Get The App

શિશિરના પાલવડે પાનખરની પ્રીત

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
શિશિરના પાલવડે પાનખરની પ્રીત 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- સામાન્ય રીતે મહા મહિનામાં પાનખર બેસતી હોય છે. પ્રકૃતિના રંગમંચ ઉપર પાનખરનું નાટક જ હંમેશાં પ્રથમ સ્થાને આવ્યું છે. જીવનની ફિલસૂફીની ગીતા પાનખરનાં પૃષ્ઠોમાં સચવાયેલી છે

હે મંતની કૂખમાં જન્મેલાં રવિપાકનાં બાળબચ્ચાં શિશિરના હેતથી મોટાં થઈ, ખેડૂતના કોઠારો છલકાવે છે. ખેતરમાં પ્રસન્નતાનો માહોલ પણ મોલની સાથે સાથે લહેરાય છે. એ શિશિર કૃષિકની વૈભવલક્ષ્મી છે. શિશિરને કારણે જ માણસ તનથી અને ધનથી સમૃદ્ધ થાય છે. એ શિશિરનાં પ્રત્યેક પગલાં પ્રાકૃતિક પરિવેશમાં ગુણકારી રહ્યાં છે પરંતુ શિશિરનાં પાછલાં પગલાંને અથવા જતી શિશિરને પ્રકૃતિ જોઈ શકતી નથી. વૃક્ષો પાન ખંખેરી વિલાપ કરતાં થઈ જાય છે. લીલાં પર્ણો રંગ પલટી પીળાશ ધારણ કરે છે... થોડાક જ વખતમાં શિશિર નામની કન્યાનું નામ બદલાઈ જાય છે. કન્યા પરણીને સાસરે જાય અને એની ઓળખાણ બદલાતી જાય એમ ધીરેધીરે શિશિરનું પાનખરમાં રૂપાંતરણ થતું દેખાવા માંડે છે. શિશિરના વિસર્જનની વેદનાનું બીજું નામ પાનખર છે, ક્યારેક વસંતના પ્રારંભિક દિવસોમાં પણ પાનખર દેખાતી હોય છે. પાનખર એ શિશિરના સાડલાના છેડે બંધાયેલો સ્નેહ છે. પ્રકૃતિનું સંવેદનશીલ ગાન પાનખર છે, એમ કહીએ કે લીલા રંગનો પીળા રંગમાં પલટાઈ જવાનો જાદુ જે જાણે છે તે પાનખર. ભલે એ શિશિરની સરહદમાં શિશિરના સંતાન તરીકે જન્મે પણ એને પોતીકી વિશિષ્ટ પ્રકારની આગવી ઓળખ અંકે કરી લીધી છે. જન્મ-મરણની ચક્ર ગાથા જે જીવનનો પર્યાય છે એનાં દર્શન પાનખરમાંથી પ્રાપ્ત થાય છે. પાનખર શબ્દ મૃત્યુ નામની ઘટનાનું આશ્વાસન બને છે. એમ પાનખર પણ પતન ઉપરાંત નૂતનની પૂર્વ ભૂમિકા પણ છે. ખરતાં પર્ણો પણ સૌંદર્યનો અપાર અનુભવ કરાવે છે. હસતી નારી જેટલું જ રડતી નારીનું પણ સૌંદર્ય હોય છે. નેવાંની જેમ ગાલ ઉપર ટપકતાં આંસુ સમેત કોઈ શકુંતલાને તમે ધ્યાનથી નિહાળી છે ?

લીમડો, આંબો, કેસુડો, પીપળો, વડ કે કણજ કોઈપણ વૃક્ષ પાસે જાઓ. બધાં વૃક્ષોનો વેદનશીલ છતાં પ્રસન્ન ચહેરો !! ખરતાં પર્ણો એટલે ખરતાં આંસુ ! એવાં યોગીની જેમ ઊભેલાં, સંસાર વિરકત થતાં વૃક્ષોની શોભા ન્યારી હોય છે ! લેતાં જો આવડે તો છોડતાં પણ આવડવું જ જોઈએ. ખિલતાં ફૂલો સાંજે ખરે છે એ ન્યાય છે - એ સત્ય છે - જીવન સંદર્ભે એ સત્ય એટલું જ સાચું છે, ધ્યાન અને ચિંતનનો સમયગાળો જાણે પાનખર હશે કે શું ? વ્હેલી સવારે જેમ ધ્યાન-યોગનો વધારે લાભ પ્રાપ્ત થાય છે એવો જ આ ઋતુઓમાં પાનખર કાળ છે !

સામાન્ય રીતે મહા મહિનામાં પાનખર બેસતી હોય છે. પ્રકૃતિના રંગમંચ ઉપર પાનખરનું નાટક જ હંમેશાં પ્રથમ સ્થાને આવ્યું છે. એમાં કલાકાર અને વિષયવસ્તુ ઉપરાંત તેમાંથી પ્રાપ્ત થતા તાત્વિકદર્શનનો મોટો મહિમા છે. કેસરી, લાલ, ભૂખરા અને પીળા રંગની પીંછી અદ્રશ્ય હાથે પ્રકૃતિના કેનવાસ ઉપર કેવી ફરી રહી છે ! રંગોના અપ્રતિમ સૌંદર્યનું નિર્માણ કરનાર એ ચિતારો કોણ હશે ? ક્યાં હશે ? જીવનની ક્ષણિકતાનો પદાર્થપાઠ રંગો શિખવે છે અને આવન-જાવનનો પદાર્થપાઠ ખરતાં પર્ણો ભણાવે છે. જીવનની ફિલસૂફીની ગીતા પાનખરનાં પૃષ્ઠોમાં સચવાયેલી છે. ખરતાં પર્ણો એ ગીતાના શ્લોકો છે મનુષ્યના જીવન ઉપર સૌથી વધારે પ્રભાવ પાનખર પાડે છે. કવિઓ અને સાહિત્યકારો વિરહને પાનખર સાથે જોડે છે ત્યારે પાનખરનું અપમાન કરે છે. વૃદ્ધત્વને પણ પાનખરનો પર્યાય ગણનારા માણસો પણ ભીંત ભૂલે છે. લખેલું પાકું થઈ જાય પછી પાટીમાંથી ભૂંસી નાખવું પડે છે અને વળી નવો એકડો પાટીમાં મંડાય છે - પ્રકૃતિ પાટી છે અને પાનખર તેમાંથી ભૂંસાતી ઘટના છે - પાનખર પીળા રંગની ઋતુ છે. પીળો રંગ ધારણ કરવા પૂર્વે કેટકેટલા રંગોની ઝાંયમાંથી પસાર થવું પડે છે ! પીળાશ પ્રાપ્ત કરવા માટે જીવનના તમામ રંગોમાંથી પસાર થવું પડે છે. એ તત્ત્વદર્શન પણ માનવને ઉપકારક છે.

હિંદુ પંચાંગ બનાવનારાઓએ પાનખરનો શિશિરની પેટા ઋતુમાં ભલે સમાવેશ કર્યો પણ પાનખરને પોતાનો એટલો મોટો વૈભવ છે - એટલી મોટી એની પ્રતિષ્ઠા છે કે દલપતરામ જેવા કવિએ ગાયું છે - 'પાનખરે ઘઉં પેદા થાય' ત્યાં કવિ શિશિરને વિસારે પાડી પાનખરનાં ગુણગાન ગાય છે. પાનખર એ વસંતની પ્રસ્તાવના છે - એના એકેએક શબ્દમાંથી આવતીકાલની આશાનાં નિમંત્રણોને વાંચી શકાય. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એમાં પાનખરને સ્થાન નથી, છતાં એને માન તો છે જ. ગુજરાતી સાહિત્યમાં પાનખર વિશે જે લખાયું છે તેમાં વેદનાની વાત વધારે થઈ છે. વૃદ્ધની અસહાયતાને પણ પાનખરનો પર્યાય તરીકે ઓળખાવાઈ છે. એક સુભાષિત છે.

'પીપળ પાન ખરતાં, હસતી કૂપળિયાં અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયાં'

અહીં ખરતં પર્ણો કૂંપળોને ઉપાલંભ આપે છે. અમારા જેવી સ્થિતિ તમારી પણ આવનારી છે જ, પરંતુ, કૂંપળો તો હંમેશાં હસતી જ હોય છે ખરતાં પાન જોઈને હસે છે તે કલ્પના તો આપણા લોકકવિની છે - ખરતાં પર્ણો એ એક ઊંચાઈ છે. પ્રતિષ્ઠા છે - હોદ્દો છે - એ ઊંચાઈ પ્રાપ્ત કરનારાઓએ સમજવું જોઈએ. પાનખરનું પદ પ્રાપ્ત કર્યા પછી કોઈ પદ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી એટલે જે છે તે પણ દિલથી વ્હેંચી દેવાનું છે - ખેરાત કરવાનું છે - આપી દેવાનું છે ખરવાની ઘટના એ દાન કરવાની ઘટના નથી, વિરક્તિની ઘટના છે - ત્યાગ પણ નહિ, ત્યાગમાં તો મેં છોડી દીધું એવો સુક્ષ્મ અહમ છે. સહજ ખરવાની પ્રક્રિયા છે પાનખર !! ત્યાગ તો ક્રિયા છે. પાનખર તો એક એવી સહજ પ્રક્રિયા છે, સાહજિકતાથી સંસાર છૂટી જાય પછી આત્માની ઓળખાણનાં દ્વાર ખુલે છે. પાનખર એ પ્રકૃતિને નૂતન દરવાજે દોરી જતી પ્રાકૃતિક કેડી છે - આવો આપણે પાનખરના વૈભવી સૌંદર્યમાંથી પદાર્થપાઠ મેળવીએ.