વાર્તા વિશ્વ : અ રીસ્પેક્ટેબલ વુમન
- વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...
- મૂળ સર્જક - કેટ ચોપિન રજૂઆત-પરેશ વ્યાસ
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(વહી ગયેલી વાર્તા: 'રીસ્પેક્ટેબલ' એટલે માનનીય, માનાર્હ, આદરણીય, પ્રતિષ્ઠિત, પ્રામાણિક અને સંભાવિત, આબરૂદાર, કુલીન, સુશીલ, સદાચારી... અને 'વુમન' એટલે સ્ત્રી. આ વાર્તામાં લેખિકા કેટ ચોપિન, જેને પ્રેમાળ પતિ છે એવી એક ધનાઢય સ્ત્રી મિસિસ બરોડાની મનોસ્થિતિની વાત કહે છે. મિસિસ બરોડા એનાં પતિ સાથે અત્યારે પોતાની માલિકીનાં શેરડીનાં વિશાળ પ્લાન્ટેશનની મધ્યમાં આવેલાં ફાર્મહાઉસમાં છે ત્યારે ત્યાં મહેમાન બનીને આવેલા એક ઓછાબોલા સાદાસીધાં પુરુષ પ્રત્યે એને આકર્ષણ થઈ આવે છે. એ વાત જુદી છે કે એ એને કેમ ગમ્યો હતો, એ વાત એને સમજાઈ નહોતી. આ મહેમાન કોઈ રીતે તકલીફ દેનારો નહોતો. પણ મિસિસ બરોડાનાં મતે એ તકલીફ દેતો હોત તો એને એ વધારે ગમત! એ હવે હજી થોડા દિવસ અહીં રહેવાનો હતો એટલે મિસિસ બરોડા પોતે બીજે દિવસે સવારે શહેરમાં જવાનું અને મહેમાન વિદાય લે પછી આવવાનું નક્કી કરે છે. એ રાતે એ એકલી ચાલતી ચાલતી ગઈ અને પથ્થરની બનેલી ચાલવાની કેડી જ્યાં પૂરી થતી હતી ત્યાં એક મોટાં જીવંત દેવદાર વૃક્ષની નીચે બાંકડા ઉપર બેઠી. હવે આગળ..)
ઉત્તરાર્ધ
પથ્થર કાંકરીની બનેલી કેડી ઉપર કોઈનો ભચડ ભચડ ચાલવાનો અવાજ એને સંભળાયો પણ અંધારામાં માત્ર સળગતી સિગારનું લાલ ટપકું જ એ સ્પષ્ટપણેજોઈ શકી. એને ખ્યાલ આવી ગયો કે આ ગોવારનેલ જ હોવો જોઈએ કારણ કે એનાં પતિને ધૂમ્રપાનની આદત નહોતી. એણે આશા રાખી હતી કે પોતે અહીં બેઠી છે એ એનાં ધ્યાન પર નહીં આવે, પણ એણે પહેરેલાં સફેદ ગાઉને એને ગોવારનેલ સામે પ્રગટ કરી દીધી. એણે સિગાર ફેંકી અને પછી બાંકડા ઉપર મિસિસ બરોડાની બાજુમાં એ બેઠો. એવી કશી ય શંકા મનમાં રાખ્યા વગર કે એનાં આ રીતે રાત્રિનાં સમયે એક બાંકડે બેસવાની ચેષ્ટા મિસિસ બરોડાને કદાચ ન પણ ગમે અને એની સામે એ પોતાનો અણગમો વ્યક્ત કરે ય ખરી.
'તમારા પતિએ મને આ તમને આપવા કહ્યું છે, મિસિસ બરોડા,' એ એનાં માથા અને ખભા ઉપર ક્યારેક વીંટાળતી હતી એવો એક પાતળો સફેદ સ્કાર્ફ એના હાથમાં આપતા એણે કહ્યું. મિસિસ બરોડાએ થેન્કસ શબ્દ ધીમેથી ગણગણીને એ સ્કાર્ફ સ્વીકારી લીધો અને એનાં ખોળામાં મૂક્યો અને ત્યાં જ પડયો રહેવા દીધો.
ગોવારનેલે શરૂઆતમાં આ ઋતુમાં રાતે વાતી હવાની અનિષ્ટકારી અસર વિષે એક સામાન્ય અવલોકનની વાત કરી. પછી એણે અંધકાર તરફ મીટ માંડીને જોયા કર્યું, અને પછી દબાયેલાં અવાજે જાણે પોતાની જાત સાથે વાત કરતો હોય એ રીતે એ બોલ્યો:
'દખ્ખણનાં વાયરાની રાત- કદમાં મોટા પણ સંખ્યામાં ઓછાં તારાઓની રાત! સ્થિર પણ સ્વીકૃતિ સૂચક ડોકું ધૂણાવતી રાત-'
રાત્રિને સંબોધીને કરેલા એ ઉદ્ગાર સંબોધનનો મિસિસ બરોડાએ કોઈ જવાબ આપ્યો નહીં, એ વાત અમથી ય ચોક્કસપણે એને સંબોધીને કહેવામાં આવી નહોતી.
ગોવારનેલ કોઈ પણ રીતે ડરપોક નહોતો, એનામાં આત્મવિશ્વાસની કમી હોય એવું ય નહોતું કારણ એ શરમાળ નહોતો. એની મર્યાદા, આત્મસંયમ કે માનસિક નિગૂઢતા એનાં વાણીવર્તન સાથે જડબેસલાક બંધાઈ જ ગઇ હોય એવું ય નહોતું, પણ એનું વાણીવર્તન એનાં મિજાજ ઉપર, એનાં મૂડ પર આધારિત હતું. મિસિસ બરોડાની બાજુમાં એ બેઠો હતો ત્યારે સાનિધ્યનાં એટલાં સમય માટે એની ચૂપકીદી પીગળી ચૂકી હતી.
એ મુક્ત મને વાતો કરી રહ્યો હતો, દિલોજાનીપૂર્વક, ધીમા સાદે રાગ ઘૂંટાઈ ઘૂંટાઈને આવી રહ્યો હોય એવો એનો અવાજ, જે સાંભળવામાં ન ગમે એવો નહોતો. એણે વાતો કરી એનાં કોલેજ કાળની, એ દિવસો જ્યારે એ અને ગેસ્ટન એક બીજાનાં જીગરી યાર હતા, એ પ્રબળ અને આંધળી મહત્ત્વકાંક્ષાનાં દિવસો અને કશુંક ખૂબ મોટું કરી નાંખવાની તાલાવેલીનાં દિવસો. અને અત્યારે જે બાકી બચ્યું એ સાંપ્રત સ્થિતિ સાથેની એક ગર્ભિત સમજૂતિ- અસ્તિત્વ ટકાવવાની પરવાનગી મળે એવી એક માત્ર ઈચ્છા અને અવારનવાર એક અસલ જિંદગીને શ્વાસમાં ભરીને જીવી લેવાની ક્ષણો- એવી અનુભૂતિ જે એ અત્યારે અનુભવી રહ્યો હતો.
મિસિસ બરોડાનું મન કેવળ અસ્પષ્ટ રીતે સમજી રહ્યું હતું એ સઘળું જે એ કહી રહ્યો હતો. શારીરિક રીતે એનું એની પડખે હોવું આ ક્ષણે સવિશેષ પ્રબળ હતું. એ નહોતી વિચારતી એનાં શબ્દો વિષે, એ બસ અત્યારે બોલાતા જતા એનાં અવાજની રંગછટામાં લહેરાતા એનાં શબ્દોને ઘૂંટડે ઘૂંટડે પી રહી હતી. રાત્રિનાં અંધારામાં એ એનો હાથ લંબાવીને એનાં સુધી પહોંચવા માંગતી હતી અને આંગળીઓનાં સંવેદનશીલ ટેરવાંથી એનાં ચહેરા અથવા એનાં હોંઠને સ્પર્શ કરી લેવા માંગતી હતી. એ સરકીને એની નજીક જવા માંગતી હતી અને એનાં ગાલોની નજીક જઈને કશુંક હળવેથી એનાં કાનમાં કહી દેવા માંગતી હતી- શું? એની એને કાંઈ પડી નહોતી, કાંઈ પણ- અને એણે એવું કર્યું ય હોત, જો એ સન્માનીય સ્ત્રી ન હોત તો. એક પુરુષની નજીક જવાની લાગણીનો આવેશ એનાં મનમાં ક્રમશઃ વધતો ગયો ત્યારે દરઅસલ હકીકત એ બની કે એ એનાથી ઊલટું શારીરિક રીતે એ એનાથી દૂર અને દૂર સરકતી ગઈ. અને જ્યારે એવો પહેલો મોકો આવ્યો કે ત્યાંથી ઊભા થઈને અચાનક આમ ચાલી જવાનું વર્તન બહુ તોછડું ન લાગે ત્યારે એ તરત ઊભી થઈ અને એને ત્યાં જ એકલો જ છોડીને ચાલી ગઈ. એ એનાં ઘરે પહોંચી એ પહેલાં ગોવારનેલે એક નવી સિગાર સળગાવી અને પછી રાત્રિને સંબોધીને કરેલા એ ઉદ્ગાર સંબોધનનો એણે અંત આણ્યો. એ રાતે મિસિસ બરોડાને ઉત્કટ ઈચ્છા થઈ આવી હતી કે આ વાત એનાં પતિ, જે એનો એક સારો મિત્ર પણ હતો, એને કરે આ બાલિશતા, આ નાદાનિયત, આ મૂર્ખામીની વાત કે જેણે એને જકડી લીધી હતી. પણ એવું કહી દેવાની ઉત્કટ ઈચ્છા કે પ્રલોભનને એ વશ ન થઈ. પોતે સન્માનીય સ્ત્રી હોવા ઉપરાંત એ સમજુ અને સાવધ સ્ત્રી પણ હતી અને એને ખબર હતી કે જીવનની કેટલીક લડાઇઓ એવી હોય છે જે માણસે એકલાં જ લડવાની હોય છે. સવારે ગેસ્ટન જાગ્યો ત્યારે એની પત્ની પહેલેથી જ જઈ ચૂકી હતી. શહેર તરફ જતી વહેલી સવારની ટ્રેન એણે પકડી હતી. એ પાછી આવી નહીં ત્યાં સુધી જ્યાં સુધી ગોવારનેલ એની છત નીચેથી જતો ન રહ્યો. પછી ઉનાળો આવ્યો ત્યારે ગોવારનેલને પાછો બોલાવવાની વાતો થઈ. ગેસ્ટનની ખૂબ જ ઈચ્છા હતી એને બોલાવવાની પણ એની પત્નીનાં આકરાં વિરોધ સામે એની એ ઈચ્છા પૂર્ણ ન થઈ શકી.
જો કે વર્ષ પૂરું થાય તે પહેલાં મિસિસ બરોડાએ પોતે પોતાની રીતે સામેથી પ્રસ્તાવ મૂક્યો ગોવારનેલને આમંત્રણ આપીને બોલાવવાનો. એનાં પતિને નવાઈ લાગી અને આનંદ પણ થયો કે આ સૂચન એની પત્ની તરફથી આવ્યું. 'હું ખૂબ ખુશ છું, મારી વ્હાલી, મારી સખી, એ જાણીને કે એનાં પ્રત્યેનો તારો અણગમો દૂર કરવામાં તું સફળ થઈત સાચે જ એ એવી તિરસ્કારની ભાવનાને લાયક નહોતો.' 'ઓહ,' એણે એનાં પતિનાં હોંઠ ઉપર દીર્ઘ મુલાયમ ચુંબન કર્યા બાદ હસતાં હસતાં કહ્યું, 'હું દરેક બાબતમાં સફળ થઈ છું! આ વખતે તું જોજે, હું એની સાથે સારું વર્તન કરીશ.' (સમાપ્ત)
(વાર્તાની નાયિકા દરેક બાબતે સફળ થઈ છે. કદાચ ગોવારનેલ પ્રત્યેનો અણગમો દૂર કરવામાં એ સફળ થઈ છે. કદાચ એની પ્રત્યે જે તે સમયે એનાં મનમાં જાગેલી અનરીસપેક્ટેબલ રોમેન્ટિક ફીલિંગ દૂર કરવામાં પણ એ સફળ થઈ છે.. કે પછી એક અજાણ્યો રોમાન્સ એનાં મનમાં છે અને એની ગિલ્ટ ફીલિંગને દૂર કરવામાં એ સફળ થઈ છે? ખબર નથી. સુજ્ઞા વાંચકો જ નક્કી કરે. અને હા, આખી વાર્તામાં નાયિકાનું નામ નથી. મિસિસ બરોડા એટલે એક ધનાઢય સુગર પ્લાન્ટેશન્સનાં માલિક ગેસ્ટન બરોડાની પત્ની. શક્ય છે કે હવે ડીસેમ્બરમાં ગોવારનેલ પાછો આવે ત્યારે નાયિકાનું પોતાનું નામ, એની હસ્તી પણ જાણવા મળે! મઝાની વાત એ છે કે અહીં સ્ત્રી ઉપર કોઈ અત્યાચાર નથી, એની પ્રત્યે કોઈ દુર્લક્ષ્ય પણ નથી. પતિ પ્રેમાળ છે. બંને વચ્ચે મિત્રતાનાં સંબંધ છે. એનું માન જાળવવામાં આવી રહ્યું છે. અને છતાં મુક્તિ.. આ વાત એક સ્ત્રી લેખિકા જ લખી શકે. એ ધ્યાનમાં રહે કે આ વાર્તા આજથી ૧૨૭ વર્ષો પહેલાં લખાઈ હતી. ઇતિ.)
સર્જકનો પરિચય
કેટ ચોપિન
જન્મ: ૮ ફેબ્રુઆરી, ૧૮૫૦
મૃત્યુ: ૨૨ ઓગસ્ટ, ૧૯૦૪
સાહિત્ય સર્જન: ધ સ્ટોર્મ, ડેસાઇર્ઝ બેબી, એ પેર ઓફ સિલ્ક સ્ટોકિન્ગ્સ, એ રીસ્પેક્ટેબલ વૂમન, ધ અવેકનિંગ
સાહિત્ય પર આધારિત ફિલ્મ્સ: ગ્રાન્ડ આઈલ, એ મેટર ઓફ પ્રેજ્યુડિસ અને પ્રસ્તુત વાર્તા 'ધ સ્ટોરી ઓફ એન આવર' પરથી બનેલી ફિલ્મ 'જોય ધેટ કિલ્સ'
વીસમી સદીમાં અમેરિકામાં થોડીક સ્વતંત્ર વિચારસરણીની હિંમતવાળી સ્ત્રીઓએ નારીવાદી સાહિત્યનું સર્જન કર્યુ હતું. એ લેખિકાઓ પૈકી કેટ ચોપિન ઉચ્ચ સ્થાન ધરાવે છે. એ જમાનામાં સ્ત્રીઓનું વ્યક્તિગત અસ્તિત્વ અને સેકસુઅલ સ્વાતંત્ર્ય માર્યાદિત હતું. તે સમયે એમની વાત બહુ ઓછાને સમજાતી હતી પણ એમનાં મૃત્યુ પછી એમણે કરેલી સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો વધારે પ્રસ્તુત બની. એમની વાર્તાઓમાં એક મધ્યવર્તી વિચાર વારંવાર આવતો રહેતો હતો. લગ્ન અને સમાજની સ્ત્રી પ્રત્યેની રીતભાત. એમની વાર્તાઓમાં સ્ત્રી પાસે બે રસ્તાઓ હતા. સમાજે જે વ્યવહાર મર્યાદા નક્કી કરી છે એની ઉપર ચાલવું કે પછી દિલ કહે એમ કરવું. એમનાં પાત્રોએ મોટે ભાગે બીજો રસ્તો પસંદ કર્યો હતો. તેઓ બહુ સરળતાથી અને પૂરી સભાનતાથી સ્ત્રીનાં મનની ભાવના અને વિભાવના કહી શકતા હતા. અને છતાં એમનાં સાહિત્ય સર્જનોમાંથી કોઈ એક સરળ નિષ્કર્ષ નીકળી આવે એવું ય નહોતું. બલકે આ સર્જનો વાંચકોને એવી જટિલ અવસ્થામાં લઇ જતા હતા જે સમાજે નક્કી કરેલાં વ્યવહાર, પૂર્વગ્રહો અને માંગણીઓનાં કારણે સર્જાતી હતી.