયા છે. ભુતાન, ફીજી, માલદીવ અને બાર્બાડોસ જેવા દેશોની અર્થવ્યવસ્થા બીએમસી ના બજેટ કરતા નાની છે. બી.એમ.સી.ની ૨૨૭ બેઠકો પર જે પણ સત્તામાં આવે છે, મુંબઈની આથક અને રાજકીય લગામ તેના હાથમાં જાય છે. આ જ કારણ છે કે આ ચૂંટણીને 'મીની એસેમ્બલી' પણ કહેવામાં આવે છે.
બીએમસીનું ગંજાવર બજેટ તેની સૌથી મોટી તાકાત છે. મુંબઈની નાણાકીય નાડી પાલિકાના હાથમાં હોવાથી, તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત દાવ પર લગાવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવું સમીકરણ રજૂ કરવામાં આવ્યું છે કે બીએમસી પર સત્તાનો અર્થ રાજ્ય સત્તાનો માર્ગ સરળ બનાવવાનો છે. એટલા માટે ૧૫ જાન્યુઆરીએ યોજાનારી આ ચૂંટણી પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ૧.૩૦ કરોડથી વધુ વસતિ ધરાવતા મુંબઇ મહાનગર માટે ૭૫૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ વધારે નથી તેમ ઓછી પણ કહી શકાય એમ નથી. મહત્ત્વનું તો એ છે કે કર્મચારીઓ અને કાયમી અધિકારીઓ તથા દર પાંચ વર્ષે બદલાતા રહેનારા ૨૨૭ સુધરાઇ સભ્યો મળીને આ શહેરના ઉત્કર્ષ માટે કરવો જોઇતો સંનિ પ્રયાસ કરે છે ખરા ? કે પછી સામાન્ય છાપ મુજબ બજેટની મોટા ભાગની રકમ ચાઉ કરી જઇ સુધરાઇની હાલત સુધારવાને બદલે બગાડે છે?
હમણાં એક નવો વિવાદ શરૂ થયો છે કે ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ચૂંટીને મોકલાતા સુધરાઇ સભ્યો જો નગરપાલિકાના વહીવટમાં યોગ્ય ભૂમિકા ભજવી શકતા ન હોય અને સુધરાઇના અધિકારીઓના કામમાં આડખીલીરૂપ બનતા હોય તો કોર્પોરેટરને ચૂંટી મોકલવાની પ્રથાનો અર્થ શું છે ? આ મુદ્દો મહત્ત્વનો છે અને ગંભીર વિચાર માગી લે છે. પરંતુ તેની છણાવટ કરતાં પહેલાં મુંબઇ મહાનગરપાલિકાનું વિશાળ તંત્ર કઇ રીતે ચાલે છે અને તેના આજના અસ્તિત્વ પાછળનો ઇતિહાસ કેવો છે એ જાણી લઇએ.
વસતિની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કલકત્તા છે પરંતુ મહાનગરની ઇમેજ તો મુંબઇ નગરી ધરાવે છે. દેશમાં સૌથી જૂની સ્થાનિક સેલ્ફ ગવર્મેન્ટ હોવાનું બહુમાન પણ મુંબઇને ફાળે જાય છે. ૧૪ સપ્ટેમ્બર, ૧૮૮૮એ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોેરેશનધારો અમલમાં મૂક્યો એ દિવસથી મુંબઇ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી. જો કે ત્યારનું કોર્પોેરેશન અને આજની સુધરાઇમાં જમીન આસમાનનો ફરક છે. વિકટોરિયા ટમનસ (વી.ટી.) રેલવે સ્ટેશનની સામે અડીખમ ઊભેલી બ્રિટિશ શૈલીની બાંધણી ધરાવતી કોર્પોરેશન બિલ્ડિંગે ગઇ સવાસો વર્ષથી વધુ સમયમાં ઘણા તડકા છાયડા જોયા છે. આ ગાળામાં મુંબઇનો નકશો સાવ બદલાઇ ગયો છે, અહીં રહેનારા માણસોમાં પરિવર્તન આવ્યું છે. એક નાના ટાપુ પર વસેલા મુંબઇ શહેરમાં એ વખતના ૬૪ સુધરાઇ સભ્યો ચૂંટવા માટે ફક્ત એવી વ્યક્તિને જ મતાધિકાર મળતો જે વર્ષે ૫૦ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ભરતી હોય!
આજે પરિસ્થિતિ સાવ જુદી છે. મુંબઇ શહેરમાં સીમાડા માત્ર કોલાબાથી મહાલક્ષ્મી સુધીના ટાપુ પૂરતાં મર્યાદિત ન રહેતા પશ્ચિમના પરાંમાં છેક બોરીવલી-દહીંસર સુધી વિસ્તર્યા છે અને પૂર્વમાં ઘાટકોપર-મુલુંડ સુધીના પરાં બૃહદ મુંબઇના નકશામાં આવરી લેવાયાં છે. મુંબઇ મહાનગરપાલિકાની હકૂમત પ્રવર્તે છે એવા ગ્રેટર બોમ્બેનું કુલ ક્ષેત્રફળ છે ૪૩૭.૭૧ ચોરસ કિલોમીટર. છેલ્લી વસતિગણતરી મુજબ શહેરની જનસંખ્યા ૧.૩૫ કરોડ કરતાં ઉપ૨ જઇ પહોંચી છે.
આટલા મોટા શહેરની આબાદીને પીવાનું પાણી, વીજળી, રસ્તા, સ્ટ્રીટ લાઇટો, ગટરો, આરોગ્યસેવા, સાફ-સફાઇ, શિક્ષણ, જાહેર આરોગ્ય, હોસ્પિટલો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, બસની સગવડ વગેરે નાગરિકી સવલતો પૂરી પાડવાનું કામ આસાન તો નથી જ. તેને માટે જબ્બર વહીવટીતંત્ર જોઇએ. કર્મચારીઓની મોટી ફોજ નિભાવવી પડે. મુંબઇ સુધરાઇના વહીવટી તંત્રનું માળખું પણ એવું જ લાંબુ-પહોળું છે. અન્ય સરકારી તંત્રની માફક તેમાં એટલાં બધાં ખાતાં, વિભાગો, પેટાવિભાગો, કમિટી અને સબકમિટી છે કે આખો કારોબાર ભુલભુલામણી ભર્યોે લાગે. કદાચ એટલે જ કોઇએ મુંબઇ મ્યુનિસિપાલિટીનું નામ ઉલટીપાલટી પાડયું હશે !
જેમ કે બોમ્બે ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ કમિટી જે બેસ્ટના ટૂંકા નામે ઓળખાય છે એનું અસ્તિત્વ એક અલગ કંપની જેવું છે. ૭ આગસ્ટ, ૧૯૪૭માં બેસ્ટની રચના મુંબઈ શહેરના વિદ્યુત પુરવઠા તેમ જ માર્ગ પરિવહનની જવાબદારી અદા કરવા માટે થઈ હતી.
દસ રૂપિયાની ટિકિટ કઢાવી. બેસ્ટની બસમાં મુસાફરી કરવાથી આ શહેરી બસસેવાના વાસ્તવિક સ્વરૂપનો અંદાજ આવતો નથી. સમસ્ત ભારતમાં સૌથી સ્વચ્છ અને સુંદર સિટી બસ સવસ તરીકે દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલી બેસ્ટ અન્ડરટેકિંગ ૨,૮૦૩ બસનો કાફલો ધરાવે છે.
બેસ્ટને વખોડનારા તેની ઘણી ઊણપ દર્શાવે છે. તેમની વાત સાચી હોય તો પણ એ હકીકત છે કે ૪૦૦ કરોડ રૂપિયાની ખોટ ખાનારા દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કે સૌથી ઓછા ભાડે બસો ફેરવનારા કલકત્તા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન કરતાં બેસ્ટની બસ સેવા ઘણી 'બેસ્ટ' છે.
બેસ્ટ અંડરટેકિંગ માત્ર બસસેવા જ આપે છે એવું રખે માનતા. તેના નામ પ્રમાણે બેસ્ટ મુંબઈ શહેરના કોલાબાથી માહિમ અને સાયન સુધીના પરાંઓમાં વિદ્યુત પુરવઠો પણ પૂરો પાડે છે.
આટલું મોટું શહેર હોવા છતાં મુંબઈમાં ટાઉન પ્લાનિંગના નામે સાવ મીંડું છે. પરાંઓ જેટલી ઝડપે વિકસતાં જાય છે એ ગતિએ સુધરાઈની સવલતો ત્યાં પહોંચતી નથી. પરિણામે વર્ષો સુધી રસ્તા બિસમાર હાલતમાં રહે છે. સ્ટ્રીટલાઈટ વિના મહિનાઓ સુધી માર્ગ પર અંધારપટ છવાયેલો રહે છે. એવું નથી કે મુંબઈ મહાનગરપાલિકાની આથક સ્થિતિ કંગાળ છે અને સેવા આપવા અસમર્થ છે.
વાસ્તવિકતા એ છે કે સુધરાઈ તેના બજેટના ૬૭ ટકા રકમ - પોતાના સવા લાખ થી વધુ કર્મચારીઓના પગાર-ભથ્થા, બોનસ તથા પેન્શન પાછળ ખર્ચી નાખે છે. બીજા અર્થમાં કહીએ તો સુધરાઈને વેરા રૂપિયે ચૂકવેલા પ્રત્યેક રૂપિયામાંથી ૬૭ પૈસા કર્મચારીઓના વેતન પાછળ જ ખર્ચાઈ જાય છે. બાકી જે ૩૩ પૈસા બચે તેમાંથી આ મહાનગરની મહાકાય સમસ્યા શી રીતે હલ થાય? જાણવા જેવી વાત તો એ છે કે મુંબઈની ૫૫ ટકા જનતા ઝૂંપડપટ્ટીમાં વસે છે છતાં સુધરાઇ બાર મહિને માંડ ૪ ટકા રકમ સ્લમની સુધારણા માટે વાપરે છે.
આજે મુંબઈમાં એમએમઆરડીએ, મ્હાડા, એમસીઆરડીએ એવી અનેક સ્વાયત્ત સંસ્થાઓ કામ કરી રહી છે, પરંતુ તેમને સમન્વયના અભાવે ભોગવવાનું આવે છે મુંબઈગરાએ. આવું તંત્ર રચવા માટે રાજ્યના પ્રધાનમંડળમાં મુંબઈ માટે સ્વતંત્ર વિભાગ રચવાની કે કેબિનેટ પ્રધાન નીમવાની જરૂર પડે. આ વિચાર અગાઉ પણ થયો હતો, પણ તે વખતે આ પરિકલ્પનાને મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું કાવતરું ગણાવીને તેનો ભારે વિરોધ થયો હતો. હવે આવો અલાયદો વિભાગ બનાવવા સરકાર તૈયાર થશે ખરી? વાસ્તવમાં મુંબઈ મહાપાલિકાની સત્તાની પાંખ કાપવા માટે અનેક સંસ્થાઓની રચના દ્વારા તેમને વારંવાર આર્થિક અને શાસકીય ટેકો પૂરું પાડવાનું વલણ જોવા મળ્યું છે. આવી સંસ્થાઓને વિકાસની વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. અત્યારે મેટ્રો રેલ, કોસ્ટલ રોડ, રેલવેના વિસ્તાર કાર્ય ચાલતાં હોવાથી એકંદરે મુંબઈનો કારભાર વધતો રહેવાનો છે.
વર્ષોથી હજારો કરોડ રૂપિયા તિજોરીમાં હોવાનો દાવો કરનારી પાલિકાની સ્થિતિ આવનારા દિવસોમાં પલટાઈ જવાની છે. નિકટના ભવિષ્યમાં અનેક મોટી યોજનાઓ જોતાં તિજોરી ખાલી થવી નક્કી છે. આયુક્તનું કહેવું છે કે અમે અમારાં જમા નાણાંનો ઉપયોગ કરીશું, અમારો ભાર સુવિધાઓ વધારવા પર છે. વાસ્તવમાં યોજનાઓના હેતુ વિશે શંકા નથી, પરંતુ તેનો અમલ થવાથી મુંબઈ અને મુંબઈગરાને કેટલો લાભ થશે તે પ્રશ્ન છે. દા.ત. પાલિકાની હોસ્પિટલોમાં દરદીઓને બહેતર સુવિધાઓ મળવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ પાલિકા હોસ્પિટલોનો અત્યાર સુધીનો અનુભવ જુદો રહ્યો છે. તેના ઉપચારનો દરજ્જો ક્યારેય પણ સુધર્યો નથી.
સુધરાઇની તરફેણમાં કરી શકાય એવી દલીલ એ છે કે બેઠી આવક કરાવી આપે એવાં તમામ ખાતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે છે. જ્યારે મ્યુનિસિપાલિટીને માથે એવા ખાતાંની જવાબદારી નાખવામાં આવી છે કે જેમાં જાવક જ હોય. તિજોરીમાં નાણાં આવવાને બદલે વધુ ને વધુ ખર્ચાતા જ જાય. જેમ કે પાણી, વીજળી, પરિવહન, સ્ટ્રીટ લાઇટ, પ્રાથમિક સારવાર કેન્દ્રી તથા હોસ્પિટલો, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ગટરો, રસ્તા વગેરે પાછળ સુધરાઇએ જંગી ખર્ચ કરવો પડે છે,
શિક્ષણ અને આરોગ્ય સેવા ઉપરાંત નગરપાલિકાએ ઝૂંપડપટ્ટીઓને ફરજિયાત મફત વીજળી અને પાણી આપવા પડે છે. શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા હાઇડ્રોલિક એન્જિનિયરો તથા વોટર વર્કસ ખાતામાં મોટો સ્ટાફ નિભાવવો પડે છે. તાનસા, વૈતરણા, વિહાર, મોડક સાગર, તુલસી જેવાં સરોવરો ઉપરાંત ભાતસાઇ યોજના દ્વારા મુંબઇને હાલ રોજ ૩૮૫૦ મિલિયન લીટર પાણી પૂરું પાડવામાં આવે છે.
સુધરાઇના વહીવટ માટે શિક્ષણ સમિતિ અને બેસ્ટના જનરલ મેનેજરનું અલગ તંત્ર ઊભું કરી આપવા ઉપરાંત મેયર અને કમિશનરને અલગ સત્તા સોંપવામાં આવી છે. તદુપરાંત ટ્રી આથોરિટી અને શહેરના બગીચાની દેખભાળ રાખવા અલગ ખાતાની રચના કરવામાં આવી છે. આ વિભાગ શહેરના વિવિધ ઉદ્યાનો ઉપરાંત વિક્ટોરિયા ગાર્ડનમાંના ડોક્ટર ભાઉદાજી લાડ મ્યુઝિયમ, આઠ સ્વિમિંગ પુલ, ચાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તથા બાલ ગાંધર્વ રંગ મંદિર, બિરલા ક્રિડા કેન્દ્ર, દિનાનાથ મંગેશકર નાટયગૃહ, બોરીવલીનું પ્રબોધન ઠાકરે સભાગૃહ વગેરે છ થિયેટરોનો વહીવટ કરે છે. ઉપરાંત ૧૮ ખાનગી માર્કેટ તથા ૮૬ મ્યુનિસિપલ માર્કેટ પણ સુધરાઇની સીધી દેખરેખ હેઠળ ચાલે છે.
આંકડાની આ ભરમાળ મુંબઇ મહાનગરપાલિકાની વિરાટ કામગીરીનો પરિચય આપે છે. પરંતુ સુધરાઇની સેવાની ગુણવત્તા કળી શકાતી નથી. ભૂતપૂર્વ નાયબ કમિશનર અને બીજા બે ટોચના અધિકારીઓએ કહ્યું તેમ વસતિવધારાને કારણે સુધરાઇ ક્યારે આ સમસ્યાઓ અને આથક સંકટમાંથી બહાર આવવાની નથી. શહેરની સુધારણા માટે નગરપાલિકાના આયોજકોએ અબજો રૂપિયાનું ડેવલપમેન્ટ પ્લાન ઘડે છે. પણ ઠેરઠેર વધતી જતી ઝૂંપડપટ્ટી અને રોટલો તથા રોજગારીની શોધમાં શહેરમાં પ્રવેશતા રોજના ૭૦૦ થી ૧૦૦૦ નવા માણસોની વણઝારને થંભાવવાનો કોઇ ઉકેલ જડતો નથી.
કોર્પોરેશનની ચૂંટણી લડી ગાંઠના પૈસા ખર્ચીને આ ઉમેદવારો નગરસેવક બનવા આટલા બધા કેમ થનગને છે ? એવો પ્રશ્ન તો પૂછયો જ નહીં. બહુ જાણવાની ઇચ્છા હોય તો તમારા વોર્ડમાંથી ચૂંટાયેલો ઉમેદવાર ચૂંટણી પહેલાં કેવાં વચનો આપતો હતો અને પરિણામ આવ્યાં પછી તેની વર્તણૂંક કેવી છે એની સરખામણી કરી જોજો. નગરસેવક બન્યા પછી એ કેટલાં આડાઅવળાં કામ કરે છે એનો હિસાબ માંડજો. અને પાંચ વર્ષમાં એ ચૂંટણી પ્રચાર માટે ખર્ચેલી લખલૂટ રકમ ચક્રવૃધ્ધિ વ્યાજ સહીત વસૂલ કેવી રીતે કરે છે એનું નિરીક્ષણ કરો એટલે ચૂંટણી જીતવા ઉમેદવારોની ધાંધલ ધમાલનું કારણ સમજાઇ જશે.
સુધરાઈ સભ્યોને સંસદસભ્યો જેવી બીજી કોઈ વિશેષ સગવડ મળતી નથી. નગરપાલિકા રોજિંદો વહીવટ તથા તમામ કારોબારી સત્તા કમિશનરના હાથમાં હોય છે. જો કે ચૂંટાયેલા નગરસેવકો બજેટ, કરવેરાના નિર્ણય, વિવિધ ભંડોળમાંથી ચોક્કસ કાર્ય માટે નાણાંની ફાળવણી, કોન્ટ્રાક્ટની મંજૂરી આપવા બાબત તથા ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા ભોગવે છે ખરા. ઉપરાંત દરેક કોર્પોરેટરને તેના વોર્ડમાં જુદા જુદાં સુધરાઇ કામ માટે વર્ષે દોઢ થી બે કરોડ રૂપિયા ખર્ચવાની સત્તા હોય છે.
આશ્ચર્યની વાત એ છે કે સુધરાઇના કાયદામાં નગરસેવકની કામગીરી, તેમની સત્તા કે તેમની ફરજો વિશે કોઈ ઉલ્લેખ જ નથી. નગરપાલિકાના સંચાલનમાં તેમનો રોલ કયા પ્રકારનો હોય એ વિશે પણ કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી. તેમ જ નગરસેવકો દ્વારા કરાતા ખર્ચ પર જાપ્તો રાખવાની કોઈ વ્યવસ્થિત યંત્રણા નથી. બધું જ રામભરોસે ચાલે છે. માત્ર તેમની પાસેથી એટલી અપેક્ષા રખાય છે કે નગરસેવકોના હૈયે તેમના વિસ્તારના લોકોનું હિત વસેલું હોવું જોઇએ.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સુધરાઈની સમસ્યા ઘટાડવા વર્ક પરમિટની પ્રથા દાખલ કરવાથી માંડીને બજારોના સ્થળાંતર, નવા મુંબઇની સ્થાપના અને આ શહેર માટે એક અલગ પ્રધાનની નિમણૂક કરવા જેવા રસ્તા વિચારી જોયા અને કેટલાક અજમાવી પણ જોયા. પરંતુ એથી કંઇ પરિસ્થિતિમાં ફરક નથી પડયો. સુધરાઇમાં ચૂંટીને મોકલાતા નગરસેવકો જો આ શહેરની વિકરાળ સમસ્યાને ઉકેલવા માટે સંનિ પ્રયત્ન કરે તો તંગદિલ થોડી હળવી થાય. આ માટે મુંબઇના નાગરિકોએ જાગ્રત થવાની અને તેમના સિવિક રાઈટ્સ (નાગરિક હક્કો) પ્રત્યે સભાન બનવાની જરૂર છે. કોર્પોરેટરોને ચૂંટી મોકલવાની પ્રથા નાબૂદ કરવી ન હોય તો પણ કમ સે કમ કાયદામાં એવી કાંઇક જોગવાઈ કરવી જ જોઇએ જેથી નગરસેવકો પર પ્રજાનો થોડો ઘણો દાબ રહે.
કેન્દ્ર સરકારના 'ઇઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ'માં રહેવાલાયક સૌથી વધુ સારાં ૧૧૧ શહેરોની યાદીમાં ટોચ પર બેંગલુરુ છે. ત્યાર બાદ પુણે, અમદાવાદ, ચેન્નઈ, સુરત, નવી મુંબઈ, કોઈમ્બતુર અને વડોદરાને સ્થાન મળે છે. મુંબઈ રહેવાલાયક શહેરોમાં દસમા અને શ્રેષ્ઠ નગરપાલિકાઓમાં આઠમા ક્રમાંકે છે. ૨૦૧૮માં રહેવાલાયક શહેરોમાં મુંબઈ ત્રીજા સ્થાને હતું. આમ મુંબઈ તેની મૂળ આન, બાન અને શાન ગુમાવી રહ્યાનું જણાય છે.
કેટલાક નિષ્ણાતો આના માટે શહેરની ગીચ વસતિને કારણરૂપ જણાવે છે. તેમના કહેવા પ્રમાણે મુંબઈનો ભૌગોલિક વિસ્તાર ૪૩૭ ચો. કિ.મી. છે અને વસતિ ૧.૩૫ કરોડ છે. આમ વિશ્વનાં બીજાં શહેરોની સરખામણીમાં મુંબઈ સૌથી ગીચ શહેર છે, જેમાં રહેવાલાયક જમીન ૧૨૦ ચો. કિ.મી. જ છે. એટલે એક ચો. કિ.મી.માં ૧૨ લાખ લોકો રહે છે. હાલ મુંબઈમાં ૬૦ લાખ લોકો ઝૂંપડપટ્ટીમાં અને બીજા ૪૦ લાખ લોકો જોખમી બિલ્ડિંગો તેમ જ ચાલીઓમાં વસે છે. પરપ્રાંતીયોનાં ધાડાં મુંબઈમાં આવતાં અટકતાં નથી. તેથી મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે એ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. અતિશય ગીચવસ્તીને કારણે મૂળભૂત સુવિધાઓ પર ભારે તાણ આવી રહી છે.
મુંબઈના લોકોનું જીવનધોરણ સુધારવા માટે નિષ્ણાતો સસ્તાં ઘર બાંધવા, સારી મૂળભૂત સુવિધા પૂરી પાડવા અને સંદેશવ્યવહારની ક્વોલિટી સુધારવા પર ભાર મૂકી રહ્યા છે પણ સરકાર કે પાલિકા તે માટે યોગ્ય યંત્રણા ધરાવતી નથી. મુંબઈનો ચહેરો દિવસે ને દિવસે વધુ કુરૂપ બની રહ્યો છે. પાલિકાએ છેક વસઈ-વિરારને સાંકળી લેતો કોસ્ટલ રોડ, ગોરેગાંવ-મુલુન્ડ લિન્ક રોડ, અટલ સેતુ, ઈસ્ટર્ન ફ્રી વે કચરાના નિકાલ માટેની તેમ જ મૂળભૂત સુવિધાઓ માટેની અનેક યોજનાઓ હાથ ધરી છે. આ યોજનાઓ પૂરી થયા પછી જોવાનું એ રહે છે કે 'ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ'માં મુંબઈ કેટલું આગળ વધે છે?
- ભાલચંદ્ર જાની


