Get The App

મેરિલ હૈ તો મુમકિન હૈ! .

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
મેરિલ હૈ તો મુમકિન હૈ!                                     . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- મેરિલ સ્ટ્રીપ આજે વિશ્વની મહાનતમ અભિનેત્રી ગણાય છે. એવું તે એમનામાં શું છે કે ૭૬ ઉમંરે પણ એમના નામના સિક્કા પડે છે? 

3 ઓસ્કર અવોર્ડ, 9 ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝ અને 4 ઍમી અવોર્ડ્ઝ. 

અભિનયના ક્ષેત્રમાં અદાકાર ધારે તો એક જીવનમાં આટલી સિદ્ધિઓ મેળવી શકે. ન ખાતરી થતી હોય તો પૂછી જુઓ મેરિલ સ્ટ્રીપને! જો અવોર્ડ્ઝ અન નોમિનેશન્સને શ્રેષ્ઠતા માટેના સર્વસ્વીકૃત માપદંડ ગણાતા હોય તો જાણી લો કે સૌથી વધારે ઓસ્કર નોમિનેશન્સ (૨૧) અને ગોલ્ડન ગ્લોબ નોમિનેશન્સ (૩૪)ના વર્લ્ડ રેકોર્ડ્ઝ મેરિલ સ્ટ્રીપના નામે બોલે છે. આ અમેરિકન અભિનેત્રી કોણ જાણે છેલ્લા કેટલાય દાયકાઓથી વિશ્વની શ્રેષ્ઠતમ અભિનેત્રી માટેના અલાયદા રખાયેલા કાલ્પનિક સિંહાસન પર શાનથી બિરાજે છે. ત્રણ કે ઇવન ચાર ઓસ્કર અવોર્ડ્ઝ જીતી ચૂકેલી અન્ય અભિનેત્રીઓ પણ છે, પરંતુ ૭૬ વર્ષનાં મેરિલ દુનિયાભરની અભિનેત્રીઓ માટે આજે પણ 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' ગણાય છે.

 આજકાલ મેરિલ સ્ટ્રીપ ન્યુઝમાં છે. એમની લેટેસ્ટ ફિલ્મ 'ધ ડેવિલ વેર્સ પ્રાડા-ટુ' દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મનો પહેલો ભાગ છેક ૨૦૦૬ વર્ષ પહેલાં આવ્યો હતો. ફિલ્મમાં કોઈ હીરો નથી, ફક્ત ત્રણ હિરોઈનો જ છે એટલે પહેલી નજરે તો તે 'ચિક ફ્લિક' લાગે, પણ આ ફિલ્મ એવી જમાવટ કરી કે વીસ-વીસ વર્ષ પછી પણ તેની લોકપ્રિયતા ઘટી નથી. આજની તારીખેય એના મીમ્સ અને અમુક ડાયલોગ્ઝ જોરદાર વાઇરલ થાય છે. 'ધ ડેવિલ વેર્સ પ્રાડા'માં મેરિલે એક અત્યંત હાઇ પ્રોફાઇલ ફેશન મેગેઝિનની એડિટરનો રોલ કર્યો હતો.  મિરાન્ડા પ્રિસ્લી નામની આ અતિ માથાભારે મહિલાથી એની આસિસ્ટન્ટ્સ થરથર કાંપતી રહે છે. પોતાના સાથી પત્રકારોને ઊભા પગે રાખે છે. મિરાન્ડા એવી બોસ છે, જેને તમે ક્યારેય ખુશ કરી ન શકો, જે તમારામાં સતત હીનભાવના પેદા કરતી રહે.  બીજી કોઈ એક્ટ્રેસે મિરાન્ડા પ્રિસ્લીને ખલનાયિકા બનાવી નાખી હોત, પણ મેરિલ સ્ટ્રીપે આ કિરદારને પણ ગરિમા અને ઊંડાણ આપીને યાદગાર બનાવી દીઘું.  

'ધ ડેવિલ વેર્સ પ્રાડા-ટુ'માં જમાનો બે દાયકા આગળ વધી ગયો છે. પ્રિન્ટ મિડીયા હાંસિયામાં ધકેલાઈ ગયું છે. છાપાં-મેગેઝિનો બંધ થઈ રહ્યાં છે. સારા સારા પ્રિન્ટ જર્નલિસ્ટ્સને પણ નોકરી મેળવવાના વાંધા પડી રહ્યા છે. આ ડિજિટલ યુગમાં મિરાન્ડા પ્રિસ્લી પણ હવે ઢીલી પડી છે. અલબત્ત, એ હજુય પહેલાં જેવી જ શાર્પ છે, પણ હવે એ અગાઉની જેમ ડંખ મારતી નથી, અથવા મારી શકતી નથી. 'ધ ડેવિલ વેર્સ પ્રાડા-ટુ'માં પહેલા ભાગ જેવી ઝમક ભલે ન હોય, પણ ઓરિજિનલ ફિલ્મના ચાહકોને તો સિક્વલમાં પણ મજા તો પડી જ રહી છે. તેથી જ ૧૦૦ મિલિયનના બજેટમાં બનેલી આ ફિલ્મે એક અઠવાડિયું પૂરું થાય તે પહેલાં જ ૨૩૯ મિલિયન કરતાં વધારે ડોલરની કમાણી કરી નાખી છે.  

'ધ ડેવિલ વેર્સ પ્રાડા-ટુ'ની સફળતાએ એક વાત સાબિત કરી નાખી છે: આ ઉંમરે પણ મેરિલ સ્ટ્રીપના નામના સિક્કા પડે છે. એવી કોઈ વસ્તુ છે ખરી જે મેરિલ સ્ટ્રીપ ન કરી શકે? - મેરિલ સ્ટ્રીપ માટે આ પ્રશંસાત્મક સવાલ સતત પૂછાતો રહ્યો છે. મેરિલ બધું જ કરી શકે છે અને અદ્ભુત રીતે કરી શકે છે - ગંભીર રોલ, કોમેડી રોલ, એક્શન, સિંગિંગ... બહુરૂપીની જેમ કોઈપણ પાત્રનો સ્વાંગ સજી લેવો, બોલવાની નવી નવી લઢણ અપનાવી લેવી... બધું જ. મેરિલને વિશ્વની મહાનતમ સમકાલીન અભિનેત્રીનો દરજ્જો અમસ્તો નથી મળ્યો.

મેરિલનો જન્મ અમેરિકાના ન્યુ જર્સીમાં થયો. એના પિતાજી એક ડ્રગ કંપનીમાં એક્ઝિક્યુટિવ હતા અને મા ચિત્રકાર હતી. ઘરના પાછળના ભાગમાં એમણે આર્ટ સ્ટુડિયો જેવું બનાવી રાખેલું. મેરિલ બાર વર્ષનાં થયાં ત્યારે એને ઓપેરા સિંગર બનવાની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એમને લૉ કોલેજમાં એડમિશન લેવું હતું, પણ ઈન્ટરવ્યુના દિવસે સવારે એની ઊંઘ જ ન ઉડી અને ઈન્ટરવ્યુ ચૂકાઈ ગયું. મેરિલના મુકદ્દરમાં ભાગ્યવિધાતાએ અભિનેત્રી બનવાનું લખ્યું હતું! 

એમણે અભિનયની શરૂઆત ન્યુયોર્કની રંગભૂમિથી કરી. લંડનના થિયેટરમાં પણ એણે કામ કર્યું. 

એક વાર લંડનમાં એની પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નહોતા. એમણેે રીતસર જાહેર બગીચામાં રાત ગુજારવી પડી. બગીચાની સામે જ વૈભવી રિટ્ઝ હોટલ હતી. બાંકડા પર સૂતાં સૂતાં મેરિલ વિચારતાં હતાં: 'આજે ભલે મારાં ખિસ્સાં ખાલી હોય, પણ એક દિવસ હું જરૂર આ હોટલમાં ઠાઠથી રહેવા આવીશ...!' ગણતરીનાં વર્ષોમાં મેરિલે ખરેખર હોટલ રિટ્ઝમાં ચેક-ઈન કર્યુ ત્યારે એની પાસે માત્ર પૈસા જ નહીં, શોહરત અને સેલિબ્રિટી સ્ટેટસ પણ હતાં.

મેરિલે ડ્રામા સ્કૂલમાં અભિનયની ફોર્મલ ટ્રેનિંગ લીધી હતી. એક ઈન્ટરવ્યુમાં એ કહે છે, 'એક વાર અમારા ટીચરે સવાલ કર્યો: તમે રાણી કે રાજાનો અભિનય કેવી રીતે કરશો? બધા સ્ટુડન્ટે તરત કહ્યું કે બોડી લેંગ્વેજમાં શાહી અંદાજ લાવીને. ટીચર કહે, ના. રાણી કે રાજા પ્રવેશ કરે કે તરત ઓરડાનો માહોલ બદલાઈ જવો જોઈએ. સૌનું ધ્યાન એના તરફ જવું જોઈએ અને માથું અદબથી ઝુકી જવું જોઈએ... અને આ કામ સાથી અદાકારોએ કરવાનું હોય, રાજા કે રાણી બનેલા એક્ટરે નહીં! મારા માટે આ એક મોટી શીખ હતી. હું આજની તારીખે પણ મારા સાથી કલાકારો પર સતત ડિપેન્ડન્ટ હોઉં છું. મારા અભિનયની ગુણવત્તાનો આધાર એમના પર હોય છે. તેથી જ હું સિન્સિયર લોકો સાથે કામ કરું એ બહુ જ જરૂરી છે. વારે વારે અરીસામાં જોઈને મેકઅપ સરખો કર્યા કરતા એક્ટર્સ નહીં, પણ અસલી અદાકારો જોઈએ... અભિનય જેના લોહીમાં વહેતું હોય એવા અદાકારો.'

મેરિલ સ્ટ્રીપની પહેલી ફિલ્મ 'જુલિયા' ૧૯૭૭માં આવી. બીજે જ વર્ષે એને 'ધ ડીઅર હન્ટર' માટે બેસ્ટ સપોટગ એક્ટ્રેસની કેેટેગરીમાં પહેલું ઓસ્કર નોમિનેશન મળ્યું. એ પછી તો ઉત્તમ પર્ફોર્મન્સીસની કતાર થઈ ગઈ: 'ક્રેમર વર્સસ ક્રેમર' (જેના માટે એમણે પહેલો  ઓસ્કર જીત્યો. આમિર ખાન-મનીષા કોઈરાલાવાળી 'અકેલે હમ અકેલે તુમ' આ ફિલ્મ પરથી બની છે), 'સોફીઝ ચોઈસ' (એમાં મેરિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભયાનક નરસંહારમાં સ્વજનો ખોઈ ચૂકેલી પોલેન્ડવાસી ીનો હૃદયદ્રાવક રોલ કર્યો હતો, બીજો ઓસ્કર), 'આઉટ ઓફ આફ્રિકા', 'પોસ્ટકાર્ડ ફ્રોમ ધ એજ', 'ડેથ બિકમ્સ હર', અગાઉ જેની વાત કરી તે ઓરિજિનલ 'ધ ડેવિલ વેર્સ પ્રાડા', 'મમ્મા મિઆ!', 'ઈટ્સ કોમ્પ્લીકેટેડ', 'ડાઉટ', 'જુલિયા એન્ડ જુલિયા', 'ધ આર્યન લેડી' (ત્રીજો ઓસ્કર) વગેરે. મેરિલે ૪૯ વર્ષમાં મેરિલે ૭૫ ફિલ્મો કરી છે. ટીવી પ્રોજેક્ટ્સ અને નાટકો તો અલગ. હિરોઈન ત્રીસ-પાંત્રીસની થાય એટલે લગભગ મેઈનસ્ટ્રીમમાંથી આઉટ થઈ જાય એવું માત્ર આપણે ત્યાં જ નથી, હોલિવુડમાં ય આ સમસ્યા છે જ. પણ મેરિલની પ્રતિભા એટલી પ્રચંડ છે સાતમા દાયકામાં પ્રવેશ્યાં પછી પણ એમને દળદાર ભુમિકાઓ મળતી રહે છે.

આટલી ઊંચાઈ આંબી લીધા પછી પણ મેરિલે નમ્રતા જાળવી રાખી છે. વચ્ચે ઓપ્રા વિન્ફ્રાને ઇન્ટરવ્યુ આપતી વખતે એ કહી રહ્યાં હતાં, 'હજુ પણ કેમેરાનો સામનો કરતી વખતે હું નર્વસ થઈ જાઉં છું. હું કોઈ નવી ફિલ્મ સ્વીકારું એટલે મને એવા વિચાર આવવા લાગે કે પણ હું આ રોલ કરીશ કેવી રીતે? મને એક્ટિંગ કરતાં ક્યાં આવડે છે? ...અને મને સ્ક્રીન પર જોવા કોઈ શું કામ થિયેટર સુધી લાંબા થાય?'

આ એક જાગતા કલાકારની નિશાની છે. આ પ્રકારની નર્વસનેસની વાત લતા મંગેશકર અને અમિતાભ બચ્ચને પણ કરી છે.  

મેરિલ કુટુંબપ્રેમી મહિલા છે. એમના (એકમાત્ર) પતિ ડોન ગમર શિલ્પી છે. ચાર પુખ્ત વયનાં સંતાનો છે. મેરિલની કરીઅર સતત ચડતી કળાએ રહી છે એનું એક મહત્ત્વનું કારણ એના અંગત જીવનની સ્થિરતા પણ છે. એ કહે છે, 'હું બહુ મહેનતુ છું. શરૂઆતથી જ હું મારા એકેએક રોલ માટે હું ખૂબ મહેનત કરતી આવી છું. હવે તો પાછી હું ખૂબ સિનિયર એક્ટ્રેસ ગણાઉં એટલે મને સતત થયા કરે કે મારે તો સારું કામ કરવું જ પડે. મારાથી નબળું કામ કેવી રીતે થાય? આઈ હેવ ટુ ટ્રાય રિઅલી રિઅલી રિઅલી હાર્ડ. હું તો કહું છું કે મારું મૃત્યુ થાય અને મને દફન કરવામાં આવે ત્યારે કબર પર પણ આ જ શબ્દો કોતરવામાં આવે: શી ટ્રાઈડ રિઅલી હાર્ડ...'

શો-સ્ટોપર 

હું અને રાહુલ ગાંધી સાથે લગ્ન? આ બહુ ગંદા ફેક ન્યુઝ છે. રાજકારણના ક્ષેત્રની સ્ત્રીઓની ગરિમા પણ લોકો જાળવી શકતા નથી. જે કોઈએ આ ફેક ન્યુઝ ફેલાવ્યા છે એને લાજ આવવી જોઈએ. 

- કંગના રનૌત