- 15 વર્ષના વૈભવની સાથે પ્રિયાંશ, પ્રભસિમરન, પ્રિન્સ, કાર્તિક અને મોહસીન સહિતના અનકેપ્ડ સ્ટાર્સે આકર્ષણ જગાવ્યું છે
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- વર્લ્ડ ક્લાસ સુપરસ્ટાર્સની સામે બિન્ધાસ અંદાજ સાથે આક્રમક મિજાજ સાથેનું કૌવત બતાવતા જેન-ઝીના ખેલાડીઓ ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે
ર મતનું મેદાન પ્રત્યેક હરિફને બરોબરીની તક આપે છે. ભૂતકાળના રેકોર્ડ કે સફળતા થકી કુશળતાને કેળવી શકાય છે, પણ દરેક મુકાબલો નવો ઈતિહાસ આલેખનારો બની રહે છે. મેદાન પર જે શ્રેષ્ઠ દેખાવ કરે છે, તેને જ શિરપાવરુપે સફળતા પ્રાપ્ત થાય છે. રમતમાં હંમેશા પ્રદર્શન જ પાયારુપ હોય છે અને તેના થકી જ નવા-નવા સિતારા પોતાની ઓળખ ઉભી કરવાની સાથે સાથે ક્ષમતાનો પરિચય પણ પુરો પાડે છે.
લગભગ બે દશકની મજલને પાર કરવા માટે હવે એક વર્ષના અંતરે રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી-૨૦ની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે જે કેટલાક મૂળભૂત ઉદ્દેશ્યોને દુનિયાની સામે રજુ કરવામાં આવ્યા હતા, તેનો એક સ્થાનિક પ્રતિભાઓને વૈશ્વિક પ્લેટફોર્મ પુરું પાડવાનો હતો. અલબત્ત, ઘણા સમય સુધી આઈપીએલમાં વિદેશી ખેલાડીઓની સાથે ટીમ ઈન્ડિયાના આંતરરાષ્ટ્રીય સિતારાઓ જ છવાયેલા રહ્યા હતા. આ દરમિયાન ક્યાંક-ક્યાંક યુવા પ્રતિભાઓ પણ પોતાના વિશેષ પ્રદર્શન થકી પોતાની ઉપસ્થિતિની નોંધ ક્રિકેટ જગતને કરાવતી જોવા મળતી હતી. જોકે, આ સિઝનમાં જેન-ઝી પ્રતિભાઓએ પોતાના નિર્ભિક અને આત્મવિશ્વાસ સાથેના દેખાવ થકી આગવું આકર્ષણ જમાવ્યું છે.
આઈપીએલની આ સિઝનમાં સૌથી વધુુ આકર્ષણ જમાવનારા અન-કેપ્ડ (સિનિયર ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમ્યા હોય તેવા ખેલાડી) અને જેન-ઝી સ્ટાર તરીકે નિર્વિવાદ રીતે ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ લેવું જ પડે. બિહાર જેવા રાજ્યમાં ક્રિકેટના સંચાલનને લઈને સાઠમારી ચાલી રહી છે. જોકે, આ રાજ્યમાં જન્મેલા વૈભવ સૂર્યવંશીએ તેની વિશિષ્ટ પ્રતિભા અને સખત મહેનત સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાનું નામ ગુંજતુ કરી દીધું છે. દુનિયાના ટોચના બેટ્સમેનોમાં આગવો ખૌફ સર્જનારા બોલરોની સામે બિન્ધાસ્ત અંદાજમાં ચોગ્ગા-છગ્ગા ફટકારનારા વૈભવની સફળતાએ સાબિત કર્યું કે, પરિસ્થિતિ ભલેને ગમે તેટલી વિકટ હોય, પણ જ્યારે કોઈ પોતાની પ્રતિભાને સખત મહેનત થકી જ આગવો વિસ્તાર આપે છે, ત્યારે તેને કોઈ પણ વિઘ્નો અટકાવી શકતા નથી.
વૈભવ માત્ર આઠ વર્ષનો હતો,ત્યારથી તેણે ક્રિકેટને જ પોતાની જિંદગી અર્પિત કરી દીધી હતી. તેના પિતા સંજીવ નાનકડા વૈભવને ક્રિકેટનું સારું કોચિંગ મળી રહે તે માટે સમસ્તીપુર થી લઈને પટના લઈ જતા અને તેઓને એકાંતરે દિવસે ૧૦૦ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું. આ લાંબો પ્રવાસ અને મેેદાન પરની સખત મહેનતની આગમાં તપીને ઉછરેલો વૈભવ હાલ માત્ર ૧૫ વર્ષની વયે બુમરાહ સહિતના આંતરરાષ્ટ્રીય બોલરો સામે છગ્ગા ફટકારવા જેટલી મક્કમતા દર્શાવી શક્યો છે.
કિશોરાવસ્થામાં પ્રવેશેલા વૈભવને સીધો જ રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ આપી દેવો જોઈએ તેની માગ ઉઠવા પામી છે. જોકે આઈપીએલમાં સાતત્યભર્યો દેખાવ કરી રહેલા પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંઘની જોડી પણ રાષ્ટ્રીય ટીમના દરવાજા ખખડાવી રહી છે. આઈપીએલમાં ભલભલા બોલરોને કલબ કક્ષાના સાબિત કરનારા ૨૪ વર્ષના પ્રિયાંશનો જન્મ હરિયાણામાં થયો હતો, પણ તેનું બાળપણ નવી દિલ્હીના અશોક વિહારમાં થયું છે. દરેક બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવાનો મિજાજ ધરાવતા પ્રિયાંશના પિતા પવન અને માતા રાધા વ્યવસાયે શિક્ષક છે. તેમણે અભ્યાસને પણ ગંભીરતાથી લેવાની શરતે પ્રિયાંશને ક્રિકેટર તરીકેની કારકિર્દીમાં આગળ વધવાની પરવાનગી આપી છે. નવી દિલ્હીમાં ગંભીર સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના કોચ રહી ચૂકેલા સંજય ભારદ્વાજના માર્ગદર્શનમાં તૈયાર થયેેલા પ્રિયાંશે દિલ્હી પ્રીમિયર લીગમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાની સિદ્ધિ મેળવી હતી.
પ્રિયાંશ ૨૦૨૫ની હરાજીમાં માત્ર ૩૦ લાખની બેેઝપ્રાઈઝ સાથે પ્રવેશ્યો હતો અને તેના કરતાં લગભગ ૧૦ ગણી કિમતે એટલે કે રૂપિયા ૩.૮૦ કરોડમાં તેને પંજાબે કરારબદ્ધ કર્યો હતો. આજે તે પંજાબની ટીમનો કાયમી સભ્ય બની ગયો છે. તેનો ઓપનિંગ જોડીદાર પ્રભસિમરન સિંઘ પણ વિકેટકિપર બેટ્સમેન તરીકે સાતત્ય સાથે દેખાવ કરી રહ્યો છે. પંજાબના પટિયાલામાં જન્મેલા ૨૫ વર્ષના પ્રભસિમરને જુનિયર ઈન્ડિયા ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોંધપાત્ર સફળતા મેળવવાની સાથે ઘરઆંગણાના ક્રિકેટમાં પણ ખળભળાટ મચાવ્યો છે. પંજાબે પ્રભસિમરનની પ્રતિભાને ૨૦૧૯ની આઈપીએલ પહેલાની હરાજીમાં ઓળખી કાઢી હતી. તે સમયે તો પ્રભસિમરન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પર રમ્યો નહતો,આમ છતાં પંજાબે તેને ૪.૮ કરોડ રુપિયામાં કરારબદ્ધ કરતાં ભારે આશ્ચર્ય જગાવ્યું હતુ, કારણ કે પ્રભસિમરનની ઉંમર તે વખતે માત્ર ૧૭ વર્ષની હતી. આ પછી તે પંજાબ કિંગ્સનો અભિન્ન હિસ્સો બની રહ્યો છે અને હરિફ ફ્રેન્ચાઈઝીના બોલરોને માટે દુ:સ્વપ્ન સમાન સાબિત થઈ રહ્યો છે.
અંગકૃષ રઘુવંશીની સાથે આયુષ મ્હાત્રે, મુકુલ ચૌધરી, રિઝવીએ પણ પ્રભાવશાળી દેખાવ કરી બતાવ્યો છે.
ક્રિકેટના નિયમોનો ઝુકાવ બેટ્સમેનો તરફ વિશેષ હોવાની ફરિયાદ તો ઉઠતી જ રહી છે, તેમાં ય આઈપીએલ જેવા રેપિડ ફાયર ફોર્મેટમાં બોલરો માટે આત્મવિશ્વાસ ટકાવી રાખવાનો મોટો પડકાર હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા બોલરોની એવરેજ અને ઈકોનોમી સાવ સાધારણ સ્તરના બોલર જેવી જોવા મળતી હોય ત્યારે એલિટ ક્રિકેટનો અનુભવ ન ધરાવતા બોલરોની તો વાત જ શું કરવી ? તમામ પ્રકારના પડકારો છતાં ઘરઆંગણાના બોલરોએ તેમની કુશળતાનો ચમકારો દેખાડયો છે.
ટી-૨૦ ક્રિકેટ શરુ થયું, ત્યારે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર શોન પોલોકે કહ્યું હતુ કે, આ ફોર્મેટમાં દરેક ડોટ બોલ એ ફિલ્ડિંગ ટીમ માટે પ્યોર ગોલ્ડ સમાન છે. ત્યારે આઈપીએલની આ સિઝનમાં સૌથી વધુ મેડન ઓવર નાંખવાનો રેકોર્ડ ઉત્તર પ્રદેશના ૨૭ વર્ષના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મોહસીન ખાનના નામે છે. જેણે ત્રણ ઓવર મેડન નાંખી છે. લખનઉ સુપર જાયન્ટ્સ માટેની આ નિરાશાજનક સિઝનમાં મોહસીનનો દેખાવ નોંધપાત્ર રહ્યો છે. ઉત્તર પ્રદેશના પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પિતાએ મોહસીનને ક્રિકેટર તરીકેની કારકિર્દીમાં આગળ વધવાની અનુકૂળતા કરી આપી. છ ફૂટ અને ત્રણ ઈંચ ઊંચાઈ ધરાવતા મોહસીને લોકડાઉન દરમિયાન સિરાજની મદદથી તેની બોલિંગને વધુ ઘાતક બનાવીને આ જે તે આઈપીએલના ઈમ્પેક્ટફૂલ ફાસ્ટરોમાં સ્થાન ધરાવે છે.
દિલ્હીમાં જન્મેલા જમણેરી ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે પણ લખનઉની ટીમ તરફથી આગવો પ્રભાવ પાડતા સિઝનમાં ૧૩ વિકેટ ઝડપવાની સાથે પોતાની ઓળખ ઉભી કરી છે. દિલ્હી તરફથી ઘરઆંગણાના ક્રિકેટમાં નોંધપાત્ર દેખાવ કરનારા પ્રિન્સે દિલ્હી પ્રીમિયર લીગમાં ટોચના બેટ્સમેનો પર આગવું પ્રભુત્વ જમાવ્યું હતુ. આ પછી તેને આઇપીએલમાં લખનઉની ટીમમાં સ્થાન મળ્યું હતુ અને તેણે ટીમ તરફથી વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખવાની સાથે ભારતીય ટી-૨૦ ટીમમાં પ્રવેશવાની દાવેદારી પણ નોંધાવી દીધી છે.
કોલકાતાની ટીમમાં સામેલ કાર્તિક ત્યાગી ૨૦૨૦માં અંડર-૧૯ વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશના એક ખેડૂત પરિવારના પુત્ર કાર્તિકની કારકિર્દીને ઘડવા માટે પિતા યોગેન્દ્ર ત્યાગીએ ભારે સંઘર્ષ કર્યો છે. તેઓએ ઉછીના નાણા લઈને કાર્તિકને ક્રિકેટની કીટ ખરીદી આપી હતી. તેણે પણ પિતાના બલિદાનને લેખે લગાડતાં ઘરઆંગણાના ક્રિકેટમાં પ્રભાવ પાડયો હતો અને જુનિયર લેવલે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ તેેને રાજસ્થાનની ટીમમાં સમાવવામાં આવ્યો હતો. અલબત્ત, ઇજાના કારણે તેને તેના રનઅપમાં પણ ફેરફાર કરવો પડયો છે. આમ છતા, હવે તે નવા અંદાજ સાથે આ સિઝનમાં ૧૧ વિકેટ ઝડપીને ટોચના ૧૩ બોલરોમાં સ્થાન ધરાવે છે.
આઈપીએલમાં ઝળકી રહેલા ભારતના ઘરઆંગણાના યુવા ખેલાડીઓ પોતાની આગવી ઓળખ ઉભી કરવાની સાથે સાથે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાની આશા ધરાવે છે. આ ખેલાડીઓએ જે પ્રકારે હરિફ ટીમમાં સામેલ આંતરરાષ્ટ્રીય દિગ્ગજોને હંફાવ્યા છે, તે દર્શાવે છે કે, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સક્ષમ હાથોમાં સુરક્ષિત છે.


