- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- માયિક સુખ ઇન્દ્રિયસંલગ્ન છે. એમાં ઇન્દ્રિયોને આનંદ આવતો હોય છે, પરંતુ એ આનંદ અંતે તો દુ:ખમાં પરિણમતો હોય છે. વ્યક્તિની સુખની કલ્પના જ ઇંન્દ્રિયબદ્ધ છે, જ્યારે સાચું સુખ તો ઇન્દ્રિયાતીત છે
- શ્રીમદ્ રાજચંદ્રે સાચા સુખની જગતને જિકર કરી અને કહ્યું કે, બહાર શોધવાથી આ સુખ નહીં મળે. એ સુખ તો અંતરમાં રહેલું છે
આ યુગને આગવું અધ્યાત્મદર્શન આપનાર શ્રીમદ્ રાજચંદ્રજીએ જીવનમાં સુખની વિવેચના કરી છે. તેઓ કહે છે કે, 'એક તો એવી વ્યક્તિ હોય છે કે જે જીવન વિશે નિંદ્રાધીન કે અ-ભાન હોય. બીજી વ્યક્તિ એવી હોય છે કે જે કામના સુખ, કષાય સુખ, પરિગ્રહ સુખ અને અહંકાર સુખની પાછળ દોટ લગાવે છે.' તો પછી સુખ છે શું ?
અયોધ્યાના રાજમહેલ પર ઝળહળી રહેલા દીવાઓ મંથરાના હૃદયને દઝાડતા હતા. મંથરાના આ દ્વેષમાં કૈકેયીનો ક્રોધ અને દશરથનો કામ ભેગા થતાં કષાયોની કેવી રામાયણ સર્જાઈ. આથી આગમ ગ્રંથ શ્રી દશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યાયની ચોત્રીસમી ગાથામાં માનવીને આની સામે જાગ્રત થવા કાજે કહ્યું છે,
अधुवं जीवियं नच्चा सिद्धिमग्गं वियाणिया ।
विणियट्टेज भोगेसु आउं परिमियमप्पणो ।।
(જીવન ક્ષણભંગુર છે. પોતાનું આયુષ્ય પરિમિત છે, એવું સમજીને તથા સિદ્ધિમાર્ગને જાણીને ભોગોથી નિવૃત્ત થઈ જા !)
આ જ આગમવાણીનો જાણે પ્રતિઘોષ હોય તેમ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે: ''માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડયા વિના છૂટકો થવો નથી, તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.''
માયિક સુખમાં ડૂબી જનાર એને જ સુખ-સર્વસ્વ માને છે. એમાં અનુકૂળતા થાય તો એ ખુશખુશાલ થઈ જાય છે અને પ્રતિકૂળતા સર્જાય તો પારાવાર દુ:ખ અનુભવે છે. એના જીવનનાં સુખ અને દુ:ખનો આધાર મિથ્યા બાબતો પ૨ ૨હે છે. એ જેને સુખ માને છે એ હકીકતે દુ:ખ હોય છે. કોઈ વ્યક્તિને સ્વાદિષ્ટ વાનગીઓ અતિ પ્રિય હોય અને તેના ભોજનમાં એને સુખ લાગે, તો એ ભોજન વધુ ખાવાથી અંતે દુ:ખનું કારણ બને છે. વ્યક્તિ પોતાની ઇંદ્રિયોની તૃપ્તિ માટે દોટ લગાવે છે, પણ ઇન્દ્રિયો કદી તૃપ્ત થતી નહીં હોવાથી એ સતત દુ:ખ પામતો રહે છે. એની કષાય-સુખની શોધ એના જીવનના દુ:ખનું કારણ બનશે. જગત જેને સુખ માને છે તે તો માયિક સુખ છે અને એથી જ શ્રીમદ્ રાજચંદ્રે ખૂબ માર્મિક રીતે કહ્યું છે:
''વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત, તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષસ્થાન ઊર્ધ્વલોકમાં હોત નહીં, પણ આ જગત જ મોક્ષ હોત.''
માનવી બાહ્ય જગતમાં જે ત્રીજું સુખ શોધે છે તે પરિગ્રહ સુખ છે. બાળકને એનું રમકડું વહાલું હોય છે અને પોતાનું ૨મકડું કોઈ લઈ લે તો તે રડવા લાગે છે. બાળપણથી જ વ્યક્તિમાં પોતાની વસ્તુઓ માટેનું મમત્વ પેદા થતું હોય છે અને કેટલીક વ્યક્તિમાં જીવનના અંત સુધી ટકે છે. પરિગ્રહ ધરાવનાર વ્યક્તિ સતત એની વૃદ્ધિ પાછળ દોટ મૂકતો રહે છે. એની જીવનની જરૂરિયાતો તો સાવ થોડી હોય છે, પરંતુ પરિગ્રહ એના આખાય જીવનને ચીજવસ્તુઓથી ઢાંકી દે છે. પરિગ્રહપ્રિય વ્યક્તિ વધુ ને વધુ સ્વાર્થી બનતી જાય છે. એ પરિગ્રહ માટે કોઈ પણ પ્રકારની પાપપ્રવૃત્તિ કરતાં ખચકાતો નથી. જેમ જેમ એનો પરિગ્રહ વધતો જાય છે, તેમ તેમ એની ત્યાગ- વૃત્તિ ક્ષીણ થતી જાય છે. ઘણી વ્યક્તિ અહંકાર-સુખ પામવા તરફડાટ કરતી હોય છે. ત્યાગનો પણ અહંકાર જોવા મળે છે. આ અહંકાર અત્યંત સૂક્ષ્મ રૂપે પ્રગટે છે. ધનનો અહંકાર હોય તો વ્યક્તિ પોતાની સંપત્તિની વાતો કર્યા કરશે અને ત્યાગનો અહંકાર હોય તો કોઈ પૂછે કે ન પૂછે, પણ પોતાનાં વ્રત-તપની વાત રટયા કરશે.
એક વખત શ્રીમદ્ રાજચંદ્ર માણેકલાલ ઘેલાભાઈ, ત્રિભુવનભાઈ વગેરે સાથે કોઈને ત્યાં ભોજન અર્થે ગયા હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. માણેકલાલભાઈએ તિથિનું કારણ બતાવીને શાક લેવાની ના પાડી. એ પછી રાયતું પીરસવામાં આવ્યું, તો માણેકલાલભાઈએ એની પણ ના પાડી, કારણ કે એ દ્વિદળ કહેવાય. ત્યારબાદ નાની-મોટી વાનગીઓ પીરસવામાં આવી. માણેકલાલભાઈએ એમાંથી કેટલીક વાનગીઓ લીધી અને કેટલીક તિથિ હોવાથી લેવાની સ્પષ્ટ ના પાડી.
છેવટે દૂધપાક પીરસવાનું શરૂ થયું. માણેકલાલભાઈની થાળીમાં દૂધપાક પીરસાતો જોઈને શ્રીમદ્ રાજચંદ્ર બોલી ઊઠયા, ''એમને દૂધપાક પીરસવાનું રહેવા દો. એમણે નાની નાની વસ્તુઓ ત્યાગીને પોતાની મહત્તા વધારી છે અને ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી.''
રસલોલુપતા રાખીને ત્યાગનો આડંબર કરવામાં આવે તે દંભ શ્રીમદ્ રાજચંદ્ર કઈ રીતે ચલાવી લે ? એટલે જ એમણે માણેકલાલભાઈની થાળીમાં દૂધપાક પીરસવામાં આવતો હતો, ત્યારે એને અટકાવ્યો અને રસલોલુપતા વિશે વાત કરી.
સંસાર જેને સુખ માને છે તે તો મહાતાપ, અનંત શોક અને અનંત ભય સર્જનારા છે. કષાય અને કામના સતત સંતાપે છે. એનાથી જીવન આખું દુ:ખ અને શોકમય બને છે. પરિગ્રહ સતત ભય આપે છે અને તેથી શ્રીમદ્ કહે છે કે, ''વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે, વા નથી જ.'' એમના 'વા નથી જ' એ ત્રણ શબ્દો દર્શાવે છે કે આમાં કોઈ પણ પ્રકારનું સુખ નથી એ વાત ચોક્કસ છે. તેઓ તો સદાય એ આશ્ચર્ય અનુભવતા હતા કે અનિત્ય, અસાર અને અશરણરૂપ બાબતોનું માનવીને કેમ આકર્ષણ હોય છે ?
માયિક સુખ ઇન્દ્રિયસંલગ્ન છે. એમાં ઇન્દ્રિયોને આનંદ આવતો હોય છે, પરંતુ એ આનંદ અંતે તો દુ:ખમાં પરિણમતો હોય છે. વ્યક્તિની સુખની કલ્પના જ ઇંન્દ્રિયબદ્ધ છે, જ્યારે સાચું સુખ તો ઇન્દ્રિયાતીત છે. આથી ભર્તૃહરિના ઉપદેશ વિશે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, ''સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી, તેનો ત્યાગ કરીને, યોગમાં ૫૨માનંદ માની સત્ય મનોવીરતાથી, અન્ય પામર આત્માઓને ભર્તુહરી ઉપદેશે કે, ભોગમાં રોગનો ભય છે, કુલને પડવાનો ભય છે, લક્ષ્મીમાં રાજાનો ભય છે, મનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે. શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખલનો ભય છે અને કાયા પર કાળનો ભય છે, એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે.''
એક વાર શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈના નિવાસસ્થાન દરમિયાન ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં સ્મશાનભૂમિ આવી. શ્રીમદ્ રાજચંદ્રે પોતાની સાથે ફ૨વા આવેલા સજ્જનને પૂછયું, ''ભાઈ, આ શું છે ?''
પેલા સજ્જને સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો, ''આ તો સ્મશાનભૂમિ છે.'' આ સાંભળી શ્રીમદ્ રાજચંદ્રે માર્મિક વચનો કહ્યાં, ''અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ.''
આમ વીતરાગી શ્રીમદ્ રાજચંદ્રને જગતનું અણુ માત્ર પણ ગમવાપણું નહોતું. સામાન્ય માનવીને મુંબઈ નગરી મોહમયી લાગતી હતી, જ્યારે શ્રીમદ્ રાજચંદ્રને એ નગરી અમોહ સ્વરૂપે ભાસતી હતી.
આનો અર્થ જ એ કે માયિક સુખ માણનારને જે વસ્તુ, વ્યક્તિ કે ઘટનામાં ઉત્સાહપૂર્વક રસ પડે છે, તેના પ્રત્યે આંતરિક સુખનો શોધક ઉદાસીન હોય છે. શ્રીમદ્ રાજચંદ્રની નિવૃત્તિક્ષેત્રમાં સંભાળ લેતા મુમુક્ષુ મોતીલાલ ભાવસારને શ્રીમદ્ રાજચંદ્રને જોઈને સતત એ પ્રશ્ન જાગતો કે અન્ન અને શરીરને કેટલો સંબંધ છે ? આનું કારણ એ કે શ્રીમદ્ માત્ર એક જ વખત આહાર લેતા અને આહારમાં પૂરી જેવી નાની અને પાતળી બે રોટલી હોય. સાથે બે રૂપિયા ભારના ભાત લેતા. વળી ભોજન અંગે કોઈ સૂચના આપતા નહીં. ભોજનમાં જે આપવામાં આવે, તે જ લેતા, પરંતુ ભોજન કયા પ્રકારનું બનાવવું એ વિશે કશું સૂચન કરતા નહીં.
આવા શ્રીમદ્ રાજચંદ્રે સાચા સુખની જગતને જિકર કરી અને કહ્યું કે, બહાર શોધવાથી આ સુખ નહીં મળે. એ સુખ તો અંતરમાં રહેલું છે. નિમિત્તાધીન વૃત્તિ માનવીના મનને એમાંથી ચલિત કરવા વારંવાર પ્રયત્ન ક૨શે, પરંતુ એણે મનને દ્રઢ રાખીને અંતરના સુખને પામવા માટે સમશ્રેણીમાં રહેવું પડશે. જીવનમાં સુખની પરાકાષ્ઠા તો અંત૨ની સમશ્રેણીમાંથી જ પ્રાપ્ત થશે.


