Get The App

કલા એટલે રાખને ભસ્મ બનાવી નાખવાની ઉપાસના

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
કલા એટલે રાખને ભસ્મ બનાવી નાખવાની ઉપાસના 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

વૃધ્ધો યુદ્ધ જાહેર કરે છે. પણ યુવાનો તે લડે છે-મરે છે 

- હાર્બટ હુવર

છે લ્લા બે મહિના, વોલ્ટ ડિઝનીના ફિલ્મો જોવાની ઉંમરના બાળકોએ ટીવી પર યુદ્ધની વિભિષીકા જોઈ. તેમાં માનવ્યની બાદબાકી અને માનવીની ખુવારી જોઈ. આ યુધ્ધો અને તેના સ્મરણો શ્રાપ અને બોજ છે, વિવશતા અને વિષાદ છે. આ સ્મરણો કાળાધબ્બ છે, જે સંવેદનાને બધિર અને જીવનને રુંધનારા હોય છે. બધા યુધ્ધો એક જ વસ્તુ આપે છે-પાઠ. આ પાઠનું સ્મરણ અનિવાર્ય છે. જે વ્યક્તિ, પ્રજા, રાષ્ટ્ર તેને ફાળે આવેલ ઘાવને-પાઠને ભૂલી જાય છે તેણે તે ફરી ઝીલવાના અને જીવવાના છે. આ યુદ્ધોની પાશવતા અને વિષાદના પાઠોનું દરેક પેઢીએ હસ્તાંતરણ કરવાનું છે. માનવ સભ્યતાની આ ક્યારેય ખત્મ ન થતી એવી આ  રેલે-રેસ છે. એક-બીજાને જ્યોત આપવી કે અંધકાર એ દોડવીરની પસંદગી છે. બાકી યુધ્ધો સાદો વર્તમાનકાળ છે-નથી ભૂતકાળ કે નથી ભવિષ્યકાળ.  ગઈકાલમાંથી આજ અને આપણી આજમાંથી કોઈની આવતીકાલ પ્રગટવાની છે.

કલાકાર બન્નેમાં જીવે છેત પળ અને સ્થળમાં, ઇતિહાસ અને ભૂગોળમાં. તે સંવેદનશીલ વ્યક્તિ તરીકે બધંુ સહે છે, ઝિલે છે. તે બધું સાંભળે છે અને પડઘો પાડે   છે, તે બધું નિરખે છે અને પ્રતીબિંબે છે. આવા અર્થોમાં તેની દરેક કૃતિ : વિચાર અને વ્યાખ્યા છે, અભિપ્રાય અને અવાજ છે, સંદેહ  અને સમાધાન છે. ટૂંકમાં દરેક કૃતિ, કલાકારે સારવેલી જીવન વ્યાખ્યા છે. આવો, આપણે એક કલાકાર અને તેની કૃતિને મળીએ. ડોરીસ સાલ્સેદો એક કોલંબીઅન શિલ્પકાર અને વિઝયુઅલ આર્ટિસ્ટ છે. તેના વિષયો છે; આઘાત, પીડા, ખોટ, હાર વગેરે. તેને અવ્યક્તને વાચા આપવી, ખંડિતને સારવાર આપવી ગમે છે. તે અવ્યક્તને વ્યક્ત નથી કરતી પણ ચિંધે છે. જે અત્યારે અહીં નથી તેને તે ઈંગિત  કરી સ્મરણ કરાવે છે. તે કશું સમજાવતી નથી પણ કશુંક અનાવૃત કરે છે, તેની માતૃભૂમિ કોલંબીઆનો રાજકીય ઇતિહાસ ભારે લોહિયાળ છે. છેલ્લા પચાસ વરસની   સીવીલ વોરમાં  બે હજારથી વધુ લોકો મૃત્યુ પામેલા. તેમને અંજલી દેવા અને સ્મરણમાં રાખવા તેણે એક અઅન્ય કૃતિ રચી. કારણકે ગઈકાલની સ્મૃતિ આજનો આપણો પાઠ છે. તેથી તેણે કોલંબીઆની રાજધાની બોગોટાના 'પ્લાઝા દ બોલીવાર' ઉપર સૌની ભાગીદારી થકી ૭૦૦૦ મીટર શ્વેત વસ્ત્ર પાથર્યું. ત્યાં રાખ પર બે હજાર યુદ્ધ મૃતકોના નામો  લખ્યા, સાલ હતી ૨૦૧૬. કૃતિને નામ આપ્યું 'સુમાન્દો ઓસેન્સીઆસ' અર્થાત્ અનુપસ્થિત કે ગેરહાજરનો સરવાળો. તાજો  કે ખુલ્લો ઘાવ નિરંતર જીવતો રહે છે. આ છે તેની કલા અને કૃતિ, જેમાં તેણે મૃતને અ-મૃત બનાવી નાખ્યું અને મૃત્યુને જીવંત રાખ્યું. કલા એટલે રાખને ભસ્મ બનાવી નાખવાની ઉપાસના. અત્યારે ડોરીશ સાલસેદો અડસઠ વરસના થયા. શ્વેત વસ્ત્રમાં લસરકો કરીએ કે શ્વેત પત્રમાં અક્ષર પાડીએ તે નાશવંતતા સામેનો વિદ્રોહ છે. જીવન અને કલા એકમેકનું પ્રતિબિંબ છે. અદ્દભુત શાયર સાહિર લુધિયાનવી કહે છે 

હમ ગમ-જદા હૈ લાયે કહાં સે ખુશી કે ગીત, 

દેંગે વહી જો પાયેંગે ઇસ જિન્દગી સે હમ.