Get The App

જસ્મિતનું ગુટલી મિશન .

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
જસ્મિતનું ગુટલી મિશન                                 . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- 'જો તમે કેરીને, પર્યાવરણને અને દેશને પ્રેમ કરતા હો તો વન ગોટલી, વન સીડ, વન ઍક્શન સાથે જોડાઓ. તે ઘણું બધું બદલી નાખશે.'

ઉ નાળામાં ફળોના રાજા કેરીનું આગમન થાય છે. લોકો એક બાજુ ગરમીની અકળામણ તો બીજી બાજુ કેરી ખાવાનો આનંદ અનુભવે છે, પરંતુ કૉલકાતાના જસ્મિત સિંઘ અરોરાને કેરી કરતાં વધુ રસ તેની ગોટલીમાં છે. જસ્મિત ઉનાળાની બપોરે પણ પડોશીઓ કે તેમની ઑફિસમાં સાથે કામ કરતાં લોકો પાસેથી ગોટલી લઈને, પેપર બેગમાં નાખીને તેમની સાંકડી ગલીમાં ચાલતા જતા જોવા મળે, કારણ કે તેમને દરેક ગોટલીમાં રહેલું એક આંબાનું વૃક્ષ દેખાય છે. તેઓ માને છે કે ભારતના શહેરી અને ગ્રામીણ સમુદાયને જોડવો હોય, જૈવવિવિધતામાં વૃદ્ધિ કરવી હોય અને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા હોય, તો આ બધું જ કેરીની ગોટલી દ્વારા થઈ શકશે. ૫૩ વર્ષના જસ્મિત સિંહ અરોરા કહે છે કે, 'હું નથી ખેડૂત કે નથી વનસ્પતિશાસ્ત્રી, પરંતુ મને કેરી પ્રત્યે પ્રેમ છે અને હું માનું છું કે કેરીના બીજથી પરિવર્તન લાવી શકાશે. દરેક ગોટલી વૃક્ષમાં પરિવર્તિત થાય તો તે ફળ આપશે.'

જસ્મિત અરોરા જ્યારે આંબાનું વૃક્ષ કપાતાં જુએ છે, ત્યારે એમને અત્યંત દુ:ખ થાય છે. તેઓ કહે છે કે આ માત્ર ઈકોલોજિકલ સમસ્યા નથી, પરંતુ માનવજીવનને પણ આ સમસ્યા સ્પર્શે છે. આપણા બાળકો, ખેડૂતો અને આપણા ભવિષ્યને અસર કરનારી બાબત છે. પોતાને સામાજિક આંત્રપ્રેન્યોર ગણાવતા જસ્મિત અરોરાએ તેમનું 'ગુટલી મિશન' ૨૦૧૭-૨૦૧૮માં શરૂ કર્યું. તેમણે બાળકોને પર્યાવરણ સાથે જોડયાં. તેમણે જોયું કે બાળકો તેમના માતા-પિતા અને શિક્ષકોને જ તેમના જીવનના મહત્ત્વના પાયા સમાન માને છે. ખેડૂતો જે અનાજ ઊગાડે છે અને તેમને ભોજન પૂરું પાડે છે તેના તરફ તેમની દ્રષ્ટિ જ હોતી નથી.  તેઓ કહે છે કે રાસાયણિક ખાતરોથી લેવાતા પાકને કારણે જમીનની ફળદ્રૂપતા ઘટી રહી છે. આવા સમયે આંબાનાં વૃક્ષોનું વાવેતર વધારવું જોઈએ, જેથી જમીન જીવજંતુ અને કીટકોથી ફળદ્રૂપ બને, પક્ષીઓ માળા બાંધે, તેનું થડ કાર્બનને શોષી લે, કેરી મળે અને ભવિષ્યમાં તેનાં લાકડાંનો ઉપયોગ થાય. 

૨૦૨૧-૨૨થી તેમણે પોતાના અભિયાનમાં દરેક વ્યક્તિને જોડવાનું નક્કી કર્યું અને ૨૦૨૩ના મે મહિનામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો, જેમાં તેમણે ખેડૂતોની સમસ્યા અને પર્યાવરણના પ્રશ્નોની વાત મૂકી અને દરેકને એક ગોટલી મોકલવાનું કહ્યું. કોઈએ પૂછયું કે એક ગોટલીથી શું થશે? ત્યારે તેમણે સમગ્ર દેશમાંથી કઈ રીતે લોકો જોડાતા ગયા છે તે દર્શાવ્યું. તેમણે લોકોને જણાવ્યું કે કેરી ખાવાનો આનંદ માણ્યા પછી ગોટલીને જાળવો. તેને માટે કેરીની ગોટલીને એકદમ સાફ કરવી, જેથી તેના પર ફૂગ ન લાગે. તે પછી તડકામાં સૂકવવી ત્યારબાદ પેપર કે કાર્ડબોર્ડમાં તેનું પેકિંગ કરીને જસ્મિત અરોરાને મોકલવી. આનાથી શહેરીજનો ખેડૂત સાથે જોડાશે. જસ્મિત અરોરાને તેમના આ ગોટલી અભિયાનમાં ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો. જસ્મિત અરોરાએ ગોટલી કેવી રીતે મોકલવી તેની પ્રક્રિયા દર્શાવ્યા છતાં ઘણા લોકોએ ભીની અને સૂકી ગોટલી સાથે મોકલી તો કેટલાકે પ્લાસ્ટિક બેગમાં મોકલી, જેથી તે નકામી થઈ ગઈ, પરંતુ ધીમે ધીમે સમજાતું ગયું તેમ તેમ વ્યક્તિગત રીતે, વિદ્યાર્થીઓએ, હાઉસિંગ સોસાયટીઓ, કોર્પોરેશન, સ્કૂલોએ, સેનાના જવાનોએ ગોટલીઓ મોકલી. ગુજરાતની એક મહિલાએ દસ દિવસમાં આઠ હજાર ગોટલીઓ મોકલી. કુરિયર સ્ટાફને પણ આનંદ અને આશ્ચર્ય થયું કે આટલી બધી ગોટલી કૉલકાતા પહોંચાડવાની છે!

જસ્મિત અરોરાનું કહેવું છે કે આટલી બધી ગોટલીમાંથી બહુ ઓછી ગોટલી અંકુરિત થાય છે. જો કેરીને કાર્બાઈડથી પકવી હોય તો તે ગોટલી જલદી અંકુરિત થતી નથી, પરંતુ સામાન્ય રીતે દસ ટકા ગોટલી અંકુરિત થાય છે. અંકુરિત થયેલી ગોટલીની સંભાળ લેવામાં આવે છે અને ત્યારબાદ કલમ બનાવીને તેને રોપવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલી કલમો પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ખેડૂતોને આપવામાં આવે છે. તેમને ઓર્ગેનિક ખાતર, વર્મીકમ્પોસ્ટ અને યોગ્ય કાળજી લેવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કલમ આપ્યા પછી જસ્મિત અરોરા તેની સંપૂર્ણ જવાબદારી ખેડૂતોને જ સોંપી દે છે, જેથી તેઓ તેને કાળજીથી ઉછેરે. આ રીતે કરવામાં છોડની મુરઝાઈ જવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. ૨૦૨૨ સુધીમાં તેમણે ખેડૂતોને ૨૧ લાખ ગોટલી અને આઠ લાખ કલમો આપ્યાં છે. તેનાથી પાંચ હજાર કુટુંબો લાભાન્વિત થયા છે. અત્યારે તેઓ સુંદરબન, બાંકુરા, પુરુલિયા અને ઝારખંડના કેટલાક ભાગોમાં કામ કરી રહ્યા છે, પરંતુ તેમની દ્રષ્ટિ સમગ્ર ભારત પર છે. તેમનું માનવું છે કે જો દરેક ભારતીય એક બીજ મોકલે તો એક જ સીઝનમાં વીસ કરોડ વૃક્ષ વાવી શકાય. જો નાગરિકો ગોટલી ન મોકલે તો તેઓ એકલા શું કરી શકે? તેઓ નાગરિકોને 'ગ્રીન શપથ' લેવડાવીને ગ્રીન સહયોગીમાં સામેલ કરે છે. 'ટ્રી કા લંગૂર' હેઠળ છોડનું વિતરણ કરે છે. તેઓ કહે છે કે, 'જો તમે કેરીને, પર્યાવરણને અને દેશને પ્રેમ કરતા હો તો વન ગોટલી, વન સીડ, વન ઍક્શન સાથે જોડાઓ. તે ઘણું બધું બદલી નાખશે.'

ઝુનબાલાનું સરસ્વતી-ગ્રુપ

'આર્થિક સદ્ધરતા તમને સન્માન અને આત્મગૌરવ અપાવે છે જે સખત પુરુષાર્થથી મેં મેળવ્યા છે.'

જી વનમાં ગમે તેટલા વિપરીત સંજોગો વચ્ચે પણ વ્યક્તિ હિંમત હાર્યા વિના મક્કમ રીતે તેેનો સામનો કરે તો સફળતા મળ્યા વિના રહેતી નથી. તેનું ઉદાહરણ છે ઝુનબાલા. ઓડિશાના જાજપુર જિલ્લામાં કચેરી ગામમાં ઝુનબાલા મલિકનો જન્મ થયો. પિતા ખેતમજૂર હતા, તેથી હંમેશાં આર્થિક મુશ્કેલી રહેતી. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ઝુનબાલાને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, પરંતુ માતા બીમાર પડતાં તેમને ઓપરેશન કરાવવું પડે તેમ હોવાથી પાંચમા ધોરણ પછી ઝુનબાલાનો અભ્યાસ છૂટી ગયો. એટલી નાની ઉંમરે તે પોતાના પિતા સાથે ખેતરમાં કામ કરવા જતી હતી. આજે ૩૧ વર્ષની ઝુનબાલા મલિક એ દિવસોને યાદ કરતાં કહે છે કે તે સમયે એક દિવસ ભોજન મળતું અને એક દિવસ ભૂખ્યા પેટે સૂવું પડતું.

ઝુનબાલા અઢાર વર્ષની થતાં તેના લગ્ન કરવામાં આવ્યા. સુખી થવાના સ્વપ્નાં સાથે સાસરે આવેલી ઝુનબાલાના ભાગ્યમાં સુખ લખાયેલું નહોતું. પિયરમાં ગરીબાઈ હતી, પણ અન્ય કોઈ પરેશાની નહોતી. જ્યારે અહીં તો પતિ આખો દિવસ દારુ પીને સૂઈ રહેતો. લગ્ન પહેલાં તેના નામની પણ ખબર નહોતી, ત્યાં તેમની ટેવની તો ક્યાંથી ખબર હોય? દારુ પીને ઝુનબાલાને મારતો. ઝુનબાલાના સાસુ, સસરા અને નણંદ બધા તેને માર મારતા હતા. આ અંગે તે પતિને ફરિયાદ કરતી તો તે કંઈ સાંભળતો નહીં. તેને સાથ આપવાને બદલે ગમે તેવા અપશબ્દો બોલતો, કારણમાં ઊંડે ઉતરતા ખબર પડી કે લગ્ન સમયે તેઓએ દહેજમાં વીસ હજાર રૂપિયા આપવાની માગણી કરી હતી તેને બદલે ઝુનબાલાના પિતાએ પંદર હજાર રૂપિયા આપ્યા હતા. દહેજ વિરોધી કાયદો ૧૯૬૧માં પસાર થયો હોવા છતાં આજે ભારતમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે ૨૦૨૧માં સાડા છ હજારથી વધારે સ્ત્રીઓનાં મૃત્યુ દહેજને કારણે થયા છે.

ત્રણ મહિનાના લગ્નજીવન પછી ઝુનબાલાએ હિંમત કરીને મનથી નક્કી કરી નાખ્યું કે, 'આવા આદમી માટે હું શા માટે મારી જિંદગી બરબાદ કરું?' થોડા દિવસ પિયર રહેવા જવાનું કહીને ત્યાંથી નીકળી પછી ક્યારેય સાસરે ગઈ નહીં. બે-ત્રણ મહિને ઝુનબાલાના સાસરિયા તેને લેવા આવ્યા. માતા-પિતાએ પણ સાસરે જવાની શીખામણ આપી, પરંતુ તેણે દ્રઢતાપૂર્વક જણાવ્યું કે તે સ્વતંત્ર રહેશે, પણ તે નરકમાં નહીં જાય. નાના ગામમાં આવો નિર્ણય લઈને રહેવું મુશ્કેલ હતું. લોકોએ અને સગાંવહાલાંએ તેની સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કર્યો, પરંતુ ઝુનબાલા પોતાના નિર્ણયને વળગી રહી. તે ખેતરોમાં કામ કરવા લાગી અને કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરવા લાગી. એણે પોતાના નાના ભાઈ-બહેનને ભણાવ્યા. ભાઈ ફીટર તરીકે કામ કરીને સારી કમાણી કરતો હતો, પરંતુ સ્થાનિક ઝગડામાં તેનું ખૂન થઈ ગયું. ભાઈના મૃત્યુ પછી પરિવારની સમગ્ર જવાબદારી ઝુનબાલા પર આવી પડી.

૨૦૧૮માં તે સરસ્વતી નામના સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં સભ્ય બની. આદિવાસી મહિલાઓની મહિનામાં બે વખત મિટિંગ થતી અને તેમાં આવક કેવી રીતે વધારવી તેની ચર્ચા થતી. ઝુનબાલા હવે મિટિંગનું સંચાલન કરવા લાગી. કોઈ પણ નિર્ણય તેને પૂછયા વિના લેવાતો નહીં. ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં હેબિટાટ ફૉર હ્યુમેનિટી ઇન્ડિયા નામના સંગઠને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક સાથે મળીને સેલ્ફ હેલ્પ ગ્રૂપના સભ્યોને તેમણે ઋતુ પ્રમાણેના શાકભાજી અને ફળ જેવાં કે કેળાં, ટમેટાં, રીંગણા અને કોલીફ્લાવર ઉગાડતા શીખવ્યું. આ ઉપરાંત તેઓ કેળના પાનમાંથી પ્લેટ બનાવવી કે હાથપંખો બનાવતા પણ શીખવ્યું, જેનાથી તેમની આવકમાં વધારો થાય.

આ શીખ્યા પછી ઝુનબાલાનો આત્મવિશ્વાસ વધ્યો. આઠ મહિનામાં દસ મહિલાઓએ દોઢ લાખ રૂપિયાની કમાણી કરી. આજે ઝુનબાલા પાંચસો વાર જમીન પર શાકભાજી ઉગાડે છે. ચોમાસામાં સમગ્ર ગામમાં પૂર આવવાથી નુકસાન થાય છે, પણ અનુભવે કઈ ઋતુમાં શેનો પાક લેવો તે હવે મહિલાઓ શીખી ગઈ છે. ઝુનબાલાને ઓડીશા સરકાર તરફથી મધુબાબુ પેન્શન યોજના અંતર્ગત પેન્શન મળે છે અને બીપીએલ અંતર્ગત મહિને રાશન પણ મળે. તેણે એની બહેનના સંસ્કારી કુટુંબમાં લગ્ન પણ કરાવી આપ્યા છે. ઘરના ખર્ચ સાથે તે બીમાર પિતાની સેવા કરે છે. તે હવે પોતાના જીર્ણશીર્ણ થઈ ગયેલા ઘરને રીપેર કરાવવા માગે છે. પિતાને હૃદયની બીમારી હોવાથી મહિને ત્રણ હજાર રૂપિયા દવાના થાય છે તે ખર્ચ પણ તે ઉપાડે છે અને પિતાની સર્જરી માટે બચત કરે છે. આજે ઝુનબાલા તેમની કોમ્યુનિટીમાં અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરનાર ઝુનબાલા પોતાની શક્તિ, ખંત અને કોઠાસૂઝથી મહિલાઓના આથક અને સામાજિક વિકાસ માટે કાર્યરત છે. તે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર થવાની પ્રેરણા આપે છે અને કહે છે કે, 'આર્થિક સદ્ધરતા તમને સન્માન અને આત્મગૌરવ અપાવે છે જે સખત પુરુષાર્થથી મેં મેળવ્યા છે.'