Get The App

મારો જૂનો સ્માર્ટફોન લઈ લેજે.. .

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
મારો જૂનો સ્માર્ટફોન લઈ લેજે..                           . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'ઘરમાં થોડું ધ્યાન આપ. બધું રખડી ગયું છે. સવાર-સાંજ બહાર જતી રહી છે. ઘરના કામ થતા નથી. આખો દિવસ ફોનમાં વ્યસ્ત હોય છે. તું કરવા શું માગે છે?'

'હું શું કહું છું. આવતા શનિવારે તમારે બધાને રજા આવશે તો આપણે બે દિવસ સોમનાથ જઈ આવવું છે?' - મયુરીબેને સાંજે જમતા જમતા ધીમેથી પ્રસ્તાવ મુક્યો.

'તને કંઈ ખબર પડે છે? મમ્મી તારે તો ખાલી બોલી દેવાનું છે. બધું અમારે એડજસ્ટ કરવાનું હોય છે. તારી જેમ અમારે આખો દિવસ ઘરે નથી બેસી રહેવાનું હોતું. અમારી રજા આવી એટલે તે પ્લાન કરી લીધો પણ અમારું તો વિચાર.' - દિપેન તાડુક્યો.

'એની વાત ક્યાં ખોટી છે? તારે જરાક વિચાર કરીને બોલવું જોઈએ. છોકરાઓની એમની પણ લાઈફ છે. તને કેમ આખો દિવસ ફરવાના અભરખાં ઉપડે છે.' - મનોજભાઈએ પણ અણગમા સાથે કહ્યું.

'મારા કોઈ અભરખાં નથી. દેવદર્શન કરે છ મહિનાથી વધારે સમય થઈ ગયો એટલે વાત કરી.' - મયુરીબેનના અવાજમાં આઘાત અને આક્રોશ બંને હતા.

'મમ્મી તું રહેવા દે યાર. અમારે કોઈ વાત કરવી નથી. આ વીકેન્ડ ક્યાંય જવાનું નથી. પ્રિયાનું સ્કુલનું સબમિશન છે સોમવારે. અમારે બધું પૂરું કરવાનું છે. રાગીણીને પણ થાક લાગે ને?' - દિપેને કહ્યું.

મયુરીબેન ઊભા થઈ ગયા અને રસોડામાં જતા રહ્યા. તેમના મનમાં અનેક સવાલો, અનેક વેદના, અનેક વિટંબણાઓ ચીસો પાડતા હતા પણ બહાર આવી શકતા નહોતા. મયુરીબેન અને તેમની વેદનાઓનો જાણે કે અવાજ જતો રહ્યો હતો. 

દિવસો આવી રીતે જ પસાર થતા હતા. કદાચ મયુરીબેનને તેની આદત પડી ગઈ હતી. સવારે જાગીને મનોજભાઈને ગરમ નાસ્તો કરાવવાનો, તેમનું ટિફિન ભરી આપવાનું, પ્રિયાનું ટિફિન બનાવવાનું, તેની બેગ તૈયાર કરવાની, તેને સોસાયટીની બહાર સ્કુલ બસ સુધી મુકવા જવાની અને પાછા આવ્યા બાદ ઘર સરખું કરવાનું, કપડાં ધોવાના, સુકવવાના, ઘર અવેરવાનું. કચરા-પોતું તો બંધાવેલા હતા પણ ઘરમાં બાકીના જેટલા કામ હતા તે મયુરીબેન કર્યા કરતા. 

રાગીણી તો પર્સ ભરાવીને સવારે વહેલી જતી રહે અને સાંજે આવીને પોતાની દીકરીને હોમવર્ક કરાવવાના નામે પોતાના રૂમમાં ભરાઈ જાય. જમવાનું તૈયાર થાય અને દિપેન આવે પછી જ તે બહાર આવતી. ત્યાં સુધી રૂમમાં જ રહેતી. મયુરીબેનના માથે જ સાંજનું જમવાનું બનાવવાનો ભાર હતો. 

ઘરમાં ધીમે ધીમે મયુરીબેન સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. મનોજભાઈને તેમના કામમાંથી સમય મળતો નહોતો, દિપેન અને રાગણીને તેમના સિવાય કોઈનામાં રસ નહોતો. 

'મમ્મી, બે દિવસ પછી પ્રિયાની સ્કૂલમાં ગ્રાન્ડપેરેન્ટ ડે છે. એના સેલિબ્રેશન માટે એ લોકોને પ્રવાસ લઈ જવાના છે. કોઈ એક ગ્રાન્ડ પેરેન્ટ અને તેની સાથે બાળક. મેં તારું નામ લખાવી દીધું છે. તું જઈ આવજે એની સાથે.' - દિપેને એક સાંજે ઘરમાં આવતાની સાથે કહ્યું. 

'સારું.' - મયુરીબેન બોલ્યા. તેમને બીજો કોઈ જવાબ સુઝતો પણ નહોતો અને તેઓ આપવા પણ માગતા નહોતા. તેમના માટે એક બાબત સારી હતી કે, તેમને બહાર ચક્કર મારવા જવું હતું તે હવે સ્કુલ પ્રવાસના નામે શક્ય બનશે. 

બે દિવસ બાદ તેઓ પ્રિયા સાથે તેની સ્કુલબસમાં બેસીને ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેના સેલિબ્રેશન માટે ગયા. શહેરથી થોડે દૂર એક સરસ મજાનું શિવમંદિર હતું. ત્યાં મોટો બગીચો હતો. બાળકોને રમવાની વ્યવસ્થા હતી. મંદિર પરિસરમાં જ બાળકો માટે સરસ ભોજન બનાવાયું હતું. તેનાથી વિશે વડીલો માટે પણ પૂજા-આરતી અને ભજનની વ્યવસ્થા કરાઈ હતી. મયુરીબેન ભજનમાં તલ્લીન હતા ત્યાં એક હાથ ખભા ઉપર આવીને પડયો.

'મયુરી કેમ છે? ઓળખાણ પડી કે નહીં મારી?' - ખભે હાથ મુકનાર મહિલાએ કહ્યું. 

'ના. સોરી પણ મને કંઈ યાદ નથી આવતું.' - મયુરીબેને વિનમ્રતાથી જવાબ આપ્યો.

'ભાવના. આપણે સાથે અભ્યાસ કરતા હતા. સરિતામંદિર વિદ્યાલયમાં.' - ભાવનાબેને કહ્યું.

'અરે ભાવના. મનોહરકાકાની ભાવના? તું તો જાડી થઈ ગઈ છે તો ક્યાંથી ઓળખાય. લગભગ ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી મેં તને જોઈ.' - મયુરીબેનના અવાજમાં એકાએક આનંદનો રણકો આવી ગયો.

'હું ભલે જાડી થઈ ગઈ પણ તારા શરીરમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તારા લગ્ન સમયે તને જોઈ હતી તેવી છું હજી પણ. કોના ટાબરિયાને લઈને આવી છું?' - ભાવનાબેન બોલ્યા.

'મારા દિપેનની પ્રિયુ છે. તું કોની સાથે આવી છું? તારે પણ મારી જેમ જ ડયુટી છે?' - મયુરીબેન બોલ્યા.

'ના મારી ડયૂટી નથી. હું સ્વેચ્છાએ આવી છું. એક્ચ્યુલી આ સ્કુલ જ અમારા ફેમિલિ ફ્રેન્ડની છે. આ સામે ઉભા તે ઉપાસના બેન આ સ્કુલના ઓનર છે. તેઓ પણ તેમની ગ્રાન્ડ ડોટર સાથે આવવાના હતા તેથી મને કહ્યું એટલે હું પણ આવી. મારા પ્રથમેશની દીકરી મુક્તિ પણ આ સ્કુલમાં જ છે. હું અને ઉપાસના રખડવા આવી ગયા.' - ભાવનાબેન બોલ્યા.

'તને એટલો સમય મળી જાય છે કે તું મજા કરવા આવે છે. મને તો સમય જ મળતો નથી.' - મયુરીબેને કહ્યું.

'તારી ઉંમરની દુ:ખી સ્ત્રીઓ મેં જોઈ છે. તેમનાથી ઘર અને વર છુટતા નથી અને પછી ઘરના જ લોકો તેને દુ:ખી કરે છે. એક વખત અમારા ગ્રૂપમાં આવી જા, પછી જો સમય જ સમય મળશે. સૌથી પહેલાં તો અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ જા. બોલ તારો નંબર.' - ભાવનાબેને કહ્યું.

'મારી પાસે વોટ્સએપ આવે તેવો ફોન નથી. માત્ર ફોન કરી શકાય અને ઉપાડી શકાય તેવો છે.' - મયુરીબેને કીપેડ ફોન બતાવતા કહ્યું.

'તું કયા જમાનામાં જીવે છે. તારી પાસે સ્માર્ટફોન નથી? અત્યારે મારો નંબર લઈ લે. તારા ઘરવાળાને કહીને તાત્કાલિક સ્માર્ટફોન લાવી દેજે. ત્યારબાદ તારો સ્વર્ગ જેવા ગ્રૂપમાં પ્રવેશ થશે.' - ભાવનાબેન બોલ્યા અને મયુરીબેન મલકાઈ ગયા.

ટૂર પૂરી કર્યા બાદ સાંજે બધા પોતપોતાના ઘરે પહોંચ્યા. મયુરીબેન અને પ્રિયા બંને ખૂબ જ આનંદિત હતા. તેઓ આખો દિવસ મજા કરીને આવ્યા હતા. 

'મારે સ્માર્ટફોન જોઈએ છે. મને ક્યારે લઈ આપશો તે કહેજો?' - ડીનર કરવા દરમિયાન મયુરીબેને કહ્યું અને દિપેન તથા રાગીણીના હાથમાં જ કોળિયા રહી ગયા. મનોજભાઈ પણ હતપ્રભ થઈને મયુરીબેનને જોતા રહ્યા.

'આવી રીતે મારી સામે ન જોશો? પ્રિયુની સ્કુલમાં બધા જ દાદા-દાદી આવા ફોન લઈને આવ્યા હતા. છોકરાઓના ફોટા લેતા હતા અને અમારી પાસે કશું જ નહોતું. પ્રિયુનો એકપણ ફોટો નથી આવ્યો આજના પિકનિકનો. ટીચરે માત્ર એક ગ્રૂપ ફોટો લીધો તે છે.' - મયુરીબેને ધીમા અવાજે કહ્યું.

'સારું. વીકેન્ડમાં યાદ અપાવજે એકાદો ફોન અપાવી દઈશ.' - દિપેને જવાબ આપ્યો.

'નવો ફોન લેવાની જરૂર નથી. મારો આ જૂનો ફોન વાપરજે. મને કંપનીએ નવો ફોન આપ્યો છે. દિપેન કાલે સવારે તેને કાર્ડ ટ્રાન્સફર કરી આપજે.' - મનોજભાઈએ કહ્યું અને દિપેને હામી ભરી.

બીજા દિવસે જૂના ફોનમાં સીમકાર્ડ ટ્રાન્સફર થઈ ગયું અને નવી જિંદગીની શરૂઆત થઈ. મયુરીબેને તરત જ ભાવનાને ફોન કર્યો અને એક મુલાકાત ગોઠવાઈ ગઈ. તે જ દિવસે સાંજે નજીકના એક મંદિરમાં મિટિંગ ગોઠવાઈ. મયુરીબેન સાંજે મંદિર પહોંચી ગયા. પહેલી વખત ઘર નોંધારું મુકીને ગયા હતા. 

ભાવનાએ વોટ્સએપ ડાઉનલોડ કરી આપ્યું. મેસેજ કરતા અને જોતા શીખવાડયું અને ત્યારબાદ તેમનો સ્વીટ ૬૦ ગ્રૂપમાં સમાવેશ કરી દીધો. ત્યારબાદ મયુરીબેનની સ્વીટલાઈફ શરૂ થઈ ગઈ. ભાવના બેને સમજાવ્યું કે, જિંદગીને નિવૃત્તિની ઉંમરે માણવાની મજા જ કંઈક અલગ છે. ઘર-પરિવારની જવાબદારી બાજુએ મુકીને પોતાની જાત માટે અને પોતાની જાત સાથે 

સમય પસાર કરવાનો. મયુરીબેન તો પહેલાં દિવસથી જ તેમના રંગે રંગાઈ ગયા.

ધીમે ધીમે હવે ઘરમાંથી હાથ પાછો ખેંચી લીધો. ઘરના લોકોની સાથે પણ વોટ્સએપ કરીને જ વાત કરવા લાગ્યા. દરરોજ સવારે પ્રિયુની સ્કુલ સુધી જવું. બપોરે મિત્રો સાથે વીડિયો કોલિંગ ઉપર વાતો કરવી. સાંજે મંદિર જવું. વીકેન્ડમાં કોઈના ઘરે પાર્ટીમાં જવું કે મંદિરે ભજન સંધ્યામાં જવું. સિનિયર સિટીઝનના પ્રવાસમાં જવું જેવી કામગીરી શરૂ કરી દીધી. 

એક મહિનામાં તો ઘરમાં કેર વર્તાઈ ગયો. દીપેન અને મનોજભાઈ બરાબર અકળાઈ ગયા.

'ઘરમાં થોડું ધ્યાન આપ. બધું રખડી ગયું છે. સવાર-સાંજ બહાર જતી રહી છે. ઘરના કામ થતા નથી. આખો દિવસ ફોનમાં વ્યસ્ત હોય છે. તું કરવા શું માગે છે?' - મનોજભાઈએ ડિનર કરતા કરતા આક્રોશમાં કહ્યું.

'તમારા જૂના સ્માર્ટફોનથી મારી નવી જિંદગી જીવું છું.' - મયુરીબેને કહ્યું અને ઘરમાં સન્નાટો વ્યાપી ગયો.