- સરદાર @150-હસિત મહેતા
- સરદારે પોતાના ધર્મપત્ની વિશેના વ્યક્ત કરેલાં ઉદ્ગારો કેટલુંય ખોળીએ તો પણ જડતા નથી.... તે દ્દુ:ખ એમણે હૃદયના ખૂણામાં એવી રીતે ઢાંકી મૂક્યું હતું કે બીજાઓેને તો શું, પરંતુ પોતાની પુત્રી કે પુત્ર ડાહ્યાભાઈને પણ તેનો જરાસરખો આભાસ થવા દીધો નહોતો.
'તા જો ઘા લાગ્યો છે, એ રુઝતા વખત લાગશે.' વલ્લભભાઈ માત્ર આટલુંક જ કહીને યુવાન પુત્રને તેની પત્નીના અવસાન વખતે આશ્વાસન આપતાં. તેમણે કદી દિકરાને પુન:લગ્ન માટે આગ્રહ કર્યો નથી, એટલું જ નહીં પણ લગ્ન નહીં કરવામાં હાડમારી છે, બીજું લગ્ન કરવાથી બાબાને(દિકરાને) વેઠવાનો વારો આવશે, તેવી ચેતવણીઓ લખી જણાવી છે. જે બતાવે છે કે વલ્લભભાઈએ ભરજુવાનીની વિધૂરતાને બાળકોના ભલા માટે આજીવન વેઠી છે.
વર્ષ ૧૯૩૩માં વલ્લભભાઈ યરવડા જેલમાં હતા. (તેમના શબ્દોમાં યરવડા મંદિર જ સ્તો) એ દરમ્યાન તેમણે મણિબેનને લખેલાં જુદાં-જુદાં ત્રણ પત્રોમાં (૧૬-૬,૧૭-૭, અને ૧૦-૧૦-૧૯૩૩)અકાળે વિધૂર થયેલાં પોતાના પુત્ર ડાહ્યાભાઈના સંબંધે જે લખ્યું છે, તે જોતાં સહજ સમજાય કે વલ્લભભાઈએ પોતાની ભરજુવાનીમાં પણ પુર્નલગ્ન વિશે કદી વિચાર કરેલો નહીં, તેના પાયામાં બાળકોને અપરમાતાના આવી પડનારા દુ:ખ સિવાય બીજું કોઈ કારણ નહોતું.
તેઓ મણિબેનને લખી જણાવે છે કે 'એકલા (પુર્નલગ્ન વગર) રહી શકાય તો ફરીથી જંજાળમાં પડવામાં સાર નથી....સંસારમાં ઓરમાન માનું દુ:ખ બહું જ ગણાય છે, એ અનુભવથી નક્કી થયેલું છે.... માની ગરજ બાપ કોઈ દિવસ સારી ન શકે....બાબાના (પૌત્ર બિપીનના) નસીબમાં જે દુ:ખ ભોગવવાનું હોય તે ભોગવ્યે જ છૂટકો... એકલા રહી શકાય તો ઉત્તમ ગણાય. સાવકી મા બાબાને સંભાળી નહીં શકે અને બીજા છોકરા થયા પછી ડાહ્યાભાઈને દુ:ખ તો થવાનું જ.'
આમ જોવા જઈએ તો લોકનજરે વલ્લભભાઈ કાંઈ ચુસ્ત ધાર્મિક જણ નહોતા. છતાં તેમણે પોતાની આંતરિક સમજણ અને વ્યવહારુ જ્ઞાન થકી જે ચિંતનાત્મક જીવનવિચાર અપનાવ્યો હતો,તે ઘણો સટીક અને ઊંડો હતો. પુત્ર ડાહ્યાભાઈને સેન્ટ્રલ જેલમાંથી ૧૧-૧૦-૧૯૩૩એ લખેલાં પત્રના અંતે તેઓ એક વ્યવહારુ, છતાં ઉચ્ચ વિધૂર આદર્શ પિવડાવતાં લખે છે કે....
'ન રહેવાય તો લગ્ન કરવામાં સંકોચ કરવાની જરૂર નથી. માત્ર અનુકૂળ સ્થાન મળશે કે કેમ એ જ સવાલ રહે, પણ એ બીજો સવાલ થયો. પ્રથમ તો તમારી ઈચ્છા શું છે તે નક્કી કરવાનું રહ્યું. એમાં તમારે બાબાનો (પુત્ર બિપીનનો) વિચાર બહુ કરવાનો નથી. તમે એકલા હશો તો બાબાની જે સંભાળ લેવાશે તેથી તમે લગ્ન કરો તો વધારે લઈ શકાશે એમ માનવું એ નકામું છે. એને માનું સુખ ગયું તે હવે પાછું આવવાનું નથી. ગઈ વસ્તુનો શોક કરવો એ મૂર્ખતા છે....બાબાનું નસીબ બાબા પાસે. જુઓને, બાપુને ચાર દીકરા. તેમાં મોટો દીકરો (હરિલાલ ગાંધી) કેવો નીકળ્યો. દાસબાબુનો (દેશબંધુ ચિતરંજનદાસ) એકનો એક દીકરો કેટલી ખરાબ રીતે ભૂંડે હાલે મરી ગયો. લોકમાન્યના (ટીળક) દીકરાનું શું? એમ આપણું ધાર્યું કંઈ થતું નથી. ઈશ્વરેચ્છા હશે તે થશે.'
આ રીતે વલ્લભભાઈએ પોતાના પુત્રને કે પછી કોઈ સાથીમિત્રને જ્યારે જ્યારે જીવનસાથી ગુમાવવાની બાબતમાં આશ્વાસનપત્ર લખ્યાં છે, ત્યારે દોહ્યલા સંસારની કડવી વાસ્તવિક્તા અને તેના કઠણ ઉપાયો તરફ જ આંગળી ચીંધી છે.
સૌરાષ્ટ્રના દિગ્ગજ રાજનેતા શ્રી ઉછંગરાય ઢેબર વિધૂર થયાં ત્યારે વલ્લભભાઈ અહમદનગર ફોર્ટની જેલમાં હતા. ૧૯૪૪ની પાંચમી એપ્રિલે તેમણે મણિબેનને લખેલાં એક પત્રમાં જીવનની આ કઠોર વાસ્તવિક્તાને સટીક રીતે બતાવતાં લખેલું કે, 'કોણ ક્યારે જાય અને કેટલું કષ્ટ ક્યારે આવી પડે અને એ ક્યાં સુધી ભોગવવું પડે એની કોઈને ખબર પડતી નથી. કોઈનું કાંઈ ચાલતું પણ નથી..... ઢેબરભાઈની વહુ બિચારી બે મહિના વેદના ભોગવવા જ જીવી. (જો) દાઝી ગઈ તે જ વખતે એના પ્રાણ છૂટી ગયો હોત તો સારું થાત.'
પોતાના અદના સાથી અને બોચાસણ વિદ્યાલયના શિક્ષક શિવાભાઈના પત્ની હીરાબેન ચાલ્યાં ગયા, ત્યારે મુંબઈથી ૧૩-૩-૧૯૩૮ના આશ્વાસનપત્રમાં તેમના શબ્દો હતાં.... '(તમારે) નાનું બાળક છે એટલે તમને મુશ્કેલી તો પડશે. પણ એ તો સંસારની માયા છે. એમાં અનેક પ્રકારના સુખદુ:ખ આવ્યાં કરે છે. એ બેઉને સરખા માનનાર સંસારને તરી જાય છે.'
જો કે પોતાને અકાળે આવેલા વિધૂરપણાં વિશે વલ્લભભાઈએ મીઢું મૌન જ રાખ્યું હતું. તેમનાં અઢળક પત્રોનું સંપાદન કરનાર શ્રી જી.એમ.નાંદુરકરે પણ 'સરદારશ્રીના પત્રો, ભાગ-૩'ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે 'સરદારે પોતાના ધર્મપત્ની વિશેના વ્યક્ત કરેલાં ઉદ્ગારો કેટલુંય ખોળીએ તો પણ જડતા નથી.... તે દ્દુ:ખ એમણે હૃદયના ખૂણામાં એવી રીતે ઢાંકી મૂક્યું હતું કે બીજાઓેને તો શું, પરંતુ પોતાની પુત્રી કે પુત્ર ડાહ્યાભાઈને પણ તેનો જરાસરખો આભાસ થવા દીધો નહોતો.'
આ મુદ્દે મોઢું સીવી લેનાર વલ્લભભાઈએ ફક્ત એકવાર, ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર ડી.એન. બેનરજીની જુવાનજોધ દીકરી અકાળે વિધવા થયાં ત્યારે ૩૦-૫-૧૯૪૬ના પત્રમાં લખેલું કે 'અહીં મારા જીવનનો દાખલો આપવો અપ્રસ્તુત ગણાય. તે છતાં આ વિપત્તિમાંથી ઉગરી જવા સારું તમને કંઈક અંશે મદદરૂપ થાય તેવી આશાથી તેને ટાંકું છું. જ્યારે હું ભરજુવાનીમાં બત્રીસની ઉંમરનો હતો, ત્યારે મારા ધર્મપત્ની બે વર્ષના પુત્રને અને ચાર વર્ષની પુત્રીને પાછળ મૂકીને એકાએક આ જગતમાંથી વિદાય થયાં. (પણ) આ બંને છોકરાઓ જ્યારે સિનિયર કેમ્બ્રિજ માટે ભણી રહ્યાં હતાં ત્યારે એમણે દેશસેવાનું વ્રત લીધું અને દેશની હાકલ આવી ત્યારે અમદાવાદના રાષ્ટ્રીય વિદ્યાપીઠમાં જોડાયાં.... તમારી પુત્રીને સામાજિક કે રાજકીય ક્ષેત્રે સેવા કરવા માટે જો એને ઉચિત રીતે તૈયાર કરી શકાય, તો તે હિંમતપૂર્વક અને ધીરજથી ટૂંક સમયમાં જ આ દુ:ખને ભૂલી જશે.'
આપણે જોઈ શકીએ છીએ કે આ હદે વલ્લભભાઈએ દેશસેવાને જીવનના આચાર અને વિચાર સાથે અભિન્ન કરી હતી.


