પરીક્ષા આપીને થાક્યા નયન, તો ય ન વિકસ્યું વિજ્ઞાનચિંતન!
- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
- ભલે નેતાઓથી નવરાઓ સુધી ઘણા પાળતા નથી પણ જીવનમાં વૈજ્ઞાાનિક અભિગમ એ આપણી કાયદેસરની બંધારણીય જવાબદારી છે. પણ આઝાદી વખતની જૂની પેઢીને એમાં જેટલી આસ્થા હતી એટલી આજે કોરોનાકાળમાં કુશંકાઓ છે !
- ખાલી સેલિબ્રિટીર્ઝ જ પેદા કર્યે નહિ ચાલે. આવતીકાલે આપણે જગતમાં ડંકો વગાડવો હોય તો જૂની માન્યતાઓથી નડવાનું બાજુએ મૂકી, સવાલો પૂછનાર સાયન્ટીસ્ટસ પેદા કરવા પડશે
પ બ્લિક કોમ્યુનિકેશનમાં પાવરધા વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ કોરોનાકાળમાં બેસ્ટ એન્ડ મોસ્ટ ટ્રસ્ટેડ લીડર આખી દુનિયામાં પુરવાર થયા છે. અમેરિકાના પ્રસારમાધ્યમો જ એમના પ્રેસિડેન્ડટ ટ્રમ્પની કોરોનાને સમજવામાં થયેલી નિષ્ફળતા બાબતે લખે છે. ભારતમાં ચીન જેવી સરમુખત્યારશાહી નથી. પણ મોદીસાહેબની અંગત શાખને લીધે ઘણાખરા લોકો એમનું કહ્યું માની તકલીફો વેઠે છે. આખી લડત માનસિક મજબૂતાઈ અને ઘરમાં રહી વિષમતા વેઠવા માટેના મોટીવેશનની છે. એ માટે માસ અપીલનો અને લોકોના વિશ્વાસ જીતીને એમને દુઃખ પણ સહન કરવા તૈયાર રાખવાનો મોઝિસથી ગાંધી સુધી નીવડેલો ગુણ જોઈએ.
સુપેરે એ કામ વડાપ્રધાન નિભાવી રહ્યા છે. એટલે શિક્ષક પ્રવાસ લાંબો હોય ત્યારે બાળકોને જરા વ્યસ્ત રાખવા એમનો કંટાળો દૂર કરવા ગેઈમ રમાડે એમ ભારતની જનરલ પબ્લિકનું જનમાનસ ઓળખી એ મુજબના પ્રયોગો સાહેબ આપીને જે બાહુ લંબાવો જોઈએ એવા લોકડાઉનના દહાડા થોડા થોડા ડોઝમાં ટૂંકા કરે છે, એટલું તો સહેલાઈથી સમજાય છે. આ આઈડિયાઝ નવા નથી. સન્માનમાં ઘેર ઉભા રહી થાળી પીટવા કે ટકોરી વગાડવાના જગતભરમાં થયા છે. આપણા લોકોનું વાચન ને જીકે કાચું છે. બાકી ૧૫ માર્ચ પહેલા સ્પેન ને ઈટાલી વગેરે યુરોપના દેશોમાં કોરોના સામે લડતના સન્માન માટે એ થયો હતો. મીણબત્તી કે મોબાઈલ ફ્લેશથી કોરોના મૃતકો સામે સન્માન /ફાઈટિંગ સ્પિરિટ પણ આપણે જાહેરાત થઇ એ પહેલી ઈટાલી, રશિયા જેવા દેશોમાં થઇ ચૂક્યું છે.
પણ મોદીસાહેબે એનું ભારતને ગળે ઉતરે એવા સંદર્ભો સાથેનું વર્ઝન બનાવ્યું ને બહુમતી પ્રજાએ ઝુંપડાવાસીઓથી બંગલાવાસીઓ સુધી હોંશે હોંશે નિભાવ્યું. આ સ્માર્ટ ટ્રિક પણ છે ઃ જનતાનો સાથ આપવાનો મૂડ જાણી લેવાની. વડાપ્રધાને એમની વાતમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નહોતી કરી. ટીમ સ્પિરિટ અને ઉત્સાહની, ઉજાસની ભારતીય સંસ્કૃતિની જ વાત કરી હતી. વીજ બચત માટે મેઈન સ્વીચ બંધ કરવાનું ય નહોતું કહ્યું અને બહાર નીકળવાની ના જ પડેલી. તો ય માંડ ચોખ્ખી થયેલીહવા સહન ન થતી હોય , એમ અમુક અળવીતરાઓએ ફટાકડા ફોડયા! ગામ હોય ત્યાં ઉકરડો ય હોય.
પણ પ એપ્રિલ ૯ વાગે ૯ મિનિટની જાહેરાત થઇ એટલે તરત જ અંધારાનું ઘોડાપૂર આવ્યું કેટલાય લોકો નવડાનુ ગણિત ગણવા લાગ્યા તો કેટલાયે ખાસ યોગ શોધી કાઢયો ગ્રહોની ગૂઢ ગતિનો. જ્યોતિષ પણ ફૂલપ્રૂફ સાયન્સ નથી. ભૂતકાળમાં એક આગાહીમાં સફળ નીવડેલા બીજીમાં એટલે નિષ્ફળ પણ જતા હોય છે. ઠીક છે. જગતમાં ઘણું પાર ન પામી શકાય એવું રહસ્યમય છે જ. પણ કોરોના બાબતે કોઈ સસ્પેન્સ નથી કે આવા તંત્રમંત્ર માત્ર મેસેજો પૂરતા જ છે. પેલો મૌલાના સાદ 'નમાઝ પઢો મસ્જીદમાં તો કોરોના ન થાય' એવું કોરું ગપ ઈરાનમાં કોરોનાનો કહર છતાં ફેલાવતો હતો એવી ટાઢા પ્હોરની ગપ જેવું.ઉલટું એ તબ્લીગીઓને તો થયા ને એમને લીધે બીજાને થયા ને ધંધે લાગ્યા બિચારા ડોકટરો ને નર્સો ! ગુડ ફ્રાઈડેમાં ચર્ચ ખાલી રહ્યા એમ રમઝાનમાં ય ભેગા ન થવાની તાકીદ ઇસ્લામિક દેશો ય કરવા લાગ્યા છે હવે વિજ્ઞાાન શરણે જઈને.
કોઈ હજુ વાઇરસને ચપટીમાં ચોળીને દુનિયામાંથી છૂમંતર નથી કરી શક્યું. પણ માણસો મેડિકલ દવા લેતા પહેલા દસ શંકા કરશે પણ ધુપ્પલ તરત ગળી જાય એમ છે ! બધાનો દાવો એ જ ચમત્કારિક કે બસ, કોરોના આનાથી નાબૂદ થઇ ગાયબ થઇ જશે ભારતમાંથી. હદ તો એ થઇ કે મેડિકલ ડોક્ટર બનેલા મિત્રો ય દીવામીણબત્તીના રાષ્ટ્રીય પ્રકાશનું આખું (સ્યુડો) સાયન્સ ફોરવર્ડ કરવા લાગ્યા ! ગજ્જબના લલ્લુલોજીક સાથે ! દીવાની જ્યોતને લીધે કાર્બનડાયોક્સાઈડને કાર્બન મોનોક્સાઈડ બંને કોરોનાવાઈરસનું પલકવારમાં ભક્ષણ કરી જાય ને વનસ્પતિ પર આવા સિદ્ધ પ્રયોગો થઇ ચૂક્યા છે. વગેરે વગેરે. (ક્યાં, ક્યારે, કોણે એવું સમ ખાવા પુરતું ય સાઇટેશન નહિ આપવાનું).
પહેલી વાત તો એ કે વનસ્પતિ શું, ઉંદર, સસલા કે વાંદરા પરના પ્રયોગો ય હ્યુમન ટ્રાયલ વિના માણસ માટે ફાઈનલ ગણાય નહી. આવા કોરોના જેવા નાજુક મામલે તો ખાસ. બીજું, કાર્બન મોનોક્સાઈડ ઝેરી વાયુ છે, ને માણસ માટે વધુ ખતરનાક છે ને દીવામીણબત્તીથી સીધો ઝેરી કાર્બન મોનોક્સાઈડ બને પણ નહિ. એમ બનવા લાગે તો દિવાળી પછીની દિવાળી જોવા આપણે રહીએ નહિ. વાતાવરણ પૃથ્વીની ફરતે છે વિમાનો ઉડે એની ય ઉપર અદ્રશ્ય કવચ બનાવીને છે, ને દીવડાં શું એમ તો ફટાકડાથી એનું તાપમાન ન વધે. ઇન ફેક્ટ, આપણી બાલ્કનીનું ય ન વધે. કાર્બન ડાયોક્સાઈડ તો પૃથ્વી પર માણસ પહેલા વાઈરસ પેદા થયા ત્યારે ય હતો. તો તોમાત્ર અગ્નિ પેટાવી કે કાર દોડાવી જગત કોરોનામુક્ત થઇ જાત લોકડાઉન બદલે. ટૂંકમાં કહેતા સુનતા બંને દીવાના.
જેમ પેલો શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાવાળો મેસેજ પણ ચાલુ થઇ ગયેલો એવું જ. ઉપર ઉપરથી કોઈ મોટી વૈજ્ઞાાનિક વાત લાગે,પણ અંદરથી સાવ ખોટી પોલમપોલ. આપણી સૂર્યમાળાનું ય બેઝિક નોલેજ હોય એને ખબર હોય કે ગ્રહોની ભ્રમણકક્ષા એમ ફરે નહિ ને એવી રીતે પૃથ્વી અચાનક વચ્ચે આવે નહિ. આ બધું તો પ્રાથમિક શાળામાં આવી જાય પણ પાસ કોણ કરી દેતું હશે ?બીજું બધું તો ઠીક આવા બેતૂકા તરંગતુક્કા દાવાઓ પછી ય પ એપ્રિલ બાદ આંકડા જોશો તો કોરોનાના આંકડા વધતા જ ગયા છે, ગુજરાત સહિત બધે !
વાઈરસે આવા કોઈ ફાલતુ ફાંકાબાજીની નોધ પણ ન લીધી. આથી મોટો પુરાવો શું કે એ બધી જ ઘરગથ્થું થિયરીઝ સાવ હમ્બગ હતી એનો ? પણ ત્યારે કોઈ કાન પકડી કહેવા નહિ આવે કે અમે ખોટા. તબલિગી જમાતવાળા એમ જ માનતા હતા કે વાઈરસ એમ ન થાય. આજે એ જાહેરમાં કબૂલ નહિ કરે કે, અમારા મુલ્લાઓના દાવા ખોટા પડયા હવે અમે મદ્રેસા મુકીને પ્રયોગશાળામાં જઈશું. ધામકને બદલે વૈજ્ઞાાનિક શિક્ષણ લઈશું.ઉલટું વિકટીમ કાર્ડ પ્લે કરી બચાવ કરશે ને પોલીસ કે મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તન કરશે કે પથરાવ કરશે અમુક જડસુઓ !
પોતાની માની લીધેલી પુરાતન માન્યતા કોઈ અર્વાચીન જ્ઞાાનથી જયારે તોડી પાડે છે, ત્યારે એ સ્વીકારવામાં ખુદનો અહંકાર આડે આવે છે. અગાઉ લખેલું કે કારમાં રિઅર વ્યૂ મિરર હોવો જ જોઈએ. પાછળ ફરીને રેફરન્સ માટે જોવા માટે. પણ એની સાઈઝ કરતા આગળ જોવાના વિન્ડશિલ્ડના કાચની સાઈઝ હંમેશા મોટી જ રાખવી પડે . કારણ કે જવાનું આપણે ભવિષ્યમાં છે,ભૂતકાળમાં નહિ. કેવળ જૂના પુસ્તકોને સર્વાંગ સંપૂર્ણ દેવી સત્ય માની લેવાથી શું થાય એ તો જગતમાં કટ્ટર જેહાદી ઈસ્લામે બતાવી જ દીધું છે. બીજાએ શોધેલી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ પણ અંતે તો અનુયાયીઓના ટોળાની જડતા વધારવામાં ને કોઈ નવા પ્રામાણિક પારદર્શક પ્રયોગો વિના જૂનું એ જ સોનુ માનવાનો પ્રચાર કરવામાં થાય છે.
એવું નથી કે જૂનું બધું જ ખોટું હોય. પણ જૂનું બધું જ સાચું હરગીઝ ન હોય કરણ કે પ્રકૃતિ ફોરવર્ડ ગીઅરમાં છે. અને કાળથી મોટી કોઈ અદાલત નથી. જે શાશ્વત ને સનાતન છે એ જતું નથી.પણ જેની મર્યાદાઓ છે, એ ધીરે ધીરે રિપ્લેસ થઇ જ જાય છે. ભાષા હોય કે પરંપરાગત રીવાજો કે સંગીત - દરેકમાં આ પ્રક્રિયા થાય. પણ સો તારી રામદૂહાઈ ને એક મારું ઊંહું જેવા જીદ્દી બની જાય છે એ લોકો જેમની નજર કેવળ ભૂતકાળમાં પાછળ ખોડાઈ જાય છે. નદીનું પાણી બદલાઈ શકે, પણ ખાબોચિયાંનું નહીં.
આજે સેટેલાઈટ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના જમાનામાંય પૃથ્વી ગોળ નહિ પણ સપાટ છે, એવું દ્રઢતાથી માનવાવાળા મૂર્ખશિરોમણીઓ મળી જ જશે. એમને નજર સામે દેખાય કે વંચાય એ જ સત્ય લાગે છે. એવું નથી કે ભારતમાં હોય.બધે જ હોય છે. પણ પશ્ચિમ અને પછી એશિયાના જાપાન ઇઝરાએલ જેવા દેશોએ જે 'રેનેસાં'ની વિચારક્રાંતિ અપનાવી પછી એને એ મેઈનસ્ટ્રીમ બનવા નથી દેતા. સરકારી તંત્ર, મીડિયા, અદાલતો અને શિક્ષણને ધામક રૂઢિચુસ્ત માન્યતાઓથી સજ્જડ મુક્ત અને પ્રોગ્રેસીવ સાયન્ટીફિક એટીટયુડ પર રાખે છે. ઓન પેપર આપણે ય આ અભિગમ અપનાવેલો છે. પણ મોરના આંસુથી ઢેલ ગર્ભવતી થાય એવો વોટસએપિયો મેસેજ ક્વોટ કરવાવાળા જજ પણ પડયા છે, ને નાસાના નામે આપણને મનગમતી જૂની ધાર્મિક વાતો એન્ડોર્સ કરવાવાળા ગર્વનરો પણ હોય છે. શિક્ષકો કે લેખકો ય ઘણી વાર પુરતો અભ્યાસ કરતા નથી.
રાજકારણીઓની તો વાત જ નિરાળી છે. એક બાજુ વિજ્ઞાાનમેળાઓ કરવાના ને બીજી બાજુ હવન કે ઇફતારમાંથી ઊંચા નહિ આવવાનું. ગત રવિવારે જ વાત કરેલી કે આયુષ મંત્રી નાઈકજીના પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદથી સાજા થયા હોવાની વાતને પ્રિન્સના પ્રવક્તા તો ઠીક, જેમનું નામ એમણે લીધેલું એ આયુર્વેદ રિસોર્ટવાળા બેન્ગાલુરુના મથાઈએ પણ જાહેર રદિયો આપી દીધો. પણ મંત્રીશ્રી એ બાબતે જવાબદારી સ્વીકારી માફી માંગવાને બદલે નફફટાઈથી કહી દીધું કે એ તો બધા ખોટું બોલે છે. વાહ ભાઈ વાહ. કોઈક શાહરૂખ જેવો બોલ્યો હોત તો ટ્રોલ થઇ ગયો હોત પચાસ કરોડના જાહેર દાન પછી પણ. પણ આમાં બધા ચૂપ. કારણ પેલું પ્રાચીનતાના અહોભાવમાં ફ્રીઝ થઇ ગયેલું મગજ.
આયુષ મંત્રાલય આ જ મંત્રીશ્રી સંભાળતા આવ્યા છે. જે ઓલ્ટરનેટ થેરેપી માટે છે. અગાઉ પ્રેગ્નન્ટ મહિલાઓ માટેની પોકળ અને કોઈ ધાર્મિક પુસ્તિકા જેવી સાયન્સ વિનાની ગાઈડલાઈન માટે ય એ મંત્રાલય ચર્ચામાં હતું. માત્ર ગર્ભસંસ્કારથી જ મહાન ટેલન્ટ પેદા થતી હોત તો કેટલીય જગત ડોલાવી દેનાર ટેલન્ટસ જેમ કે સ્ટીવ જોબ્સ તો અજ્ઞાાત કે અસ્ક્સ્માત પેદા થઇ ગઈ છે, કેટલીય ગરીબીમાં પેદા થઇ છે. દુનિયામાં. એની વે, ઓલ્ટરનેટ થેરેપીઝ બધી ખોટી છે એવું નથી. એમાં ઘણા પરિણામો આજે ય મળે જ છે. ગાંધીજી નેચરોપથીના ચુસ્ત વકીલ હતા. પણ એ મુજબ એમના સંતાનો ય જીવ્યા નહી. જર્મનીના ડો. સેમ્યુઅલ હેનીમાનની હોમિયોપેથી અને વોટર મેમરી બાબતે પરસ્પર વિરોધાભાસી ખૂબ ચર્ચાઓ થઇ ગઈ છે વિજ્ઞાાનજગતમાં. પણ સત્તાવાર રીતે એને માન્યતા આપવાને બદલે પ્લેસીબો ઈફેક્ટ અમેરિકા કે બ્રિટનના હેલ્થ ડિપાર્ટમેન્ટવાળા ગણે છે. યાને એમાં દવા કરતા દર્દીની માનસિક શ્રધ્ધા વધુ કામ કરે છે. આયુર્વેદની ઘણી દવાઓને ભસ્મ ને એમાં સીસા જેવી ધાતુઓના પ્રમાણને લીધે ઘણા વિકસીત દેશોમાં માન્યતા નથી મળતી. યુનાની ને ચાઈનિઝ મેડિસીનનું ય એવું જ છે.
આ તમામમાં રિસર્ચના દાવા થાય છે. પણ ગત સપ્તાહે લખેલું એમ વૈજ્ઞાાનિક સ્વીકૃતિ ત્યારે જ મળે જયારે પુરાવાથી પુરવાર અલગ અલગ સ્થળ , સમય ને સંજોગોમાં ય સરખી અસર ૧૦૦% નહિ તો કમ સે કમ ૯૫-૯૮ ટકા રહે ! ગેસ ચાલુ કરો એસીની સ્વીચ ઓન કરો કે માઈક્રોવેવ ઓવન કે વોશિંગ મશીન શરુ કરો કે કાર, મોબાઈલ, ટીવી ચાલુ કરો તો એમાં એવું નહિ આવે કે પરેજી રાખી શ્રદ્ધા રાખશો તો જ છ મહિને પરિણામ મળશે. એ કોઈ પણ ખૂણે એકસરખું રિઝલ્ટ તાબડતોબ આપે.
એમ જ એલોપથીની હોસ્પિટલો ધાર્મિક ચર્ચની માન્યતાઓની વિરુદ્ધ હોવા છતાં પણ વિશ્વવ્યાપી થઇ. દલાઈ લામા હોય કે આચાર્ય બાલકૃષ્ણ, ઓલ્ટરનેટ મેડિસીન વાળા ગુરુજીઓ પણ કટોકટીમાં સર્જરી કે તપાસ માટે એમાં દાખલ થઇ જાય છે ઈમરજન્સીમાં ! એલોપથી જરાય ફૂલપ્રૂફ નથી. એમાં વેપાર ને કૌભાંડ પણ છે. પણ એ ઓનેસ્ટ છે. પોતે નથી જાણતી એવું કહી શકે છે. કારણ કે એનો પાયો વિજ્ઞાાન છે. જાતઅનુભવ છે કે એલોપથી ન ચાલે એવી પેટ કે વાળ કે ત્વચા કે ગળા કે મેદસ્વીતા જેવી ઘણી સમસ્યાઓમાં ધીરજ હોય તો આયુર્વેદ કે અન્ય ઓલ્ટરનેટ થેરેપી કામ લાગે ય છે.
એલોપથી હાથ ઊંચા કરે ત્યારે નેચરલ પ્રયોગો મદદરૂપ થઈને સિદ્ધ નીવડયા છે જ. અરે ઉધરસ આવે તો ગરમ મધ ચાટવું, સાદ બેસે તો ગર્મ દૂધમાં ગાયનું ઘી પીવું કે કફ કોય તો ગર્મ કડવા લીમડાના પાણીના કોગળા કરવા કે પેટમાં અપચો હોય તો હિંગ ને મરી ખાઈ જવા કે ગેસેક્સ, ચિત્રકાદિવટી, અશોકારિષ્ટ, અભયાદિ કવાથ, સુદર્શન , ત્રિફળા, હરડે, હિંગાષ્ટક, યષ્ટિમધુ વગેરેનો ઉમદા અંગત અનુભવ છે. પણ એટલે એ નોર્વેથી ન્યુઝીલેન્ડમાં બધાને લાગુ પડે એવું શોધસંશોધન સાબિતી વગર પુરવાર કેમ થાય ? એમાં ય સાચી જડીબુટ્ટીઓ દર વખતે મળે ક્યાં? બહાર એની પરેજીના પ્રોટોકોલ કે વાતાવરણ મુજબ સતત તાજી ઉપલબ્ધિ કેમ થાય એ વ્યવહારુ પ્રશ્નો છે. તાજું માખણ, ગાયનું ઘી,અમુક યોગાસનો, પ્રાણાયમ, હળદર, સૂંઠ, મરી, આમળા કે તુલસી ગુણકારી નીવડે છે - વૈજ્ઞાાનિક કસોટીઓમાં પાર ઉતરે છે. તો આજે જગતે એનું મહાત્મ્ય સ્વીકારી પણ લીધું છે જ. પણ લેબ ટેસ્ટ ને બધે માન્ય એપ્લીકેબલ હોય એવો રિસર્ચ કરીને. માત્ર જૂના મહિમામંડનતણા ગુણગાનના અભિમાનથી નહિ. બેસ્ટ એપ્રોચ આ છે, મોટા ને ખોટા દાવાઓને બદલે દુનિયાને એની પીચ પર રમીને,પરિણામ દેખાડી દઈને મહાનતા સિદ્ધ કરવાનો.
પણ એટલે એ ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ, પાકન્સન્સ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, એઇડ્સ વગેરે તમામ અસાધ્ય રોગો ચપટીમાં મટાડી દે, દરેક દર્દીમાં દરેક વખતે એકસરખા પરિણામો લઇ આવી દે કે કોઈ જાદૂઈ ઈમ્યુનિટી પાવરનું અભેદ કવચ બધાને આપી દે એ ફેન્ટેસી છે. કયારેક એવા દાવાઓ જે દેખાય એમાં દર્દીએ 'આમાં ક્યાં નુકસાન છે' એમ માની બીજી ચિકિત્સા સાથે એ ચાલુ રાખી હોય છે, એટલે ખબર નથી પડતી કે ખરેખર ફળદાયી શું થયું. ક્યારેક ચમત્કાર બને, એ આધ્યાત્મિક સાક્ષાત્કાર જેવા વ્યક્તિગત હોય છે. બીજા ભક્ત થઇ શકે પણ રામકૃષ્ણે જેમ વિવેકાનંદને ભગવાન બતાડી દીધા એમ અનુભૂતિ ન કરી શકે. આયુર્વેદમાં નાડી ને તાસીર તપાસવી કે હોમિયોપેથીમાં દર્દી સાથે સવાલ જવાબ કરવા એનું આગવું મહત્વ છે. એ વ્યક્તિગતથી ઉપર સમૂહગત ઈલાજ આપવામાં પેલા ગ્લોબલ સ્કેલ પર સરખા પરિણામોનું સાતત્ય જળવાતું નથી.
પછી જે ઘરઘરાઉ 'રિસર્ચ' કરવામાં આવે, એમાં ફાઈનલ કન્કલુઝનના તારણો 'આપણે તો ખોટા હોઈએ જ નહિ' કારણ કે 'આપણું મહાન દૈવી ચમત્કારિક પ્રાચીન પુસ્તક ખોટું ન હોઈ જ ન શકે' વાળું ઈગોઇસ્ટિક ટેરરિસ્ટબ્રાન્ડ બ્રેઈનવોશિંગ આવી જાય છે. એટલે ડેટા બધો વન વે જ હોય છે. સ્ટ્રોબેરી કે ઓરેન્જ સાથે મિલ્ક ક્રીમ ખાતી કથિત વિરુદ્ધાહારી પરદેશી પ્રજાનું સરેરાશ આયુષ્ય કેમ ભારતથી લાંબુ હોય છે એનો નક્કર ખુલાસો નથી હોતો.
કથિત એટલે કે આમ તો ઓલ્ટરનેટ મેડિસિનમાં બારમાં સાયન્સમાં મેડીકલ સાયન્સના પૂરતા માર્ક ના આવ્યા હોય એટલે જનારા વિદ્યાર્થીઓ જ સૌથી વધુ હોય છે. તો એમને બારમા ધોરણ સુધીમાં પાચનતંત્ર આવી જાય છે. હોજરીમાં તો હાઈડ્રોક્લોરિક એસિડ હોય છે જ. માટે બ્લેક કરન્ટ આઈસ્ક્રીમ કે મેગો મિલ્કશેઈક પીવો તો ય અંતે ફાઈવ કોર્સ મીલ કે બધા ષટરસની ગુજરાતી થાળી ય અંદર પચી જવાના છે એકરસ થઈને - જો તબિયત સારી ને કસરત નિયમિત હશે તો.
પણ પેલી ગોખાઈ ગયેલી માન્યતા તૂટે, એ બાળકને રમકડું તૂટયા જેવું લાગે એટલે આવું કહેનારા સામે આક્રોશ કે આક્રંદ શરુ થાય. ધરાર બધી જ જૂની વાતો સાચી ઠેરવવાના હવાતિયામાં જે ખરેખર જૂનું સોનુ હોય એ ય બદનામ થઈ જાય. માટે સ્વસ્થ રસ્તો પંચાગ વાંચ્યા પછીય ટેલીસ્કોપ હાથમાં લેવાનો છે જેથી આપણે હજારો વર્ષો પહેલા પૃથ્વી પ્રદક્ષિણા સાચી ગણી બતાવેલી એનું ગૌરવ થાય અને રાહુ-કેતુ જ્યોતિષના ગણિતમાં છે, પણ આકાશમાં નથી એ નવા જ્ઞાાનનો જીજ્ઞાાસાવૃત્તિથી પરિચય પણ થાય ! બાય ધ વે, જ્યોતિષ પણ વિજ્ઞાાન નહિ, કળા છે. ફોટો કેમેરાના લેન્સ પર આધાર રાખે પણ ગીત ગાયકના કંઠ પર - એમ આયુર્વેદ કે જ્યોતિષ એ પરફોર્મ કરનારની આંતરિક આધ્યાત્મિક ટેલન્ટ ને સ્વીકારનારની શ્રદ્ધા પર વધુ આધાર રાખે. વાતાવરણ અનુકુળ હોય તો ક્યારેક સેન્ચુરી લાગે ને ક્યારેક એ જ ઝીરો ય સ્કોર કરે. ક્રિકેટરમાં હ્યુમન એરર આવે. એના ટીવી ટેલીકાસ્ટિંગમાં મશીનના ખોટકા સિવાય ન આવે !
મૂળ વાતની જવાબદારી અત્યારેની નાજુક પરીસ્થિતિમાં ખોટા ફેક મેસેજ ન ફેલાય એ છે. આપણી મોટા ભાગની પ્રજા ગરીબ, અભણ કે વલ્નરેબલ છે. આપણે ત્યાં પાણીની બોટલોમાં દૈવી દવાઓ આપનારા કે હથેળીમાં સર્જરી કરી દેખાડનારા જાદૂગર ઢોંગીધુતારા બાબાઓ કે ગેસ્ટ હાઉસમાં રૂમ રાખીને તમને મહેલ બનાવી દેતા તાંત્રિકોના ગોરખધંધાની કમી નથી,ત્યારે પાપડી ભેગી ઈયળ ન બફાય એનું ખાસ ધ્યાન અસામાન્ય દાવો કરતા ફેક ન્યુઝ ફોરવર્ડ કરતા પહેલા કરવું જોઈએ. ઈમ્યુનિટીના નામે રોજ કોઈકને કોઈક દાવો ટપકી પડે છે. આધ્યાત્મિક દાર્શનિક અનુભવો ધરાવતા અને ફેફસાંના રોગોના નિષ્ણાત એમડી ડો. પાથવ મહેતાએ એક મુલાકાતમાં સરસ સાચી વાત કહી કે 'અત્યારે મોબાઈલ મેસેજ વાંચી પ્રયોગો શરુ કરો ને કાલ ઈમ્યુનિટી ન વધે. એ લાંબા ગાળાની પ્રક્રિયા છે'
સાચી વાત. ટ્રાફિકમાં હેલ્મેટ પહેર્યા વિના ય ઈમ્યુનિટી વધારવાના શોખ હોય તો કોરોનાના ખતરો ઘટાડવા પહેલા તો સિગારેટ, ગુટકા કે શરાબનું વ્યસન છોડો. રોજ બજારનું જંક ફૂડ ન ખાવ ને નિયમિત એટલીસ્ટ ઘરમાં ય વોકિંગ કરો. નાકમાં ઘી કે કપાળે તેલ ન ઘસો તો ચાલે ( હેર ઓઈલ પણ મસાજ માટે જરૂરી છે, બાકી એના મોટા ફાયદા ય વિજ્ઞાાનમાં સિદ્ધ થયા નથી. ફેન્સી ટૂથપેસ્ટની જેમ. એ માટેના જીન્સ ને ખોરાક સારા હોય ને સ્ટ્રેસ ઓછો હોય તો સારા હોય તો વગર તેલે વાળ ટ્વિન્કલ કે રિયા સેન જેવા રહે !) પણ ખોરાક પાકો લો ચૂરમાના લાડવા કે તાજાં સંતરા જેવો. હીહીહી. ચાઈનીઝ મેડિસીનના દાવો મિયાં પડયા પણ તંગડી ઊંચીની જેમ ચીને પરાણે પકડી રાખ્યા છે, એ છતાં ય કોરોનાએ વુહાનમાં એન્ટ્રી લીધી જ ને ! (અને નિયમિત સમાચારો વાંચો તો ખબર પડે કે રશિયા ઉપરાંત બીજિંગ ને શાંઘાઈમાં ય પહોંચેલો.પણ ત્યાં યુરોપ અમેરિકા જેવું ટુરિસ્ટ કનેક્શન ન હોઈને તરત કાબૂમાં આવી ગયો )ને આપણી ઈમ્યુનિટી વધી ગઈ એમ માની લોકડાઉનમાં કોન્ફિડન્સથી બહાર ન નીકળો. બીમારી છે જ નહિ, બધું કાવતરું છે - એવા આશ્વાસન કરતા દાવા પબ્લિકને ગમી જતા હોય છે. એટલે રિયલ એક્સપર્ટ કડવું સત્ય કહેતો હોઈ વિલન લાગે છે. આવા વાઈરસની દવા તો અમારા શાસ્ત્રોેમાં પહેલાથી છે એના પોકળ દાવા કરનારા ય સાબુ, ગ્લવ્ઝ કે માસ્ક વગર કોરોના દર્દીના વોર્ડમાં ય જતા નથી. વાઈરસ એમની સાડીબારી રાખવાનો નથી.
આપણી એનર્જી આવી બધી વાતોમાં વેડફાઈ જાય છે. જેમકે, હાઈડ્રોકસી ક્લોરોક્વીન મૂળ મેલેરિયા સામેની દવા છે. એનો રસપ્રદ ઈતિહાસ છે. પેરુના આદિવાસીઓથી ક્વિનાઈનવાળી વનસ્પતિ ( હા, એમાં ય વનસ્પતિ હોય ) યુરોપમાં પહોંચી અને ફ્રાન્સના વિજ્ઞાાનીઓએ એનું કેમિકલ તત્વ છુટું પાડી દીધું. પછી ક્લોરોક્વિનાઈનનું વધુ અસરકારક સ્વરૂપ જર્મનીમાં બન્યું અને એની કલીનીકલ ટ્રાયલ અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયા પછી એના આ ફાઈનલ સ્વરૂપની પેટન્ટ યુએસએ/અમેરિકામાં રજીસ્ટર્ડ થઇ, પણ ઇન્ટરનેટની જેમ જગત માટે અમેરિકાએ મુક્ત કરી ત્યારે એનું બધે છૂટથી ઉત્પાદન શરુ થયું. આજે એનો ઉપચાર તરીકે રોલ ડિબેટેબલ છે. એથી આધુનિક કેમિકલ મોલેક્યુલ્સ આવી ગયા છે. પણ આપણે એનું પ્રોડક્શન કરીને ફૂલાઈએ છીએ. પણ ઇન્વેન્શન નથી કરતા. ડિટ્ટો વેન્ટીલેટર. આ બધી ઈન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી પરદેશમાંથી સ્વદેશી કંપનીઓએ શીખી લીધેલી. પણ મૂળ આવિષ્કારનું સાયન્સ ક્યાં ? એ માટે જૂની ધામક માન્યતાઓ પડકારવાની ડાવન જેવી હિંમત ક્યાં ?
આપણી ગોખણપટ્ટીની શિક્ષણપદ્ધતિ કાયમી વાઈરલ રોગ જેવી છે. અમેરિકા કે યુરોપ આજે કોરોનાના એટેક સામે ઝૂકી ગયા. પણ એમના ફંડા મજબૂત છે. જૂના ન્યુટન ને આઈનસ્ટાઇન ને આઈનસ્ટાઇન ને હોકિંગ ને હોકિંગ ને પંકજ જોશી ચેલેન્જ કરી નવું ઉમેરી શકે છે. ઓરકુટ ખતમ થાય ત્યાં ફેસબુક ને યાહૂ ખતમ થાય ત્યાં ગૂગલ ને હોલીવૂડ થિયેટર બંધ થયા ત્યાં નેટફ્લિકસ એમેઝોન રેડી હોય છે. આપણી પચાસેક હજાર (એમાં ય ગ્લોબલ બ્રાન્ડ તો એકે ય મોટી નહિ ) સામે ૧૮૩૬થી ૨૦૧૮ સુધીમાં અમેરિકામાં દસ કરોડ રિસર્ચ પેટન્ટસ રજીસ્ટર્ડ થયેલી. અમેરિકા માત્ર ટ્રમ્પ કે કોરોના નથી.
ફ્રાંસ માત્ર એફિલ ટાવર કે નેપોલિયન નથી. હાવર્ડ , એમઆઈટી, પ્રિન્સન્ટન ને સ્ટેનફોર્ડ છે. બોઇંગ ને સ્ટીલ્થ વિમાનો છે. સિનેમા, જુલે વર્નની વિજ્ઞાાનસાહસકથાઓ અને સ્ટેસ્થોસ્કોપ, બાળકોનું ઇન્ક્યુબેટર ને ઘડી ઘડી જેની જરૂર પડે એ રક્તદાનનું લોહી ચડાવવું અને સુંવાળા સુગંધી સાબુ એ ફ્રાન્સની શોધ છે ! ઈટાલીએ તો આખેઆખો ગેલેલિયો ને દા વિન્ચી જ દાંતનું ચોકઠું કે બેરોમીટર કે અન્ય શોધો ઉપરાંત આપેલો છે. સ્પેને પ્લેટીનમ ને ટંગસ્ટન ઉપરાંત આધુનિક પોતું (મોપ) શોધેલું છે ! જર્મનીની તો ખાલી મેડિકલ સાયન્સની યાદી લખવામાં આખો લેખ જોઈએ ! એટલે આપણા ભારતીય મૂળના પ્રાઈઝ વિનર્સ કે સીઈઓ રહે છે ને એમના બાળકો ઉછેરે છે પરદેશમાં ! એટલે કેનેડા જે બેરોજગાર થયા. એને હજારો ડોલર સહાય પહોંચતી કરી દે છે એ મિડલ ક્લાસમાં ય. કારણ કે ચલણ મજબૂત છે.
ખાલી સેલિબ્રિટીર્ઝ જ પેદા કર્યે નહિ ચાલે. આવતીકાલે આપણે જગતમાં ડંકો વગાડવો હોય તો જૂની માન્યતાઓથી નડવાનું બાજુએ મૂકી, સવાલો પૂછનાર સાયન્ટીસ્ટસ પેદા કરવા પડશે. રિયલ એક્સપર્ટસ આર હીરોઝ ઇન ટુડેઝ ટાઈમ ! વિચારજો, સાયન્સ ન હોત તો કોમ્પ્યુટર કે ટીવી કે ફોન કે ઓટોમોબાઈલ કે ઇન્ટરનેટ કે એબોઉઓલ ઇલેક્ટ્રિસિટી વગર કરત શું બધા અત્યારે ?
ફાસ્ટ ફોરવર્ડ
'વિજ્ઞાાન બાબતે સારી વાત એ છે કે તમે એનામાં ન માનો તો પણ એ સાચું જ રહે છે !' ( અત્યારે જેનો મોકો છે એ આકાશમાં તારા દર્શનની સૌથી સરસ આધુનિક કિતાબ લખનાર ખગોળશાસ્ત્રી નીલ ટાયસન)