ટચુકડી માઈક્રોચિપના આધારે દર્દીને નવજીવન આપનારી આધુનિક ટેક્નોલોજી
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ટેક્નોલોજી ક્ષેત્રે આ સંશોધન જેટલું ઉપયોગી છે તેટલું જ ભવિષ્યમાં વિનાશ પહોંચાડનારું સાબિત થઈ શકે છે તેવી ચેતવણી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
મ ગજની બીમારી, લકવો, અંધાપો એવી બીજી કેટલીય અગણિત બીમારી છે જેની સારવાર માટે મેડિકલ સાયન્સ અથાગ પ્રયાસ કરી રહ્યું છે. આજે પણ યુરોપ-અમેરિકામાં કેટલાંય તબીબી નિષ્ણાતો આ દિશામાં સઘન સંશોધન કરી રહ્યાં છે.પરંતુ આ ક્ષેત્રે સર્વપ્રથમ નોંધપાત્ર સિધ્ધિ મળી છે અબજોપતિ, ઉદ્યોગપતિ ઈલોન મસ્કને.
જે વાત સાવ અશક્ય લાગે તેને શક્ય બનાવનારા ઈલોન મસ્કના સાથી ઈજનેરોએ ચોખાના દાણા જેવી ટચુકડી માઈક્રોચિપ બનાવી છે. જેને વ્યક્તિના શરીરમાં બેસાડવાથી અમુક પ્રકારની બીમારીનો 'ટેક્નોલોજીકલ' ઈલાજ મેળવી શકાય છે.
મસ્કની ટેસલા કંપનીના સિનિયર અધિકારીઓ કહે છે કે માનવ જાતને પણ આ પ્રકારની ચિપથી ઘણાં ફાયદા થશે. આ ચિપના કારણે સેંકડો લોકોને મગજની ગંભીર બીમારીથી રાહત મળી શકશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચિપથી કેટલાય કામ ટેકનોલોજી સાથે જોડાઈને સરળ બની જશે.
ન્યૂરોલિંકે ૨૦૧૬થી બ્રેઈન ચિપ બનાવવાના પ્રયોગો હાથ ધર્યા હતા. આ ચિપ મગજમાં બેસાડીને ગંભીર ન્યૂરો ડિસીસ નિવારી શકાશે.
ટેસલાના સીઇઓ ઇલન મસ્કે જણાવ્યું હતું કે તેમણે સ્થાપેલી કંપની ન્યુરાલિન્ક દ્વારા વાનરના મગજને એ રીતે વાયર્ડ કરવામાં આવ્યું છે કે તે વિડિયો ગેમ્સ રમી શકે. કંપનીએ વાનરની ખોપડીમાં કમ્પ્યુટર ચીપ મુકીને તેને બારીક વાયર વડે મગજ સાથે જોડી દીધી છે.
આ વાયરિંગ બાદ વાનર ખુશ જણાતો હતો. ન્યુરાલિન્ક દ્વારા કરવામાં આવેલી આ શસ્ત્રક્રિયા યુએસના ધારાધોરણો અનુસાર કરવામાં આવી છે. મજાની વાત તો એ છે કે તમે જોશો તો તમને ખબર પણ નહીં પડે કે ન્યુરલ ઇન્પ્લાન્ટ ક્યાં કરવામાં આવ્યું છે. ત્યાં માત્ર સહેજ ત્વચા ડાર્ક લાગે છે એટલું જ. ન્યુરાલિન્ક એ ચકાસવાનો પ્રયાસ કરી રહી છે કે તે ચીપ ઇમ્પ્લાન્ટ કરીને વાનરોને એકમેક સાથે માઇન્ડ પોન્ગ ગેમ રમાડી શકે છે કે કેમ.
સાનફ્રાન્સિસ્કોમાં જેનું હેટક્વાર્ટર આવેલું છે તે ન્યુરાલિન્ક કંપનીમાં આશરે ૧૦૦ જણાની ટીમ કમ્પ્યુટર-બ્રેઇન ઇન્ટરફેસ ડેવલપ કરી રહી છે. મસ્કે જણાવ્યું હતું કે ન્યુરાલિન્કનું ધ્યેય માનવ મગજમાંથી મશીનમાં જતી માહિતીનો પ્રવાહ વધારવાનું છે.
ન્યુરા લિન્ક બ્રેઇન ચિપ કેવી રીતે કામ કરે છે તે પણ સમજી લઇએ.
મગજમાં ન્યુરોન નામના વિશિષ્ટ કોષ હોય છે જે શરીરના સ્નાયુઓ અને મજ્જાતંતુઓ જેવા બીજા કોષને સંકેત આપે છે. ન્યુરાલિન્ક ચિપમાંના ઇલેક્ટ્રોડ્સ આ સંકેતો ઉકેલી શકે છે. અને તે પ્રમાણે સ્નાયુઓને કામ કરવાના આદેશ મળે છે. એ પણ જાણી લો કે ન્યુરાલિન્ક કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન તથા શરીરના સ્નાયુઓના નિયંત્રણ જેવા કામ પર કાબુ રાખી શકે છે.ઇલોન મસ્કની બ્રેઇન ચિપ સ્ટાર્ટઅપ ન્યુરાલિન્કે વધુ સઘન પ્રયોગો કરવા હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. સ્વેચ્છાએ તૈયાર થનાર સ્ત્રી- પુરુષોને આ પ્રયોગોમાં સામેલ કરાશે. મસ્કની કંપનીનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં આશરે ૨૫,૦૦૦ લોકો પર બ્રેઇન ચિપ ઇમ્પ્લાન્ટ કરવાનું છે. એવું પણ નથી કે માત્ર ન્યુરાલિંક જ ઉપર વર્ણવેલી માઈક્રોચીપ બનાવે છે. વાસ્તવમાં ન્યુરાલિંક અને સીન્ક્રોન બંને બ્રેઈન સિન્ક્રો નાઈઝ્ડ કમ્પ્યુટર ટેક્નોલોજી વિકસાવી રહી છે. ન્યુરાલિંક બ્રેઈન સ્ટીમ્યુલેશન પર કામ કરે છે. તે માનવ મગજના ટીસ્યુમાં ઈલેક્ટ્રોડ્સ ઈમ્પ્લાન્ટ કરે છે, જે બેટરી સાથે સંકળાયેલા હોય છે. આ ઈલેક્ટ્રોડ જરૂર પડે ત્યારે મગજમાં ન્યુરલ એક્ટિવિટીમાં ફેરફાર કરશે અથવા બદલશે. બીજીબાજુ સીનક્રાન સ્ટેનટ્રોડ પર નિર્ભર છે, જે સ્ટેન્ટ જેવી જ એક ડિવાઈસ છે. આ ડિવાઈસને મગજમાં હલન-ચલન માટે જવાબદાર ભાગ નજીક બ્લડ વેસલ એટલે કે રક્તવાહિનીમાં મુકાય છે. ત્યાર પછી તે જરૂર હોય ત્યારે મગજમાં ઈલેક્ટ્રોડ્સને ઈલેક્ટ્રિક કરન્ટ મોકલે છે.
આગળ જણાવ્યું તેમ વિશ્વમાં ઘણાં દેશોમાં માનવ શરીરમાં ઈમ્પ્લાન્ટ કરી શકાય તેવી માઈક્રોચિપ વિજ્ઞાનીઓ વિકસાવી રહ્યાં છે.
બ્રિટિશ ઇજનેરોએ એવી નવી ટેકનોલોજી વિકસાવી છે. જેનાથી પેરાલિસિસના દર્દીઓને મદદ મળશે. પક્ષાઘાતની અસર ધરાવતાં દર્દીઓ મગજમાં ઇમ્પ્લાન્ટ કરાયેલા ટ્રાન્સમીટર્સની સહાયથી પોતાના બાયોનિક અવયવોને ચલાવી શકશે.
માનવીની કરોડરજ્જુમાં થતી ઇજાના કારણે તેમના મગજ અને અવયવો વચ્ચેનો સંપર્ક કપાઇ જતા પેરાલિસિસ અથવા પક્ષાઘાતની અસર સર્જાય છે. વિજ્ઞાનીઓ એમ માને છે કે આગામી પાંચ વર્ષમાં કરોડરજ્જુમાં નુકસાન પામેલા દર્દીઓ રોબોટિક ઉપકરણોનો ઉપયોગ કરતા થઇ જશે, જેનાથી તેઓ ઇચ્છાનુસાર હાથ અથવા પગનું હલનચલન કરી શકશે.
આ રીતે મગજના વિચાર જાણવા અને લકવાગ્રસ્ત લોકોના સ્નાયુઓ પાસે કામ કરાવવા માટે જાતજાતની કમ્પ્યૂટર ચિપ બનાવવાના પ્રયોગો ચાલી રહ્યા છે. એવામાં સ્વીડનની લિન્કોપિંગ યુનિવસટીના ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પીએચડીના વિદ્યાર્થી ક્લાસ ટાયબ્રાન્ટે શરીરના સ્નાયુઓને જ કમ્પ્યૂટર ચિપ બનાવવાનો ઉપાય શોધ્યો છે.
તેણે શ૨ી૨ના સ્નાયુઓને મગજનો સંદેશો આપનાર હોર્મોન એસેટિલ્કોલીન શોધી લીધું છે. આ હોર્મોન સ્નાયુઓના કોષને વીજતરંગના સૂક્ષ્મ કણ આપીને મગજના સંકેતની જાણ કરે છે. આ હોર્મોનના વીજકણને નિયંત્રિત કરીને ક્લાસ ટાયબ્રાન્ટે ઓન-ઓફ સંકેત બનાવી જોયા છે. એના આધારે સ્નાયુઓ પાસે ધાર્યું કામ કરાવી શકાયું છે.
એક વિચિત્ર કહી શકાય તેવા પગલા તરીકે એક યુરોપિયન કંપનીએ તેના કર્મચારીઓને સાઈબોર્ગ્સ બનવા તરફ એક ડગલુ વધુ આગળ જવાની તક આપી છે. બેલ્જિયમની ટેક અને માર્કેટીંગ કંપની ન્યુ ફ્યુઝને તાજેતરમાં બાયો-ડિજિટલ ફેરફારો સામેલ કરવા તેની ઓફિસોમાં માળખાકીય ફેરફાર કર્યા છે. પરંપરાગત આઈડી બેજ અને બાયોમેટ્રીક સ્કેનરની બદલે હવે કર્મચારીઓ માઈક્રોચીપ ઈમપ્લાન્ટનો વિકલ્પ પસંદ કરી શકશે જેનાથી તેઓ કંપનીના હેડક્વોર્ટર્સ અને કોમ્પ્યુટરનો સંપર્ક કરી શકશે.
કર્મચારીઓને હવે અંગૂઠા અને તર્જની વચ્ચે માંસપેશીમાં સર્જિકલી ઈમપ્લાન્ટ થઈ શકતી આરએફઆઈડી આધારીત ચોખાના દાણાના કદની ચિપ બેસાડી શકશે અથવા ચિપયુક્ત વીંટી બેસાડી શકશે. આ વિચાર જ અસ્વસ્થ કરી મુકે છે. આવો ઈમપ્લાન્ટ ઓફર કરનારી તે બેલ્જિયમની પ્રથમ કંપની છે. જાન્યુઆરી ૨૦૧૫માં એક સ્વીડીશ કંપની સાઈમે તેના કર્મચારીઓને ઓફિસના દરવાજા અને પ્રિન્ટરો સુધી પહોંચ આપવા આરએફઆઈડી ઈમપ્લાન્ટની ઓફર કરવાનું શરૂ કર્યું હતું.
માઈક્રોચિપ્સને કારણે કંપનીના સર્વરોનો સંપર્ક કરીને હાજરી પૂરાવી અને રેકોર્ડ જાળવવા સરળ બનશે. પણ તેનો ગેરલાભ સૌથી વધુ જોખમી છે. ચિપ ઈમપ્લાન્ટને કારણે કર્મચારીઓને ટેગ કરવાની નૈતિકતા બાબતે સવાલો ઉપસ્થિત થાય છે. સૈદ્ધાંતિક રીતે આવા પ્રકારના ઈમપ્લાન્ટ વપરાશકારની હલનચલન ટ્રેક કરવા વાપરી શકાય છે. સ્વાભાવિક છે કે કર્મચારીઓ તેમની ઓફિસ પાસે આવી અપેક્ષા નહિ રાખતા હોય.
વળી કર્મચારી કંપનીમાંથી રાજીનામુ આપે ત્યારે સમસ્યા થઈ શકે છે. આવા કિસ્સામાં કંપનીએ પોતાની ચિપ પાછી મેળવવા ફરી કર્મચારી પર સર્જરી કરાવવી પડશે.
એવી જ રીતે મોટાભાગના ક્રેડિટ કાર્ડ સાથે બને છે તેમ આરએફઆઈડી સ્કેનરો સાથેની માઈક્રોચિપમાં સંગ્રહ કરેલી માહિતી મેળવવા અસામાજિક તત્વો તેનો ગેરલાભ ઉઠાવે તેવી પણ સંભાવના રહેલી છે. બાયો હેકિંગ શક્ય નથી એવું પણ મક્કમતાથી કહી શકાય નહીં.
ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધન જેટલું ઉપયોગી છે તેટલું જ ભવિષ્યમાં વિનાશ પહોંચાડનારું સાબિત થઈ શકે છે તેવી ચેતવણી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી છતાં માણસના શરીરમાં ઇમ્પ્લાન્ટ (પ્રત્યારોપણ) કરવામાં આવતી માઇક્રોચીપ વિવાદો વચ્ચે ઝડપથી પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવાની દિશામાં આગળ વધી છે. સ્વિડન અને જર્મનીમાં તેનું આકર્ષણ દુનિયાભરના લોકો માટે ચેતવા જેવું છે ખરું.
દુનિયામાં સ્વિડનમાં સૌથી વધુ લોકોએ પોતાના શરીરમાં આવી માઇક્રોચીપને દાખલ કરી છે. જર્મનીમાં બે હજારથી વધુ લોકોએ પોતાનાં શરીરમાં આવી ચીપને દાખલ કરી છે જે એક ક્રેડિટ કાર્ડથી લઈને ઘરની ચાવી તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે.
કેટલાંક નિષ્ણાતોએ આ પ્રકારની માઇક્રોચીપના પ્રત્યારોપણનો વિરોધ કર્યો છે. જેનાં કારણે તેના પ્રત્યારોપણ કરવા પર કેટલાંક દેશોમાં પ્રતિબંધ મુકાયો છે, પરંતુ સંશોધનથી પ્રતિબંધ અને ત્યારબાદ ફરીથી નવા સંશોધન સુધીની યાત્રામાં એટલું ચોક્કસ કહી શકાય કે માઇક્રોચીપનો વિરોધ બહુ લાંબો ટકી શકે તેમ નથી. જેમ-જેમ એઆઈ અને બીજાં સંશોધનો બજારમાં આવ્યા છે તે જોતા લોકો સાયબર સુરક્ષાને લઈને જાગૃત થતાં સામે ચાલીને જ આ પ્રકારની ચીપને પહેરતા થયા છે. ભવિષ્યમાં મોબાઇલ ફોન પણ ઇતિહાસ બની જવાના છે. તેની જગ્યા એક લેન્સ લે તેવી સંભાવના છે. એ સમયે આ માઇક્રોચીપ બહુ જ કામ લાગે તેમ સમર્થન કરનારાઓનું માનવું છે.
આજકાલ ચીપ લગાવેલા વિઝિટિંગ કાર્ડ બજારમાં બહુ જોવા મળે છે. આ વિઝિટિંગ કાર્ડની ચીપને મોબાઇલમાં સ્કેન કરવાથી કંપનીનો વ્યવસાયથી માંડીને કંપની શું જોબવર્ક કરે છે તેની માહિતી મળી રહે છે. પરંપરાગત વિઝિટિંગ કાર્ડનું સ્થાન ચિપવાળા વિઝિટિંગ કાર્ડે લેવા માંડયું છે તો સ્વીકારવું રહ્યું કે માઇક્રોચીપ તેનું સ્થાન મજબૂત કરશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ માનવ શરીરમાં માઇક્રોચીપ પ્રત્યારોપણને લઈને અનેક પડકારો છે.
પ્રથમ પડકાર ટેક્નોલોજી છે - જે દરરોજ આગળ વધી રહી છે અને ચીપ્સ નાની અને સ્માર્ટ બની રહી છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)ની દુનિયામાં ચીપ્સને સેન્સર્સ, નેટવકર્સ, ક્લાઉડ અને એપ્લિકેશન્સ સાથે જોડવામાં આવે છે. સેન્સર તરીકે, ચીપ તમારા હાથ, તમારા હૃદય, તમારા મગજ અને તમારા બાકીનાં શરીરને સ્પર્શે છે- શાબ્દિક રીતે. આ નવો વિકાસ 'બોડી હેકિંગ' અથવા બાયોહેકિંગને તદ્દન અલગ અર્થ આપવા માટે બંધબેસતો છે જ્યારે સાયબર નિષ્ણાતો પ્રવર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે તેવા સુરક્ષા જોખમોને ઘટાડવાની ચિંતા કરે છે જે ભવિષ્યમાં માનવ જીવનને નુકસાન પહોંચાડી શકે છે ત્યારે રોપાયેલી ચીપ્સ સ્વાસ્થ્યને પણ અસર કરી શકે તેમ છે. માઇક્રોચીપના લીધે ચીપ લગાડેલી કોઈ પણ વ્યક્તિને બહુ જ સરળતાથી લોકેટ કરી શકાય છે.
બીજો પડકાર વ્યાપાર છે : આ ક્ષેત્રમાં ઘણી કંપનીઓ છે. જેમાં વ્યક્તિના ડાટાનું જોખમ રહેલું છે. ડાટાને હેક કરી વ્યક્તિની બધી માહિતી મેળવી શકાય તેમ છે. એમ કહી શકાય કે અત્યારે ક્લાઉડની દુનિયામાં આ ચિપનો વિસ્તાર થવો મુશ્કેલ છે. ત્રીજો પડકાર સમાજ છે : જેમ જેમ વ્યક્તિઓ મોટા ડેટા, જાહેર- અને ખાનગી- ક્ષેત્રના ડેટા ભંગ અને સોશિયલ મીડિયા શેરિંગનાં ક્ષેત્રમાં દાખલ થાય છે ત્યારે ગોપનિયતા ભંગ થવાનું જોખમ રહેલું છે. આ કારણોસર પણ માઇક્રોચીપનું પ્રસ્થાપિત થવું સંભવત નથી. તેમજ આ જોખમને લીધે પણ લોકોએ માઇક્રોચીપના પ્રત્યારોપણનો વિરોધ કરવો રહ્યો.