Get The App

રેતીનું પુસ્તક .

Updated: Dec 11th, 2021

GS TEAM

Google News
Google News
રેતીનું પુસ્તક                                    . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- 'એક અભણ અસ્પૃશ્ય પાસેથી, બાઈબલ અને થોડા રૂપિયાના બદલામાં, મેં આ પુસ્તક ખરીદેલું. આ 'રેતીનું પુસ્તક' કહેવાય છે કારણ કે નથી એનો આરંભ કે નથી અંત

- લેખક વિશે

બોર્હેસ (૧૮૯૯-૧૯૮૬) આર્જેન્ટિનાના મહાન વાર્તાકાર અને કવિ છે. સ્પેનિશ ભાષામાં તેમણે કરેલાં સર્જનો માટે તેમને નોબેલ પારિતોષિક કેમ ન મળ્યું તે કોયડો હજી ઉકેલાયો નથી. તેઓ 'મેજિક રિયાલિઝમ' ની શૈલી માટે જાણીતા છે. અહીં તેમની વાર્તા 'રેતીનું પુસ્તક'નો સંક્ષેપ આપ્યો છે. તેમાં આપેલો પ્રસંગ કાલ્પનિક હોવા છતાં રજૂઆત એવી ગંભીરતાથી કરાઈ છે જાણે પ્રસંગ ખરેખર બન્યો હોય. નારિયેળનું કોચલું કઠણ હોય પણ કોપરું મીઠું હોય, આ વાર્તા પણ તેવી છેત થોડી ધીરજ રાખજો.

વાર્તા

બુ ઓનેસ ઐરિસની બેલગ્રાનો સ્ટ્રીટ પરના એપાર્ટમેન્ટના ચોથે માળે હું એકલો રહું છું. થોડા મહિના પહેલાંની વાત છે. મોડી સાંજે બારણે ટકોરો પડયો. ઉઘાડીને જોયું તો અજાણ્યો આદમી ઊભેલો, સીધોસાદો લાગતો, અથવા તો મારી નબળી આંખોને લીધે તેવો લાગતો. હું કળી શક્યો કે તે વિદેશી હતો.મેં તેને ઘરમાં પ્રવેશ આપ્યો અને બેસવા ખુરશી ચીંધી. તેનો ચહેરો ગ્લાનિભર્યો હતો, મારો અત્યારે છે તેવો. તે બોલ્યો, 'હું બાઈબલ વેચું છું.' 'આ ઘરમાં કંઈ કેટલાંયે બાઈબલ પડયાં છે,' મેં આડંબરથી કહ્યું. થોડી વાર ચૂપ રહીને પેલો બોલ્યો, 'હું માત્ર બાઇબલ નથી વેચતો. બિકાનેર વિસ્તારમાંથી જડેલું પવિત્ર પુસ્તક તમને બતાવું.'

તેણે ભૂખરી પેટીમાંથી એક પુસ્તક કાઢયું. કપડાના બાઇંડિંગવાળું, પુરાણું દેખાતું, વજનદાર પુસ્તક. ઉપર લખેલું, 'દિવ્ય વચન,' નીચે નાના અક્ષરોમાં, 'મુંબઈ.' મેં પુસ્તક ઉઘાડયું. અજાણી લિપિ, ચસોચસ મુદ્રિત લખાણ, બાઇબલ જેવી ડબલ કોલમ, અરબી પદ્ધતિના પૃષ્ઠ ક્રમાંક. મેં જોયું કે ડાબે પાને ક્રમાંક હતો ૪૦૫૧૪ અને સામેના પાને હતો ૯૯૯.પછીને પાને વળી આઠ આકડાનો ક્રમાંક હતો. સાથે જહાજના લંગરનું ચિત્ર હતું, જ્ઞાાનકોષોમાં હોય તેવું. આગંતુક બોલ્યો, 'આ ચિત્રને ધ્યાનથી જોઈ લો, ફરી જોવા નહિ મળે.' મેં જગા નોંધીને પુસ્તક બંધ કર્યું અને તરત ઉઘાડયું. પાનાં ઉથલાવીને હું ગોતતો રહ્યો પણ ચિત્ર ન મળ્યું.

ધીમા સ્વરે આગંતુકે કહ્યું, 'એક અભણ અસ્પૃશ્ય પાસેથી,બાઈબલ અને થોડા રૂપિયાના બદલામાં, મેં આ પુસ્તક ખરીદેલું. આ 'રેતીનું પુસ્તક' કહેવાય છે કારણ કે નથી એનો આરંભ કે નથી અંત. તમે પહેલું પાનું ખોલો.' ડાબા અંગૂઠાથી મુખપૃષ્ઠ દબાવીને હું પહેલું પાનું પકડવા ગયો, આવું વારંવાર કર્યું, પણ દરેક વખતે કેટલાંય પાનાં વચ્ચેથી નીકળતાં જ આવે. આગંતુક બોલ્યો, 'હવે છેલ્લું પાનું ખોલો...' ફરી એ જ થયું. છેલ્લા પાના પછી નવાં નવાં પાનાં ઊગતાં જ જાય. થોથવાતા અવાજે હું બોલ્યો, 'આવું ન થઈ શકે.' દબાયેલા સ્વરે તેણે કહ્યું, 'આવું જ છે. આ પુસ્તકનાં પાનાંની સંખ્યા અનંત છેત ન પહેલું,ન છેલ્લું. પાનાંના ક્રમાંક પણ યથેચ્છ આપ્યા છે. અનંતની શ્રેણીમાં કોઈ પણ અંકનો સમાવેશ થઈ શકે.'

'તમે ધાર્મિક લાગો છો,' મેં અકળાઈને પૂછયું. 'મારો અંતરાત્મા ચોખ્ખો છે,' તે બોલ્યો, 'મેં પેલા દેશી માણસને છેતર્યો નથી. આ શેતાની પુસ્તકના બદલામાં મેં તેને ભગવાનની ચોપડી આપી છે.' મેં અનંત પુસ્તક ઉથલાવતાં પૂછયું, 'આનું કરશો શું? બ્રિટિશ મ્યુઝિયમને આપવા માગો છો?' 'હું તો તમને આપવા માગું છું!' તે બોલ્યો. તેણે આંકેલી કિંમત મને વધારે લાગી. 'મારી પાસે એટલા પૈસા નથી. હું મારા વડવાએ આપેલું વિક્લિફ બાઈબલ તમને આપી શકું, અને હમણાં જ મળેલી પેન્શનની રકમ.' આગંતુકે રકઝક ન કરી, બાઈબલ અને રકમ લઈને થયો ચાલતો. રકમ ગણવાની યે તસ્દી ના લીધી.

એ પુસ્તકને અરેબિયન નાઇટ્સની ૧૦૦૧ વાર્તાઓ પાછળ સંતાડીને હું બિછાને પડયો, પણ નિંદર ન આવે. સવારે ત્રણ કે ચાર વાગ્યે ઊઠીને હું પુસ્તકનાં પાનાં ફેરવવા માંડયો. એક પાના પર મહોરાનું ચિત્ર હતું અને ઉપલે ખૂણે મેં કદી ન જોયેલો એવો લાંબો આંકડો!

મેં ખજાનો ગુપ્ત રાખ્યો. એક તરફ તે સાંપડયાનો આનંદ, બીજી તરફ તે ચોરાઈ જવાની ચિંતા, વળી આશંકા કે પુસ્તક અનંત ન હોય તો? મારા મિત્રો આમે ય ઓછા હતા, હવે મેં તેમને મળવાનું યે બંધ કર્યું. મારે માટે પુસ્તક કેદખાનું બની ગયું. સૂક્ષ્મદર્શક કાચથી તપાસીને મેં ખાત્રી કરી કે આમાં હાથચાલાકી નથી.મેં નોંધ્યું કે ચિત્રો દર બે હજાર પાનાં પછી આવે છે. મેં કક્કાવારી પ્રમાણે ચિત્રોની અનુક્રમણિકા બનાવવા માંડીત નોટબુક ભરાઈ ગઈ પણ એકેય ચિત્રનું પુનરાવર્તન ન થયું. રાતે પુસ્તકનાં જ સપનાં આવતાં.

ઉનાળો આવ્યો અને ગયો ત્યારે મને ભાન થયું કે આ પુસ્તક તો રાક્ષસ છે! મને લાગ્યું કે આ પુસ્તક દુઃસ્વપ્ન છે, વાસ્તવિકતા ઉપરનો ડાઘ છે. મેં આગનો વિચાર કર્યો પણ ડર લાગ્યો કે અનંત પુસ્તકને બાળવું પણ અનંત હશે અને પૃથ્વી ધુમાડામાં ગુંગળાઈ મરશે. મેં કશે વાંચેલું કે પાંદડું સંતાડવા માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે વગડો. નિવૃત્તિ પહેલાં હું કામ કરતો હતો આર્જેન્ટિનાના રાષ્ટ્રીય પુસ્તકાલયમાં, જે નવ લાખ પુસ્તકો ધરાવે છે. હું જાણતો હતો કે પ્રવેશદ્વારની જમણી બાજુની વર્તુળાકાર સીડીથી ભોંયરામાં જવાય છે, જ્યાં નકશા, સામયિકો અને પુસ્તકો રખાય છે. એક દિવસ રેતીનું પુસ્તક લઈને હું ત્યાં પહોંચી ગયો અને કર્મચારીની નજર ચુકાવીને, ભોંયરાની કોઈ છાજલી ઉપર મેં તેને ખોઈ નાખ્યું.

;

કેવી લાગી વાર્તા?

બોર્હેસની ઘણી વાર્તાઓ પ્રથમ પુરુષ એકવચનમાં લખાઈ છે. ક્યારેક તેમાં આત્મકથાનો અંશ હોય છે. તેમના લાંબા આયુષ્યમાં લગ્નજીવન ત્રણ વર્ષ જ ટક્યું, ઘણો સમય તેઓ-આ વાર્તાના નાયકની જેમ- એકલા રહ્યા. વાર્તાનાયકની આંખો નબળી છે- પંચાવનની વયે બોર્હેસ પણ આંધળા થઈ ચૂકેલા. વાર્તાનાયક પુસ્તકાલયમાં નોકરી કરતો હતો, બોર્હેસ પણ રાષ્ટ્રીય પુસ્તકાલયના ડાયરેક્ટર હતા.

'તેનો ચહેરો ગ્લાનિભર્યો હતો, મારો અત્યારે છે તેવો.'- આ વાક્યથી કશું અશુભ થવાનું છે એનો સંકેત મળે છે. જે ભગવાનમાં માને તે આસ્તિક, ન માને તે નાસ્તિક, અને ભગવાન છે કે નહિ તે વિશે સાશંક હોય તે એગ્નોસ્ટિક. (સંશયવાદી.) બોર્હેસ એગ્નોસ્ટિક હતા.આગંતુકે રેતીનું પુસ્તક ખરીદવા બાઈબલ આપવા ઉપરાંત બીજી રકમ ચૂકવવી પડી, જે દર્શાવે છે કે બાઈબલનું મૂલ્ય ઓછું હતું. એ જ રીતે વાર્તાનાયકે રેતીનું પુસ્તક ખરીદવા માટે બાઈબલ ઉપરાંત પેન્શનની રકમ આપી દેવી પડીત અર્થાત્ લેખક બાઈબલની કિંમત ઓછી આંકે છે.

પુસ્તકમાં કેટલાં પાનાં હતાં? હજારો નહિ,લાખો નહિ,કરોડો નહિ, પણ અનંત. એટલાં બધાં પાનાં ધરાવતું પુસ્તક હાથમાં સમાઈ શકે? લેખકે સાયન્ટિફિક ફિક્શનની શૈલી અપનાવી છે. જેનો આરંભ નથી કે નથી અંત એવા પુસ્તક વડે લેખક શું સૂચવે છે? માણસ મરે છે પણ તેના વિચારો, સંવેદન અને શૈલી લખાણોમાં જીવતાં રહે છે. અમેરિકન લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં ૧૭ કરોડ પુસ્તકો છે. વિશ્વની કેટકેટલી ભાષાઓ અને હજારો વર્ષોમાં રચાયેલાં કેટકેટલાં પુસ્તકો! માણસનું જીવન અલ્પ અને જ્ઞાાન વિરાટ. માટે જ વાર્તાનાયક કહી ઊઠે છે, 'પુસ્તક તો રાક્ષસ છે!' રેતીનું પુસ્તક જોતાં જોતાં વાર્તાનાયકનો ઉનાળો ખર્ચાઈ ગયો અને તેમને ડર લાગ્યો કે જીવન પણ ખર્ચાઈ જશે. કલાપીએ લખ્યું છેથ જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.

અરેબિયન નાઇટ્સની ૧૦૦૧ વાર્તાઓના ઉલ્લેખથી લેખક આપણા વિશાળ વાર્તાસાહિત્ય તરફ ઇશારો કરે છે. 'ડોક્ટર ફોસ્ટસ' માર્લોનું ચિરંજીવ નાટક છે. ફોસ્ટસે શયતાન સાથે સોદો કરેલો કે વિશ્વનું બધું જ્ઞાાન અને શક્તિ પોતાને મળે, અને બદલામાં આત્મા શયતાન લઈ લે. 'આ શેતાની પુસ્તકના બદલામાં મેં તેને ભગવાનની ચોપડી આપી છે.'- આ વાક્ય વડે લેખક ફોસ્ટસ તરફ ઇશારો કરે છે. અપાર જ્ઞાાન ધરાવતું પુસ્તક કોની પાસેથી મળ્યું? એક અભણ અસ્પૃશ્ય પાસેથી! અર્થાત્ ગમે તેવો માણસ જ્ઞાાની હોઈ શકે છે. આગંતુક રકમ ગણ્યા વિના ચાલતો થયો તે દર્શાવે છે કે આવા પુસ્તકથી તે વાજ આવી ગયો હતો. સુદામાની નાર કહે છે ને, 'એ જ્ઞાાન મને ગમતું નથી રે, ઋષિરાયજી રે.' કદાચ અનંત પુસ્તક એટલે બ્રહ્માંડ; આવડી અમથી જિંદગીમાં આપણે તેનો તાગ પામી શકવાના નથી.

બોર્હેસે જાદુઈ વાસ્તવિકતાની અન્ય વાર્તાઓ પણ લખી છે. તેનું પુસ્તક હાથમાં લઈને આપણે માત્ર એટલું જ બોલવાનું : ખુલ જા સિમ સિમ!

Tags :